મુંબઈના હીરાબજારની જેમ હવે મહારાષ્ટ્રની અમૂલ ગણાતી ‘મહાનંદ ડેરી’નો વહીવટ પણ ગુજરાત આવશે?

મહાનંદ અમૂલ ડેરી ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી મરાઠી
    • પદ, .

મહારાષ્ટ્રની રાજ્ય સરકારે ‘મહાનંદ- મહારાષ્ટ્ર રાજ્ય સહકારી દૂધ મહાસંઘ’નું વ્યવસ્થાપન ગુજરાત સ્થિત નેશનલ ડેરી ડૅવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ને સોંપવાનો નિર્ણય કર્યો છે.

માર્ચ 2023માં મહારાષ્ટ્રના ડેરી વિકાસ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે આ જાહેરાત કરી હતી.

એવું કહેવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં સહકારી દૂધ ઉત્પાદક સંઘોની ટોચની સંસ્થા ‘મહાનંદ’ આર્થિક અગવડો ભોગવી રહી છે અને તેણે જ રાજ્ય સરકારને તેનું પ્રબંધન એનડીડીબીને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

હાલમાં જ મહારાષ્ટ્રથી હીરા ઉદ્યોગ ગુજરાતના સુરતમાં સ્થળાંતરિત થઈ રહ્યો હોવાના અહેવાલો વહેતા થયા હતા. અનેક હીરા વેપારીઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ તેમનો ધંધો સુરત ખસેડી રહ્યા છે.

આમ, ઉદ્યોગોને મહારાષ્ટ્રથી ગુજરાતમાં લઈ જવાને લઈને પહેલેથી જ મહારાષ્ટ્ર સરકારની ટીકા થઈ રહી હતી. એવામાં મહાનંદ ડેરીનું વ્યવસ્થાપન એનડીડીબીને સોંપાતા ફરી એકવાર મહારાષ્ટ્રના વિપક્ષી દળોએ એકનાથ શિંદેની આગેવાનીવાળી ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

મહાનંદ ડેરી મહારાષ્ટ્રની સૌથી મોટી સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા છે.

સરકારે પુન:વિચાર કરવો જોઈએ

મહાનંદ અમૂલ ડેરી ઉદ્યોગ

ઇમેજ સ્રોત, NDDB/FB/MAHANANDA MILK

મહાનંદનું સંચાલન એનડીડીબીને સોંપવાના પ્રસ્તાવનો વિરોધ કરતાં અખિલ ભારતીય કિસાન મહાસભાના મહામંત્રી ડૉ. અજિત નવલેએ કહ્યું હતું કે,

“જ્યારે મહારાષ્ટ્રના મોટાભાગના ઉદ્યોગો રાજ્યની બહાર જઈ રહ્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ડેરી ઉદ્યોગને રાજ્યની બહાર અને ખાસ કરીને ગુજરાતમાં લઈ જવા માટેનો આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે સહકારી ક્ષેત્રની સદંતર અવગણના કરી છે. સરકારે ડેરી ખેડૂતોને લગભગ નિરાધાર છોડી દીધા છે.”

“વિધાનસભામાં સરકારે દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધી તેમને સબસીડી આપવામાં આવી નથી.”

ડૉ. નવલેએ કહ્યું હતું કે, “અમારી માંગ છે કે રાજ્ય સરકાર રાજ્ય તરફથી મહાનંદ બ્રાન્ડને વિકસાવવા પ્રયાસો કરે. અમે કેન્દ્ર સરકાર મારફત ગુજરાતને આ બ્રાન્ડ આપવાના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરીએ છીએ.”

શિવસેનાએ કહ્યું, ‘અમે ચૂપ નહીં બેસીએ’

સંજય રાઉત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સંજય રાઉત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “મહારાષ્ટ્રને લૂંટીને ગુજરાતને ફરી એકવાર મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ આપવાની રમત રમાઈ રહી છે.”

તેમણે કહ્યું, “મહારાષ્ટ્ર ડેરીઉદ્યોગ અને સહકારી ક્ષેત્રે મહત્ત્વનું રાજ્ય છે. મહારાષ્ટ્રમાં ‘મહાનંદ’, ‘વરાણા’, ‘ગોકુલ’, ‘ચિતાલે’ જેવી દૂધની ઘણી બ્રાન્ડ્સ છે. મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં દૂધ ઉત્પાદનમાં દૂધની ડેરીઓનું વિશાળ નેટવર્ક છે. તેથી આ રાજ્યમાં દૂધ ઉત્પાદન માટે સાનુકૂળ વાતાવરણ ન હોય તેવું નથી.”

“કર્ણાટકમાં કેન્દ્ર સરકારે ‘નંદિની’ નામની બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ કર્યો અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પણ આ જ નંદિની બ્રાન્ડના મુદ્દે લડવામાં આવી. એ જ રીતે ‘મહાનંદા’ને પણ ગુજરાતને આપી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘મહાનંદ’ એ મહારાષ્ટ્રની ઓળખ છે. એ ઓળખ પણ હવે અદૃશ્ય થઈ રહી છે. આ રમતની પાછળ કોણ છે?"

સંજય રાઉતે આગળ કહ્યું હતું કે, “મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને બે-બે ઉપમુખ્ય મંત્રીઓને આ ગોટાળો નજરમાં આવતો નથી.”

“દરરોજ મહારાષ્ટ્રમાંથી કોઈને કોઈ વેપારી ખેંચીને તેને ગુજરાત લઈ જવામાં આવી રહ્યો છે અને તેઓ મોં પર તાળું લગાવીને બેઠા છે. આ તે કેવા મુખ્ય મંત્રી? શું તેઓ મહારાષ્ટ્રના શાસક છે? તેમની નજર સામે મહારાષ્ટ્રને લૂંટવામાં આવી રહ્યું છે. ખેડૂતો, મજૂરો, ડેરી ઉદ્યોગમાં સહકારી લોકો કે જેમનો રોજગાર ટકાઉ છે એ બધું જ ગુજરાત લઈ જવામાં આવી રહ્યું છે.”

શિંદે સરકાર પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે, “આ સરકાર દિલ્હીની થાળીની બિલાડી બનીને આ બધું સહન કરી રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ધૃતરાષ્ટ્ર બની ગઈ છે જે ખુલ્લી આંખે મહારાષ્ટ્રનું અપમાન જોઈ રહી છે. પણ મહાનંદને ઝૂંટવી લેવાની કોશિશ કરવામાં આવશે તો શિવસેના ચૂપ નહીં બેસે.”

સરકારના મંત્રીએ જ કહ્યું, “આ નિર્ણય મનને મંજૂર નથી”

‘મહાનંદ ડેરી’ વિશે વાત કરતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે કહ્યું, “મને લાગે છે કે મહાનંદ અને સરકારે જે રીતે કામ કરવું જોઈએ તેમાં ચોક્કસપણે ખામીઓ છે.”

“અમૂલનું કામ વૈશ્વિક સ્તરે અલગ રીતે આગળ વધ્યું છે. પરંતુ હજુ પણ મહાનંદમાં 'મહા' શબ્દ મહારાષ્ટ્રને સંબોધીને વપરાય છે. મને એવું પણ નથી લાગતું કે આ કામ બીજે ક્યાંય જવું જોઈએ."

‘મહાનંદ’ ની વર્તમાન સ્થિતિ શું છે?

મહાનંદ ડેરી

ઇમેજ સ્રોત, MAHANAND.IN

મહારાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગમાં વધારો કરવા માટે અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહારાષ્ટ્ર રાજ્ય દૂધ મહાસંઘની સ્થાપના 1967માં કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના તમામ દૂધ ઉત્પાદક સંગઠનોની એક વડપણવાળી સંસ્થા તરીકે તેની રચના કરવામાં આવી હતી.

મહાનંદ ડેરીની સ્થાપના 18 ઑગસ્ટ, 1983ના રોજ ખેડૂતોના સહયોગથી કરવામાં આવી હતી અને મુંબઈમાં ‘મહાનંદ’ નામે દૂધનું વેચાણ શરૂ થઈ ગયું હતું.

મહાનંદની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સંસ્થાએ તેના પ્રથમ 35 વર્ષમાં સંતોષકારક પ્રગતિ કરી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહાનંદના દૂધ વિતરણમાં મોટો ઘટાડો આવ્યો છે.

મહાનંદના પેકેટમાં દૂધનું વિતરણ ઘટીને 70 હજાર લિટર થઈ ગયું છે જે અન્ય સંસ્થાઓની સરખામણીએ ઘણું ઓછું છે. મહાનંદના પ્રોસેસિંગ પ્લાન્ટને દૂધ મળી રહ્યું નથી એટલે તેનાં યંત્રો કાટ ખાવા લાગ્યાં છે.

કર્મચારીઓને સમયસર પગાર પણ મળતો નથી. તેથી એનડીડીબીને મહાનંદને ચલાવવાની જવાબદારી આપવાની માંગણી કરવામાં આવી હતી. આ માટે રાજ્ય સરકારે પણ પહેલ કરી હતી.

કર્મચારીઓના વધતા ગુસ્સા અને વધતા જતાં નુકસાનને પહોંચી વળવાનાં પગલાં તરીકે, મહાનંદના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સે 28 ડિસેમ્બર, 2023ના રોજ મહાનંદને એનડીડીબીને સોંપવાનો ઠરાવ પસાર કર્યો હતો અને સંબંધિત દરખાસ્ત તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવી જોઈએ તેમ કહ્યું હતું. આ અંતર્ગત મહાનંદ તરફથી રાજ્ય સરકારને દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

2005માં 'મહાનંદ'નું દૂધનું કલેક્શન આશરે આઠ લાખ લિટર હતું. હાલમાં તે માત્ર 25થી 30 હજાર લિટર છે. 'મહાનંદ'નો નફો છેલ્લાં 15 વર્ષથી સતત ઘટી રહ્યો છે. નફામાં ઘટાડો થવાને કારણે તે હવે 15 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

માર્ચ 2023માં, ડેરી વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે વિધાનસભા સત્રમાં માહિતી આપી હતી કે એનડીડીબીએ એવી શરત મૂકી છે કે તે હાલમાં મહાનંદમાં કાર્યરત 940માંથી માત્ર 350 કામદારોને જ સમાવી શકે છે. આવી સ્થિતિમાં બાકીના 590 કર્મચારીઓનું ભવિષ્ય અદ્ધરતાલ છે.

એનડીડીબી શું છે?

એનડીડીબી

ઇમેજ સ્રોત, NDDB/FB

નેશનલ ડેરી ડેવલપમૅન્ટ બૉર્ડ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત સંસ્થા છે.

આ સંસ્થા ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય અંતર્ગત આવે છે. આ સંગઠનનું મુખ્ય કાર્યાલય ગુજરાતના આણંદમાં આવેલું છે. અમૂલનું મુખ્ય કાર્યાલય પણ ત્યાં જ આવેલું છે.

'ઇન્ડિયન ડેરી મશીનરી કંપની લિમિટેડ', 'મધર ડેરી' અને 'ઇન્ડિયન ઇમ્યુનોલૉજિકલ લિમિટેડ, હૈદરાબાદ' 'એનડીડીબી'ની પેટાકંપનીઓ છે.

મરાઠવાડા અને વિદર્ભમાં દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ માટે 2013માં મહારાષ્ટ્ર સરકાર અને એનડીડીબી વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

એનડીડીબીએ જણાવ્યું હતું કે આ કરારથી મરાઠવાડા અને વિદર્ભમાં 91 હજાર નાના દૂધ ઉત્પાદકોને મદદ મળી છે.

આ કરાર વિશે જણાવતાં એનડીડીબીના તત્કાલીન અધ્યક્ષ દિલીપ રથે કહ્યું હતું કે “વિદર્ભ અને મરાઠવાડા દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે, તેથી તે પ્રદેશોમાં કૃષિ સંકટ ખૂબ જ ગંભીર છે. આવા પ્રતિકૂળ વાતાવરણમાં ડેરી ફાર્મિંગને પ્રોત્સાહિત કરવાથી ખેડૂતો માટે આજીવિકા ઊભી થઈ શકે છે. તેથી, એનડીડીબીએ 'મધર ડેરી'ની મદદથી આ પ્રદેશના દૂધ ઉત્પાદક ખેડૂતોને દૂધના વાજબી ભાવ આપીને મદદ કરવાનું આયોજન કર્યું છે.”

આ પ્રૉજેક્ટ હેઠળ, 1454 દૂધ સંગ્રહ કેન્દ્રોમાંથી દરરોજ સરેરાશ 1,85,000 લિટર દૂધ મેળવવામાં આવે છે અને લગભગ 40 શહેરોમાં 2350 કરતાં વધુ દૂધ વેચાણ કેન્દ્રો પર તેને વેચવામાં આવે છે. જેમાં ઉત્પાદનો છૂટક વિક્રેતાઓને પણ પૂરા પાડવામાં આવે છે.

હાલમાં જ એનડીડીબીએ અહેવાલ આપ્યો છે કે વિદર્ભના અમરાવતી, યવતમાલ, વર્ધા, નાગપુર, ચંદ્રપુર અને બુલઢાણા તથા મરાઠવાડાના નાંદેડ, ઉસ્માનાબાદ, લાતુર અને જાલના જેવા કુલ 10 જિલ્લાઓમાં રહેતા લગભગ 2503 ડેરી ખેડૂતો પાસેથી દૂધ ખરીદવામાં આવે છે.

અમૂલનો એકાધિકાર સ્થાપવાની કોશિશ?

મહાનંદ અમૂલ ડેરી ઉદ્યોગ

ઇમેજ સ્રોત, MAHANANDA.IN

કર્ણાટક સરકારે આ જ રીતે 'નંદિની' બ્રાન્ડને વિકસાવી છે તો તમિલનાડુ સરકારે 'ઍવિન' બ્રાન્ડને વિકસાવી છે. કેરળ સરકારે આ જ રીતે 'મિલ્મા' સ્થાનિક સહકારી બ્રાન્ડ વિકસાવી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની 'અમૂલ' અને કર્ણાટકની 'નંદિની' વચ્ચે વિવાદ થયો હતો.

આ વિશે બોલતા ડૉ. અજિત નવલેએ જણાવ્યું હતું કે, " હાલના શાસકો 'એક દેશ એક બ્રાન્ડ'ની વ્યૂહરચના હેઠળ 'અમૂલ'ને સમગ્ર દેશમાં વિસ્તરણ કરવા માગે છે. તેઓ અમૂલ દ્વારા દૂધક્ષેત્રમાં એકાધિકાર બનાવવા માંગે છે. તેમની એ જ રણનીતિના ભાગરૂપે તેમણે નંદિનીને પડકારવા માટે કર્ણાટકમાં પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો.”

“પરંતુ કર્ણાટકના રાજકીય પક્ષોએ તેનો સખત વિરોધ કર્યો હતો. તમિલનાડુમાં પણ 'ઍવિન' ને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાંના મુખ્ય મંત્રીએ કેન્દ્ર સરકારને સીધો હસ્તક્ષેપ ન કરવા કહ્યું હતું. તેમની સ્થાનિક સહકારી સંસ્થાઓ અને બ્રાન્ડને બચાવવા દબાણ કરીને તેમણે અમૂલનું અતિક્રમણ અટકાવ્યું હતું.”