મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: બળવાખોરો બન્યા માથાનો દુ:ખાવો, પરિણામો પર કેવી અસર પડશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, નરેન્દ્ર મોદી, ભાજપ, કૉંગ્રેસ, શિવસેના, એનસીપી, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, વિનાયક હોગાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય તાપમાન વધી રહ્યું છે. કુલ છ મુખ્ય પક્ષો ચૂંટણીમેદાનમાં પોતાનું જોર અજમાવી રહ્યા છે.

એ સિવાય અનેક જગ્યાએ ત્રીજો મોરચો અને અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બધું મળીને જોવા જઇએ તો આ બહુરંગી મુકાબલો બની ગયો છે.

પરંતુ આ ચૂંટણીમાં સૌથી મોટી ઇંતેજારી બળવાખોર ઉમેદવારોને લઇને જોવા મળી રહી છે. બળવાખોરોની સંખ્યા વધવાથી પક્ષો તરફથી મેદાનમાં ઉતરેલા અધિકૃત ઉમેદવારોની મુશ્કેલી વધી રહી છે.

શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના બંને જૂથો, બે રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસ, બે સ્થાનિક પક્ષો વંચિત બહુજન અઘાડી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધિકૃત ઉમેદવારોને બળવાખોર ઉમેદવારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉમેદવારીપત્ર દાખલ કરવાના છેલ્લા દિવસ સુધી રાજકીય પક્ષો તરફથી અધિકૃત ઉમેદવારોની જાહેરાત ન થતાં પણ અનેક જગ્યાએ બળવાખોરીના સૂર સંભળાયા છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

આવા ઉમેદવારોમાં મુંબઈથી ભાજપના પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી જેવા નેતાઓ પણ સામેલ છે.

બળવાખોર ઉમેદવારોનો આત્મવિશ્વાસ એટલે પણ ઊંચો છે કારણ કે તેમના કારણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પણ બદલાઈ શકે છે અને તેઓ ફરી એકવાર મહાવિકાસ અઘાડી અથવા તો મહાયુતિને બહુમતી મેળવતા રોકી શકે છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 1995ની ચૂંટણીમાં પણ એવી સ્થિતિ જોવા મળી હતી કે જ્યાં 40 ટકાથી વધુ અપક્ષો ચૂંટણી જીતી ગયા હતા.

હાલમાં જ બીબીસી મરાઠીને આપેલા ઇન્ટર્વ્યૂમાં અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં મોટાપાયે બળવાખોરી થશે. અનેક જગ્યાએથી જેમને ટિકિટ નથી મળી એવા નેતાઓ ચૂંટણી લડતા જોવા મળશે. કારણ કે કેટલાય લોકો પાંચ વર્ષ સુધી મહેનત કરે છે, તેમને જો ટિકિટ નહીં મળે તો શું થશે? અનેક અપક્ષો મોટા અંતરથી ચૂંટણી જીતશે તેવી પણ સંભાવના છે. ”

એ જ ઇન્ટર્વ્યૂમાં છગન ભુજબળે 1995માં થયેલી વિધાનસભા ચૂંટણીની પણ કહાણી સંભળાવી હતી.

તેમણે કહ્યું, “1995ની ચૂંટણીમાં શરદ પવાર અને સુધાકરરાવ નાઇકનાં બે જૂથો બની ગયાં હતાં. જ્યાંથી તેમના ઉમેદવારને ટિકિટ નહોતી મળી ત્યાં બંનેએ અપક્ષ ઉમેદવારો ઉતાર્યા હતા. અને કુલ 45 અપક્ષો ચૂંટણી જીત્યા હતા. જોકે, આ વખતે એટલા અપક્ષો નથી, તેમ છતાં પણ 25થી 30 અપક્ષો ચૂંટાઈ આવે તેવી સંભાવના છે.”

1995ની વિધાનસભા ચૂંટણીમાં શું બન્યું હતું?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, નરેન્દ્ર મોદી, ભાજપ, કૉંગ્રેસ, શિવસેના, એનસીપી, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં બળવાખોર ઉમેદવારોએ ભાજપ, શિવસેના(શિંદે), અને એનસીપી(અજિત પવાર) એમ ત્રણેયને ચિંતિત કરી દીધા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1995માં મુખ્ય સ્પર્ધા કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તથા શિવસેનાના ગઠબંધન વચ્ચે હતી. એ ચૂંટણીમાં કુલ 3196 અપક્ષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમાંથી 45 અપક્ષ તરીકે ચૂંટાયા હતા.

એટલા માટે જ બળવાખોર અપક્ષોની વાત કરવામાં આવે ત્યારે 1995ની ચૂંટણીને હંમેશા યાદ કરવામાં આવે છે. આમાંના મોટાભાગના અપક્ષો અને કૉંગ્રેસ પાર્ટીના બળવાખોરો હતા.

1995 પહેલાં 1990ની ચૂંટણીમાં પણ 13 બળવાખોરો ચૂંટણી જીતવામાં સફળ થયા હતા.

વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર સાઠે કહે છે કે બળવાખોરોની જીતનો સૌથી વધુ દર 1995ની ચૂંટણીમાં જોવા મળ્યો હતો.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "1990માં કૉંગ્રેસની સરકાર આવી અને શરદ પવાર મુખ્ય મંત્રી બન્યા. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે શરદ પવારે જાણીજોઈને બળવાખોરોને પસંદ કર્યા જેથી આ અપક્ષો તેમને સમર્થન આપે. ત્યારબાદ 1995માં પહેલીવાર શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર બની અને તેણે બળવાખોરોને પણ પ્રોત્સાહન આપ્યું.

એ ચૂંટણીમાં 286 બેઠકો પર ચૂંટણી લડનાર કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કૉંગ્રેસને માત્ર 80 બેઠકો મળી હતી અને તેણે 61 બેઠકો ગુમાવી. બીજી તરફ, શિવસેના-ભાજપ ગઠબંધને સારું પ્રદર્શન કર્યું હતું.

શિવસેનાએ 169માંથી 73 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 116માંથી 65 બેઠકો જીતી હતી. બંને પક્ષોની બેઠકોમાં વધારો થયો હતો. શિવસેનાની 21 અને ભાજપની 23 બેઠકો વધી હતી. પ્રથમ વખત, રાજ્યમાં 45માંથી 14 ચૂંટાયેલા અપક્ષોની મદદથી બિન-કૉંગ્રેસી ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી.

રાજેન્દ્ર સાઠે કહે છે, "ભ્રષ્ટાચારના આરોપો, દાઉદ સાથેના સંબંધોના આરોપો, 1993ના બૉમ્બ વિસ્ફોટ અને હિન્દુ-મુસ્લિમ રમખાણોની પૃષ્ઠભૂમિમાં શરદ પવાર વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. હિન્દુત્વની રાજનીતિની તાકાત વધી ગઈ હતી. જેના કારણે ભાજપ અને શિવસેનાના ગઠબંધનને વધુ બેઠકો મળી હતી. જોકે, સરકાર બનાવવા માટે, તેમણે એ અપક્ષોની મદદ લેવી પડી હતી જેઓ તે સમયે સૌથી વધુ સંખ્યામાં ચૂંટાયા હતા.”

2024ની તસવીર શું કહે છે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, નરેન્દ્ર મોદી, ભાજપ, કૉંગ્રેસ, શિવસેના, એનસીપી, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાવિકાસ અધાડીને પણ મોટેપાયે બળવાખોરીનો સામનો કરવો પડી રહ્યો છે

હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક તરફ મહાયુતિમાં ભાજપ, શિવસેના(શિંદે જૂથ) અને એનસીપી(અજીત પવાર જૂથ) સામેલ છે જ્યારે બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં કૉંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપી (શરદ પવાર જૂથ) સામેલ છે.

એ સિવાય ‘પરિવર્તન મહાશક્તિ’ નામનું એક ત્રીજું ગઠબંધન પણ મેદાનમાં છે જેમાં સંભાજીરાજે છત્રપતિ, રાજૂ શેટ્ટી, બચ્ચુ કડૂ તેના પ્રમુખ નેતાઓ છે.

એ સિવાય મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને વંચિત બહુજન અઘાડીએ પણ સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. અનેક જગ્યાએ એક જ ગઠબંધનના અલગ-અલગ પક્ષોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

આ પક્ષો પોતાની વચ્ચેની જ તિરાડ પૂરવામાં અને પક્ષમાં બળવાખોરોને સમજવામાં કેટલી સફળ થાય છે તેના પરથી મહારાષ્ટ્રની રાજકીય લડાઈની તસવીર સ્પષ્ટ થવાની સંભાવના છે.

ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 4 નવેમ્બર હોવાથી ત્યાં સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

આ બધાની પૃષ્ઠભૂમિમાં મોટાભાગનાં ક્ષેત્રોમાં અનેક પક્ષોના ઉમેદવારોને બળવાખોરીનો સામનો કરવો પડી શકે છે.

અસંતુષ્ટ બળવાખોરો અને અપક્ષોના ચૂંટણીમેદાનમાં ઉતરવાથી અનેક જગ્યાએ રાજકીય ગણિત પલટાવાની શક્યતા છે.

આ ચૂંટણીમાં બળવાખોરોની શું અસર થશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, નરેન્દ્ર મોદી, ભાજપ, કૉંગ્રેસ, શિવસેના, એનસીપી, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB

ઇમેજ કૅપ્શન, સમીર ભુજબળ (ડાબે), હિના ગાવિત અને ગોપાલ શેટ્ટીએ બળવાખોરી અને વિરોધનો સૂર આલાપ્યો છે

બીબીસી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રાહી ભીડેએ કહ્યું, "મામલો માત્ર એટલો નથી કે ઉમેદવારનું નામાંકન કરવામાં આવ્યું ન હતું."

તેમણે કહ્યું, "જ્યારે 'ગુવાહાટી' જેવું કંઈક થાય છે, ત્યારે તેની પાછળ કોઈ હોય છે. અહીં પણ ભાજપ એકનાથ શિંદેની સાથે ઊભો હતો. ઉમેદવારી ન મળવાને કારણે અને ફરજિયાત બળવાખોરીને લીધે એમ બે પ્રકારની બળવાખોરી થાય છે. વર્ષોથી આપણે જોયું છે કે કેવી રીતે ભાજપે કેન્દ્રીય સત્તાનો ઉપયોગ કરીને ઘણા લોકોને બળવો કરવા દબાણ કર્યું છે.”

વર્તમાન મુખ્ય મંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની સરકારમાં તેમને ટેકો આપતા ધારાસભ્યો સાથે ગુવાહાટી ચાલ્યા ગયા હતા.

વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર સાઠે પણ બીબીસી મરાઠીને કહે છે, "એવું કહેવાય છે કે અપક્ષો પાસે સત્તાધારી પક્ષને નિયંત્રણમાં રાખવાની સત્તા છે. જો સરકાર તેમના પ્રભાવમાં આવે છે તો તેમને અનુકૂળ એવા નિર્ણયો લેવા પડે છે. તેથી જ ક્યારેક એવું બને છે કે સરકાર તેમની ધૂન પર નાચે છે. આ વખતે આવું થાય છે કે નહીં તે જોવું રહ્યું.”

જ્યારે રાહી ભીડેને નથી લાગતું કે બળવાખોરો આ ચૂંટણીમાં બહુ સારું પ્રદર્શન કરી શકશે.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક નીતિન બિરમલને પણ નથી લાગતું કે બળવાખોરોની આ ચૂંટણી પર બહુ અસર પડશે. તેમનું કહેવું છે કે બળવાખોરોની શક્તિ એ બે ગઠબંધન અને છ પક્ષો સાથે મર્યાદિત છે.

તેમણે કહ્યું, "કેટલાક લોકો કહે છે કે 1995ની જેમ આ ચૂંટણીમાં પણ ઘણા બળવાખોરો ચૂંટાશે પરંતુ મને એવું નથી લાગતું."

ક્યા નેતાઓએ કરી બળવાખોરી?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, નરેન્દ્ર મોદી, ભાજપ, કૉંગ્રેસ, શિવસેના, એનસીપી, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચર્ચિત નેતાઓની સૂચિમાં ગોપાલ શેટ્ટીનું નામ પણ છે જેમણે બોરીવલીમાં જાહેર થયેલા ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો છે

મહારાષ્ટ્રની 288 બેઠકો પર થઈ રહેલી આ ચૂંટણીમાં અડધાથી વધુ બેઠકો પર બળવાખોરીની સ્થિતિ છે એવું કહી શકાય.

મહાયુતિ અને મહાવિકાસ અઘાડીના લગભગ 150 બળવાખોરો પોતપોતાના પક્ષોના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે.

પ્રખ્યાત બળવાખોરોની યાદીમાં ભાજપના ગોપાલ શેટ્ટીએ બોરીવલીમાં સત્તાવાર ઉમેદવાર સંજય ઉપાધ્યાય સામે બળવો કર્યો છે.

નંદગાંવમાં શિવસેનાના ઉમેદવાર સુહાસ કાંડે સામે છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળે બળવાખોર વલણ અપનાવ્યું છે.

અક્કલકુવા મતવિસ્તારમાં ભાજપનાં પૂર્વ સાંસદ હિના ગાવિતે બળવો કર્યો છે.

જ્યારે પુણેના કસ્બા મતવિસ્તારમાં કૉંગ્રેસના કમલ વ્યાવહે પક્ષના ઉમેદવારનો વિરોધ કર્યો છે અને પાર્વતીમાં આબા બાગુલે પણ બળવાખોર વલણ અપનાવ્યું છે.

મુખ્ય મંત્રી એકનાથ શિંદે સામે પણ બળવો થયો છે.

કૉંગ્રેસના મનોજ શિંદેએ મહાવિકાસ અઘાડીના ઠાકરે જૂથ સામે બળવો કર્યો છે. કારણ કે શિવસેનાના કેદાર દિઘેને તેમના કોપરી-પચપાખાડી મતવિસ્તારમાં ટિકિટ આપવામાં આવી છે.

વસંતરાવ નાઇકના પૌત્ર યયાતિ નાઇકે રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથ પાસેથી ટિકિટ માંગી હતી. જોકે, પુસદમાંથી ટિકિટ ન મળતા નાઇકે કારંજા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

4 નવેમ્બરે ઉમેદવારીપત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે આ બળવાખોર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.