દિવાળીના તહેવારોમાં વતન જવાનો સંઘર્ષઃ દેશનાં પાંચ રાજ્યોનાં રેલવે સ્ટેશનોથી ગ્રાઉન્ડ રિપોર્ટ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલાં સંગીતા તેમના બાળકો સાથે

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલાં સંગીતા

તહેવારમાં પોતાનાં વતન જવા માગતા લોકો, ખાસ કરીને પરપ્રાંતિય શ્રમિકોથી ફરી એકવાર રેલવે સ્ટેશનો ઉભરાઈ રહ્યાં છે.

ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સંખ્યા એટલી વધારે છે કે દેશના પાટનગર દિલ્હીના જુદાજુદા રેલવે સ્ટેશનો પર હજારો લોકો રાહ જોઈ રહેલા જોવા મળે છે.

આ વિશાળ ભીડ અને અરાજકતાની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કેટલાક લોકો ટ્રેનના શૌચાલયમાં બેસવા માટે મજબૂર છે, તો બીજા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને તહેવારોની સિઝનમાં કોઈક રીતે પોતાના વતન પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિવાળી અને છઠપૂજાના સિઝનમાં આ પ્રકારની ભીડ જોવા મળે છે. 24 ઑક્ટોબરના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને સાત હજારથી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જે ગયા વર્ષની સરખામણીમાં 60% વધુ છે.

બીજી બાજુ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સમાં એક વીડિયો શૅર કરીને કૉંગ્રેસે પૂછ્યું છે કે, "છઠ માટે દોડાવવામાં આવેલી સાત હજાર સ્પેશિયલ ટ્રેનો ક્યાં છે?"

આ વીડિયોમાં મુસાફરો ટ્રેનના ટોયલેટમાં બેસીને મુસાફરી કરતા જોવા મળે છે.

તહેવારો દરમિયાન લાંબા અંતરની ટ્રેનોમાં સીટ અને બર્થની માગમાં અનેકગણો વધારો જોવા મળે છે

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, તહેવારો દરમિયાન ટ્રેનમાં સીટ મેળવવા ઘક્કામુક્કી

ભારતમાં ટ્રેનોની ભીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં દરરોજ બે કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આમાં સૌથી વધુ સંખ્યા મુંબઈ લોકલ ટ્રેનોના મુસાફરોની છે.

પરંતુ તહેવારો દરમિયાન લાંબા અંતરની ટ્રેનોમાં સીટ અને બર્થની માગમાં અનેકગણો વધારો જોવા મળે છે.

ઉત્તર રેલવેના પ્રવક્તા કુલતારસિંહે જણાવ્યું, "તહેવારોની સિઝનમાં દિલ્હી વિસ્તારમાં મુસાફરોની સંખ્યામાં 20 ટકાથી વધુનો વધારો થાય છે."

આ વર્ષે ભારતીય રેલવેએ દાવો કર્યો છે કે એક ઑક્ટોબરથી 30 નવેમ્બર 2024 સુધી તહેવારોની સિઝન દરમિયાન એક કરોડથી વધુ મુસાફરોને લઈ જવા માટેની તૈયારી કરવામાં આવી છે.

આ આંકડાઓ, દાવાઓ અને વચનો વચ્ચે રેલવે સ્ટેશનો પર કેટલી ભીડ એકઠી થઈ રહી છે અને મુસાફરો શું કહી રહ્યા છે તે જાણવા માટે બીબીસી સંવાદદાતાઓએ 29 ઑક્ટોબર મંગળવારના રોજ દેશનાં વિવિધ રાજ્યોનાં રેલવે સ્ટેશનોની મુલાકાત લીધી હતી.

સુરતઃ 'અમે સવારના 4 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છીએ, પણ હજુ સુધી ટ્રેન મળી નથી'

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ

શીતલ પટેલ, સુરત, ગુજરાતના ઉધના રેલવે સ્ટેશનથી

દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી અને છઠ પૂજા પહેલાં ગુજરાતના સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.

ઉત્તર ભારતમાં જઈ રહેલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ટ્રેન પકડવા સ્ટેશન પર પહોંચ્યા છે, જેના કારણે સ્ટેશન પર અરાજકતા અને અવ્યવસ્થાનો માહોલ સર્જાયો છે.

બીબીસીએ મંગળવારે ઉધના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં પહોંચીને જાણવા મળ્યું કે રેલવે અધિકારીઓએ મુસાફરોની સુરક્ષા માટે સ્ટેશનની આસપાસ બેરિકેડ લગાવી દીધાં છે.

કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને ટાળવા માટે સ્ટેશન પર ભારે પોલીસદળ પણ તહેનાત કરવામાં આવ્યું છે.

જે મુસાફરોની ટિકિટ કન્ફર્મ છે તેઓને સ્ટેશનની બહાર લાઈનમાં બેસાડવામાં આવે છે અને ટ્રેનના નિર્ધારિત સમયની થોડી મિનિટો પહેલા જ સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવે છે.

જનરલ ટિકિટ ધરાવતા મુસાફરોને બહાર કતારોમાં ઊભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા મુસાફરો સ્ટેશન પર તેમના સામાન સાથે તડકામાં રાહ જોતા જોવા મળ્યા હતા.

જેમાં નાના બાળકો તેમજ વૃદ્ધો પણ હતાં, જેઓ ટ્રેનની રાહ જોતા તડકામાં ઊભાં હતાં.

સુભાષ મલિક તેમની પત્ની અને પુત્ર સાથે ઓડિશા જઈ રહ્યા હતા. તેને પણ સ્ટેશનમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો કારણ કે તેની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હતી

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, સુભાષ મલિક, તેમનાં પત્ની અને પુત્રને સ્ટેશન પર પ્રવેશ આપવામાં નહોતો આવ્યો કારણકે તેમની ટિકિટ કન્ફર્મ નહોતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુભાષ મલિક તેમનાં પત્ની અને પુત્ર સાથે ઓડિશા જઈ રહ્યાં હતાં. તેમને પણ સ્ટેશનમાં પ્રવેશ મળ્યો નહોતો કારણકે તેમની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હતી.

દુઃખ વ્યક્ત કરતાં તેઓ કહે છે, “હું સવારે ચાર વાગ્યે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો. મારી ટિકિટ કન્ફર્મ ન હોવાથી મને સ્ટેશનમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. અમને બહાર રાહ જોવા માટે કહેવામાં આવ્યું."

તેઓ કહે છે, "થોડા સમય પછી રેલવે અધિકારીઓએ અમને કહ્યું કે, સાંજે પાંચ વાગ્યે ઉધનાથી સ્પેશિયલ ટ્રેન 'ઉધના-પુરી' ઉપડશે. અમે ઉધના રેલવે સ્ટેશન ગયા અને ત્યાં સેંકડો મુસાફરો જોવા મળ્યા. અમે લોકોએ સવારથી કંઈ ખાધું નથી. આટલી ભીડ હોવાના કારણે અમે 'ઉધના-પુરી' ટ્રેનમાં મુસાફરી કરી શકીશું કે નહીં તે ખબર નથી."

સંગીતા યાદવ તેમનાં આઠ મહિનાના પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી સાથે ઉધના રેલવે સ્ટેશને ટિકિટ કાઉન્ટર પાસે બેઠાં હતાં.

સંગીતાએ કહ્યું કે, "પારિવારિક કાણોસર અમે છત્તીસગઢ જઈ રહ્યાં છીએ. મારા પતિ ટિકિટ બુક કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારે ભીડને કારણે ટિકિટ ખરીદી શકતા નથી."

"અમે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં એટલી ભીડ હતી કે પોલીસે બધાને ટ્રેનમાં પ્રવેશતા અટકાવ્યા."

દિલ્હી: તહેવારોમાં ઘરે જવાનો સંઘર્ષ

નવજાત પુત્રી, પત્ની અને માતા સાથે મુસાફરી કરી રહેલા રૂપેશ કુમાર સિંહે બે મહિના અગાઉ રિઝર્વેશન કરાવ્યો હતો
ઇમેજ કૅપ્શન, નવજાત પુત્રી, પત્ની અને માતા સાથે મુસાફરી કરી રહેલા રૂપેશકુમારસિંહે બે મહિના અગાઉ રિઝર્વેશન કરાવ્યું હતું

દિલનવાઝ પાશા, દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશનથી

દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો અને રેલવે અધિકારીઓ ઍલર્ટ પર જોવા મળે છે.

મુસાફરોની સુવિધા માટે ટિકિટ કાઉન્ટરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મુસાફરો રોકાઈ શકે તે માટે સ્ટેશનની બહાર મોટો તંબૂ લગાવવામાં આવ્યો છે.

પરંતુ તહેવારોની મોસમમાં સ્ટેશન પર જે પ્રકારે ભીડ એકઠી થઈ રહી છે તેની સામે આ વ્યવસ્થાઓ અપૂરતી જણાય છે.

દિવાળી અને છઠની રજાઓમાં પશ્ચિમ બંગાળમાં તેમના ઘરે જઈ રહેલાં શૈલી આચાર્ય અને તેમનાં બહેન પંડાલમાં પરેશાન બેઠાં જોવાં મળ્યાં હતાં.

શૈલી જે ટ્રેનમાં જવાનાં હતાં તે રવિવારે સવારે ઉપડવાની હતી, પરંતુ આ ટ્રેન રદ કરવામાં આવી હતી. હવે તેમણે મંગળવારે સવારે ઉપડતી ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. તેમને સ્ટેશન પર જ બે દિવસ પસાર કરવા પડશે.

શૈલી કહે છે, "ટ્રેન રદ થવાને કારણે અમારો આખો કાર્યક્રમ બરબાદ થઈ ગયો છે. હવે જ્યારે અમે દિવાળી પર ઘરે પહોંચીશું તો તહેવારની ઉજવણી કરવા માટે અમારી પાસે પૂરતી ઊર્જા બચશે નહીં."

શૈલીનાં નાનાં બહેન કહે છે, “અમે ટ્રેનમાં ખાવા માટે ઘરેથી જ જમવાનું બનાવીને લાવ્યાં હતાં. હવે અમારે વધુ બે દિવસ સ્ટેશન પર રોકાવું પડી રહ્યું છે જેના કારણે અમને બહારથી જમવાનું ખરીદવું પડે છે. અમારા ખાવા-પીવાનો ખર્ચ વધી ગયો છે."

તેઓ કહે છે, "અમારે ટૉયલેટ જવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. જો અમે આટલો સામાન લઈને નોઈડા પાછા ગયા હોત તો વધુ મુશ્કેલી અને ખર્ચો થયો હોત."

શૈલીના ભાઈએ તેના માટે એજન્ટ પાસેથી બમણા ભાવે ટિકિટ લીધી હતી, જેથી તેઓ સમયસર ઘરે પહોંચી શકે. હવે તેઓ સ્ટેશન પર અટવાઈ ગયા છે.

ટ્રેમાં ફન્ફર્મ ટિકિટ ન મળતાં લોકો વધુ પૈસા ખર્ચીને ખાનગી બસોમાં વતન જવા મજબૂર છે
ઇમેજ કૅપ્શન, ટ્રેનોમાં ભીડને જોતા લોકો વધુ પૈસા ખર્ચીને ખાનગી બસોમાં વતન જવા મજબૂર છે

પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાનો ઘણા લોકોનો ઉત્સાહ હવે કોઈપણ રીતે ઘરે પહોંચવાની લડતમાં ફેરવાઈ ગયો છે.

નવજાત પુત્રી, પત્ની અને માતા સાથે મુસાફરી કરી રહેલા રૂપેશકુમારસિંહે બે મહિના અગાઉ રિઝર્વેશન કરાવ્યું હતું.

બિહારના મુઝફ્ફરપુર જઈ રહેલા રૂપેશની ટ્રેન આઠ કલાક મોડી છે. પંડાલમાં બેસીને પોતાની નવજાત દીકરીને બૉટલમાંથી પીવડાવતાં તેઓ કહે છે, "જો અમને ટ્રેન મોડી હોવાની જાણ હોત તો અમે ઘરે જ રોકાઈ ગયા હોત. બાળક નાનું છે અને તેને ખૂબ મુશ્કેલી થઈ રહી છે."

ઘણા લોકો એવા છે જેમને ટિકિટ મળી નથી. ઘણા લોકોને બસમાં લાંબા અંતરની મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.

બસ ટિકિટ બુકિંગ કાઉન્ટરે એવા લોકોની ભીડ છે જેમની વેઇટિંગ ટિકિટ ક્લિયર થઈ નથી. અહીં ટિકિટના ભાવ લગભગ બમણા છે.

ગોરખપુરની 1800 રૂપિયામાં ટિકિટ ખરીદનાર એક યુવક કહે છે, "ટ્રેનની મુસાફરી સરળ છે, પરંતુ હવે મારે બસમાં જવાની ફરજ પડી છે. મેં બમણું ભાડું ચૂકવીને ટિકિટ ખરીદી છે પણ બસ ક્યારે આવશે તે ખબર નથી. "

માંગ પ્રમાણે ટિકિટના ભાવ વધી રહ્યા છે. કેટલાક લોકો માટે મોંઘી કિંમત ચૂકવવી મુશ્કેલ છે.

કોયમ્બત્તૂરઃ ટ્રેનોમાં સીટો નથી મળતી

દિવાળીની સિઝનમાં કોયમ્બતુર રેલ્વે સ્ટેશનમાં ભારે ભીડ હતી

ઇમેજ સ્રોત, Sudhakar/BBC

ઇમેજ કૅપ્શન, દિવાળીની સિઝનમાં કોયમ્બત્તૂર રેલવે સ્ટેશને ભારે ભીડ હતી

ઝેવિયર સેલ્વકુમાર, કોયમ્બત્તૂર રેલવે સ્ટેશન, તામિલનાડુથી

સાંજે સાત વાગ્યાની આસપાસ કોયમ્બત્તૂર જંકશન રેલવે સ્ટેશન પર મેં મારી બાઇક પાર્ક કરી હતી.

દિવાળીની સિઝનમાં આ રેલવે સ્ટેશને ભારે ભીડ હતી.

સ્ટેશન પર હજારો સ્થાનિક લોકો તેમની શૉપિંગ બૅગ સાથે હાજર હતા, જ્યારે સેંકડો પરપ્રાંતિય મજૂરો તેમની લાંબી મુસાફરી માટે પ્લૅટફૉર્મ પર રાહ જોઈ રહ્યા હતા.

પશ્ચિમ તામિલનાડુના કોયમ્બત્તૂર અને તિરુપુર જિલ્લામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો રહે છે.

દિવાળી પહેલા બિહાર, ઝારખંડ અને ઓડિશાના હજારો પરપ્રાંતિય મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી કોયમ્બત્તૂરથી બિહાર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતનાં વિવિધ સ્થળોએ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

મંગળવારે સવારે 11.50 વાગ્યે કોયમ્બત્તૂરથી બિહાર માટે વિશેષ ટ્રેન રવાના થઈ હતી. આ ટ્રેનો પરપ્રાંતિય મજૂરોથી ભરેલી હતી.

તેવી જ રીતે કેરળમાંથી લાખો પરપ્રાંતિય મજૂરો પણ તેમના ઘર તરફ રવાના થઈ રહ્યા છે. આ કારણે કેરળની રાજધાની તિરુવનંતપુરમ્ અને ઍર્નાકુલમથી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

આ ટ્રેનો માત્ર પાંચથી 10 મિનિટ રોકાય છે અને આ દરમિયાન ઘણા મુસાફરો તેમની બે દિવસની લાંબી મુસાફરી માટે બેસવા માટે જગ્યા શોધવાનો પ્રયાસ કરે છે.

લખનઉના અરવિંદે ઘણા દિવસો પહેલા ટિકિટ બુક કરાવી હતી પરંતુ હજુ સુધી કન્ફર્મ થઈ નથી
ઇમેજ કૅપ્શન, લખનઉના અરવિંદે ઘણા દિવસો પહેલાં ટિકિટ બુક કરાવી હતી પરંતુ તે હજુ સુધી કન્ફર્મ થઈ નથી

જો કે, ઉત્તર ભારતના આ મુસાફરોમાંથી મોટી સંખ્યામાં કોયમ્બત્તૂર રેલવે સ્ટેશન પર તેમની આરક્ષિત બેઠકો પર મુસાફરી કરવા માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે ટ્રેનો આવી ત્યારે તેમની બુક કરેલી સીટોમાં પહેલેથી જ મુસાફરો બેઠા હતા.

બિહારના પાતાલકુમાર, ધર્મેન્દ્રકુમાર, ગોપીકુમાર, લાલનકુમાર અને વિકાસકુમાર ખુશ હતા કે તેઓએ 1 જુલાઈએ પટના માટે ટિકિટ બુક કરાવી હતી અને સીટ કન્ફર્મ હતી. પરંતુ તેમ છતાં તેઓને વેઇટિંગ લિસ્ટના અન્ય મુસાફરો સાથે મુસાફરી કરવાનો વારો આવ્યો છે.

પટનાના સુનિલ કહે છે, "મેં ચાર-પાંચ દિવસ પહેલાં ટિકિટ બુક કરાવી હતી. પરંતુ તે વેઇટિંગ લિસ્ટની ટિકિટ છે. મારા પરિવાર સાથે દિવાળી ઉજવવાનો એકમાત્ર રસ્તો આ ટ્રેનમાં મુસાફરી કરવાનો છે."

ઉત્તર પ્રદેશના નરેન્દ્રસિંહ કહે છે, "મારું વતન દિલ્હીથી પણ આગળ છે. મેં 10 દિવસ પહેલાં ટિકિટ બુક કરાવી હતી, પરંતુ હજુ સુધી તે વેઇટિંગ લિસ્ટમાં છે. મેં વિચાર્યું છે કે ગમે તેટલી મુશ્કેલી હોય, હું મુસાફરી કરીશ."

તેમની સાથે આવેલાં અન્ય ઘણા લોકો ટિકિટ બાબતે અનિશ્ચિત હતા. બધાએ કહ્યું કે તેઓ પણ આ જ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરવા માટેની રાહ જોઈ રહ્યા છે.

લખનઉના અરવિંદે કહ્યું, "મેં પણ ઘણા દિવસો પહેલાં ટિકિટ બુક કરાવી હતી, પરંતુ મને હજુ પણ ટિકિટ વિશે ખાતરી નથી. હું આજે સવારે 11 વાગ્યે અહીં આવ્યો છું, એ વિચારીને કે હું કોઈ ટ્રેનમાં મુસાફરી કરી શકું."

તેઓ કહે છે, "કાલે સવારે બે વાગ્યે કેરળથી એક ટ્રેન આવવાની છે. હું અહીં રાહ જોઈ રહ્યો છું જેથી હું તે ટ્રેનના જનરલ ડબ્બામાં જઈ શકું."

મુંબઈ: 'અમે ટ્રેનમાં હલનચલન પણ કરી શકતા નથી કે બાથરૂમ પણ જઈ શકતા નથી'

મહમ્મદ અશફાક છેલ્લા ચાર મહિનાથી ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યાં છે
ઇમેજ કૅપ્શન, મહમ્મદ અશફાક છેલ્લા ચાર મહિનાથી ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા છે

જાહ્નવી મૂળે, બાંદ્રા ટર્મિનસ, મુંબઈથી

અશફાક છેલ્લા ચાર મહિનાથી ટ્રેનની ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મુંબઈમાં રજાઓના ધસારાને કારણે તેમને હજુ રાહ જોવી પડી રહી છે.

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (પ્રયાગરાજ)ના અશફાક ટૅક્સી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

જ્યારે તેઓ અમને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર મૂકવા આવ્યા ત્યારે તેને પોતાની વાર્તા અમારી સાથે શૅર કરી હતી.

તેઓ કહે છે, "મારા પરિવારમાં 10 નવેમ્બરે લગ્ન છે અને આવતા અઠવાડિયે મારે ઘરે પહોંચવાનું છે. પરંતુ મને રિઝર્વેશન મળ્યું નથી. મેં અલગઅલગ ટ્રેનો જોઈ, એક એજન્ટનો સંપર્ક પણ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નથી. જ્યારે તત્કાલ બુકિંગ ખુલે છે, તે ખૂબ જ ઝડપથી ભરાઈ જાય છે."

અશફાક ફ્લાઇટમાં જવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તે તેના બજેટની બહાર હતું. એક તરફનું ભાડું 10-13 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ હતું.

હવે અશફાક તેની કારમાં અલાહાબાદ જવાનું અને ત્રણ મિત્રો સાથે ખર્ચ વહેંચવાનું વિચારી રહ્યા છે. તેઓ કહે છે, "આ 24થી 26 કલાકની ડ્રાઈવ છે પણ અમારે મૅનેજ કરવું પડશે."

બપોર થઈ ગઈ હતી જ્યારે તેઓએ મને સ્ટેશન પર ઉતારી. રાત્રિની સરખામણીએ આ સમયે ઓછી ભીડ હતી.

50 વર્ષનાં મીરા રાજસ્થાનના આદિવાસી સમુદાયમાંથી આવે છે. ઉદયપુર જતી તેમની ટ્રેન રાત્રે 9 અથવા 10 વાગ્યા પહેલા પ્લૅટફૉર્મ પર આવશે નહીં. એટલા માટે તેઓ રાહ જોઈ રહ્યાં છે.

ટ્રેન આવતાની સાથે જ તેઓ ઓછામાં ઓછી એક સીટ પકડવા માંગે છે જેથી બધા બેસી શકે.

મીરા કહે છે, "તેમનાં ચાર જણના પરિવાર માટે રિઝર્વેશનનો ખર્ચ ઉઠાવવો શક્ય નથી. અમારે જનરલ ડબ્બામાં જ મુસાફરી કરવી પડશે."

તેઓ કહે છે, "અમારા માટે ફક્ત બે-ત્રણ ડબ્બા છે. ત્યાં હંમેશા ભીડ હોય છે. અમે હલનચલન કરી શકતાં નથી કે બાથરૂમમાં જઈ શકતાં નથી. અમે ઊંઘી પણ શકતા નથી અને જો કોઈ અમારી તરફ તાકીને જુએ ત્યારે અમે અસ્વસ્થતા અનુભવીએ છીએ."

લુધિયાણા: અહીં પણ ભીડની સમસ્યા

લુધિયાણા રેલ્વે સ્ટેશન પંજાબનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે
ઇમેજ કૅપ્શન, લુધિયાણા રેલવે સ્ટેશન પંજાબનું સૌથી મોટા પૈકીનું એક સ્ટેશન છે

હરમનદીપ સિંહ, પંજાબના લુધિયાણા રેલ્વે સ્ટેશનથી

લુધિયાણા રેલવે સ્ટેશન પંજાબનું સૌથી મોટાં સ્ટેશનો પૈકીનું એક છે. તહેવારો પછી પણ અહીં સામાન્ય દિવસોની જેમ જ ભીડ રહે છે.

અધિકારીઓનું કહેવું છે કે જેમ જેમ દિવાળી અને છઠ પૂજા નજીક છે, તેમ તેમ શહેરના પરપ્રાંતિય મજૂરો તેમના પરિવારો અને પ્રિયજનો સાથે તહેવારની ઉજવણી કરવા ઉત્તર પ્રદેશ અને બિહાર પરત ફરી રહ્યા છે.

તહેવારોની સિઝનમાં સ્ટેશનો પર ભારે ભીડને કારણે મુસાફરોને રિઝર્વેશન હોવા છતાં સીટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલીક વખત તેઓને સીટ પણ મળતી નથી.

રેલવે ભીડ નિયંત્રણ, દેખરેખ અને વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની સમસ્યા અથવા દુર્ઘટનાને ટાળી શકાય.

રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મુસાફરોની મદદ કરવા અને તેમને તેમની આરક્ષિત બેઠકો મળે તે સુનિશ્ચિત કરવા માટે વધારાનાં સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યાં છે. મુસાફરોની સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કડકાઈ પણ વધારવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.