મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કઈ વાતનો ફાયદો મળી શકે?

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી બાદ હવે સૌની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી પર છે.
મહારાષ્ટ્રની ચૂંટણી એટલા માટે ખાસ છે કારણ કે દેશમાં તે રાજકીય મહત્ત્વ ધરાવતું બીજું મોટું રાજ્ય છે.
હાલ મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈ ઉત્સાહ ખૂબ વધારે પ્રમાણમાં છે. હરિયાણામાં હાર મળ્યા બાદ હવે એક તરફ કૉંગ્રેસ સારા પ્રદર્શનની આશા રાખી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપ પણ ઉત્સાહમાં દેખાઈ રહ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના ગઠબંધનને મળેલા ઝટકા પછી હવે વિપક્ષ પણ જોશમાં હોય તેવું પ્રતીત થાય છે.
પરંતુ હરિયાણાની ચૂંટણીમાં ભાજપે એકલે હાથે બહુમતી મેળવ્યા પછી ફરીવાર પક્ષ પૂરજોશમાં દેખાઈ રહ્યો છે.

હાલમાં મહારાષ્ટ્રમાં શું હાલત છે અને ચૂંટણીનો પવન કેવો છે? મહારાષ્ટ્રમાં લોકસભા જેવો જ માહોલ છે કે પછી "મહાયુતિ" ફરીથી સત્તામાં આવશે?
શું કૉંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) વચ્ચે થયેલી બેઠકોની વહેંચણીથી કોઈ સંકેત મળી રહ્યા છે?
પરંતુ એનડીએની સરકાર બનવાની સ્થિતિ ઉત્પન્ન થઈ તો શું ભાજપ પોતાના મુખ્ય મંત્રી બનાવવાનો સંકેત આપી રહ્યો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી હિન્દીના ખાસ કાર્યક્રમ ‘ધી લૅન્સ’માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝમ મુકેશ શર્માએ મહારાષ્ટ્રની ચૂંટણી સંબંધિત આ પ્રશ્નો પર ચર્ચા કરી હતી.
આ ચર્ચામાં લોકનીતિ સીએસડીએસના સહ-નિર્દેશક સંજય કુમાર, એનસીપી શરદ પવાર જૂથના પ્રવક્તા ડૉ. સીમા મલિક, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજીવ પાંડેય અને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય આરીફ નસીમ ખાન જોડાયા હતા.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કેવી હતી સ્થિતિ ?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. જીત મેળવવા માટે કોઇપણ પક્ષને 145 બેઠકો મેળવવી જરૂરી છે.
2019માં યોજાયેલી ચૂંટણીના આંકડાઓ પર એક નજર કરવામાં આવે તો ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કૉંગ્રેસને 44 બેઠકો મળી હતી.
ત્યારબાદ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. જોકે, આ ગઠબંધનની સરકાર વધુ સમય ન ચાલી શકી.
વર્ષ 2022ના જૂનમાં શિવસેનામાં આંતરિક વિખવાદને કારણે એકનાથ શિંદે, શિવસેનાના એક જૂથ સાથે અલગ થઈ ગયા.
ત્યારે અજિત પવાર પણ એનસીપીનું એક જૂથ પોતાની સાથે લઈ આવ્યા અને બંન્નેએ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી લીધી.
લોકસભા ચૂંટણી અને હરિયાણાનાં પરિણામોની કેવી અસર પડશે ?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો દબદબો રહ્યો હતો. પણ લોકસભામાં મહાવિકાસ અઘાડીના સારા પ્રદર્શન પછી હવે કેવી પરિસ્થિતિ છે?
આ પ્રશ્ન પર લોકનીતિ સીએસડીએસના સહ-નિર્દેશક સંજયકુમાર કહે છે "જો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ તો જમીનીસ્તરે એવો કોઈ ખાસ ફરક દેખાતો નથી. સ્થિતિ લગભગ એવી જ બની ગઈ છે કે જેવી લોકસભાની ચૂંટણી વખતે હતી.”
હાલમાં જ હરિયાણામાં જીત મળ્યા પછી ભાજપની કૅડરમાં જોશમાં આવી છે. પરંતુ આ જોશનો આ ચૂંટણી પર કોઈ ફરક પડશે કે નહીં ?
આ સવાલનો જવાબ આપતા સંજયકુમાર કહે છે કે, "હિંમત પણ વધી છે અને કાર્યકર્તાઓ પણ ઉત્સાહિત છે. પરંતુ જો હરિયાણાની ચૂંટણી ભાજપ હારી ગયો હોત તો અત્યારે માહોલ કંઇક અલગ જ હોત.”
તેઓ જણાવે છે, “તે સમયે એવો માહોલ બની ગયો હતો કે ભાજપ ચૂંટણી હારી જશે, હવે એ પ્રશ્ન એ છે કે તેનો ફર્ક ભાજપના મતોમાં પડશે કે નહીં, જો કે માનસિકતા પર તો પડશે જ.”
સંજયકુમાર જણાવે છે કે, “ભલે પછી એ બેઠકોની વાત હોય કે પછી મતોની ટકાવારીની. બેઠકોની વહેંચણીની વાત કરીએ તો મહાવિકાસ અઘાડીના ત્રણ પક્ષો લગભગ એક સરખી બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ભાજપ એકલા જ લગભગ 150 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. આથી એ સંભવ છે કે તે મોટો પક્ષ બનીને બહાર આવશે. પરંતુ તેમાં હરિયાણાની જીતની કોઈ અસર છે કે નહીં તેનું આકલન કરવું ખૂબ મુશ્કેલ છે.”
મહાવિકાસ અઘાડીએ કરેલી જાહેરાત પ્રમાણે 270 બેઠકોમાંથી ગઠબંધનના ત્રણેય પક્ષો 85-85-85 બેઠકો પર ચૂંટણી લડશે.
આ ફૉર્મૂલા પ્રમાણે કૉંગ્રેસ, શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ) અને એનસીપી (શરદચંદ્ર પવાર જૂથ) સમાન બેઠકો પર ચૂંટણી લડશે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ મુખ્ય મંત્રીનો ચહેરો કોણ હશે એ પણ સવાલ છે.
આ વાત પર ડૉ. સીમા મલિક (એનસીપી શરદ પવાર જૂથના પ્રવક્તા) કહે છે, “મુખ્ય મંત્રીનો ચહેરો અમે હજુ જાહેર નથી કર્યો, પરંતુ સમયની સાથે એ પણ સામે આવી જશે.”
તેઓ કહે છે "મને નથી લાગી રહ્યું કે હાલ મુખ્ય મંત્રીનો ચહેરો જરૂરી છે. જે જરૂરી છે એ મહારાષ્ટ્રના મુખ્ય મુદ્દાઓ છે, જેમ કે મોંઘવારી,બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા અને મહિલાઓ સાથે થયેલી ઘટનાઓ જેવા મુદ્દે ચૂંટણી લડાવી જરૂરી છે."
2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ 2024માં લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનની બેઠકો ઓછી થઈ છે, જેનાથી તેમને ઝટકો લાગ્યો છે. પરંતુ હવે જ્યારે ભાજપે હરિયાણાની ચૂંટણી પોતાના દમ પર જીતી લીધી છે તો તેની અસર કાર્યકર્તાઓ પર પણ પડી શકે છે.
ભાજપનો પક્ષ મૂકતાં પાર્ટી પ્રવક્તા રાજીવ પાંડેય કહે છે. "મહારાષ્ટ્રની ચૂંટણી અને દેશની ચૂંટણીમાં ઘણો ફર્ક આવી ગયો છે, કૉંગ્રેસ પાર્ટીએ એ વખતે મુદ્દો બનાવ્યો હતો. જેમાં તેમણે બંધારણ અને અનામતને સૌથી મોટો મુદ્દો બનાવ્યો હતો. તેના કારણે અમને 2 લાખ મતો ઓછા મળ્યા.”
તેઓ વધુમાં કહે છે, "પાંચ વર્ષ સુધી દેવેન્દ્રજીના નેતૃત્ત્વમાં સરકાર ચાલી અને 2.5 વર્ષ એકનાથ શિંદે, દેવેન્દ્રજી અને અજીત પવારજીના નેતૃત્વમાં સરકાર ચાલી. જો ભાજપના પાંચ વર્ષના પ્રદર્શનને જોવામાં આવે તો જ્યારે 2019માં ચૂંટણી થઈ ત્યારે ભાજપનો સ્ટ્રાઇક રેટ 70 ટકા હતો અને એ સમયે અમારી સાથે જે પાર્ટી હતી તેનો સ્ટ્રાઇક રેક 40-42 ની આસપાસ હતો."
રાજીવનું કહેવું છે, " એ સમયે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રી બનવા માટે જનાદેશની અવગણના કરી અને જે લોકોને હરાવીને આવ્યા હતા તે જ લોકો તેની સાથે થયા અને તેઓ મુખ્ય મંત્રી બન્યા. આજે જુઓ કે પરિસ્થિતિ જુઓ શું છે?"
તેમણે કહ્યું, " અમારી સાથે ઉદ્ધવ તે હતા ત્યારે તેઓ 124 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. પરંતુ આજે તેઓ 85 બેઠકો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. ઉદ્ધવજી એક ખાસ વોટબૅન્કના સહારે આટલું ટક્યા છે, મહારાષ્ટ્રમાં હવે એક પણ પાર્ટી અમારી વિરુદ્ધમાં નથી."
અલગ- અલગ પાર્ટીઓના ગઠબંધન વચ્ચે વૉટ-ટ્રાન્સફર કેવી રીતે થશે?

ઇમેજ સ્રોત, Getty Images
કઈ વિચારધારાને આધારે એનસીપી (અજિત પવાર જૂથ) અને ભાજપ જેવા પક્ષો એકસાથે ઊભા છે?
આ પ્રશ્નના જવાબમાં રાજીવે કહ્યું "અમે ટીડીપી સાથે પણ ગઠબંધન કર્યું છે. શું અમે અમારી વિચારધારા પરથી એક ઈંચ પણ ભટક્યા? અમે અમારી વિચારધારા પરથી ભટકવાવાળા લોકો નથી. અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ."
બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને કૉંગ્રેસ વચ્ચે વોટ ટ્રાન્સફર કેવી રીતે થશે ?
આ પ્રશ્નના જવાબમાં કૉંગ્રેસ વર્કિગ કમિટીના સદસ્ય આરીફ નસીમ ખાન કહે છે, “આ વિશે અમે લોકસભાની ચૂંટણીમાં પ્રયોગ કરીને જોઈ લીધું છે.”
તેઓ કહે છે, " આ પ્રયોગ ત્રણ મહિના અગાઉ લોકસભાની ચૂંટણીમાં થઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રની જનતા મહાવિકાસ અઘાડીના સમર્થનમાં પોતાનો નિર્ણય આપી ચૂકી છે. "
ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રીપદના ચહેરા તરીકે હજુ જાહેર નથી કરવામાં આવ્યા તેના પાછળ શું કારણ છે ?
આ પ્રશ્નના જવાબમાં આરિફ કહે છે કે, “આ નિર્ણય ગઠબંધન વચ્ચે લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન કરવા માટે લેવાયો છે અને એ ત્રણેય પક્ષોનો નિર્ણય છે.”
તેઓ કહે છે "કૉંગ્રેસે ક્યારે પણ ચૂંટણી થયા પહેલાં આવી જાહેરાત કરી નથી. અમે પહેલાં વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડીશું અને જનતાના આશીર્વાદથી જીતીશું, પછી લોકતાંત્રિક રીતે અમે નક્કી કરીશું કે આ રાજ્યના મુખ્ય મંત્રી કોણ બનશે. અમારે ત્યાં મુખ્ય મંત્રીના પદ માટે કોઈ લડાઈ નથી. અમારી લડાઈ મહારાષ્ટ્રની 40 ટકા કમિશન વાળી સરકાર સામે છે."
ગઠબંધનની મુશ્કેલી અને નાના પક્ષો

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગઠબંધનની રાજનીતિ પણ એક પડકાર છે, જ્યાં દરેક પાર્ટીએ પોતાની ભૂમિકા સાબિત કરવી પડેશે.
આ સંદર્ભમાં સંજયકુમારે જણાવ્યું કે, "બંને તરફ 3-3 પક્ષો છે, તેવામાં બધા જ ગઠબંધનના પક્ષોને સારું પ્રદર્શન કરવું પડશે કારણ કે પહેલા ટીમને જીતાડવાની છે. પરંતુ તેમને એ ડર પણ લાગી રહ્યો છે કે, તેમના સાથી પક્ષોએ જો તેમનાથી વધારે સારું પ્રદર્શન કરી બતાવ્યું તો તેમનું પત્તું કપાઇ જશે."
પણ નાની પાર્ટીઓની આ ચૂંટણીમાં કેવી અસર થશે ?
સંજયકુમાર જણાવે છે, "ભારતનો એક સામાન્ય મતદાર એ નક્કી કરી લે છે કે અમારે અમારો મત બરબાદ નથી કરવો. જો હરિયાણાની વાત કરવામાં આવે તો ત્યાં નાની-નાની પાર્ટીઓની ભૂમિકા હતી પરંતુ આ ચૂંટણીમાં એવું કંઈ જોવા નથી મળ્યું. તેવી જ રીતે જો મહારાષ્ટ્રમાં પણ લોકોને એવું દેખાવા લાગ્યું કે ચૂંટણી બે ગઠબંધન વચ્ચે જ છે, તો એવામાં નાના પક્ષો ચૂંટણીના પરિણામોને વધુ પ્રભાવિત નહીં કરી શકે.”
મહારાષ્ટ્રની ચૂંટણીમાં સરકારની વિભિન્ન યોજનાઓની પણ અસર જોવા મળી શકે છે.
લોકનીતિ - સીએસડીએસના સહ-નિર્દેશક સંજય કુમારે કહ્યું, "જ્યારે પણ કોઈ પાર્ટી યોજના લઈને આવે છે, ત્યારે એ યોજનાનો તેને લાભ મળે છે. લોકોનો મત પણ સતાધારી પાર્ટી તરફ ઝુકેલો જોવા મળે છે. લાડલી બહેન યોજનાના લાભાર્થીઓના મતો થોડા-ઘણા ગઠબંધન તરફ વળી રહ્યા છે એવું જણાઈ આવે છે."
જોકે, સીમા મલિક આ વાત પર અલગ દૃષ્ટિકોણ રાખે છે.
તેમનું કહેવું છે કે "વડા પ્રધાને 70 હજાર કરોડના કૌભાંડની વાત કરી અને બીજા જ દિવસે તેમને (અજીત પવારને) પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા."
"આ બધું જ જનતાએ જોયું અને લોકસભાની ચૂંટણીમાં તેનો જવાબ આપ્યો. જેવો માહોલ તેમણે બનાવી રાખ્યો છે એ જોતા મને એવું લાગે છે કે લાડલી બહેન યોજના આપવાથી બધું જ ધોવાઈ જશે એવું નહીં બને."
લોકસભાની ચુંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. પ્રદર્શનોમાં પણ વધારો થયો હતો અને માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પર પણ તેની અસર થશે.”
આવામાં વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દાની કેવી અને કેટલી અસર થશે ? આ પ્રશ્નના જવાબમાં સંજય કુમારે કહ્યું કે આ ચૂંટણીમાં એ મુદ્દાનું એટલું મહત્ત્વ નહીં રહે.
સંજય જણાવે છે કે, "એ લોકસભાની ચૂંટણી હતી અને બંધારણમાં કોઈ ફેરફાર કરી શકે તો એ કેન્દ્ર સરકાર કરી શકે છે. રાજ્ય સરકાર નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












