તહેવારોની સિઝનમાં રેલવે સ્ટેશનો પર થતી ધક્કામુક્કી રોકવાનું મુશ્કેલ કેમ છે

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
દિવાળી અને છઠ પૂજાના તહેવારને લઈ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેન પકડવા માટે સ્ટેશન પહોંચતાં ધક્કામુક્કી અને અરાજકતાનાં દૃશ્યો સર્જાયાં હતાં, જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે.
વીડિયોમાં મુસાફરોના ભારે ધસારાના કારણે સ્થાનિક પોલીસ અને આરપીએફના જવાનો સંઘર્ષ કરતા જણાય છે.
રેલવે અધિકારી ગણેશ જાદવે બીબીસીને જણાવ્યું કે, "વેકેશન પડી ગયું હોવાથી સુરતમાં વસતા પરપ્રાંતીઓ મોટી સંખ્યામાં દિવાળી અને છઠપૂજાની ઉજવણી માટે વતન જઈ રહ્યા છે."
"ઉધના રેલવે સ્ટેશનથી બે અનરિઝર્વ્ડ ટ્રેનો દોડી રહી હતી જેમાં મુસાફરી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોની ભીડ જોતાં વધારાની એક ટ્રેન દોડાવવી પડી હતી."
આવું માત્ર ગુજરાતના સુરતમાં જ નથી. દેશની આર્થિક રાજધાની મુંબઈના બાંદ્રા રેલવે ટર્મિનસ પર થયેલી ધક્કામુક્કીમાં નવ લોકો ઘાયલ થયા છે. રવિવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં બે જણને ગંભીર ઈજા થઈ છે.
રેલવે મંત્રાલયના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઇન્ફોર્મેશન ઍન્ડ પબ્લિસિટી) દિલીપ કુમારે બીબીસીને જણાવ્યું હતું કે મુંબઈથી ગોરખપુર જતી 22921 અંત્યોદય ઍક્સપ્રેસ ટ્રેન યાર્ડમાંથી પ્લૅટફૉર્મ પર લાવવામાં આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના થઈ હતી.
તેમણે કહ્યું હતું, "ટ્રેન પ્લૅટફૉર્મ પર આવી રહી હતી અને લોકો ટ્રેનમાં ચડવાના પ્રયાસ કરતા હતા. તેને કારણે આ દુર્ઘટના ઘટી હતી."
સ્ટેશનો પરની ભીડને ધ્યાનમાં લઈને વેસ્ટર્ન રેલવેએ પ્રવાસીઓને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનની રાહ ધીરજથી જુએ અને ટ્રેનમાં ચડે, કારણ કે ટ્રેનમાં ચડવા માટે પ્રવાસીઓને પૂરતો સમય આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા વિનીત અભિષેકે જણાવ્યું છે કે તહેવારોની મોસમમાં ટ્રેનોને તેની રવાનગીના સમયના બે-ત્રણ કલાક પહેલાં પ્લૅટફૉર્મ પર લગાવી દેવામાં આવે છે, જેથી લોકોને ટ્રેનમાં બેસવા માટે પૂરતો સમય મળી શકે.
તહેવારોની સીઝનમાં જોરદાર ભીડ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દેશમાં દરરોજ લગભગ અઢી કરોડ મુસાફરો ટ્રેનમાં પ્રવાસ કરે છે. તેમાં મોટી સંખ્યા મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોની હોય છે.
જોકે, તહેવારોની સીઝનમાં લાંબા અંતરની ટ્રેનોમાં બર્થની માંગમાં મોટો વધારો થાય છે.
રેલવેના કર્મચારી સંઘ એઆઈઆરએફના મહામંત્રી શિવગોપાલ મિશ્રાએ કહ્યું હતું, "રેલવે ભીડને સંભાળી ન શકે એવું નથી. મને લાગે છે કે રેલવે અધિકારીઓ ભીડનું આકલન કરી શક્યા ન હતા અને પ્રવાસીઓની ભીડ તેમની અપેક્ષા કરતાં વધારે હતી."
દેશમાં તહેવારો દરમિયાન ટ્રેન બર્થની માગ એટલી હદે વધી જાય છે કે પ્રવાસીઓએ મજબૂરીમાં હજારો કિલોમીટરનો પ્રવાસ બેઠા-બેઠા કરવો પડે છે.
અનેક વખત ટ્રેનોમાં બેસવાની સીટ પણ મળતી નથી. ટ્રેનોમાં આવી ભીડના ફોટોગ્રાફ્સ લોકો ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
ખાસ કરીને દિલ્હી, પંજાબ, મુંબઈ, ગુજરાત અને દેશના દક્ષિણનાં રાજ્યોમાંથી પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારો તરફ જતી ટ્રેનોમાં બર્થની માગ વધારે હોય છે.
હાલની તહેવારોની મોસમમાં પણ દેશનાં મોટા રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને તે ભીડના વ્યવસ્થાપન માટે અનેક ઉપાય કરવામાં આવ્યા હોવાના દાવા પણ રેલવે દ્વારા કરવામાં આવે છે. એ ઉપાયોમાં સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો સમાવેશ થાય છે.
શું છે ઉપાય?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
રેલવેની રેગ્યુલર ટ્રેનોમાં બે મહિના પહેલાં રિઝર્વેશન કરાવી શકાય છે. ઍડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો ચાર મહિનાથી ઘટાડીને થોડા દિવસ પહેલાં જ બે મહિનાનો કરવામાં આવ્યો છે.
રેલવે સામાન્ય રીતે દર વર્ષે સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે. તેની સંખ્યા વધારે-ઓછી હોઈ શકે છે, પરંતુ લોકો સ્પેશિયલ ટ્રેનોમાં પ્રવાસ કરવાનું પસંદ કરતા નથી કે તેમની અગ્રતામાં આવી ટ્રેનો હોતી જ નથી, એવું જોવા મળે છે.
સ્પેશિયલ ટ્રેનોની સમસ્યા એ પણ છે કે તેની જાહેરાત દર વર્ષે બહુ મોડેથી કરવામાં આવે છે.
પશ્ચિમ રેલવેની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, આવી ટ્રેનો ચલાવવાની માહિતી સપ્ટેમ્બરમાં આપવામાં આવી હતી.
સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત છેલ્લી ઘડીએ કરવામાં આવતી હોવાથી લોકો તેમાં રિઝર્વેશન કરાવી શકતા નથી અને જે ટ્રેનો વિશે લોકો જાણતા હોય છે તેમાં પણ પ્રવાસીઓની જોરદાર ભીડ હોય છે.

ઇમેજ સ્રોત, ANI
રેલવે બોર્ડના ભૂતપૂર્વ સભ્ય (ટ્રાફિક) શ્રીપ્રકાશે કહ્યું હતું, "એક તો સ્પેશિયલ ટ્રેનોનું ભાડું વધારી દેવામાં આવ્યું છે અને બીજી વાત એ છે કે સ્પેશિયલ ટ્રેનોના ઉપાડવાનો અને તેના ગંતવ્યસ્થાન પર પહોંચવાનો સમય કાયમ સવાલ બની રહેતો હોય છે. તેથી લોકો સ્પેશિયલ ટ્રેનોને બદલે રેગ્યુલર ટ્રેનોમાં પ્રવાસ કરવાનું પસંદ કરતા હોય છે."
રવિવારે સવારે મુંબઈમાં જે ટ્રેનમાં સીટ મેળવવા માટે ધક્કામુક્કી થઈ હતી તે પણ એક રેગ્યુલર ટ્રેન છે.
તે અંત્યોદય ઍક્સપ્રેસ ટ્રેન હતી, જે અનરિઝર્વ્ડ શ્રેણીની ટ્રેન છે. એટલે કે તેમાં બેસવા માટે જનરલ ક્લાસની સીટ હોય છે.
અંત્યોદય ઍક્સપ્રેસ ટ્રેનમાં સ્લીપિંગ બર્થ હોતી નથી. તેથી પ્રવાસીઓ કલાકો સુધી બેસીને હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે.
આ મુદ્દે સલાહ આપતા શ્રીપ્રકાશે કહ્યું હતું, "લોકો જે ટ્રેનમાં ટિકિટ મેળવવા ઇચ્છતા હોય તેમને પહેલાંથી જ શરત સાથે એ ટ્રેનની કન્ફર્મ ટિકિટ આપવી જોઈએ અને યાત્રાના દિવસે મૂળ ટ્રેનની પછી તરત જ ડુપ્લિકેટ ટ્રેન ચલાવીને ભીડને ગંતવ્યસ્થાન સુધી મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ."
સ્પેશિયલ ટ્રેનો કેટલી અસરકારક

ઇમેજ સ્રોત, ANI
પ્રવાસીઓની વધતી માંગને સંતોષવા માટે રેલવે દર વર્ષે તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં સ્પેશિયલ ટ્રેનો ચલાવે છે.
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ, "વેસ્ટર્ન રેલવેએ આ સીઝનમાં પણ દેશના અલગ-અલગ વિસ્તારો માટે સ્પેશિયલ ટ્રેનોની 2,500થી વધારે ટ્રિપ્સની જાહેરાત કરી છે. લગભગ આટલી જ ટ્રેનો સેન્ટ્રલ રેલવે પણ ચલાવી રહી છે. રેલવેના આ બન્ને ઝોનના હેડક્વાર્ટર મુંબઈમાં છે."
દેશમાં તહેવારોની મોસમ દરમિયાન ઉત્તર રેલવેમાં ટ્રેનોની માગ ઘણી વધી જાય છે.
ઉત્તર રેલવેએ પણ આ વર્ષે પહેલી ઑક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન સ્પેશિયલ ટ્રેનોની 3,150 ટ્રિપ્સ ચલાવવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત રેગ્યુલર ટ્રેનોમાં પણ લગભગ 60 કોચ લગાવવામાં આવી રહ્યા છે. તેથી તહેવારોની સીઝનમાં લગભગ બે લાખ વધારાના પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
ઉત્તર રેલવેના પ્રવક્તા કુલતાર સિંહે બીબીસીને જણાવ્યું હતું કે ગત સીઝનમાં ઉત્તર રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 1,086 ટ્રિપ્સ ચલાવી હતી.
કુલતાર સિંહના કહેવા મુજબ, "રેલવે મંત્રાલયના આદેશ અનુસાર આ વર્ષે વધુમાં વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. એ ઉપરાંત માંગને આધારે અમે કોઈ ખાસ સ્થળે સ્ટેશનો પરની ભીડને ધ્યાનમાં લઈને તત્કાળ સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવીએ છીએ."
આટઆટલી સુવિધા છતાં ટ્રેનોમાં સીટ મેળવવા માટે લોકોની ધક્કામુક્કી જોવા મળે છે.
વધારાની વ્યવસ્થા શું હોય છે?

ઇમેજ સ્રોત, ANI
તહેવારોની સિઝનમાં રેલવે સ્ટેશનો પર ભીડને અંકુશમાં રાખવા માટે સામાન્ય રીતે ઘણાં સ્ટેશનોમાં પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવે છે, જેથી પ્લૅટફૉર્મ પર ભીડને અંકુશમાં રાખી શકાય.
એ સિવાય રેલવે પરિસરમાં પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી લોકોને ટ્રેનની રાહ જોતી વખતે સલામત જગ્યા મળી શકે.
તહેવારો દરમિયાન ભીડની સલામતી વધારવાનો દાવો પણ રેલવે દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં તમામ સ્ટેશનો પર ધક્કામુક્કીની ઘટનાઓનો લાંબો ઇતિહાસ છે અને તેની સાથે સંકળાયેલી નાની-મોટી ઘટનાઓ કાયમ સમાચારમાં ચમકે છે.
મુંબઈમાં થયેલી ધક્કામુક્કી રેલવેમાં તહેવારો દરમિયાન થતી ધક્કામુક્કી પૈકીની એક છે. ગયા વર્ષે પણ તહેવારો દરમિયાન ગુજરાતના સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી થઈ હતી. સમાચારમાં જણાવ્યા મુજબ, તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને કેટલાક અન્ય ઘાયલ પણ થયા હતા.
2013માં ઉત્તર પ્રદેશના અલાહાબાદ રેલવે સ્ટેશન પર કુંભ મેળા દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં ઓછામાં ઓછા 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













