લવ બૉમ્બિંગઃ વધુ પડતો પ્રેમ ખતરનાક સાબિત થાય તે પહેલાં શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સાન્ટિયાગો વેનેગાસ માલ્ડોનાડો
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
પહેલી જ મુલાકાત બહુ ઝડપથી પ્રચુર પ્રેમના ચક્કરમાં પરિણમતી હોય તેવું આપણે ફિલ્મોમાં જોયું છે, પુસ્તકોમાં વાંચ્યું છે.
મનોવિજ્ઞાનીઓના મતે, પરીકથા જેવી તે કલ્પના પાછળ લવ બૉમ્બિંગ અથવા ભાવનાત્મક ગોલમાલનું એક સ્વરૂપ છુપાયેલું હોઈ શકે છે. ક્વીન બૅન્ડ (70ના દાયકાનું પ્રચલિત બ્રિટિશ બૅન્ડ)ના એક ગીત પ્રમાણે, “વધુ પડતો પ્રેમ તમને મારી નાખશે.”
સવાલ એ છે કે લવ બૉમ્બિંગ શું છે? તે સામાન્ય રીતે સંબંધના પ્રારંભિક તબક્કામાં મુખ્યત્વે રોમૅન્ટિક પાર્ટનરની સંભાળ લેવાની તથા તેને પ્રચુર માત્રામાં સ્નેહ આપવાની સાહજિક ક્રિયા છે. અલબત્ત, રોમૅન્ટિક અને સારા હેતુ સાથેનું આ વર્તન મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહારના ચક્રનો એક હિસ્સો હોઈ શકે છે.
કૉલમ્બિયન ડિઝાઇનર અલેજાન્ડ્રાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે “હું એવા એક સંબંધમાંથી થોડા સમય પહેલાં જ બહાર આવી હતી. તેમાં મને કશું મળ્યું નહોતું. તે બાદ સ્થપાયેલા અન્ય સંબંધમાં મારો પુરુષ મિત્ર કાયમ મારી સાથે રહેતો હતો. તે મને કૉફી પીવા, સ્વીટ ડિશ ખાવા લઈ જતો હતો. અમે આખો દિવસ વાતો કરતાં હતાં. તે મારી સાથે જિમમાં આવતો હતો. મને ઘરે લઈ જવા માટે તે કલાકો સુધી રાહ જોતો હતો. એ મને તેની માતાને મળવા પણ લઈ ગયો હતો. હું તેના પ્રેમથી અભિભૂત થવા લાગી હતી.”
“હું સતત તારા વિશે જ વિચાર્યા કરું છું,” “હું માત્ર તને ખુશ જોવા ઇચ્છું છું” અને “હું કાયમ તારી સાથે જ રહેવા ઇચ્છું છું,” જેવા શબ્દસમૂહો સરસ છે, પરંતુ કેટલીક વાર તે સંબંધ સ્વસ્થતાની સીમા પાર કરી રહ્યો હોવાના સંકેત આપે છે.
લવ બૉમ્બિંગ અને સ્વસ્થ સ્નેહ સંબંધ વચ્ચેનો ફરક થોડો અસ્પષ્ટ હોઈ શકે છે. વાસ્તવમાં સંબંધના પ્રથમ તબક્કમાં હોર્મોન્સ અને ન્યૂરોટ્રાન્સમીટર તેમના ચરમ પર હોય છે એટલે સંબંધના પ્રથમ તબક્કામાં આપણે પ્રચુર પ્રેમનો અનુભવ કરીએ તે સામાન્ય છે.
સ્નેહના ઊંડા, પ્રચૂર પ્રવાહ સાથે વહી જવામાં કશું ખોટું નથી, એ વાત સાથે નિષ્ણાતો પણ સહમત થાય છે.
સામેની વ્યક્તિને પોતાની સાથે જોડવાના ગણતરીપૂર્વકના હેતુસર પ્રેમ વ્યક્ત કરવામાં આવે ત્યારે તેમાં સમસ્યાની શરૂઆત થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્યાર કે દો પલ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગિફ્ટ્સ મળે, પ્રિય વ્યક્તિ ચુંબન કરે અને સારા શબ્દો કહે ત્યારે આનંદની લાગણી પેદા થાય છે. આવી પરિસ્થિતિનું પુનરાવર્તન થયા કરે તે સુનિશ્ચિત કરવા માટે આપણું મગજ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત છે એ તો સ્પષ્ટ છે. તે રિવૉર્ડ સિસ્ટમ તરીકે ઓળખાય છે.
આ સિસ્ટમ આપણને બાળપણમાં આપણાં માતાપિતા સાથે જોડાયેલા રાખે છે અને આપણા વ્યક્તિગત વિકાસ માટે તે બહુ જરૂરી છે.
મગજના આ ચોક્કસ કાર્યનો લાભ લઈને લવ બૉમ્બિંગ કરવામાં આવે છે. શરૂઆતમાં જે વ્યક્તિ પ્રચુર પ્રેમ મેળવે છે તે તેના જીવનસાથી પાસેથી આવા વર્તન (રિવૉર્ડ)ની અપેક્ષા કરતી થઈ જાય છે અને તેને રિવૉર્ડ મળે ત્યારે હકારાત્મક પ્રતિભાવ આપે છે. એ કારણે વ્યક્તિના મનમાં જીવનસાથી સર્વાંગસંપૂર્ણ હોવાની છબિ સર્જાય છે.
પહેલા સંબંધના અંત પછી તરત જ પોતે નવા પાર્ટનર સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયાં હોવાનું જણાવતાં કૉલમ્બિયન ડિઝાઇનર એલેજાન્ડ્રાએ કહ્યું હતું કે, “તેણે મને બહુ આકર્ષિત કરી હતી. તેણે એવું સૂચન પણ કર્યું હતું કે અમારે ઇંગ્લૅન્ડમાં સાથે અભ્યાસ કરવો જોઈએ. એ બધું અમે ડેટિંગ શરૂ કર્યાના બે મહિનાથી પણ ઓછા સમયમાં થયું હતું.”
એ પછીની બીજી જ ક્ષણે આ લવ બૉમ્બર, તેમના પાર્ટનરને તે જે આપતા હતા તે છીનવી લે છે. દાખલા તરીકે તે તેમના રોમૅન્ટિક સાથી સાથે ખરાબ વર્તન કે તેમને નીચા દેખાડવાનું શરૂ કરી શકે છે.
તેના પરિણામે તેમનાં પ્રેમિકા ફરીથી રિવૉર્ડ મેળવવા પોતાની મર્યાદા ઓળંગવા તૈયાર થાય છે. આ તબક્કે લાગણીનો દુરુપયોગ થાય છે.
લબ બૉમ્બિંગનો ભોગ બનેલી વ્યક્તિ તેના પાર્ટનરનો પ્રેમ મેળવવા માટે, પોતાના દોસ્તો કે પરિવારજનો સાથે ઘડેલા કાર્યક્રમો રદ કરવા સંમત થઈ શકે છે અથવા સંબંધની સુંદરતા જાળવી રાખવા, અત્યંત ખરાબ પરિસ્થિતિમાં ચોક્કસ જાતીય પ્રવૃત્તિ કરવા સહમત થઈ શકે છે.
પાર્ટનરે આટલું બધું કર્યું હોય, આટલું બધું આપ્યું પછી કોઈ છોકરી એવું કેમ ન કરે?
એલેજાન્ડ્રાએ કહ્યું હતું કે, “મારા પ્રેમીએ વિચિત્ર વર્તન શરૂ કર્યું હતું. તે મને મળવા આવતો ન હતો. હું બેચેની અને મૂંઝવણ અનુભવવા લાગી હતી. મને એમ લાગતું હતું કે હું બહુ તીવ્ર લાગણીવાળી વ્યક્તિ છું. અમે સતત વાતો કરતાં હતાં અને એક આખો વીકેન્ડ તે ગુમ થઈ ગયો હતો. અમે ફરી મળ્યા ત્યારે તેનું વર્તન બદલાઈ ગયું હતું. હું ગર્ભનિરોધક ગોળીઓ ન લેતી હોવાની ફરિયાદ કરવા લાગ્યો હતો. તેનાથી મને બહુ દુઃખ થયું હતું, કારણ કે હું તેને બહુ જ પ્રેમ કરતી હતી.”
સમય પસાર થવાની સાથે રિલેશનશિપ એક દુષ્ચક્ર બની જાય છે. પોતે પોતાની સ્ત્રી પાર્ટનર પરનો અંકુશ ગુમાવી રહ્યો છે એવું લાગે ત્યારે પુરુષ તેની પાર્ટનરનું હૈયું જીતવા ફરી વધુ પડતો પ્રેમ દર્શાવવા લાગે છે.

બૉમ્બરનું માનસ

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ દરેક ખલનાયકની માફક લવ બૉમ્બર માત્ર રાક્ષસ જ નથી હોતો. તેની પોતાની સમસ્યાઓ પણ હોય છે.
વાસ્તવમાં લવ બૉમ્બિંગ એક એવી વ્યૂહરચના છે, જેનો ઉપયોગ અજાગ્રતપણે કરવામાં આવે છે અને તે સ્વયંને પ્રેમ કરવાની વૃત્તિ તથા નીચા આત્મસન્માનનો તાર્કિક પ્રતિભાવ હોય છે. આવું પેન્સિલવેનિયા યુનિવર્સિટીનાં પ્રોફેસર ક્લેર સ્ટ્રટઝેનબર્ગના એક અભ્યાસનું તારણ છે.
પ્રોફેસર ક્લેરના જણાવ્યા મુજબ, પ્રેમના આ વધુ પડતા પ્રદર્શનના બદલામાં બૉમ્બર, તે પ્રિયકર, સુંદર અને વાંચ્છિત છે એ વાતનું સમર્થન ઇચ્છતો હોય છે. નાર્સિસસની કથાની જેમ, બૉમ્બર તેના પાર્ટનરની એવી આશાએ પ્રશંસા કરે છે કે તેનો પાર્ટનર પણ તેની લાગણીનો પડઘો પાડશે.
ડેનવર યુનિવર્સિટી ખાતે કાર્યરત મનોવિજ્ઞાની અને રોમૅન્ટિક રિલેશનશિપ્સ સંબંધી બાબતમાં નિષ્ણાત ચાર્લી હટિંગ્ટનના જણાવ્યા મુજબ, જીવનમાં બહુ ઓછી સ્વસ્થ રિલેશનશિપ ધરાવતા લોકો લવ બૉમ્બિંગનો શિકાર બને તેવી શક્યતા વધારે હોય છે.
તીવ્ર ચાહતનો ભ્રમ તેમને ખાસ કરીને શક્તિશાળી સંબંધની અનુભૂતિ કરાવે છે અને આ રીતે તેઓ ભાવનાત્મક ચાલાકીના શિકાર બને છે.
તમારી સાથે લવ બૉમ્બિંગ થઈ રહ્યું છે કે નહીં કેવી રીતે જાણશો?
તમે લવ બૉમ્બિંગનો અનુભવ કરી રહ્યા છો કે નહીં, તેના કોઈ દેખીતા સંકેત હોતા નથી. એક રિલેશનશિપમાં તે નિર્દોષ અને તંદુરસ્ત હોઈ શકે છે, જ્યારે બીજા કિસ્સામાં તે હાનિકારક અને સમસ્યારૂપ હોઈ શકે છે.
આખરે તો તમે કેટલા સાચા અને નિષ્ઠાવાન છો તેમજ તે કયા હેતુથી કરવામાં આવે છે તેના પર બધું નિર્ભર હોય છે. બીજાના વર્તનમાંથી તેનો તાગ મેળવવાનું લગભગ અશક્ય છે.
અલબત્ત, તમારા પાર્ટનર તરફથી મળતા સ્નેહ તથા સદ્ભાવથી તમે અભિભૂત હો અને પ્રેમમાં આટલી ઉત્કટતા શક્ય નથી એવું માનતા હો તો તમારા પર લવ બૉમ્બિંગ કરવામાં આવી રહ્યું છે કે કેમ તે નીચે આપેલા સાત સંકેત પરથી સમજી શકો છો.
• હટિંગ્ટનના કહેવા મુજબ, “પ્રચુર ઉત્કટતાભર્યું, અધીરું વર્તન લવ બૉમ્બિંગનો સ્પષ્ટ સંકેત છે. પહેલા સપ્તાહમાં ગાઢ વિશ્વાસનો સંબંધ બંધાયો જ ન હોય ત્યાં “હું તને પ્રેમ કરું છું” એવું સાંભળવા મળે કે સાથે જીવવા-મરવાના કોલ આપવામાં આવે ત્યારે તેને ચેતવણીની ઘંટડી સમજવી જોઈએ.”
• મારે તો આખી જિંદગી તારી સાથે પસાર કરવી છે એવું કોઈ કહે ત્યારે એ સાંભળવું બહુ રોમૅન્ટિક લાગે, પરંતુ તે તમને તમારા પરિવાર તથા દોસ્તોથી વિખૂટા પાડવાનું પ્રથમ પગલું હોઈ શકે છે. લવ બૉમ્બર્સની આ બહુ અસરકારક વ્યૂહરચના છે. તમને એકલા પાડીને તમારા પર નિયંત્રણ મેળવવા તેનો ઉપયોગ તેઓ કરતા હોય છે. ઘણી ખુશામત સાંભળીને હૈયું ગદગદ થઈ જાય છે.
• તમે સૌથી સુંદર છો અથવા તમે એ જ વ્યક્તિ છો, જેને પામવાના સપનાં તેણે જોયાં છે, એવું કોઈ તમને કહે તો તે દેખાય છે તેટલું રોમૅન્ટિક નથી. તમે અભિભૂત થઈ જાઓ તેવી અતિશયોક્તિપૂર્ણ પ્રશંસા પર ખાસ ધ્યાન આપવું.
• વધુ પડતી ભેટસોગાદો મળવાને કારણે તમને એવી લાગણી થાય કે તમારે તેના બદલો કોઈક રીતે ચૂકવવો પડશે તો તે તમને સંબંધમાં બાંધવાની એક તરકીબ હોઈ શકે છે.
• લવ બૉમ્બર્સ માટે વધારે પડતી વાતચીત કરવી બહુ જરૂરી હોય છે. દાખલા તરીકે, ફોન કૉલ્સ અને ચેટ્સ દ્વારા તેઓ આખો દિવસ પાર્ટનર સાથે વાત કરતા રહે છે. અને “મને તારી દરકાર છે” એવા શબ્દો કહીને તેઓ પણ તમારી પાસેથી આવી જ આશા રાખતા હોય છે.
• ઇર્ષ્યા અને તમારી વફાદારી પ્રત્યેના અવિશ્વાસ દ્વારા લવ બૉમ્બર્સ તેમનો “ઉત્કટ પ્રેમ” દર્શાવવા તેમજ તમે દોષિત છો તેવો અહેસાસ કરાવવા ઇચ્છતા હોય છે.
• તમારો પાર્ટનર વિશ્વનાં સૌથી પ્રેમાળ પુરુષ કે સ્ત્રી હોવાનો દેખાડો બંધ કરી દે અને તમારી સાથે શુષ્ક તથા ઉદાસીન વર્તન કરવા લાગે તો તે તમારી સાથે ભાવનાત્મક ચાલાકી કરી રહ્યો હોય કે કરી રહી હોય તે શક્ય છે.
અલબત્ત, હટિંગ્ટન ભારપૂર્વક જણાવે છે કે આપણે વધુ પડતા શંકાશીલ બનવાનું ટાળવું જોઈએ. “આપણામાંથી ઘણા લોકો આવી રીતે મેનીપ્યુલેટ થયા વિના જિંદગી જીવી શકશે.”
તેમ છતાં થોડું સાવધ રહેવું જરૂરી તો છે જ.














