You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિયાળાના દિવસો સેક્સ લાઇફ અને મનોદશાને કેવી અસર કરે છે?
- લેેખક, ડેવિડ રોબસન
- પદ, બીબીસી ફ્યુચર
ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ ભલે પસાર થઈ ગયો હોય, પરંતુ શિયાળો પૂરો થવામાં વાર છે. રજાઓની ઉજવણીના ચમકારા પછી જાન્યુઆરી ઘણા લોકોને અંધકારભર્યો મહિનો લાગે છે.
તેમાં માત્ર આપણી લાગણીઓ પર જ પ્રભાવ નથી પડતો. પર્સપેક્ટિવ ઑન સાઇકૉલૉજિકલ સાયન્સ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત એક વૈજ્ઞાનિક અભ્યાસપત્રમાં ઋતુઓ આપણાં મગજને કેટલી રીતે પ્રભાવિત કરે છે તેની વિગત આપવામાં આવી છે. તેમાં આપણી જાતીય જરૂરિયાતથી માંડીને આપણી બુદ્ધિ તથા આપણી સામાજિક પ્રવૃત્તિ સુધીની બાબતોનો સમાવેશ થાય છે.
કૅનેડા ગીઝ અથવા કાળા રીંછ જેવા જીવો તેમના વર્તનને ઋતુ અનુસાર ઢાળે છે એ વાત સર્વસ્વીકૃત છે પરંતુ માનવ મનોવિજ્ઞાનમાં આ સુક્ષ્મ ભિન્નતા બાબતે ઘણી ઓછી ચર્ચા કરવામાં આવી છે. આપણી નિર્ણય લેવાની ક્ષમતા અને સુખાકારીને સમજવા માટે એ જરૂરી છે.
સંશોધકોનું ધ્યાન આકર્ષિત કરનાર કેટલાક સૌથી વધુ ઉલ્લેખનીય નિષ્કર્ષની વાત અહીં કરવામાં આવી છે.
મૂડ અથવા મનોદશા
શિયાળાની ઋતુના ડિપ્રેશન જેને ‘સિઝનલ અફેક્ટિવ ડિસૉર્ડર’ (સેડ) તરીકે ઓળખવામાં આવે છે તે હવે સર્વસ્વીકૃત છે. તેનાં લક્ષણોમાં ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી સતત ઉદાસી અથવા અસ્વસ્થતા, નિરાશા અને ગેરલાયક હોવાની ભાવના, ઊર્જામાં ઘટાડો, વધારે પડતો આહાર અને અતિશય ઊંઘનો સમાવેશ થાય છે.
ઘણા લોકોને ઉદાસીનતાનાં તમામ લક્ષણો ન હોવા છતાં ઉદાસીનો અનુભવ થઈ શકે છે. આ ખિન્નતા અનૌપચારિક રીતે “વિન્ટર બ્લૂઝ” તરીકે ઓળખાય છે. સંશોધન સૂચવે છે કે તે વ્યાપક છે.
ન્યૂયૉર્કના ઈથાકાની કૉર્નેલ યુનિવર્સિટીએ 2010ના દાયકાની શરૂઆતમાં 84 દેશોમાંથી 509 મિલિયન ટ્વીટ્સનું વિશ્લેષણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવસના પ્રકાશના કલાકોમાં ફેરફાર અને પોસ્ટની ભાવનાત્મક સામગ્રી વચ્ચે સહસબંધ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. જેમ જેમ દિવસો ટૂંકા થતા હતા તેમ તેમ વપરાશકર્તાઓ ઓછા હકારાત્મક શબ્દોનો ઉપયોગ કરતા હતા.
વિન્ટર બ્લૂઝ અને સેડનેસની ઘણી સંભવિત સ્પષ્ટતાઓ છે. એક લોકપ્રિય થિયરી એવી છે કે પ્રકાશનું ઘટતું સ્તર શરીરની જૈવિક ઘડિયાળમાં દખલ કરે છે.
(જે સર્કેડિયન રિધમ તરીકે ઓળખાય છે) તે ભાવનાત્મક પ્રક્રિયા સાથે સંકળાયેલા ન્યૂરોટ્રાન્સમિટર્સના તંદુરસ્ત નિયમનમાં વિક્ષેપ સર્જે છે. તે લાઇટ થૅરપીની પ્રેરણા બન્યું છે.
આ થૅરપીમાં ખાસ પ્રકારના લૅમ્પ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લાઇટ બૉડી ક્લૉકને પૂર્વવત કરવા સૂર્યપ્રકાશની આભા આપે છે. જોકે, 2019ના કોક્રેન સિસ્ટમૅટિક રિવ્યૂમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે નિવારક સારવાર તરીકે તેની અસરકારકતાના પુરાવા મર્યાદિત હતા.
હેલ્થ સાઇકૉલૉજિસ્ટ કારી લીબોવિટ્ઝનું તાજેતરનું સંશોધન સૂચવે છે કે આપણી માનસિકતા પણ તેમાં ભૂમિકા ભજવી શકે છે. ટ્રોમસો યુનિવર્સિટી ખાતે જોઆર વિટર્સો સાથે કામ કરતા લીબોવિટ્ઝે નૉર્વેના વિવિધ પ્રદેશોના, આ અભ્યાસમાં સહભાગી બનેલા લોકોને શિયાળા પ્રત્યેના તેમના વલણ વિશે સવાલ કર્યા હતા.
દાખલા તરીકે, “શિયાળો વર્ષનો સૌથી સુંદર સમય હોય છે, શિયાળાના મહિનાઓ દરમિયાનનો કૂણો તડકો મને બહુ ગમે છે” એવાં નિવેદનો સાથે તેઓ કેટલા સહમત છે એ કહેવાનું તેમને જણાવવામાં આવ્યું હતું.
લીબોવિટ્ઝ અને વિટર્સોએ જોયું કે જે લોકો આ નિવેદનો સાથે સહમત હતા તેઓ શિયાળાના મહિનાઓમાં જીવનમાં સંતોષના ઉચ્ચ સ્તર તથા વધારે હકારાત્મક લાગણી સાથે ઠંડી અને અંધારાનો વધુ સારી રીતે સામનો કરી શકતા હતા.
ઉદાસીનાં ગંભીર લક્ષણો ધરાવતા તમામ લોકો માટેનો ઈલાજ માનસિકતામાં બદલાવ નિશ્ચિત રીતે હોઈ શકે નહીં પરંતુ લીબોવિટ્ઝ સૂચવે છે કે આપણા પૈકીના ઘણા લોકો શિયાળાના કુદરતી સૌંદર્ય જેવી સકારાત્મક લાક્ષણિકતાને ધ્યાનમાં લેવાનું અને સ્વીકારવાનું શીખીને બ્લૂઝને હરાવી શકે છે.
માનસિકતા અન્ય ઘણી ઘટનાઓમાં ભૂમિકા ભજવી શકે છે એ આપણે જાણીએ છીએ. દાખલા તરીકે ગભરાટનો વિકાર ધરાવતા લોકો “આપત્તિજનક” અને પરિસ્થિતિમાંના સૌથી ભયાનક તથા નકારાત્મક તત્ત્વો પર ધ્યાન કેન્દ્રિત કરતી અન્ય પ્રકારની વિચારસરણી સાથે સંકળાય તેવી શક્યતા વધારે હોય છે.
કોગ્નેટિવ બીહેવિયરલ થૅરપીથી લોકોને પરિસ્થિતિનો વધુ સંતુલિત દૃષ્ટિકોણ લેવામાં મદદ મળી શકે છે અને તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્યમાં એકંદર સુધારો થાય છે. સેડ સામે ટોકિંગ થૅરપી ઉપયોગી થતી હોવાના કેટલાક પુરાવા પણ છે. વર્ષના સૌથી અંધકારમય મહિનામાં સમાન વ્યૂહરચના આપણી ભાવનાઓને બહેતર બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
સ્મૃતિ અને એકાગ્રતા
દિવસના પ્રકાશમાં ઘટાડા સાથે તમારી માનસિક ઉગ્રતા પણ ઘટતી હોવાનો અનુભવ તમને થયો હોય તો આવું અનુભવતા લોકોમાં તમે એકલા નથી.
નેધરલૅન્ડના રોટરડેમમાં ઈરાસ્મસ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સાને મૂલડિજક અને તેમના સાથીઓએ તાજેતરમાં 45 વર્ષ અને તેથી વધુ વયના 10,000 લોકોના વ્યાપક અભ્યાસમાંથી પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
તેમના ધ્યાનમાં આવ્યુ હતું કે શિયાળામાં જેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમનું ઉનાળાના મૂલ્યાંકન અભ્યાસની તુલનાએ શીખવાના, યાદશક્તિના અને એકાગ્રતાના માપદંડો સંદર્ભે પ્રદર્શન થોડું ખરાબ હતું.
આ મોસમી વિવિધતાનાં કારણો આપણે હજુ સુધી જાણતાં નથી.
નબળી જ્ઞાનાત્મક કામગીરી સામાન્ય રીતે લોકોની હતાશાની લાગણીનું પરિણામ હોઈ શકે છે. બ્લૂઝનો અનુભવ થતો હોય ત્યારે સ્પષ્ટ વિચારવું મુશ્કેલ બની જાય છે.
બીજી શક્યતા શિયાળામાં વિટામિન ડીની ઊણપને પ્રતિબિંબિત કરે છે. વિટામિન ડી મગજના સ્વાસ્થ્યમાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે.
આપણી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે.
આપણે ચોક્કસ ખોરાકમાંથી પોષકતત્ત્વો પણ પામી શકીએ છીએ, પરંતુ માત્ર આહારમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મેળવવું મુશ્કેલ છે.
ખાસ કરીને શિયાળાના ટૂંકા દિવસોમાં ઠંડાગાર પ્રદેશમાં સૌમ્ય હવામાનનો અર્થ એ થાય કે ત્યાંના લોકોએ વિટામિન ડી પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડે તે શક્ય છે.
સમાન સમયગાળામાં ડિમેન્શિયાની સમસ્યામાં વધારો શા માટે થાય છે તે સમજવામાં આ મિકેનિઝમની તપાસ કરવાથી વિજ્ઞાનીઓને મદદ મળી શકે છે.
શિયાળામાં માનસિક ઉગ્રતામાં થોડો ઘટાડો જ્ઞાનાત્મક ઘટાડાનાં લક્ષણોમાં વધારો કરી શકે છે.
સામાજિકતા અને જાતીયતા
આપણે “ગરમ” અને “ઠંડા” વર્તનને આપણા વર્ણનના રૂપક તરીકે જ ગણી શકીએ. પરંતુ નવા પુરાવા સૂચવે છે કે આ શબ્દો આસપાસના તાપમાન અને સામાજિક જોડાણ વચ્ચેના પ્રાચીન સંબંધને પ્રતિબિંબિત કરી શકે છે.
‘સોશિયલ થર્મોરેગ્યુલેશન’ના સિદ્ધાંત અનુસાર, આપણે અન્ય લોકોને ભૌતિક ઉષ્ણતા તથા સધિયારાનો સ્રોત ગણીને વિકાસ પામ્યા છીએ. આ રીતે આપણે એમ્પરર પૅંગ્વિન અને અન્ય ઘણા જીવો જેવા છીએ. જેઓ તેમના શરીરમાંની ઉષ્ણતા કુદરતી રીતે વહેંચવા માટે એકઠા થાય છે.
આ સિદ્ધાંત સાચો હોય તો નીચા તાપમાને આપણને વધુ સામાજિક જોડાણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
આ વાતની ચકાસણી કરવા ફ્રાન્સની યુનિવર્સિટી ગ્રેનોબલ આલ્પ્સમાં હેન્સ આઈજેઝર્મનની આગેવાની હેઠળની ટીમે તેમના અભ્યાસમાં ભાગ લેનાર લોકોને, સવાલો પૂછતી વખતે ઠંડા અથવા ગરમ પીણાં સાથે રાખવા જણાવ્યું હતું.
તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ગરમ પીણા પીનારા લોકોની તુલનામાં ઠંડા પીણા પીનારા લોકો તેમના નજીકના પ્રિયજનો વિશે વધુ વિચારે છે. સહભાગીઓ સ્થિર અને સહાયક સંબંધ ધરાવતા હતા. કેટલાક સહભાગીઓના સંદર્ભમાં આ હકીકતનો અસ્વીકાર કરી શકાય નહીં.
આ સંદર્ભે વધુ પુરાવા આપણી ફિલ્મો જોવાની આદતમાંથી મળે છે.
ઑનલાઇન મૂવી રેન્ટલના ડેટા દર્શાવે છે કે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે લોકો અન્ય જોનરની સરખામણીએ રોમૅન્ટિક ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે.
અનેક પ્રયોગોમાં આવું તારણ જોવા મળ્યું છે. હૈયાના તાર ઝંકૃત કરતી ફિલ્મો બહારની ઠંડીથી પ્રેરિત ભાવનાત્મક હૂંફ અને સ્નેહ માટેની આપણી ઝંખનાને દેખીતી રીતે સંતોષે છે.
આપણી જાતીય પ્રવૃત્તિ વધુ જટિલ ચક્રને અનુસરે છે.
અમેરિકાના પૅન્સિલવેનિયાની વિલાનોવા યુનિવર્સિટી અને ન્યૂજર્સીની રુટગર્સ યુનિવર્સિટીના એક અભ્યાસના તારણ અનુસાર, અમેરિકામાં ઠંડાગાર શિયાળાના મધ્ય ભાગમાં અને ઉનાળાના આરંભે ગૂગલ યૂઝર્સ પોર્નોગ્રાફી શોધતા હોય છે. તેઓ ડેટિંગ વેબસાઇટ શોધે એવી શક્યતા પણ હોય છે. ઘણાં પરિબળો સંકળાયેલાં હોઈ શકે છે, પરંતુ જામી ગયેલો શિયાળો વધુ માનવીય સંપર્કની આપણી ઇચ્છાને પ્રતિબિંબિત કરી શકે છે એવું અનુમાન વાજબી લાગે છે.
સમજૂતી ભલે ગમે તે હોય પણ આ ફેરફારની વાસ્તવિક જીવનમાં આરોગ્ય પર અસર અચૂક થતી હોય છે. વધુ અભ્યાસો દર્શાવે છે કે આ જ સમયગાળામાં જાતીય સંસર્ગ સંબંધી રોગમાં વધઘટ થાય છે.
બાયૉલૉજી અને કલ્ચરની જટિલ આંતરપ્રક્રિયાના પરિણામે માનવવર્તનમાં થતા ફેરફારોનો તાગ વિજ્ઞાનીઓ વધુ સંશોધન કરીને મેળવી શકે અને આ સંબંધે વધુ જ્ઞાન મેળવીને આપણે આપણાં પોતાના વર્તનમાંના ફેરફારોને વધુ સારી રીતે સમજી શકીએ.
વધુ સકારાત્મક માનસિકતા કેળવીને ભૂલી જવાની વિચિત્ર ક્ષણો માટે ખુદને માફ કરીને અને આપણી વધેલી સામાજિક જરૂરિયાતને સંતોષવા માટે વધુ નક્કર યોજનાઓ બનાવીને આપણે વિન્ટર બ્લૂઝને પરાજિત કરવાના અને નવા વર્ષનો મહત્તમ લાભ લેવાનાં પગલાં લઈ શકીએ.
(ડેવિડ રોબસન સાયન્સ રાઇટર છે. તેમણે ‘ધ ઍક્સપેક્ટેશન ઇફેક્ટઃ હાઉ યૉર માઇન્ડસેટ કેન ટ્રાન્સફૉર્મ યૉર લાઇફ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું પ્રકાશન બ્રિટનના કેનોનગેટ અને અમેરિકામાં હેનરી હોલ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્વિટર પર તેમનું સંપર્કસ્થાન @d_a_robson છે)