You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
27 જિંદગીઓ રાખ કરી દેનારા રાજકોટ ગેમ ઝોનના કાટમાળની સાથે વાતાવરણમાં ભળેલાં આક્રોશ અને આક્રંદ : ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, રોક્સી ગાગડેકર છારા અને તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
કાટમાળ, પોલીસ બંદોબસ્ત, ફાયરબ્રિગેડનાં વાહનો, ઍમ્બુલન્સનું સાઇરન, વાતવરણમાં ભળી ગયેલી બળેલા મૃતદેહોની ગંધ અને પોતાના સ્વજનોને શોધતાં લોકોનું રુદન. ફરી એક વખત કંઈક આવો જ માહોલ ગુજરાતમાં જોવા મળ્યો છે. આ વખતે આ દૃશ્યો મોરબીના ઝૂલતા પૂલ કે સુરતના તક્ષશિલા કૉમ્પ્લેક્સ કે વડોદરાનાં હરણી તળાવ પરનાં નહીં, પરંતુ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનાં છે. શનિવારે સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં 27 લોકોનાં જીવનદીપ ઓલવાઈ ગયાં.
સ્કૂલના વૅકેશનની મજા માણવા ગેમ ઝોનમાં પહોંચેલાં બાળકો સહિત ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં સ્વજનો પોતાના વહાલસોયાંના સમાચાર માટે રાજકોટ સિવિલના પ્રાંગણમાં રડમસ ચહેરે રાહ જોઈ રહ્યાં છે.
રાજકોટના કાલાવાડના પોશ વિસ્તાર આ ગેમ ઝોન બનાવવામાં આવ્યો હતો.
જેની એક તરફ વૈભવી ફ્લૅટ, બંગલો, બગીચો અને મુખ્ય માર્ગ તો બીજી તરફ રાજકોટની પ્રખ્યાત સયાજી હોટલ આવેલી છે.
આ વિસ્તારમાં આ ગેમ ઝોન છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહ્યો હતો. ગેમ ઝોનમાં આવનારા લોકો તેની સામે આવેલા ખુલ્લા પ્લૉટમાં પોતાનું વાહન પાર્ક કરીને મુખ્ય ગેટથી અંદર પ્રવેશતા.
ગેમ ઝોનમાં દરેક ગેમ રમવા માટેનો ચાર્જ અલગ અલગ લેવાતો.
ગેમ ઝોનમાં બૉલિંગ ઍલી, ગો કાર્ટિંગ જેવી રમતો રમવાનું બાળકોમાં સહજ આકર્ષણ રહેતું.
અંદર પ્રવેશતાં ઈંટ સિમેન્ટનાં પાયા પર લોખંડના સળિયા અને પતરાથી બનેલું બે માળનું એક સ્ટ્રકચર હતું, જેમાં વિવિધ ગેમ રમાતી હતી. તેની પાછળ ફૂડ ઝોન બનાવેલો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગેમ ઝોનમાં આમ તો પ્રવેશ માટે વધુ ફી વસૂલાતી, પરંતુ રજાના સમયમાં ખાસ સ્કીમ અંતર્ગત ફીના દર ઘટાડીને 99 રૂ. કરી દેવાયા હતા.
જે આ ઘટનામાં આગ લાગવાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાથી અચંબિત થનાર લોકોને મૂંઝવતા પ્રશ્નનો પણ જવાબ છે.
ફીના દરમાં ઘટાડાના કારણે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.
આ દુર્ઘટના બની તેની 30 મિનિટ પહેલાં જ આ ગેમ ઝોનમાંથી નીકળી ગયેલા ધ્રુવે બીબીસીને કહ્યું હતું કે તેઓ જ્યારે ગેમ ઝોનમાં હતા ત્યારે તેમણે જોયું હતું કે સ્ટીલ સ્ટ્રક્ચરની એક તરફ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જેના તણખા નીચે પડતા સહેલાઈથી જોઈ શકાતા હતા.
તેઓ કહે છે કે, “હું નીકળ્યો તેના અડધા કલાક બાદ મેં કાળો ધુમાડો જોયો, એ વાતથી મને ખાતરી થઈ ગઈ કે ત્યાં આગ લાગી ગઈ છે.”
'દીકરો પરિવારના અન્ય લોકોને બચાવવા ગયો, પણ પાછો જ ન ફર્યો'
આ ગેમ ઝોનની નજીક જ રહેતા સિદ્ધરાજભાઈના પરિવારના સાત લોકો આ ગેમ ઝોનમાં હતા, જેમાંથી ચાર લોકો હજુ લાપતા છે. તેમનો દીકરો પરિવારના અન્ય લોકોને બચાવવા માટે ઉપરના માળે ગયા બાદ પરત નથી ફર્યો.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે તેમની સાથે વાતચીત કરી હતી. આ ઘટના બની ત્યારે સિદ્ધરાજભાઈ આ ગેમ ઝોનની સામે જ રોડની પેલે પાર બેઠા હતા.
તેઓ કહે છે, “આગ લાગી પછી પંદરેક મિનિટમાં તો બધુંય બળીને ખાખ થઈ ગયું હતું એટલી ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. અમે ત્યાંથી 500 ફૂટ દૂર હતા પણ આગની જ્વાળાઓ સહન કરી શકાય તેમ ન હતી. મને ત્યારે ખ્યાલ પણ ન હતો કે મારા જ પરિવારના સભ્યો ગેમ ઝોનમાં છે.”
તેઓ કહે છે કે, “બે વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હતો અને કોઈને ખબર ન હોય તેમ કેવી રીતે બને. તંત્રમાં શું બધું લાગવગ અને ઓળખાણથી જ બધું ચાલે છે? આ ઘટનાને કારણે કેટલાય પરિવારો સાફ થઈ ગયા. અમારા પરિવારમાં હવે એક દીકરી અને તેની માતા જ બચ્યાં છે. તેઓ કઈ રીતે તેમનું જીવન ચલાવશે?”
‘બળી ગયેલા કાટમાળ અને માનવદેહોની ગંધ’
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં યુવાનો અને બાળકો પણ છે. મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના તેમજ વડોદરા હરણી તળાવ દુર્ઘટનાની માફક આ ઘટનાની તપાસ માટે પણ સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે. સમિતિ ઘટનાનાં કારણો અને ગેમ સંચાલકોની કથિત બેદરકારી અંગે તપાસ કરશે.
રવિવારે વહેલી સવારે જ્યારે બીબીસી ગુજરાતીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃતદેહો કાઢીને ઍમ્બુલન્સમાં લઈ જવાઈ રહ્યા હતા.
આગમાં માનવદેહો ઓળખી ન શકાય એટલી હદે સળગી ચૂક્યા હતા. આ મૃતદેહોને ઍમ્બુલન્સ મારફતે રાજકોટ સિવિલ હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા.
પાણીના ફુવારાથી ઓલવાયેલી આગ અને તેમાં ભળી ગયેલી બળેલાં માનવશરીરોની ગંધ ભલાભલાનું કાળજુ કંપાવી દે એવી આભાસ કરાવતી હતી.
ઘટનાસ્થળ પર ફાયરબ્રિગેડનાં વાહનો, પોલીસ બંદોબસ્ત, મીડિયાના જમાવડા વચ્ચે લોકોની ભીડ જોવા મળી રહી હતી.
મોડી રાત્રે ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રવિવારે વહેલી સવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રાત્રે જ્યારે રેસ્ક્યૂ ટીમને લાગ્યું કે હવે અંદર કોઈ મૃતદેહ નહીં હોય તે તેમણે છ જેટલાં બુલડોઝરથી આગમાં ખાખ થઈ ગયેલા ગેમ ઝોનનો કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
થોડી-થોડી વારમાં ફાયરબ્રિગેડના જવાનો બુલડોઝરને રોકીને કાટમાળની નીચે ઘૂસીને ફસાયેલા માનવદેહો શોધી રહ્યા હતા.
જોકે, આ કાટમાળમાં સ્ટીલની પાઇપ અને પતરા સિવાય બીજું કંઈ જ દેખાતું ન હતું અને કાટમાળ હઠાવ્યા બાદ માત્ર રાખ જ મળી રહી હતી.
વિટંબણા તો એ હતી કે સામાન્ય રીતે રવિવારના દિવસે જ્યારે આ ગેમ ઝોનમાં ભારે ભીડ લાગતી ત્યારે અહીં લોકોના મૃતદેહો અને કાટમાળ જોવા મળી રહ્યા હતા.
‘પહેલા માળેથી કૂદીને અમે જીવ બચાવ્યો’
દુર્ઘટના સમયે ઘટનાસ્થળે હાજર દક્ષ સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે વાતચીત કરી હતી.
દક્ષ તેમના 10 વર્ષના પિતરાઈ સાથે ગેમ ઝોનમાં બૉલિંગ રમવા માટે ગયા હતા.
તેઓ જણાવે છે કે, “અમે હજુ ત્યાં પહોંચીને બૉલિંગ રમવાનું શરૂ જ કર્યું હતું ત્યાં અમને ખબર પડી કે નીચે આગ લાગી છે. ધુમાડો જોઇને લોકો આમતેમ ભાગવા લાગ્યા. ત્યારબાદ ટીઆરપીનો સ્ટાફ અમને ઇમર્જન્સી ઍક્ઝિટ તરફ લઈ ગયો હતો. પરંતુ જે લાકડામાં આગ લાગી હતી એ બરાબર ઇમર્જન્સી ઍક્ઝિટની નીચે જ હતું. આથી, તેમાંથી નીકળી શકાય તેમ ન હતું.”
દક્ષ કહે છે કે, “ત્યારબાદ ખૂણામાં એક પતરાવાળી આડશ હતી ત્યાં મેં પગ માર્યા અને પતરું વળી ગયું અને ત્યાંથી બહાર નીકળી શકાય તેવી જગ્યા થઈ. પહેલા માળેથી ત્રણેક લોકો અને મારા ભાઈને અમે કૂદી જવાનું કહ્યું અને હું પણ પછી કૂદી ગયો.”
ઇમર્જન્સી ઍક્ઝિટ તથા બહાર નીકળવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ચૂક્યો હતો અને લોકો આ રીતે કૂદીને પોતાનો જીવ બચાવી રહ્યા હતા. કેટલાક લોકો એ પણ ન કરી શક્યા અને તેમનો જીવ ગુમાવ્યો.
દક્ષના ભાઈને એક હાથમાં ફ્રેક્ચર તથા કપાળમાં ઇજા થઈ છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજકોટની સિવિલ હૉસ્પિટલ બહાર કેવો છે માહોલ?
રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં શનિવાર સાંજથી જ લોકોનો ધસારો જોવા મળ્યો હતો.
ગેમ ઝોનમાં ગયેલા અને ગુમ થયેલા લોકોના પરિવારજનોએ હૉસ્પિટલના પ્રાંગણમાં જ રાત પસાર કરી હતી.
રવિવારે સવારે પણ પોતાનાં સ્વજનોના મૃતદેહોની રાહ જોતા લોકો અહીં જ હતા.
રાજકોટની સિવિલ હૉસ્પિટલના દરવાજે ખાનગી સુરક્ષાકર્મીઓ (બાઉન્સર્સ) બેસાડવામાં આવ્યા છે.
ઓળખ ન થઈ શકે એવી સ્થિતિમાં મળેલા મૃતદેહોની સોંપણી સ્વજનોને કરવા માટે હૉસ્પિટલ તંત્રે રાહ જોતાં સ્વજનોનાં ડીએનએ ટેસ્ટ માટે સૅમ્પલ મેળવ્યા છે. સાથે જ મૃતદેહોનાં પંચનામાં માટે પણ પોલીસની એક ટુકડી તહેનાત કરી દેવાઈ છે.
સમય સાથે હૉસ્પિટલની બહાર એકઠાં થયેલાં સગાંની ભીડમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હતો.
અહીં હૉસ્પિટલમાં એવા પણ લોકો અમને મળ્યા જેમણે પોતાના સ્વજનોના વિરહમાં શનિવાર રાતથી ખોરાકનો એક દાણોય મોઢામાં મૂક્યો ન હતો.
અહીં રહેલા લોકોનો માત્ર એક જ હેતુ હતો, એ હતો ગુમ થયેલા પોતાના સ્વજનના સમાચાર મેળવવાનો.
હૉસ્પિટલમાંથી શું જવાબ મળી રહ્યો છે? એવો સવાલ પૂછતાં કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, “અમારા ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે 24 કલાકમાં તમને ફોન કરીને જાણ કરવામાં આવશે.”
કેટલાકે એવું પણ કહ્યું હતું કે, “ગેમ ઝોનમાં ગયેલા મારા સ્વજન સિવિલ હૉસ્પિટલમાં છે કે અન્ય કોઈ હૉસ્પિટલમાં તેનો અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળી રહ્યો. અમારા સ્વજન હૉસ્પિટલમાં છે કે નહીં? અને હોય તો એ કઈ અવસ્થામાં છે? આ સવાલ સતત અમને પજવી રહ્યા છે, પણ હૉસ્પિટલ કે અન્ય કોઈ સત્તાધીશ દ્વારા તેનો જવાબ નથી મળી રહ્યો.”
સિવિલ હૉસ્પિટલમાં કેટલાક વડીલો સતત રડતા જોવા મળ્યા હતા. તેમની સાથે આવેલા સંબંધીઓ ભીની આંખે તેમને સાંત્વના આપતા હતા.
બીજી તરફ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ ગુજરાત હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે સ્વયં સંજ્ઞાન (સુઓ-મોટો) લીધું હતું. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા પાસેથી આ પ્રકારના ગેમ ઝોનને કેવી રીતે મંજૂરી આપવામાં આવી હતી તે વિશે રિપોર્ટ માગ્યો હતો.
ઉપરાંત આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ગેમ ઝોનના સંચાલકો સહિતના છ લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304, 308, 337, 338 અને 114 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી.
આરોપીઓ પૈકી ગેમ ઝોનના સંચાલક યુવરાજ સોલંકી અને મૅનેજર નીતિન જૈનની ધરપકડ કરાઈ છે.
દુર્ઘટનાસ્થળ હોય કે રાજકોટ સિવિલ હૉસ્પિટલ, બંને સ્થળોની હવામાં સ્વજનોના મૃતદેહોની મેળવવાની અધીરાઈ સાથે ઊભેલા લોકોનાં આક્રંદથી વાતાવરણમાં છવાયેલી ગમગીનીમાં તેમનો તરફનો આક્રોશ પણ ભળ્યો છે. આ ગુસ્સો માનવ બેદરકારીથી સર્જાયેલી દુર્ઘટનામાં પોતાનાં સ્વજનો ગુમાવવાની સાથે સાથે આ દુર્ઘટના માટે જવાબદાર લોકો અને સરકારી અધિકારી તેમને ન્યાય મળશે કે નહીં તેની
જાણે પીડિત પરિવારજનોના ન્યાય માટેના આક્રંદ સહિત તંત્ર અને કથિત ગુનાહિત બેદરકારી સામે આક્રોશ ભળી ગયો હોય તેવો આભાસ થઈ રહ્યો હતો. જોકે, સમગ્ર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે રચેલી ખાસ તપાસ સમિતિ પીડિત પરિવારોને ન્યાય અપાવી શકશે કે કેમ એ જોવું રહ્યું.