You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી મુદ્દે નિવેદન આપ્યા બાદ ભાજપમાંથી હાંકી કઢાયેલા ઉસ્માન ગનીની ધરપકડ
રાજસ્થાનના જયપુરથી મોહરસિંહ મીણાના જણાવ્યા અનુસાર, ભાજપના બીકાનેરથી અલ્પસંખ્યક મોરચાના જિલ્લા અધ્યક્ષ ઉસ્માન ગનીની શનિવારે સવારે પોલીસે ધરપકડ કરી છે.
બીકાનેરના મુક્તાપ્રસાદ પોલીસ સ્ટેશનના પ્રભારી ધીરેન્દ્રસિંહે બીબીસી હિન્દીને કહ્યું કે "બે દિવસ પહેલાં તેમના ઘર પાસે પોલીસની ગાડી ગઈ હતી, ત્યારે તેઓ દિલ્હી હતા. શનિવારે પોલીસ સ્ટેશન આવ્યા અને બૅરિકેડિંગ કરી રહેલા પોલીસકર્મીઓ સાથે તકરાર કરી. બાદમાં ઉસ્માન ગનીની સીઆરપીસીની કલમ 151 (શાંતિભંગ) હેઠળ ધરપકડ કરાઈ છે."
જોકે તેમણે એ ન કહ્યું કે બે દિવસ પહેલાં પોલીસની ગાડી ઉસ્માનના ઘર પાસે કેમ ગઈ હતી.
ઉસ્માન ગની ભાજપના બીકાનેર જિલ્લાના અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ હતા. તેમણે ત્રણ દિવસ પહેલાં દિલ્હીમાં એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા હતા.
ઉસ્માન ગનીનું નિવેદન પ્રસારિત થયા બાદ ભાજપે પત્ર જાહેર કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ઉસ્માન ગનીએ કહ્યું હતું, "અમે ત્રણ-ચાર સીટ હારી રહ્યા છીએ."
મુસલમાનો વિશે બાંસવાડામાં આપેલા વડા પ્રધાન મોદીના નિવેદનને લઈને ઉસ્માને કહ્યું હતું, "મને તેમનું નિવેદન સારું નથી લાગ્યું. આ એકલા નરેન્દ્ર મોદીની પાર્ટી નથી, ભાજપ સાથે સેંકડો મુસલમાનો જોડાયેલા છે."
ઉસ્માન ગનીએ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું, "હું તેમને (નરેન્દ્ર મોદી) ઈમેલ કરવાનો છું કે આ રીતની વાહિયાત વાતો ન કરે તો સારું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્ટીમાંથી કાઢ્યા બાદ ઉસ્માન ગનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી, "ઉસૂલોં પે જહાં આંચ આયે ટકરાના ઝરૂરી હૈ, જો ઝિન્દા હો તો ફિર ઝિન્દા નઝર આના ઝરૂરી હૈ."
"મારું નિવેદનના આધારે પાર્ટીના જવાબદાર લોકોએ મને નોટિસ આપ્યા વિના, મારો પક્ષ સાંભળ્યા વિના છ વર્ષ માટે કાઢી નાખ્યો છે, કોઈ દુખ નથી, કોઈ અફસોસ નથી."
ભાજપે ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર-મધ્યના ઉમેદવાર જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024 માટેના ઉમેદવારોમાં વધુ એક નામ જાહેર કર્યું છે અને એ છે વકીલ ઉજ્જવલ નિકમનું.
ભાજપની પ્રેસ રિલીઝ અનુસાર, ઉજ્જવલ દેવરાવ નિકમને મુંબઈ ઉત્તર-મધ્યના ઉમેદવાર જાહેર કરાયા છે.
પાર્ટીએ વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કાપી છે. હજુ સુધી પૂનમ મહાજનને કોઈ અન્ય જગ્યાએથી ટિકિટ અપાઈ નથી.
ઉજ્જવલ નિકમ મુંબઈમાં 26/11માં થયેલા હુમલામાં સરકારી વકીલ હતા.
ચર્ચિત વકીલ ઉજ્જવલ નિકમ 1993ના સીરિયલ બૉમ્બબ્લાસ્ટ કેસમાં પણ તહોમત ટીમનો ભાગ હતા.
આ સિવાય તેઓ ગુલશનકુમાર હત્યાકાંડ પણ તહોમત ટીમમાં સામેલ હતા.
રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કેસ લડી ચૂકેલા ઉજ્જવલ નિકમ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં આવવાનો પ્રયાસ કરતા હતા.
ઉજ્જવલ નિકમ ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી છે.
ઉજ્જવલ નિકમે જલગાંવ જિલ્લા કોર્ટમાં એક વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમણે એ જ કોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું.
અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા શનિવારે ભાજપમાં જોડાશે. થોડાક દિવસો પહેલાં જ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં આપ્યાં હતાં. ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં બન્ને કેસરિયો ખેસ ધારણ કરશે.
કથીરિયા અને માલવિયા બંને એક સમયે પાટીદાર અનામત આંદોલનના ચહેરા હતા. બંને નેતાઓએ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. અલ્પેશ સુરતની વરાછા અને ધાર્મિક ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, લોકસભાની ચૂંટણી પહેલાં જ બન્નેએ રાજીનામાં આપી દેતાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પછી તેઓ પાર્ટીમાં સાવ નિષ્ક્રિય હતા અને તેથી તેઓ પાર્ટીમાં કોઈ કામ ન કરી શકવાને કારણે ગ્લાનિ અનુભવતા હતા. તેઓએ હવે સામાજિક પ્રવૃતીઓમાં ધ્યાન કેન્દ્રિત કરવા માગતા હોવાનું પણ જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઘણા નેતાઓ ભાજપ સાથે જોડાયા છે. કૉંગ્રેસમાંથી અર્જૂન મોઢવાડીયા અને અમરીશ ડેર જેવા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા હતા.
અમૃતપાલસિંહ પંજાબમાં ચૂંટણી લડશે
ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલસિંહ 2024ની લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે વિશે સતત અટકળો ચાલી રહી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, અમૃતપાલસિંહ પંજાબની ખડૂરસાહેબ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
અમૃતપાલ સિંહનાં માતા બલવિંદરકોરે આ વિશે જાહેરાત કરી હતી.
અમૃતપાલની ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ધરપકડ કરવામા આવી હતી. તેમની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) અંતર્ગત કેસ નોંધવામા આવ્યો હતો.
તેમના પર ઉગ્ર ભાષણો, ગુરુદ્વારામાં બેન્ચોને સળગાવવા અને અજનાલા પોલીસ સ્ટેશન સામે થયેલી હિંસામાં સામલે હોવાનો આરોપ લાગ્યો હતો.
અજનાલામાં અમૃતપાલ અને તેમના સાથીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો તે દરમિયાન હિંસા થઈ હતી. આ ઘટના પછી અમૃતપાલસિંહ વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ 16 મામલાઓ દાખલ કરવામા આવ્યા હતા.
અમૃતપાલસિંહ સહિત અન્ય નવ લોકો હાલમાં એનએસએ કાયદા હેઠળ આસામની દિબ્રૂગઢ જેલમાં બંધ છે.
રૂપાલાએ ક્ષત્રિય સમાજને શી વિનંતી કરી?
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન અંગે ફરીથી જાહેર મંચ પરથી મોદી વિરુદ્ધ ન જવા કરી વિનંતી.
તેમણે લોકોને સંબોધતાં કહ્યું, “મારે સમસ્ત રાજ્યના ક્ષત્રિય સમાજના આગેવાનોને એક વિનંતી કરવી છે. મેં એક ભૂલ કરી હતી અને તેની મેં જાહેરમાં માફી માંગી હતી. મેં સમાજની વચ્ચે જઈને માફી માંગી અને સમાજે મને તેનો પ્રતિસાદ પણ આપ્યો. પરંતુ મોદીસાહેબની સામે (વિરોધ) શા માટે? મારી ભૂલ છે અને મેં સ્વીકારી છે, પરંતુ મારી ભૂલને કારણે ક્ષત્રિય સમાજને મોદીસાહેબ સામે ઊભો કરી દેવો મને યોગ્ય નથી લાગતું.”
તેમણે ઉમેર્યું, “નરેન્દ્ર મોદી આજે વિશ્વના નેતા છે. હું ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરૂ છું કે આપ સૌ મોદીની સામેના આ આક્રોશ વિશે પુનર્વિચાર કરો. હું આ સભામાં દરેક લોકોને પ્રચંડ મતદાન કરવા માટે વિનંતી કરૂ છું.”
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપનાં પ્રદેશ પ્રમુખ અને નવસારીથી સંસદ સભ્ય સી.આર. પાટીલે પણ ફરી એક વાર ક્ષત્રિય સમાજને “મોટું મન રાખવા” અપીલ કરી હતી.
જોકે, ક્ષત્રિય સમાજ નમતું જોખવાના મૂડમાં નથી અને હવે તેણે ગુજરાતમાં 'ધર્મરથ'નું આયોજન કર્યું છે. રાજકોટથી ધર્મરથનું આયોજન કર્યા બાદ હવે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે તેઓ અન્ય જગ્યાએ પણ આ રથને લઈ જશે અને પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપની સામે મત આપવા લોકોને અપીલ કરશે.
ઓવૈસીએ અનુરાગ ઠાકુરને શો જવાબ આપ્યો?
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી સંસદ સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરને વળતો જવાબ આપ્યો છે.
ઓવૈસીએ કહ્યું, “તેમના (ભાજપના) એક મંત્રીએ હૈદરાબાદમાં આવીને કહ્યું કે ઔરંગઝેબનો ઓવૈસી સાથે સંબંધ છે. તેમના (ભાજપના) મંત્રીએ દિલ્હીમાં કહ્યું હતું કે દેશના ગદ્દારોને ગોળી મારો..”
“ઔરંગઝેબ સાથે મારે શું લેવા દેવા? બાબર સાથે મારે શું લેવા દેવા? બાદશાહો સાથે મારે શું લેવા દેવા?”
ઓવૈસીએ કહ્યું, “આ દેશ કોનો છે? સૌથી પહેલા અહીં કોણ આવ્યું? આદિવાસી લોકો અને પછી દ્રવિડ લોકો. ઉચ્ચ જાતીના જે લોકો છે તે આર્યો છે, તેઓ ક્યાંથી આવ્યા? ઇરાનથી આવ્યા, હાલમાં જે રશિયા છે ત્યાંથી આવ્યા.”
“આ દ્રવિડો અને આદિવાસીઓનો દેશ છે. તમે ક્યાંથી આવ્યા છો? આઝાદીની લડાઈમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કોઈ યોગદાન નથી.”
નોંધનીય છે કે અનુરાગ ઠાકુર ગત બુધવારે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે હૈદરાબાદ ગયા હતા. અનુરાગ ઠાકુરે ઓવૈસી પર નિશાનો સાધતાં ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.