'સિવિલ સર્વિસમાં વિકલાંગોની નિમણૂક' પર આઈએએસ અધિકારીના સવાલોથી ચર્ચા છેડાઈ

ઇમેજ સ્રોત, INSTAGRAM/SMITA_SABHARWAL1
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્ર કૅડરનાં ટ્રેઇની આઈએએસ પૂજા ખેડકરનું નામ ગત દિવસોમાં અચાનક સમાચારોમાં ચમક્યું.
પુણે જિલ્લા હેડક્વાર્ટરમાં તાલીમ દરમિયાન પૂજા ખેડકરની “અયોગ્ય માગણીઓ અને અભદ્ર વ્યવહાર”ની વાતો બહાર આવી ત્યારે તેમની બદલી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં કરી દેવામાં આવી હતી.
આ બાબતે પૂજાએ જણાવ્યું હતું કે તેને આ વિશે કશું કહેવાની પરવાનગી નથી.
એ પછી સંઘ લોકસેવા આયોગ એટલે કે યુપીએસસીએ પૂજા સામે એફઆઈઆર નોંધાવી હતી અને સિવિલ સર્વિસિસ એક્ઝામ – 2022 માટે તેમની ઉમેદવારી રદ્દ કરવાની નોટિસ આપી હતી.
યુપીએસસીનું કહેવું છે કે તેણે મામલાની વ્યાપક તપાસ કરી છે અને તેમાં છેતરપિંડી થઈ હોવાની માહિતી તેમને મળી છે.
પૂજાએ વિકલાંગ ક્વૉટા (પીડબલ્યુબીડી-5) હેઠળ સિવિસ સર્વિસ પરીક્ષા – 2022 પાસ કરી હતી અને તેમનું વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ શંકાના ઘેરામાં છે.
એ પછી સ્મિતા સભરવાલ નામનાં એક મહિલા આઈએએસ અધિકારીએ લખેલી પોસ્ટથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, TWITTER
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્મિતા સભરવાલ 2001ની બેચના તેલંગણા કૅડરનાં આઈએએસ અધિકારી છે.
વિકલાંગ વ્યક્તિઓ અને સિવિલ સર્વિસ બાબતે સ્મિતાએ 21 જુલાઈએ એક પોસ્ટ લખી હતી.
સ્મિતાએ લખ્યું હતું, “વિકલાંગો પ્રત્યે સંપૂર્ણ આદર સાથે, કોઈ ઍરલાઇન એક વિકલાંગ પાઇલટને નોકરી પર રાખી શકે? તમે એક વિકલાંગ સર્જન પર ભરોસો કરશો?”
“આઈએએસ, આઈપીએસ, આઈએફઓએસ જેવી સેવાઓમાં ફિલ્ડ-વર્ક, કલાકો સુધી કામ કરવાનું હોય છે, લોકોના ફરિયાદોને પ્રત્યક્ષ સાંભળવાની છે. એ માટે શારીરિક ફિટનેસ જરૂરી હોય છે. આ પ્રીમિયર સર્વિસ ક્વૉટા (વિકલાંગતા ક્વૉટા)ની જરૂર શા માટે છે?”
આ પોસ્ટ બાદ સ્મિતાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
22 જુલાઈએ સ્મિતા સભરવાલે વધુ એક પોસ્ટ લખી હતી.
તેમણે લખ્યું હતું, “મારી ટાઇમલાઇન પર ઘણો આક્રોશ જોવા મળ્યો. મને લાગે છે કે દેખીતી સમસ્યા વિશે વાત કરવાથી આવો જ પ્રતિભાવ મળે છે.”
“હું વિકલાંગ અધિકાર કાર્યકરોને તેની તપાસ કરાવવાની વિનંતી પણ કરું છું કે આ ક્વૉટા હજુ સુધી આઈપીએસ, આઈએફઓએસ કે સંરક્ષણ જેવાં ક્ષેત્રમાં કેમ લાગુ પાડવામાં આવ્યો નથી. મારું કહેવું એમ છે કે આઈએએસ અલગ નથી.”
સ્મિતા સભરવાલે આખરે લખ્યું હતું, “એક સર્વસમાવેશક સમાજમાં રહેવું એક સપનું છે, જે આપણે બધા માનીએ છીએ. મારા મનમાં અસંવેદનશીલતાને કોઈ સ્થાન નથી. જય હિન્દ.”
‘સ્મિતા સભરવાલની વાતો અપમાનજનક અને નિરાધાર છે’
નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑફ ઍમ્પ્લૉઇમૅન્ટ ફૉર ડિસેબલ્ડ પીપલ સંસ્થાના કાર્યકારી નિદેશક અરમાન અલીએ આઈએએસ સ્મિતા સભરવાલની ટિપ્પણીને ભેદભાવપૂર્ણ અને વિકલાંગો પ્રત્યેનું અજ્ઞાન ગણાવી હતી.
અરમાન અલીએ કહ્યું હતું, “વિકલાંગોની સરખામણી ઍરલાઇન પાઇલટો કે સર્જનો સાથે કરવી અને એવું કહેવું કે તેઓ કેટલાંક કામ માટે અયોગ્ય છે તે અપમાનજનક તથા નિરાધાર છે. વિકલાંગોને તક મળે તો તેઓ બહેતર કામ કરી શકે છે. વિકલાંગ ડૉ. સતેન્દ્રસિંહ તેનું જીવંત ઉદાહરણ છે.”
અરમાને કહ્યું હતું, “અખિલ ભારતીય સેવાઓ માટે શારીરિક ફિટનેસ જરૂરી હોય છે અને આ રીતે વિકલાંગ વ્યક્તિઓને તેમાંથી બાકાત રાખવામાં આવે છે, એવી દલીલનું મૂળ સક્ષમવાદી અને જૂની વિચારસરણીમાં છે. વિકલાંગતાનો અર્થ અસમર્થતા નથી.”
તેમણે ઉમેર્યું હતું, “આઈએએસમાં વિકલાંગ વ્યક્તિઓ ન હોવી જોઈએ, આ પ્રકારનું સૂચન કરવું અજ્ઞાનપૂર્ણ જ નહીં, પરંતુ વાંધાજનક પણ છે. આઈએએસમાં વિકલાંગ વ્યક્તિ અલગ દૃષ્ટિકોણ અને અનુભવ લાવે છે, જે નિર્ણય લેવા અને નીતિઓને આગળ વધારવામાં સહાયક થાય છે. ભારત 10 કરોડ વિકલાંગ વ્યક્તિનું ઘર છે.”
મુકેશ પવાર દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે.
તેમના સંશોધનનો વિષય ‘હિન્દી સિનેમા મૈં વિકલાંગ વિમર્શ 1982-2020’ છે. તેઓ પોતે પણ વિકલાંગ છે.
મુકેશનું કહેવું છે કે આઈએએસ સ્મિતા સભરવાલની વાતો અને દલીલો પૂર્વગ્રહયુક્ત છે.
તેમણે કહ્યું હતું, “સિવિસ સર્વિસની કુલ 24 સેવામાંથી સાતથી આઠ સેવામાં વિકલાંગોને સ્થાન આપવામાં આવતું નથી. તેમાં મુખ્યત્વે આઈપીએસ અને આઈઆરપીએફએસ જેવી સેવાઓ સામેલ છે. ફીલ્ડવર્કની વાત છે તો તમે પહેલાંથી જ એવું કેમ માની લો છો કે આઈએએસ અધિકારી એકલો ફીલ્ડમાં જશે. આઈએએસ અધિકારી વિકલાંગ હોય કે ન હોય, તેની સાથે અન્ય અધિકારીઓ અને સહાયક તો હોય જ છે. કોઈ વિકલાંગ હશે તો તે વ્હીલચૅર સાથે જશે અને નેત્રહીન છે તો સ્ટિક સાથે જશે.”
“દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016માં એવી જોગવાઈ છે કે કોઈ વિકલાંગ વ્યક્તિ ક્યાંય નોકરી કરતી હોય તો તેને અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી સરકારની છે. તો સરકારે પોતાનું કામ કરવું જોઈએ. તેથી સ્મિતા સભરવાલની વાતો નિરાધાર છે.”
સંરક્ષણ અને આઈપીએસ જેવી સેવાઓમાં વિકલાંગ ક્વૉટા નથીઃ સ્મિતા

ઇમેજ સ્રોત, @SmitaSabharwal
સંરક્ષણમાં વિકલાંગ લોકોના મુદ્દે અરમાન અલીએ જણાવ્યું હતું કે દરેક નોકરીમાં પડકાર હોય છે અને તેના પર અંકુશ મેળવવો એ વિકલાંગ વ્યક્તિઓ માટે કોઈ નવી વાત નથી.
અરમાને કહ્યું હતું, “આઈએએસ અધિકારીએ મેજર જનરલ (નિવૃત્ત) ઈયાન કાર્ડોઝો વિશે જાણવું જોઈએ. તેઓ 1971નું યુદ્ધ લડ્યા હતા અને તેઓ વિકલાંગ પણ છે. તેઓ ભારતીય સૈન્યના પહેલા વિકલાંગ અધિકારી હતા, જેમણે પહેલા એક બટાલિયન અને પછી એક બ્રિગેડને કમાન્ડ કરી હતી.”
તેમણે એમ પણ કહ્યું હતું, “ટાટા ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિદેશક કેઆરએસ જામવાલ અને જાણીતા ઑન્કૉલૉજિસ્ટ ડૉ. સુરેશ અડવાણી બન્ને વ્હીલચૅર પર છે. સંરક્ષણ સહિતનાં તમામ ક્ષેત્રમાં વિકલાંગ લોકોને એ તક મળવી જોઈએ, જેના તેઓ અધિકારી છે.”
મુકેશ પવારે જણાવ્યું હતું કે મેં વિકલાંગ લોકોને સંરક્ષણમાં પણ જોયા છે અને હું ઇચ્છું છું કે સ્મિતા સભરવાલ આવા વિકલાંગ લોકોને મળે.
તેમણે કહ્યું હતું, “ડિફેન્સમાં નોન-કૉમ્બેટ નામનું એક ક્ષેત્ર હોય છે. તેમાં વિકલાંગ લોકો ઑફિસવર્ક અને ટેકનિકલ કામ કરતા હોય છે. તેઓ સરહદે જઈને લડી ન શકે એ દેખીતી વાત છે. ભારતમાં અત્યારે પણ મહિલાઓને સરહદ પર તહેનાત કરવામાં આવતી નથી તો વિકલાંગોને એ નજરે શા માટે જોવામાં આવે છે.”
તેમણે ઉમેર્યું હતું, “વાસ્તવમાં સમાજમાં સમસ્યા એ છે કે વિકલાંગ વ્યક્તિએ ડગલે ને પગલે સાબિત કરવું પડે છે કે તે યોગ્ય છે. આ જ સમાજની સૌથી મોટી સમસ્યા છે. સમાજ તેના પૂર્વગ્રહોને આધારે નિયમો બનાવે છે અને વિકલાંગોને તક આપતો નથી.”
સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
સ્મિતા સભરવાલની પોસ્ટની ટીકા કરતાં શિવસેના (યુબીટીનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ તેને સંકુચિત વિચારસરણી અને સનદી અમલદારોનો વિશેષાધિકાર ગણાવી હતી.
પ્રિયંકાએ લખ્યું હતું, “આ બહુ જ દયનીય અને બહિષ્કારજનક દૃષ્ટિકોણ છે. અમલદારો તેમની મર્યાદિત વિચારસરણી અને વિશેષાધિકારો કેવી રીતે દર્શાવે છે તે જેવું રસપ્રદ છે.”
સ્મિતા સભરવાલે પ્રિયંકાને જવાબ આપતાં લખ્યું હતું, “મેડમ, સાદર લખું છું. શાસન સંબંધી પ્રાસંગિક મુદ્દાઓ વિશે અમલદારો વાત નહીં કરે તો કોણ બોલશે? મારા વિચાર અને મારો દૃષ્ટિકોણ 24 વર્ષની કારકિર્દીના અનુભવમાંથી આવ્યો છે. આ કોઈ મર્યાદિત અનુભવ નથી.”
“કૃપા કરીને આખી વાત વાંચો. મેં કહ્યું હતું કે બીજી સૅન્ટ્રલ સર્વિસની સરખામણીએ આઈએએસ (ઑલ ઇન્ડિયા સર્વિસિસ)ની જરૂરિયાતો અલગ છે. પ્રતિભાશાળી વિકલાંગોને નિશ્ચિત રીતે બહેતર તક મળી શકે છે.”
સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ કરુણા નાંદીએ લખ્યું હતું, “એક આઈએએસ અધિકારી વિકલાંગતા બાબતે મૂળભૂત રીતે આટલાં અજાણ છે તેનાથી આશ્ચર્ય થાય છે. મોટા ભાગની વિકલાંગતાની સહનશક્તિ કે બુદ્ધિમત્તા પર કોઈ અસર થતી નથી, પરંતુ આ ટ્વીટ દર્શાવે છે કે તેમને જ્ઞાન અને વૈવિધ્યની સખત જરૂર છે.”
કરુણા નંદીની પોસ્ટ બાબતે પણ સ્મિતા સભરવાલે પ્રતિભાવ આપ્યો હતો.
સ્મિતાએ લખ્યું હતું, “મૅડમ, મને આ નોકરી માટે મૂળભૂત રીતે શું જરૂરી છે તેની ખબર છે. અહીં મુદ્દો ફીલ્ડની નોકરી માટેની યોગ્યતાનો છે. ઉપરાંત હું માનું છું કે સરકારમાં ડેસ્કવર્ક કે થિંક-ટેન્ક જેવી અન્ય સેવાઓ વિકલાંગો માટે યોગ્ય છે.”
“મહેરબાની કરીને તત્કાળ નિષ્કર્ષ પર પહોંચશો નહીં. કાયદાકીય માળખું સમાનતાના અધિકારોની સંપૂર્ણ સલામતી માટે છે. તે નિર્વિવાદ છે.”
નિયમ શું કહે છે?
દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 હેઠળ કુલ 21 શ્રેણીઓની વિકલાંગતાને સ્વીકૃતિ આપવામાં આવી છે.
યુપીએસસી વિકલાંગતા સંબંધે આ અધિનિયમ મુજબ જ કામ કરે છે.
આ અધિનિયમમાં જણાવ્યા મુજબ, વિકલાંગ લોકો માટે પાંચ પ્રકારના વિકલાંગતા શ્રેણીમાં અનામત નક્કી કરવામાં આવી છે.
- દૃષ્ટિહીન કે આંખનું તેજ ઓછું હોય
- બિલકુલ સંભળાતું ન હોય, ઓછું સંભળાતું હોય કે સાંભળવામાં સમસ્યા હોય
- હલન-ચલનમાં અક્ષમ લોકો, ઍસિડ ઍટેક પીડિતો, ઠીંગણા કે જેમનો શારીરિક વિકાસ યોગ્ય રીતે ન થયો હોય
- ઑટિઝમ, બૌદ્ધિક વિકલાંગતા અને માનસિક બીમારી
- આ ચારેયમાંથી એકથી વધુ પ્રકારની વિકલાંગતા
આ આધારે યુપીએસસીમાં વિકલાંગ વ્યક્તિઓ માટે ચાર ટકા નોકરી અનામત હોય છે અને તે અનામતનો લાભ લેવા માટે ઓછામાં ઓછી 40 ટકા વિકલાંગતા હોવી જરૂરી છે.
જોકે, ભારતીય પોલીસ સેવા (આઈપીએસ), ભારતીય રેલવે સુરક્ષા બળ સેવા (આઈઆરપીએફએસ) અને દાનિપ્સ જેવી સેવાઓને આ અધિનિયમના વ્યાપમાંથી બાકાત રાખવામાં આવી છે.












