સુરતમાંથી ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી પકડાઈ, દક્ષિણ ગુજરાતમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવવાનો સામાન ક્યાંથી આવે છે

સુરત, ડ્રગ્સ, કારોબાર

ઇમેજ સ્રોત, @InfoGujarat

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું ઍન્ટિ ડ્રગ્સ કૅમ્પેન
    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરત પોલીસે સોમવારે મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરવાના એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં કથિત રીતે ભાજપ લઘુમતિ મોરચાના ઉપપ્રમુખનો પુત્ર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ કાર્યવાહીમાં 35 લાખ 49 હજાર રૂપિયાનું ડ્રગ્સ કબજે કર્યું હતું.

થોડા દિવસો પહેલાં ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે સુરત જિલ્લાના પલસાણામાંથી ડ્રગ્સ બનાવતી ફૅકટરી ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં પોલીસે 51 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

પોલીસે ચાર કિલો મેફેડ્રોન અને 31,409 કિલો લિક્વિડ મેફેડ્રોન પણ જપ્ત કર્યું છે. એમ.ડી ડ્રગ્સ બનાવવાની ફૅકટરી સાથે ઝડપાયેલા આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં વારંવાર મોટી માત્રામાં સિન્થેટિક ડ્રગ્સ ઝડપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પોલીસ અને અલગઅલગ એજન્સીઓએ ડ્રગ્સ બનાવતી લૅબોરેટરી અને ફૅક્ટરી ઝડપી પાડી હોય એ પ્રકારના અસંખ્ય કેસ છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં સામે આવ્યા છે.

જાણકારોના કહેવા પ્રમાણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે ડ્રગ્સ જપ્ત થઈ રહ્યું છે તે સાઇકૉટ્રોપીક ડ્રગ્સની શ્રેણીમાં આવે છે. આ પ્રકારનું ડ્રગ્સ સીધું મસ્તિષ્ક પર અસર કરે છે અને વ્યક્તિનાં મૂડ, વિચારો, સંવેદનાઓ, ચેતના અને વર્તનમાં ફેરફાર લાવે છે. આ પ્રકારનાં ડ્રગ્સને સાઇકૉ-ઍક્ટિવ પદાર્શ પણ કહેવામાં આવે છે.

તસવીર

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

ફૅક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન

વાપીમાં એનસીબીએ મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી

ઇમેજ સ્રોત, Press Information Bureau

ઇમેજ કૅપ્શન, વાપીમાં એનસીબીએ મેફેડ્રોન બનાવતી ફૅક્ટરી ઝડપી પાડી હતી

સુરતમાં ડ્રગ્સની જે ફૅક્ટરી ઝડપાઈ હતી તે માત્ર દોઢ મહિના પહેલાં જ શરૂ થઈ હતી. આરોપીઓએ મહિને 20 હજાર રૂપિયા ભાડેથી જગ્યા રાખીને ફૅક્ટરી શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છે તથા સુનિલ યાદવ કેમીકલ ટ્રેડીંગના ધંધા સાથે જોડાયેલ છે અને તેઓ ઓનલાઇન વીડીયો જોઇને મેફેડ્રોન બનાવવાનું શીખ્યા હતા.

માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. વાપી, અંકલેશ્વર અને ભરૂચમાં પણ આ પ્રકારની લૅબ અને ફૅકટરી પકડાઈ છે જે એ વાતની સાબિતી છે કે દક્ષિણ ગુજરાતમાં સિન્થેટિક અને સેમી-સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે.

જો આંકડાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. સાલ 2022માં ભરૂચ જિલ્લાના પાનોલીમાં બે અલગઅલગ ઑપરેશનમાં બે હજાર 407 કરોડ રૂપિયાનું મેફેડ્રોન કબજે કર્યું હતું. સાલ 2023માં વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસીમાં પણ 180 કરોડ રૂપિયાનું સિન્થેટિક કેમિકલ ઝડપી લેવામાં આવ્યું હતું.

મેફેડ્રોન ડ્રગ્સ

ઇમેજ સ્રોત, Christopher Elwell / Shutterstock

ઇમેજ કૅપ્શન, મેફેડ્રોન ડ્રગ્સ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શું દક્ષિણ ગુજરાત એ સિન્થેટિક અને સેમી-સિન્થેટિક ડ્રગ્સનું હબ બની રહ્યું છે?

ધ નારકૉટીક્સ કંટ્રોલ બ્યૂરો (વેસ્ટ ઝોન)ના ડિરેક્ટર રહી ચૂકેલા મનિષ ભલ્લા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, ''દક્ષિણ ગુજરાતમાં એવી ઘણી નાની ફૅક્ટરીઓ છે જ્યાં આજે સિન્થેટિક અને સેમી-સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવે છે.''

''સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરનાર સામાન્યતઃ નાની ફૅક્ટરીઓ છે જ્યાં ગેરકાયદેસર રીતે કેમિકલ લાવીને ડ્રગ્સ બનાવવામાં આવે છે. કેટલાંક કેમિકલો કે જેનો સાઇકૉલૉજીકલ ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગ થાય છે, તેનો ઉપયોગ નિયમોનું ઉલંધન કરીને પ્રતિબંધીત ડ્રગ્સ બનાવવાં માટે કરવામાં આવે છે.''

સાલ 2002માં વાપીની એક કંપનીમાંથી એનસીબીએ 2.5 ટન મેથાક્વુલોન (Methaqualone) પાવડર કબજે કર્યો હતો. તે વખતે આ સૌથી મોટી રેડ હતી. મનિષ ભલ્લા પણ એ ટીમમાં સામેલ હતા.

તેઓ કહે છે, ''અમને આ કંપનીને શોધવામાં છ મહીના કરતાં વધુ સમય લાગ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેમિકલની ઘણી નાની મોટી કંપનીઓ છે. દરેક કંપની શું ઉત્પાદન કરી રહી છે અને તેમના દ્વારા કેમિકલના જથ્થાનો કોઈ દુરુપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ કરવા માટે કોઈ એવી સિસ્ટમ નથી. જેથી આ પ્રકારની બદીને ડામી શકાઈ નથી.''

તો શું દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત સિન્થેટિક ડ્રગ્સનું હબ બની રહ્યું છે?

સુરતમાં સિન્થેટિક ડ્રગ્સ વધુ પ્રમાણમાં ઝડપાય છે આ વાતમાં હામી ભરતા ડીસીપી રાજદીપ નકુમ કહે છે, ''સુરતમાં ઝડપી પાડવામાં આવતા સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મોટાભાગે મુંબઈથી લાવવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી સુરતમાં પણ ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી અને લૅબોરેટરી ઝડપી પાડવામાં આવી છે. તેમની સંખ્યા પણ વધી છે.''

''આ પ્રકારનું ડ્રગ્સ બનાવવાં માટે સુરતમાં સહેલાઈથી કેમિકલ નથી મળતા પરંતુ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો જોઈ અમુક કેમિકલો મિક્સ કરી નશાકારક વસ્તુઓ બનાવતા હોય છે અને તેનું વેચાણ કરતા હોય છે.''

જ્યારે દક્ષિણ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું

  • સાલ 2022માં ભરૂચ જિલ્લામાં બે અલગઅલગ ઑપરેશનમાં બે હજાર 407 કરોડ રૂપિયાનું સિન્થેટિક ડ્રગ્સ કબજે કરાયું હતું. પાનોલી જીઆઇડીસીમાં એક ફેક્ટરીમાં એક હજાર 382 કરોડ રૂપિયાનું મેફેડ્રોન કબજો કર્યું હતું. ઍન્ટી નારકૉટિક્સ યુનિટ મુંબઈ દ્વારા આ જ વિસ્તારમાંથી વધુ 1024 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે કર્યું હતું.
  • નવેમ્બર 2011માં મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ડીઆરઆઈ ટીમોએ વાપી જીઆઈડીસીમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફૅકટરી ઝડપી પાડી હતી. ફૅક્ટરીમાં 121.7 કિલોગ્રામ પ્રવાહી મેફેડ્રોન કબજો લેવામાં આવ્યું હતું જેની બજાર કિંમત 180 કરોડ રૂપિયાથી વધારે હતીૉ
  • સાલ 2021માં વાપીમાં પ્રથમ વખત મેફેડ્રોન બનાવતી ફૅકટરી મળી આવી હતી. એનસીબીના અધિકારીઓએ લાંબા સમય સુધી કંપની પર નજર રાખી રહી હતી. રેડ દરમિયાન કંપનીમાંથી 4.5 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું સાથે 85 લાખ રૂપિયા રોકડા પણ કબજે કરવામાં આવ્યા હતા.
  • સાલ 2023માં સુરત પોલીસે મેફેડ્રોન ડ્રગ્સની ફૅક્ટરી માટેનો કાચો માલ રાજસ્થાનના પાલી જિલ્લાના પાટી ગામથી ઝડપી પાડ્યો હતો. આ ફૅક્ટરીમાં મેફેડ્રોન બનાવવાની યોજના હતી પરંતુ પોલીસે યોજના પર અમલ થાય તે અગાઉ કાર્યવાહી કરી હતી.

ક્યાંથી મળે છે કાચો માલ?

સિન્થેટિક ડ્રગ્સ રસાયણોમાંથી બને છે અને નફાની ટકાવારી ઘણી ઊંચી હોય છે

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, સિન્થેટિક ડ્રગ્સ રસાયણોમાંથી બને છે અને નફાની ટકાવારી ઘણી ઊંચી હોય છે

પોલીસ કાર્યવાહીમાં જેટલી પણ સિન્થેટિક ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી ઝડપાઇ છે તે મુખ્યત્વે મેફેડ્રોન બનાવતી હતી. પરંતુ માત્ર મેફેડ્રોન જ કેમ?

મનિષ ભલ્લા કહે છે, ''મેફેડ્રોન બનાવવાં માટે જે રસાયણો જોઈએ છે તેમાંથી મોટાભાગની દવાઓ બનાવવાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એવી અનેક કંપનીઓ છે જે આ પ્રકારનાં રસાયણોનું ઉત્પાદન કરે છે. જો કોઈ વ્યક્તિ મેફેડ્રોનનું ઉત્પાદન કરવાં માગે છે તેના માટે આ રસાયણો મેળવવાં અઘરાં નથી. બોગસ કંપની ઊભી કરીને તેઓ કેમિકલ મંગાવી શકે છે.''

''આ પ્રકારનાં ડ્રગ્સ માટે જે કાચો માલ જોઈએ છે તે ભરૂચથી લઇને વાપી સુધીમાં સરળતાથી મળી જાય છે. કંપનીની સંખ્યા પણ વધારે હોવાથી જો એક કંપની જોઈતા કેમિકલ નહીં આપે તો બીજી કોઈ કંપનીમાંથી મળી જાય છે.''

તેઓ વધુમાં જણાવે છે કે મેફેડ્રોનમાં નફાની ટકાવારી એટલી વધારે છે કે નાની કેમિકલ કંપનીઓ તેમાં મોકો જોઈને સામેલ થઈ જાય છે.

સુરત પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થનાર અજય તોમર પણ આ વાત સ્વીકારે છે.

તેઓ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "સમગ્ર ભારતની અંદર સૌથી વધુ કેમિકલ કંપનીઓ દક્ષિણ ગુજરાતમાં છે અને તેનો કેટલાક લોકો ગેરલાભ લેતા હોય છે જેના કારણે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. ચોરીછૂપે કામ થતું હોવા છતાં પોલીસે ઘણા ડ્રગ્સના કેસો ટ્રેસ કર્યા છે. જે મોટી ઉપલબ્ધિ છે."

ડ્રગ્સની માગ કેમ વધી?

સુરત સ્થિત નશા મુક્તિ કેન્દ્ર

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સુરત સ્થિત નશા મુક્તિ કેન્દ્ર

નિષ્ણાતોના મતે સુરત અને દક્ષિણ ગુજરાતમાં આટલાં મોટાં પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનું મુખ્ય કારણ છે તેની ડિમાન્ડ એટલે કે માગ.

બીબીસી સાથે વાત કરતા સુરત શહેરના નામાંકિત મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોકસી કહે છે, ''આજકાલ માત્ર યુવકો નહિ પણ યુવતીઓ પણ ડ્રગ્સ લે છે. આની પાછળનું સામાન્ય કારણ છે ઉંમર. એક ઉંમર હોય છે જેમાં યુવાનોને કંઈક નવું કરવાની તાલાવેલી હોય છે. તેમની અંદર વધારે આત્મવિશ્વાસ હોય છે.''

''તેમની આસપાસ કોઈ ડ્રગ્સ લેતું હોય તો દેખાદેખીમાં અથવા મિત્રોના દબાણમાં પણ ઘણી વખત યુવાનો આ નશાના આદિ બની જાય છે. સ્વાભાવિક છે કે જ્યારે માંગ હોય ત્યારે ઉત્પાદન પણ થવાનું. બીજું એક કારણ એ પણ છે કે ઘણા કિસ્સાઓમાં ડિપ્રેશન, ચિંતા સહિતના અન્ય માનસિક રોગો જે દેખાતા નથી તેનાથી પીડિત કામચલાઉ વ્યસન કરે છે પરંતુ ત્યારબાદ તે કાયમી નશા તરફ વળી જાય છે.''

આ વિશે વધુ જાણવા માટે અમે સુરત સ્થિત નશા મુક્તિ કેન્દ્રના નિયામક વિનય સોલંકીને મળ્યા. પોતાની વાતની શરુઆત કરતા તેઓ કહે છે, 'સુરતમાં ડ્રગ્સ સરળતાથી મળી જાય છે. હાલમાં જોવા જઈએ તો શહેરના કેટલાક વિસ્તારોમાં અથવા તો નદી કિનારાની સૂમસામ જગ્યા પર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે.'

''સુરતના યુવા વર્ગમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ડ્રગ્સનું વ્યસન વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને યુવાનો 30 વર્ષથી વધુની વયના યુવાનો દારૂનો નશો કરતા હોવાનું નોંધાયું છે તો 20 થી 25 વર્ષનું યુથ ડ્રગ્સ લેતા હોવાનું સામે આવ્યું છે. આવા યુવાઓની સારવાર કરવામાં સામાન્ય રીતે 21 દિવસ લાગી જતા હોય છે. જો વ્યક્તિ વધું પડતું ડ્રગ્સ લેતી હોય તો તેમને ફરીવાર સામાન્ય થતાં બે વર્ષ જેટલો સમય લાગી જાય છે.''

ડ્રગ્સની લતના કારણે 123 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના રિપોર્ટ મુજબ વર્ષ 2017 થી 2020 સુધીમાં ડ્રગ્સના વ્યસનને કારણે ગુજરાતમાં 123 લોકોનાં મૃત્યુ થયાં છે.

ડેટા પ્રમાણે સાલ 2017-20માં 2814 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મોટાભાગના મૃતકો 30-45 વયજૂથના છે. સાલ 2017માં 745 લોકોનાં વધુ પડતાં ડ્રગ્સના સેવનના કારણે મોત થયાં હતાં. સાલ 2018માં આ આંક 875 હતો. સાલ 2019માં 704 લોકોએ ડ્રગ્સને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કેન્દ્ર સરકારે દેશમાં 272 જિલ્લાઓની ઓળખ કરી છે, જ્યાં ડ્રગ્સના સેવનથી થતા નુકસાન વિશે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ જિલ્લાઓમાં નશા મુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

દેશમાં ડ્રગ્સના દૂષણને કારણે સૌથી વધુ મૃત્યુ વર્ષ 2018માં થયાં છે, જેમાં 875 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં સૌથી વધુ મૃત્યુ રાજસ્થાનમાં નોંધાયાં હતાં જ્યાં 153 લોકોએ જીવ ગુમાવ્યો.

જાણકારોનું કહેવું છે કે દેશના મોટા અને નાના શહેરોમાં સરહદી જાપ્તો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ કડક નિયંત્રણ વચ્ચે પણ રસ્તા શોધી પેડલરો ડ્રગ ઘુસાડવામાં ચોક્કસ સફળતા મેળવી રહ્યા છે તે આ આંકડા પરથી સાબિત થાય છે.

ચાર વર્ષમાં 9680 કરોડનું ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું

નૅશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડા અનુસાર ગુજરાતમાં નારકૉર્ટીક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકૉટ્રોપીક ઍક્ટ 1985 અંતર્ગત નોંધાયલા કેસની સંખ્યામાં છેલ્લાં ત્રણ વર્ષમાં સતત વધારો થયો છે. સાલ 2019માં 289 કેસ આ ઍક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા, જે સંખ્યા 2020માં 308 થઈ ગઈ. સાલ 2021માં આ ઍક્ટ હેઠળ ગુજરાતમાં 461 કેસ નોંધવામાં આવ્યા છે.

જો સુરતની વાત કરીએ તો સુરતમાં વર્ષ 2023માં વિવિધ પ્રકારના નશીલા પદાર્થોના 42 કેસોમાં 78 આરોપીઓને ઝડપી પાડી 17 કરોડ 59 લાખની કિંમતનું 381.695 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. સાલ 2024માં 25 કેસોમાં 60 આરોપીઓની ધરપકડ કરી બે કરોડ 49 લાખનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ મળવાં તેનાં વેચાણને લઈને વિપક્ષો અવારનવાર સવાલો ઉઠાવતા રહે છે ત્યારે ગુજરાત ડ્રગ્સના કારોબારનું કેન્દ્ર હોવાના વિપક્ષના દાવાને ફગાવતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યની તમામ પોલીસ અને એજન્સીઓ પડકારજનક પરિસ્થિતિમાં પણ ખડેપગે ફરજ બજાવીને ડ્રગ્સ પકડી રહી છે.

અમદાવાદ ખાતે "ઍન્ટી ડ્રગ્સ કૅમ્પેન"ની આયોજિત પત્રકાર પરિષદમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારે કરેલી કામગીરીની વિગતો આપી હતી. અહીં તેમણે એ આંકડો પણ આપ્યો હતો કે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં 87.90 ટન ડ્રગ્સ જપ્ત થયું છે જેની બજાર કિંમત નવ હજાર 680 કરોડ રૂપિયા છે.

તેમણે કહ્યું, "ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને દૂર કરવું છે. ગુજરાત ડ્રગ્સ પકડવામાં મોખરે છે કારણકે પોલીસે રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. માત્ર ઘૂસણખોરી જ નહીં પણ ગુજરાતના અમદાવાદ અને સુરત જેવાં મોટાં શહેરમાં પ્રવેશી ચૂકેલાં ડ્રગ્સને પકડવા માટે સ્થાનિક લેવલે અભિયાનો ચાલી રહ્યાં છે."

નશા મુક્તિ કેન્દ્ર દ્વારા પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં કેમ સિન્થેટિક ડ્રગ્સ પકડાઇ રહ્યું છે તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ કાર્યવાહી કરી રહી છે તેથી આટલાં પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.

(બીબીસી સંવાદદાતા ઋષિ બેનરજીના ઇનપુટ સાથે)