આદિપુરુષ : હનુમાનના ડાયલૉગ્સ અને ભાષાને લઈને વિવાદ છતાં 200 કરોડની કમાણી કેવી રીતે કરી?

ઇમેજ સ્રોત, @TSERIES
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
દુનિયાભરમાં આદિપુરુષ ફિલ્મથી બે દિવસમાં 240 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. ત્રીજા દિવસનો આંકડો હજુ સુધી આવ્યો નથી, પરંતુ જો બૉક્સઑફિસ પર ફિલ્મના પહેલા બે દિવસનો ટ્રૅન્ડ જળવાઈ રહ્યો તો ફિલ્મ સરળતાથી ત્રણ દિવસમાં ત્રણસો કરોડનો આંકડો પાર કરી લેશે.
આટલી કમાણી એવી સ્થિતિમાં થઈ છે જ્યારે ટીકાકારોએ ફિલ્મને સારા રેટિંગ નથી આપ્યાં અને તે સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ટ્રોલ થઈ રહી છે.
પહેલા બે દિવસની કમાણી પર નજર કરીએ તો આ બોલીવૂડ માટે એક નવો રેકૉર્ડ છે. બૉક્સઑફિસ પર બોલીવૂડની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘પઠાન’ની બે દિવસની કમાણી 127 કરોડ રૂપિયા હતી. જો આ આંકડાને જોઈએ તો આદિપુરુષ ઘણી આગળ છે.
દર્શકો દ્વારા થઈ રહેલી ટીકા અને ડાયલૉગની ભાષાને લઈને થયેલા વિવાદ છતાં લોકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા જઈ રહ્યા છે.
વધતા વિવાદ વચ્ચે રવિવારે ફિલ્મના નિર્માતાઓએ વિવાદાસ્પદ ડાયલૉગને ફિલ્મમાંથી હઠાવી, તેને બદલે નવો ડાયલૉગ સામેલ કરવાનો વાયદો કર્યો છે.

વિવાદાસ્પદ ડાયલૉગનો બચાવ

ઇમેજ સ્રોત, MANOJ MUNTASHIR
લોકોને સૌથી મોટો વાંધો લંકાદહન પહેલાં હનુમાનના પાત્રના ડાયલૉગને લઈને છે જેમાં તેઓ કહે છે કે, "કપડાં તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી."
ફિલ્મના અન્ય પણ કેટલાંક ડાયલૉગ ખૂબ ચર્ચામાં છે. એક દૃશ્યમાં એક રાક્ષસ હનુમાનને કહે છે, "તેરી બુઆ કા બગીચા હૈ કી હવા ખાને ચલા આયા..."
જ્યારે રાવણને અંગદ બોલાવે છે ત્યારે તે કહે છે કે, "રઘુપતિ રાઘવ રાજા રામ બોલ અને આજે જીવ બચાવી લે નહીં તો આજે ઊભો છે, કાલે આડો પડેલો મળીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મની આ પ્રકારની ભાષાને દર્શકો ‘અભદ્ર અને અપમાનજનક’ ગણાવે છે અને આ અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે.
આ વચ્ચે ફિલ્મના ડાયલૉગ લખનાર મનોજ મુંતશિરે પોતાનો બચાવ કર્યો છે.
રિપબ્લિક ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજ મુંતશિરે કહ્યું છે કે, "આપણા ત્યાં કથાવાચનની પરંપરા છે. રામાયણ એક એવી કથા છે, જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. આપણાં દાદી-નાની રામાયણની કથા આ જ ભાષામાં સંભળાવતાં હતાં. દેશના મોટા સંત અને કથાવાચક આ ડાયલૉગ આવી રીતે જ બોલે છે, જેવી રીતે મેં લખ્યા છે."
જ્યારે તેમને હનુમાનના પાત્ર માટે લખવામાં આવેલા ડાયલૉગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, "આ ભૂલ થઈ નથી, આ અમે જાણીજોઈને કર્યું છે. બજરંગબલી માટે લખાયેલા ડાયલૉગ ખૂબ સમજી-વિચારીને લખવામાં આવ્યા છે. એક ફિલ્મનાં તમામ પાત્રો એક જેવી જ ભાષા બોલી ન શકે."

ફિલ્મનો બચાવ

ઇમેજ સ્રોત, ANI
કેટલાક દર્શકોનો આરોપ છે કે આ ફિલ્મમાં રામાયણ અલગ પ્રકારે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ તેનો પણ બચાવ કર્યો છે.
સમાચાર ચેનલ આજ તકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મનોજ મુંતશિર કહે છે કે, "ફિલ્મનું નામ આદિપુરુષ છે. જ્યારે અમે આદિપુરુષ બનાવી રહ્યા છીએ, તો અમે રામાયણ બનાવી નથી, અમે રામાયણથી પ્રેરિત છીએ. માર્કેટિંગની સ્ટ્રેટેજી પ્રમાણે અમારી માટે ફિલ્મનું નામ રામાયણ રાખવું ખૂબ સરળ હતું."
જોકે ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં એબીપી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મનોજ મુંતશિરે કહ્યું હતું કે, "જે રામાયણ લોકોએ વાંચી, સાંભળી અને જોઈ છે એ જ ફિલ્મમાં છે."
એક સવાલના જવાબમાં મનોજ મુંતશિરે કહ્યું હતું કે, "“શું અમે ઑરિજનલ રામાયણથી અલગ છીએ, શું અમે તેને મૉર્ડનાઇઝ કરવાનો પ્રયાસ કર્યો છે, શું અમે કોઈ અલગ ટેક લીધો છે, તેનો સીધો જવાબ ના છે. જે લોકોએ વાંચી, સાંભળી અને જોઈ છે, આ એ જ રામાયણ છે, તે સિવાય કંઈ જ નથી."

વિરોધ છતાં રેકૉર્ડ કમાણી

ઇમેજ સ્રોત, T SEIRES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મના ડાયલૉગ લખનાર મનોજ મુંતશિર લોકોના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કોર્ટમાં પણ ફિલ્મ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.
ફિલ્મ જોઈને આવેલા ઘણા દર્શકોએ તેને દૂરદર્શન પર પ્રસારિત રામાયણ ધારાવાહિકથી ઓછી આંકવામાં આવી છે.
ફિલ્મ આદિપુરુષમાં ભારતની સૌથી ચર્ચિત કહાણી રામાયણને નવી રીતે થ્રીડી ટેકનિક સાથે ઘણી ભાષામાં રજૂ કરવામાં આવી છે.
ફિલ્મની ટીકા માત્ર તેના ડાયલૉગ સુધી જ સીમિત નથી, પરંતુ ઘણા લોકો તેના વીએફઍક્સ (વર્ચુઅલ ઇફેક્ટ્સ એટલે કે ટેકનિક દ્વારા રજૂ કરવામાં આવેલો વિશેષ પ્રભાવ)ની પણ ટીકા કરી રહ્યા છે.
આ ફિલ્મમાં બાહુબલીથી ચર્ચિત થયેલા દક્ષિણ ભારતના સ્ટાર અભિનેતા પ્રભાસ રાઘવ (રામ), કીર્તિ સેનન જાનકી (સીતા) અને સૈફ અલી ખાન લંકેશ (રાવણ)ની ભૂમિકામાં છે. તેનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને ટી-સિરીઝના ભૂષણકુમાર આ ફિલ્મના નિર્માતા છે. પાત્રના લુક અને પહેરવેશને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે.
જબરદસ્ત ટ્રોલિંગ, સખત ટીકા અને ખરાબ સમીક્ષાઓ છતાં પણ ફિલ્મના નિર્માતાઓને વિશ્વાસ છે કે ફિલ્મની બૉક્સઑફિસ પરની સફર આવી જ રહેશે.
ફિલ્મ નિર્માતા ટી-સીરીઝે કહ્યું છે કે ફિલ્મ એ પહેલા બે દિવસમાં દુનિયાભરમાં 240 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિર્માતા અનુસાર, ફિલ્મ એ પહેલા દિવસે 140 કરોડ રૂપિયા અને બીજા દિવસે 100 કરોડ રૂપિયા કમાયા છે. ફિલ્મ હિન્દી સિવાય તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવી છે.

ફિલ્મને લઈને રાજકારણ

ઇમેજ સ્રોત, T-SERIES
ફિલ્મને લઈને માત્ર વિવાદ દર્શકોના રાજકારણ સુધી સીમિત નથી, પરંતુ તેને લઈને રાજકીય નિવેદનબાજી પણ થઈ રહી છે.
આમ આદમી પાર્ટીએ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, "ભાજપે સસ્તી રાજનીતિ માટે આ ફિલ્મ રિલીઝ થવા દીધી છે."
સાથે દિલ્હી ભાજપના પ્રવક્તા શંકર કપૂરે કહ્યું છે કે, "જ્યાં સુધી ફિલ્મના વિવાદાસ્પદ ડાયલૉગ અને દૃશ્યની ફરીથી સમીક્ષા ન થઈ જાય, ત્યાં સુધી સેન્સર બોર્ડે આ ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવી દેવું જોઈએ."
છત્તીસગઢના મહેન્દ્રગઢ-ચિરમિરી-ભરતપુર જિલ્લામાં ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન પણ થયું છે અને ફિલ્મ પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લગાવવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુ સેના નામના એક સંગઠને દિલ્હી હાઈકોર્ટમાં અરજી આપીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ફિલ્મ ‘સનાતન ધર્મ વિરુદ્ધ એક ષડયંત્ર છે.’

આટલી કમાણી કેવી રીતે કરી રહી છે ફિલ્મ?

ઇમેજ સ્રોત, T-SERIES
આદિપુરુષ પહેલાં ફિલ્મ પઠાણને લઈને અનેક સ્તર પર વિવાદ થયો હતો અને ફિલ્મની સામે વિરોધપ્રદર્શન પણ થયાં છે.
પરંતુ પઠાણે બૉક્સ ઑફિસ પર કમાણીના બધા રેકૉર્ડ તોડી નાખ્યા અને દુનિયાભરમાં 1050 કરોડ રૂપિયાની કમાણીની સાથે ફિલ્મ અત્યાર સુધી સર્વાધિક કમણી કરનાર ફિલ્મ બની ગઈ છે.
આદિપુરુષ પણ વિવાદ છતાં બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે.
વિશ્લેષકોનું માનવું છે કે ફિલ્મને લોકોની જિજ્ઞાસાનો લાભ મળ્યો છે.
બીબીસીનાં સહયોગી પત્રકાર સુપ્રિયા સોગલે સાથે વાત કરતા ફિલ્મનિર્માતા ગિરીશ જૌહરે કહ્યું, “ફિલ્મને મળેલી નકારાત્મક પ્રતિક્રિયા તે સોશિયલ મીડિયા પર વધુ જોવા મળી છે. ઘણા લોકો ફિલ્મ જોયા પછી પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોની પ્રતિક્રિયાની અસર શરૂઆતના દિવસોમાં જોવા નહીં મળે. વર્ડ ઑફ માઉથ અથવા લોકોની પ્રતિક્રિયાની અસર પહેલાં અઠવાડિયા બાદ ફિલ્મની કમાણી પર થાય છે. જો આવી જ નકારાત્મતક પ્રતિક્રિયા આવતી રહી તો બની શકે કે આવનારા દિવસોમાં ફિલ્મની કમાણી પર અસર થાય."
સ્ટાર પાવર
ફિલ્મના બૉક્સ ઑફિસ પર સારા પ્રદર્શનનું કારણ જણાવતા ગિરીશ જૌહર કહે છે, "પ્રભાસ મોટા સ્ટાર છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં. તેમનો સ્ટાર પાવર પણ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. એ સિવાય ફિલ્મને લઈને લોકોમાં જિજ્ઞસા પેદા થઈ છે."
ગિરીશ જૌહર માને છે કે, "ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે તેઓ રામાયણનું પોતાનું વર્ઝન બતાવી રહ્યા છે. આ ફિલ્મને મોટા ખર્ચ પર બનાવવામાં આવી છે."
"લોકો જોવા માગે છે કે નવી ટેકનીક સાથે ફિલ્મમાં રામાયણને કેવી રીતે દર્શાવવામાં આવી છે."
ભગવાન રામ પ્રત્યે લોકોની આસ્થાને પણ ફિલ્મની કમાણીનું મોટી કારણ માનવમાં આવી રહી છે. ગિરીશ જૌહર કહે છે, “ભારતમાં ઘરેઘરે લોકોએ રામાયણ જોઈ છે. ઘણા સમય પછથી રામાયણ ફરીથી આવી છે. તેના કારણે લોકોમાં ફિલ્મને નવા સ્વરૂપમાં જોવાની ઉત્સુકતા પણ છે.”

ફિલ્મનું સંગીત હિટ

ઇમેજ સ્રોત, T-SERIES
ભારતમાં આ સમયે વેકેશન ચાલી રહ્યું છે અને લોકો પાસે ફિલ્મ જોવાનો સમય પણ છે. ગિરીશ જૌહર કહે છે કે લોકો રજાઓમાં પરિવાર સાથે ફિલ્મ જોવાનું પસંદ કરે છે.
વિશ્લેષકનું માનવું છે કે લોકો આ ફિલ્મ દ્વારા તેમનાં બાળકોને હિન્દુ ધર્મના મૂળ સાથે જોડવા માગે છે અને તેથી જ બાળકો સાથે લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે.
ગિરિશ જૌહર કહે છે કે, "પહેલાં દાદી-નાની પાસે કહાણી સાંભળતા હતા. પરંતુ હવે પરિવાર નાના છે. દરેક લોકો ઇચ્છે છે કે તેઓ કોઈ પણ રીતે તેમનાં બાળકોને આ કહાણી સંભળાવે, સંસ્કાર આપે."
ફિલ્મના સંગીતને પણ બૉક્સઑફિસ પર કમાણીનું કારણ માનવામાં આવે છે. ગિરીશ કહે છે કે, "ફિલ્મનું સંગીત પણ લોકોને પસંદ આવી રહ્યું છે. જય શ્રી રામનું ગીત લોકોને ખેંચી રહ્યું છે. આ ગીતના કારણે પણ લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે."
જોકે તેઓ એ પણ કહે છે કે, "નકારાત્મક રિવ્યૂ અને લોકોની પ્રતિક્રિયાઓની અસર ફિલ્મની કમાણી પર થઈ શકે છે" અને "આવનારા દિવસોમાં ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થઈ શકે છે. જો જનતાને એવું લાગે છે કે તેઓ 200-300ની ટિકિટ ખરીદી શકે છે, તો તેઓ જરૂર સિનેમા સુધી આવશે, પરંતુ જો લોકોને લાગ્યું કે ફિલ્મની ટિકિટ પૈસાનું પાણી છે, તો કમાણી ઓછી થવા લાગશે."
ગિરીશ કહે છે કે, "શનિવારે ઓછું કલેક્શન થયું હતું, પરંતુ રવિવારે પણ ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થાય તો તેનો સીધો અર્થ એ થશે કે ફિલ્મની કમાણી હવે ઓછી થશે."

'વિરોધને કારણે ચર્ચા'

ઇમેજ સ્રોત, ADIPURUSH
મોટાભાગના સમીક્ષકોએ આ ફિલ્મની ટીકા કરી છે. પરંતુ નિષ્ણાતો માને છ કે કેટલીક વખત સમીક્ષક જે દૃષ્ટિથી ફિલ્મ જુએ છે કે દર્શકો તેના કરતાં અલગ રીતે ફિલ્મને જોતા હોય છે.
ગિરીશ કહે છે કે, "કેટલીક વખત એવું થાય છે કે ફિલ્મ સમીક્ષકોને પસંદ પડે છે પરંતુ એવું પણ થતું હોય છે કે ફિલ્મ સમીક્ષકોને ન ગમે પણ જનતાને ખૂબ પસંદ પડે છે."
આ ફિલ્મને સમાચાર અને વિરોધને કારણે પબ્લિસિટી પણ મળે છે.
નિષ્ણાતોનું માનવું છે કે પબ્લિસિટીની અસર પણ ફિલ્મની કમાણી પર પડે છે.
ગિરીશ કહે છે કે, "પબ્લિસિટી નકારાત્મક હોય કે હકારાત્મક હોય, તેનાથી અસર પડે છે. લોકો જ્યારે ફિલ્મ વિશે વધારે સાંભળે ત્યારે તેને પરદા પર જોવા પણ ઇચ્છે છે."
જોકે બોલીવૂડ ફિલ્મ ઉદ્યોગથી જોડાયેલા એક ઇનસાઇડર ફિલ્મની કમાણીને લઈને સવાલ ઉઠાવે છે.
તેમનું નામ ન જાહેર કરતાં બીબીસીને કહ્યું કે ફિલ્મની શરૂઆતના દિવસોમાં કમાણી સારી બતાવવા માટે ફિલ્મનિર્માતાઓ અને વિતરકો પોતાની પૂરી તાકાત લગાડી દે છે.
તેઓ કહે છે, "આ ફિલ્મને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોઈ રહ્યા છે."
બીબીસીનાં સહયોગી પત્રકાર સુપ્રિયા સોગલે જ્યારે સિનેમા હૉલમાં ફિલ્મ જોવાં ગયાં તો ત્યાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ આવ્યાં હતાં.
વિવાદથી નુકસાન?
જોકે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે ફિલ્મની સાથે જોડાયેલા વિવાદને કારણે ફિલ્મને નુકસાન થશે.
આ ઇન્ડસ્ટ્રી ઇનસાઇડર કહે છે કે, "બે પ્રકારના વિવાદ હોય છે. એક જેમાં અભિનેતા અને નિર્માતા સાચા હોય છે જેમ કે પઠાણ ફિલ્મ સાથે થયું."
"ફિલ્મને વિવાદથી ફાયદો થયો હતો. બીજો વિવાદ એવો હોય છે કે જે ફિલ્મને લઈને થયો હોય છે. આ રીતના વિવાદ પછી દર્શકો ફિલ્મથી દૂર થઈ જાય છે."
"જૂની પેઢી જેમણે રામાયણ સિરિયલ જોઈ છે, જો તેમના સુધી આ સંદેશ જશે કે ફિલ્મમાં દેવી-દેવતીઓની મજાક ઉડાડવામાં આવી છે તો કદાચ તેઓ ફિલ્મ જોવા ન જાય."
ત્યારે ફિલ્મ સમીક્ષક અને કારોબારના વિશ્લેષક તરણ આદર્શે ફિલ્મની સમીક્ષા કરી જેમાં તેમણે નકારાત્મક વાતો કહી છે. તેમણે ફિલ્મને માત્ર દોઢ સ્ટાર આપ્યો છે.
પરંતુ તરણ આદર્શ પણ માને છે કે ફિલ્મની કમાણી સારી રહી છે.
ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શન પછી ટ્વીટ કરતા તરણ આદર્શે કહ્યું હતું કે, " ફિલ્મને મોટી શરૂઆત મળવાની જ હતી કારણ કે ફિલ્મને લીને બહુ પ્રચાર થયો અને તેની એડવાન્સ બુકિંગ પણ હતી."
"પણ આશા હતી, આદિપુરુષે પ્રથમ દિવસે શાનદાર શરૂઆત કરી અને ફિલ્મના હિંદી વર્ઝને ભારતમાં 37.5 કરોડ રૂપિયાનો વેપાર કર્યો."














