આદિપુરુષનાં ડાયલૉગ પર વિવાદની ઝપટે ચડી ગયેલા લેખક મનોજ મુંતશિર કોણ છે?

આદિપુરુષ

ઇમેજ સ્રોત, Adipurush film / manoj muntashir facebook

    • લેેખક, સુપ્રિયા સોગલે
    • પદ, મુંબઈથી બીબીસી માટે

‘આદિપુરુષ’ ફિલ્મ ગત શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ પ્રથમ દિવસે જ ફિલ્મે રેકૉર્ડતોડ કમાણી કર્યાના દાવા કર્યા છે.

પરંતુ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર આ આ ફિલ્મ લોકોના નિશાન પર આવી ગઈ છે.

ઘણા લોકો ફિલ્મનાં ડાયલૉગને લઈને આપત્તિ અને ગુસ્સો જાહેર કરી રહ્યા છે. આમાં તેમાં છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સહિત ઘણા રાજનેતા સામેલ છે.

લોકોની સૌથી વધુ આપત્તિ લંકાદહન પહેલાં હનુમાનના પાત્રના એ ડાયલૉગને લઈને છે જેમાં તેઓ કહે છે કે, “કપડાં તારા બાપના, તેલ તારા બાપનું, આગ પણ તારા બાપની અને બળતરા પણ તારા બાપની.”

ફિલ્મનાં અન્ય પણ કેટલાંક ડાયલૉગ ચર્ચામાં છે.

એક દૃશ્યમાં રાવણનો એક રાક્ષસ હનુમાનને કહે છે, “તારી ફોઈનો બગીચો છે કે હવા ખાવા આવી પહોચ્યો...”

તેમજ જ્યારે રાવણને અંગદ લલકારે છે ત્યારે કહે છે કે, “રઘુપતિ રાઘવ રાજા રામ બોલ અને આજે જીવ બચાવી લે નહીં તો આજે ઊભો છે, કાલે આડો પડેલો મળીશ...”

ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી આ પ્રકારની ભાષાને ‘અભદ્ર અને અપમાનજનક’ ગણાવતા દર્શકો પોતાની ફરિયાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, લોકોની નારાજગી જોતાં ફિલ્મનાં ડાયલૉગ લખનાર મનોજ મુંતશિરે તાજેતરમાં ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “ફિલ્મનાં અમુક ડાયલૉગ બદલાશે.”

અહીં નોંધનીય છે કે શરૂઆતમાં તેમણે ફિલ્મનાં ડાયલૉગને લઈને ‘પોતાનો ખુલાસો’ આપ્યો હતો. જેમાં તેમણે વિવાદ માટે ‘ફિલ્મને ટાર્ગેટ કરનારા કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા’ હતા.

લોકોની નારાજગી બાદ તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “મારા માટે તમારી ભાવનાઓથી આગળ કંઈ નથી. હું આ સંવાદોના પક્ષમાં અગણિત તર્કો મૂકી શકું છું, પરંતુ આવું કરવાથી તમારી પીડામાં ઘટાડો નહીં થાય. મેં અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકે નિર્ણય કર્યો છે કે તમારી લાગણી દુભાવનારાં અમુક ડાયલૉગોને અમે સંશોધિત કરીશું અને આ અઠવાડિયે જ ફિલ્મમાં આ સંવાદો સામેલ કરાશે. શ્રીરામ આપ સૌના પર કૃપા કરે!”

ફિલ્મનાં ડાયલૉગને લઈને અત્યારે વિવાદમાં આવેલા મનોજ મુંતશિરનો વિવાદો સાથે જૂનો સંબંધ છે એવું કહી શકાય. તેઓ આ અગાઉ પણ ઘણી વખત વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. આખરે કોણ છે આદિપુરુષના ડાયલૉગ રાઇટર મનોજ મુંતશિર? જાણો તેમની સંપૂર્ણ કહાણી.

એ પહેલાં જોઈએ આદિપુરુષનાં ડાયલૉગને કારણે સોશિયલ મીડિયા પર લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગ્રે લાઇન

સંવાદોની ટીકા

આદિપુરુષ

ઇમેજ સ્રોત, COMMUNIQUE PR

એક યૂઝરે ફિલ્મ આરઆરઆર સાથે સરખામણી કરતાં લખ્યું, “આરઆરઆરનું માત્ર અમુક મિનિટોનું દૃશ્ય પણ આદિપુરુષ ફિલ્મ કરતાં ઘણું બહેતર છે...”

તેમજ એક યૂઝરે લખ્યું, “મેં આદિપુરુષની ટિકિટ રદ કરાવી દીધી છે કારણ કે મારી દીકરી ખોટીને હું ખોટી રામાયણ નથી બતાવવા માગતી.”

રક્ષિતા નાગરે લખ્યું, “બોલીવૂડ, હવે ઘણું થયું.”

ગ્રે લાઇન

મનોજ મુંતશિરે અગાઉ શું કહ્યું હતું?

મનોજ મુંતશિર

ઇમેજ સ્રોત, MANOJ MUNTASHIR

એક તરફ લોકો લેખક મનોજ મુંતરશિરે લખેલાં સંવાદો પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ મનોજ મુંતશિરે અગાઉ અલગ અલગ મીડિયા ચેનલો પર પોતાની વાત મૂકી હતી.

મનોજ મુંતશિરે મર્યાદા પુરુષોત્તમ રામ અને સીતાનાં ડાયલૉગ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, “શું આ ડાયલૉગ આ ફિલ્મમાં નથી? અમુક લોકો ફિલ્મને પહેલા દિવસથી ટાર્ગેટ કરી રહ્યા છે. અમે ક્યારેય ફિલ્મને શુદ્ધતાના માપદંડોના આધારે સેલ નથી કરી. અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે એવી ફિલ્મ બનાવી રહ્યા છીએ જેમાં પ્રામાણિકપણે વાલ્મીકિએ લખેલી ભાષાનો ઉપયોગ કરાયો છે. જો મારે શુદ્ધતા સુનિશ્ચિત કરવાની હોત તો હું મારી ભૂલ માનું છું. કારણ કે તો મારે ફિલ્મ સંસ્કૃતમાં લખવી જોઈતી હતી અને એવી સ્થિતિમાં તો હું લખી પણ ન શક્યો હોત, કારણ કે મને સંસ્કૃત લખતા નથી આવડતું...”

ફિલ્મની પ્રથમ દિવસની 140 રૂપિયાની કમાણી બાદ મનોજ મુંતશિરે એક ટ્વીટમાં કહ્યું છે, “આભાર મારા દેશ! જય શ્રીરામ!”

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, પ્રોડક્શન કંપની ટી-સિરીઝે જણાવ્યું કે આદિપુરુષ હિંદીમાં બની ફિલ્મોની સરખામણીએ સમગ્ર દેશમાં ‘સૌથી વધુ કમાણી કરનારી’ ફિલ્મ બની ગઈ છે.

બીબીસી ગુજરાતી

આખરે ફેરવીને તોળ્યું હવે બદલાશે ફિલ્મના ડાયલૉગ

આદિપુરુષ મનોજ મુંતશિર શુક્લા બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Adipurush

ફિલ્મ આદિપુરુષમાં ડાયલૉગ લખનારા મનોજ મુંતશિરે શરૂઆતમાં ફિલ્મના ડાયલૉગ્સનો બચાવ કર્યા બાદ હવે ફેરવીને તોળ્યું છે. તેમણે એક ટ્વીટ મારફતે જાહેરાત કરી છે કે લોકોની નારાજગીને જોતાં ફિલ્મના કેટલાક ડાયલૉગ બદલવામાં આવશે.

સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મના ડાયલૉગ્સની નિંદા કરી રહ્યા છે. તેમનુ કહેવું છે કે, ફિલ્મના ડાયલૉગ્સમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે યોગ્ય નથી.

મનોજ મુંતશિરનું કહેવું છે કે લોકોની નારાજગીને ધ્યાનમાં રાખીને ડાયલૉગ્સ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે ટ્વીટમાં લખ્યું છે, “રામકથામાંથી જો કોઈ પહેલી શીખ લઈ શકે તો તે છે દરેકની ભાવનાનું સન્માન કરવું. સાચું કે ખોટું, સમય પ્રમાણે બદલાઈ જાય છે, ભાવના રહી જાય છે. મેં આદિપુરુષમાં ચાર હજારથી પણ વધુ પંક્તિઓના સંવાદ લખ્યા છે, પાંચ પંક્તિઓને કારણે લાગણીઓ દુભાઈ છે.”

“એ સેંકડો પંક્તિઓમાં જ્યાં શ્રી રામનું યશગાન કર્યું, મા સીતાના સતીત્વનું વર્ણન કર્યું, તેમના માટે પ્રશંસા પણ મળવી જોઈતી હતી, જે ખબર નહીં કેમ નથી મળી.”

“મારા જ ભાઈઓએ મારા માટે સોશિયલ મીડિયા પર અશોભનીય શબ્દો લખ્યા. એ જ મારા પોતાના, જેમની પૂજ્ય માતાઓ માટે મેં ટીવી પર અનેક વખત કવિતાઓ વાંચી, એમણે મારી જ માતાને અભદ્ર શબ્દોથી સંબોધિત કર્યાં.”

“હું વિચાતો રહ્યો, મતભેદ તો થઈ શકે છે, પરંતુ મારા ભાઈઓમાં અચાનક આટલી કડવાશ ક્યાંથી આવી ગઈ કે તેઓ શ્રી રામનું દર્શન ભૂલી ગયા જે દરેક માને પોતાની મા માનતા હતા. શબરીના ચરણોમાં એવી રીતે બેઠા, જાણે કૌશલ્યાના ચરણોમાં બેઠા હોય.”

“બની શકે કે, ત્રણ કલાકની ફિલ્મમાં મેં ત્રણ મિનિટમાં તમારી કલ્પનાથી અલગ લખી નાખ્યું હોય, પરંતુ તમે મારા મસ્તક પર સનાતન-દ્રોહી લખવામાં આટલી ઉતાવળ કેમ કરી, હું એ નથી સમજી શક્યો. શું તમે ‘જય શ્રી રામ’ ગીત નથી સાંભળ્યું, ‘શિવોહમ’ નથી સાંભળ્યું, ‘રામ સિયા રામ’ નથી સાંભળ્યું?”

“આદિપુરુષમાં સનાતનની આ સ્તુતિઓ પણ મારી જ કલમથી જન્મી છે. ‘તેરી મિટ્ટી’ અને ‘દેશ મેરે’ પણ મેં જ તો લખ્યાં છે. મને તમારાથી કોઈ ફરિયાદ નથી, તમે મારા પોતાના હતા, છો અને રહેશો. આપણે એકબીજાની વિરુદ્ધ ઊભા થઈ જઈશું તો સનાતન હારી જશે.”

“અમે આદિપુરુષ સનાતનની સેવા માટે બનાવી છે, જે તમે મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો અને મને વિશ્વાસ છે કે આગળ પણ જોશો.”

“આ પોસ્ટ કેમ?- કેમકે મારા માટે તમારી લાગણીઓથી વધારે કશું જ નથી. હું મારા લખેલા સંવાદોની તરફેણમાં અગણિત તર્ક આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી નહીં થાય. મેં અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકે નિર્ણય લીધો છે, કે એવા કેટલાક સંવાદો જે તમને દુઃખી કરી રહ્યા છે, તેમને બદલવામાં આવશે, અને આ સપ્તાહમાં જ એમને ફિલ્મમાં સમાવી લેવામાં આવશે. શ્રી રામ તમારા સહુ પર કૃપા કરે!”

મનોજ મુંતશિર આદિપુરુષ બીબીસી ગુજરાતી

મનોજ મુંતશિર અગાઉ પણ વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે

મનોજ મુંતશિર

ઇમેજ સ્રોત, MANOJ MUNTASHIR

વર્ષ 2021માં મનોજ મુંતશિરે સોશિયલ મીડિયા પર “તમે કોના વંશજ છો?” નામનો એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં દેશને ‘બ્રેનવૉશનો શિકાર’ ગણાવ્યા અને રસ્તાનાં નામ અકબર, હુમાયુ અને જહાંગીરનાં નામ પર રાખવાને લઈને સવાલ ઉઠાવ્યા.

તેમના આ વીડિયો પર આકરી પ્રતિક્રિયાઓ આવી જેમાં ઋચા ચડ્ઢા જેવા કલાકારોએ ‘નફરતનાં બીજ રોપવાના’ આરોપ લગાવ્યા.

મનોજ મુંતશિર પર અગાઉ સાહિત્યિક ચોરીના આરોપ પણ લાગી ચૂક્યા છે. અક્ષયકુમારની ફિલ્મ કેસરીનું ગીત “તેરી મિટ્ટી” પર આરોપ લાગ્યો હતો કે આ ગીત લોકગાયિકા ગીતા રબારીનું છે. સોશિયલ મીડિયા પર આને લઈને ચર્ચા પણ થઈ હતી.

મનોજે પુસ્તક લખ્યું ત્યારે પણ ‘સહિત્યિક ચોરી’નો આરોપ લાગ્યો. સાહિત્યિક ચોરીના આરોપોનું ખંડન કરતાં મનોજ મુંતશિરે એક વીડિયો જાહેર કર્યો જેમાં તેમણે જણાવ્યું કે તેમનું દરેક ક્રિએસન 100 ટકા ઑરિજિનલ નથી. તેમનું દરેક ગીત ક્યાંક ને ક્યાંકથી તો પ્રેરિત હોય જ છે.

મનોજ ફ્રમાણે રાષ્ટ્રવાદી હોવાના કારણે તેમના પર આક્રમણ કરાઈ રહ્યો છે.

તેમજ “તેરી મિટ્ટી” ગીત માટે ઍવૉર્ડ ન મળતાં તેમણે પોતાની નિરાશા પણ વ્યક્ત કરી હતી.

બીબીસી ગુજરાતી

કોણ છે મનોજ મુંતશિર?

મનોજ મુંતશિર

ઇમેજ સ્રોત, MANOJ MUNTASHIR

મનોજ મુંતશિર શુક્લાનો જન્મ ગૌરીગંજ, અમેઠી, ઉત્તર પ્રદેશમાં 27 ફેબ્રુઆરી 1976ના રોજ થયો હતો.

તેમનાં પિતા ખેડૂત અને માતા શિક્ષિકા હતાં. તેમનાં પત્ની નીલમ મુંતશિર પણ લેખિકા છે. તેમનો એક દીકરો પણ છે.

તેમનું અસલ નામ મનોજ શુક્લા છે અને મુંતશિર તેમનું પેન નામ છે. નાની ઉંમરથી જ તેમને કવિતા લખવાનો શોખ હતો.

મનોજે એક મીડિયા સંસ્થાન સાતેની વાતચીતમાં કહ્યું હતું કે સ્કૂલ દરમિયાન તેઓ પોતાના માટે તખલ્લુસની શોધમાં હતા. જ્યારે એક સાંજે તેઓ અમેઠીની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા એ સમયે તેમને ટી સ્ટૉલના રેડિયોમાં ગીત સાંભળ્યું “મુંતશિર હમ હૈ તો રુકસાર પર શબનમ ક્યોં હૈ, આઈને ટૂટતે રહતે હૈ તુમ્હે ગમ ક્યોં હૈ.”

મનોજ અનુસાર તેમને મુંતશિર નામ સાથે પ્રેમ થઈ ગયો અને એ તેમનું પેન નામ બની ગયું.

બાળપણથી જ કવિતાઓ લખતા મનોજને તેમના મિત્ર મુશાયરામાં લઈ ગયા અને ત્યાં તેમણે પોતાની કવિતાઓ વાંચી.

મનોજ મુંતશિર પ્રમાણે જ્યારે તેઓ માધ્યમિક ક7માં હતા ત્યારે મિર્ઝા ગાલિબનું પુસ્તક “દીવાન-એ-ગાલિબ”ના સંપર્કમાં આવ્યા. તેમને ઉર્દૂ નહોતી આવડતી તેથી તેમના માટે પુસ્તક વાંચવાનું અઘરું બની રહ્યું હતું. કવિતાઓ લખવા માટે તેમણે ઉર્દૂ શીખવાની હતી તેથી તેઓ ઘર પાસેની મસ્જિદેતી બે રૂપિયાનું ઉર્દૂ પુસ્તક લઈ આવ્યા.

મનોજ મુંતશિર પ્રમાણે અલાહાબાદ યુનિવર્સિટીથી ગ્રૅજ્યુએશન કર્યા બાદ તેઓ 1999માં મુંબઈ પહોંચી ગયા.

મનોજ જણાવે છે કે એ સમયે તેમના ખિસ્સામાં માત્ર 700 રૂપિયા હતા. જ્યારે તેમણે તેમના પિતા પાસેથી મુંબઈ જવા માટે 300 રૂપિયા માગ્યા તો તેમણે તેમને 700 રૂપિયા આપી દીધા. વધુ પૈસા પરત આવવાના ભાડા માટે હતા.

મુંબઈ આવતા પહેલાં તેઓ 1997માં અલાહાબાદ (હવે પ્રયાગરાજ)માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં 135 રૂપિયાના પગારે કામ કરતા હતા.

મુંબઈ આવી ગયા બાદ તેમણે અનૂપ જલોટા માટે ભજન લખ્યાં જેના માટે તેમને 3,000 રૂપિયા મળ્યા.

વર્ષ 2005માં તેમનું કામ જોઈને સ્ટાર ચેનલે તેમને કૌન બનેગા કરોડપતિ માટે ગીત લખવા કહ્યું અને આ સાથે તેમણે ટીવીના ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો.

ફિલ્મોમાં તેમણે વર્ષ 2005માં એક ફિલ્મનાં ચાર ગીત લખ્યાં.

તેમને ખ્યાતિ મળી વર્ષ 2014માં, જ્યારે તેમણે શ્રેયા ઘોષાલના ગઝલ આલબમ હમનશીનનાં ગીત લખ્યાં.

ફિલ્મ આદિપુરુષનાં ડાયલૉગને લઈને મનોજ મુંતશિર નિશાન પર હતા

ઇમેજ સ્રોત, COMMUNIQUE PR

ઇમેજ કૅપ્શન, ફિલ્મ આદિપુરુષનાં ડાયલૉગને લઈને મનોજ મુંતશિર નિશાન પર હતા

વર્ષ 2014માં આવેલી ફિલ્મ વિલેનનું ગીત “ગલિયાં”એ તેમને વધુ સફળતા અપાવી. તેમને એ ગીત માટે ઘણા ઍવૉર્ડ પણ મળ્યા.

ગીતકાર તરીકે તેમણે મોટી ફિલ્મો માટે ગીત લખ્યાં, જેમાં બાહુબલી (હિંદી), પીકે, બેબી, કપૂર ઍન્ડ સન્સ, રુસ્તમ, એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી, કાબિલ, હાફ ગર્લફ્રેન્ડ, અય્યારી, કબીરસિંહ, રામસેતુ, મિશન મજનૂ અને વિક્રમ વેદા ફિલ્મ સામેલ છે.

મનોજ મુંતશિરનાં પૉપ્યુલર ગીતોમાં કબીરસિંહ ફિલ્મનું ગીત “કૈસે હુઆ”, કેસરી ફિલ્મનું ગીત “તેરી મિટ્ટી”, હાફ ગર્લફ્રેન્ડનું “ફિર ભી તુમકો ચાહુંગા”, રુસ્તમ ફિલ્મનું “તેરે સંગ યારા” સામેલ છે.

લેખક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત બાહુબલી પાર્ટ 1ની હિંદી પટકથા અને ડાયલૉગ લખવાથી થઈ.

વર્ષ 2019માં તેમનું પ્રથમ પુસ્તક ‘મેરી ફિતરત હૈ મસ્તાના’ પ્રકાશિત થઈ. વર્ષ 2022માં તેમને સાઇના ફિલ્મના ગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યું.

રેડ લાઇન
રેડ લાઇન