You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
11 મહિલા કામદાર 250 રૂપિયાની લૉટરીમાં 10 કરોડ જીત્યાં, ભાગ કઈ રીતે પાડશે?
- લેેખક, અશરફ પદન્ના
- પદ, રિપોર્ટર, ત્રિવેન્દ્રમ, કેરળ
જૂન મહિનામાં દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાંથી 11 સફાઈકામદારોએ લૉટરની ટિકિટ ખરીદવા માટે પૈસા ભેગા કર્યા હતા. ગયા સપ્તાહે તેમની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેમને ખબર પડી કે તેમણે 10 કરોડ રૂપિયાની લૉટરી લાગી છે.
કેરળના મલાપ્પુરમ જિલ્લાના પરપ્પનાન્ગડી નગરમાં આ મહિલાઓનું જૂથ બિન-જૈવિક કચરો ઘરેઘરેથી એકત્ર કરે છે. તેમને દરરોજ 250 રૂપિયા મળે છે.
ઘરદીઠ મહિને આપવામાં આવતી ચુકવણી અને ક્યારેક સ્થાનિક નગરપાલિકા દ્વારા તેમણે ભેગો કરેલો કચરો વેચવાથી થતી કમાણીથી તેમને જે પૈસા મળે છે એ પ્રતિદિન 250 રૂપિયા જેટલા થાય છે.
તેઓ કહે છે કે, આટલાં નાણાંથી તેમનું ગુજરાન ન ચાલી શકે. મોટા ભાગની મહિલાઓ પૈસા ઉછીના લે છે અથવા તેમનાં બાળકોના શિક્ષણ કે અન્ય ખર્ચાઓ માટે લોન લે છે.
એટલે ઘણી વાર તેઓ સાથે મળીને લૉટરીની ટિકિટ ખરીદે છે.
ભારતનાં ઘણાં રાજ્યોમાં લૉટરી ગેરકાનૂની છે પરંતુ કેરળ સરકાર ખુદ લૉટરીનો કાર્યક્રમ ચલાવે છે. જોકે રાજ્યમાં ખાનગી લૉટરી ચલાવવા પર રોક છે.
એમ. પી. રાધા મોટા ભાગે આ જૂથ માટે ટિકિટ ખરીદે છે. તેમણે કહ્યું, “એક વખત અમે 1000 રૂપિયા જીત્યા હતા અને બધા વચ્ચે વહેંચ્યા હતા.”
250 રૂપિયાની ટિકિટ
ગયા મહિને આ જૂથે મૉન્સૂન બમ્પર પ્રાઇઝ લૉટરી હેઠળ 250 રૂપિયાની ટિકિટ ખરીદવાનું નક્કી કર્યું. (બમ્પર પ્રાઇઝ લૉટરી મોટા ભાગે ખાસ પ્રસંગે જાહેર કરાય છે, જેમ કે તહેવારના સમયે)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુટ્ટીમલુ 71 વર્ષનાં છે. તેઓ કહે છે કે શરૂઆતમાં જ્યારે રાધા ટિકિટ માટે પૈસા ઉઘરાવી રહી હતી ત્યારે તેની પાસે પૂરતા પૈસા નહોતા.
તેમણે બીબીસીને કહ્યું, “પછી ચેરૂમન્નીલ બેબી (જૂથના અન્ય મહિલા)એ મને કહ્યું કે તેમની પાસે 25 રૂપિયા છે અને તેઓ એના અડધા પૈસા મને ટિકિટ માટે ઉધાર આપશે.”
એટલે બે મહિલાઓએ 12.5 રૂપિયાનો ફાળો આપ્યો જ્યારે 9 મહિલાઓએ દરેકે 25 રૂપિયા આપ્યા.
કુટ્ટીમલૂ કહે છે, “અમે બધાએ નક્કી કર્યું કે જો જીતીશું તો, બધું સરખા ભાગે જ વહેંચીશું. અમને અપેક્ષા નહોતી કે અમે આટલી મોટી રકમ જીતીશું.”
ડ્રૉ જાહેર થયાના એક દિવસ પછી મહિલાઓને ખબર પડી કે તેઓ લૉટરી જીત્યાં છે. આ મહિલામાંથી એકના પતિએ જ્યારે લૉટરીનું પરિણામ જોયું ત્યારે તેમને ખબર પડી.
રાધા કહે છે, “આ ચોથી વખત અમે બમ્પર પ્રાઇઝની ટિકિટ ખરીદી હતી.”
‘પૂરમાં ઘર તણાયું, હવે નવું ઘર બાંધવાની ઇચ્છા’
62 વર્ષીય ચેરૂમન્નીલ બેબી કહે છે કે તેમને વિશ્વાસ નથી થતો કે તેમણે જેકપોટ જીત્યો છે.
તેઓ કહે છે, “મારું નસીબ ક્યારેય ચમક્યું નહોતું.” તેમનું ઘર 2018માં કેરળમાં આવેલા વિનાશક પૂરમાં તણાઈ ગયું હતું. હવે તેઓ નવું ઘર બાંધવાનું આયોજન કરે છે અને દેવું ચૂકતે કરવા માગે છે.
મહિલા સફાઈકામદારોના જૂથમાં અન્ય મહિલાઓની પણ આવી જ કહાણી છે.
50 વર્ષીય કે. બિંદુએ ગત વર્ષે જ તેમના પતિ ગુમાવ્યા. તેમની કિડની ખરાબ થઈ ગઈ હતી. પરિવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેના પૈસા ન ભેગા કરી શક્યો નહોતો.
તેઓ ઉમરે છે, “અમે ડાયાલિસીસ માટે રાખેલા પૈસામાંથી લૉટરીની ટિકિટ ખરીદતા. અમારું ઘર તૈયાર થાય એ પહેલાં જ તેઓ અમને મૂકીને જતા રહ્યા. હવે મારે તેને બાંધવું પડશે.”
બિંદુ તેમની 15 વર્ષની દીકરીને ભણાવવા માટે નાણાં ખર્ચવા માગે છે જેથી તેને સારી નોકરી મળી શકે.
49 વર્ષીય લક્ષ્મી કહે છે કે, તેમણે લૉટરી જીતી તેની આગલી રાત્રે જ પરિવાર ભવિષ્ય વિશે ચિંતા કરી રહ્યો હતો. તેમના પતિ બાંધકામની મજૂરી કરે છે અને તેમને કામ મેળવવામાં મુશ્કેલ આવી રહી હતી, કેમ કે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
પણ હવે યુગલને શાંતિ છે કે તેઓ હવે તેમની દીકરીના અભ્યાસ માટે નાણાં ખર્ચી શકશે.
‘સફાઈનું કામ ચાલુ જ રાખીશું’
56 વર્ષીય લીલાને ચિંતા હતી કે તેઓ કઈ રીતે તેમની દીકરીની સર્જરી માટે નાણાં કમાઈ શકશે.
તેઓ કહે છે, “મેં પહેલાંથી જ દીકરીનાં લગ્ન માટે ઘર ગીરવે મૂકીને લોન લીધી હતી.”
સરકારી ટૅક્સ કપાત બાદ આ 11 મહિલા સફાઈકામદારોના જૂથને 6 કરોડ 30 લાખ રૂપિયા મળશે. ચેરૂમન્નીલ બેબી અને કુટ્ટીમલુ વચ્ચે 63 લાખ રૂપિયાના બે ભાગ કરવામાં આવશે જ્યારે અન્ય દરેકને 63-63 લાખ રૂપિયા મળશે.
કચરો ભેગો કરવાની સાથે સાથે મહિલાઓ જાહેર શૌચાયલ બાંધવામાં અને કચરાના નિકાલની વ્યવસ્થાઓ ઊભી કરવામાં પણ મદદ કરે છે.
કે. ટી. બાલભાસ્કરન સ્વચ્છતા મિશનના ડિરેક્ટર છે. આ એજન્સી રાજ્યમાં આ પ્રકારના પ્રયાસોનું સંકલન કરે છે.
શુક્રવારે જીવન પરિવર્તન કરતી ઘટના પછી 11 મહિલાઓ એજન્સીની કચેરીએ પહોંચી હતી અને હંમેશાંની જેમ પોતાનું કામ શરૂ કર્યું હતું.
લીલા કહે છે, “અમે એક વાત નક્કી કરી હતી કે જે કામથી અમે સંયુક્ત રીતે સમૃદ્ધિ મેળવી એ કામ અમે ચાલુ જ રાખીશું.”