મહિલા અંડર-19 ટી20 વિશ્વકપ ફાઇનલમાં ભારતનાં જીતનાં નાયિકા તૃષાએ એકલા હાથે જીત કેવી રીતે અપાવી?

અંડર-19 ટી20 વિશ્વકપની ફાઇનલ મૅચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, દક્ષિણ આફ્રિકાને હરાવીને ચૅમ્પિયન બની ગઈ છે. ભારતીય ટીમે આ મૅચ નવ વિકેટથી જીતી લીધી છે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં માત્ર 82 રન બનાવ્યા હતા.

83 રનનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે 11.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધો.

ફાઇનલ મૅચ મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ હતી. મૅચમાં દક્ષિણ આફ્રિકા ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ મૅચમાં ભારતીય ટીમ તરફથી બેટિંગમાં તૃષા ગોંગાડીએ સૌથી વધુ 44 રન બનાવ્યા.

તૃષાએ બૉલિંગમાં પણ કમાલ કરી બતાવી અને ત્રણ વિકેટ ઝડપી.

તેમના સિવાય પારુણિકા, આયુષી શુક્લા અને વૈષ્ણવી શર્માએ બબ્બે વિકેટ ઝડપી.

આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ એક પણ મૅચ નથી હારી.

ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

તૃષાનું શ્રેષ્ઠ પ્રદર્શન

આ જીતમાં તૃષાએ ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ભારત તરફથી ઓપનિંગ બેટર તૃષા ગોંગાડીએ 33 બૉલમાં અણનમ 44 રનની ઝંઝાવાતી ઇનિંગ રમી. આ સિવાય સનિકા ચલકેએ અણનમ 26 રન બનાવ્યા.

તૃષાએ બૉલિંગમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું અને મૅચમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લીધી હતી. તેમણે ખૂબ જ કિફાયતી બૉલિંગ કરતાં ચાર ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી.

19 વર્ષનાં તૃષા તેલંગાણાનાં રહેવાસી છે. જમણેરી બેટર તૃષાએ ઘરેલુ ક્રિકેટમાં હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તૃષાનું નામ વીમેન પ્રીમિયર લીગ(ડબ્લ્યૂપીએલ) 2025ની હરાજીમાં પણ હતું. જોકે, તેમને કોઈ ટીમે ખરીદ્યાં નહોતાં.

દક્ષિણ આફ્રિકાનું ફીકું પ્રદર્શન

દક્ષિણ આફ્રિકન ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટીમ મિક વાન વૂર્સ્ટના 23 રનના આશરે 82 રન જ બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

આફ્રિકન ટીમ મૅચ દરમિયાન રનો માટે સંઘર્ષ કરતી દેખાઈ.

ભારતીય બૉલરોએ કિફાયતી બૉલિંગ કરીને રન રોકવાની સાથોસાથ વિકેટો પણ ખેરવી.

બૉલિંગમાં દક્ષિણ આફ્રિકન ટીમ કોઈ કમાલ ન દેખાડી શકી અને મૅચ હારી ગઈ. ભારતીય બેટરોએ આક્રમક બેટિંગ કરી અને 52 બૉલ બાકી રાખીને જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.