રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યા બાદ ભારત સામે આવી એક મૂંઝવણ, હવે રસ્તો શું છે?

ભારત અને રશિયાએ બંને દેશો વચ્ચે થતાં વેપારને રૂપિયામાં કરવા મુદ્દે થઈ રહેલી વાટાઘાટો રોકી દીધી છે.

યુક્રેન યુદ્ધ પછી રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ અને કોલસો ખરીદી રહેલા ભારતને આ વાતચીત અટકી જવાને કારણે ઝટકો લાગી શકે છે.

એવું બન્યું છે કે રશિયા પાસે રૂપિયાનો અંબાર લાગી ગયો છે અને તે હવે તેના માટે મોટી સમસ્યા બની ગઈ છે.

રશિયા માટે રૂપિયાને બીજા ચલણમાં બદલવાનો ખર્ચ વધતો જાય છે એટલા માટે તે રૂપિયામાં પેમેન્ટ લેવાની ના પાડી રહ્યું છે.

શાંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ના વિદેશ મંત્રીઓની બેઠક માટે ગોવા આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોફે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતની બેંકોમાં રશિયાના અબજો રૂપિયા પડ્યા છે. પરંતુ રશિયા તેનો ઉપયોગ કરી શકતું નથી.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે લાવરોફે પત્રકારોને કહ્યું કે, ‘અમારે એ પૈસાનો ઉપયોગ કરવો પડશે. પરંતુ પહેલાં તેને બીજા કોઈ ચલણમાં ટ્રાન્સફર કરવા પડશે. તેને લઈને અમારી વાતચીત ચાલી રહી છે.’

તેનો મતલબ એ થાય છે કે રશિયા હવે તેનાં તેલ, હથિયારો અને બીજી વસ્તુઓનું પેમેન્ટ રૂપિયામાં લેવા માટે તૈયાર નથી.

રશિયા હવે રૂપિયાથી વધુ કિંમતી એવા ચીની ચલણ યુઆન કે પછી અન્ય કોઈ ચલણમાં ચૂકવણી માગી રહ્યું છે.

યુક્રેન પર હુમલો કર્યા પછી લાગેલા પ્રતિબંધો બાદ રશિયાએ જ ભારતને રૂપિયામાં સોદો કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું.

અમેરિકાએ એ સમયે રશિયાની બૅન્કો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

રશિયા રૂપિયામાં પેમેન્ટ લેવા માટે કેમ તૈયાર નથી?

સ્વિફ્ટ મૅસેજિંગ સિસ્ટમથી રશિયાની બૅન્કોને બહાર કરી દેવામાં આવી હતી. તેના કારણે ડૉલર સહિત અનેક બીજી કરન્સીઓમાં રશિયાના બધા વેપારનાં ટ્રાન્ઝેક્શન અટકી ગયાં હતાં.

અમેરિકા, યુરોપીય સંઘ સહિત બીજા પશ્ચિમી દેશોએ પણ રશિયાના તેલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એ પછી રશિયાને તેના ગ્રાહકોની તલાશ હતી.

ભારતે પણ તેની ઊર્જા સુરક્ષા માટે રશિયા પાસેથી તેલની ખરીદી વધારી દીધી હતી.

રશિયા સસ્તું તેલ આપી રહ્યું હતું એટલે ભારતે પણ તેની પાસેથી આયાત વધારી દીધી હતી.

આ તેલની ચૂકવણી રૂપિયામાં કરવાની હતી એટલે તેમના માટે ખરીદી વધારવાનો સૌથી સારો મોકો હતો.

પરંતુ ભારતની વેપાર ખાધ સતત વધી રહી છે અને તેના કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે. તેના લીધે કોઈ અન્ય ચલણમાં તેના રૂપાંતરણનો ખર્ચ મોંઘો પડી રહ્યો છે.

તેના કારણે હવે રશિયા ભારતીય રૂપિયામાં ચૂકવણી સ્વીકારતા ખચકાટ અનુભવી રહ્યું છે.

ભારત તરફથી રશિયાના હથિયારો, તેલ, કોલસો અને બીજી ચીજવસ્તુઓની આયાત વધવાને કારણે રશિયાનો ટ્રેડ સરપ્લસ વધી ગયો અને તેના પાસે 40 અબજ ડૉલર જેટલા રૂપિયા જમા થઈ ગયા છે.

એટલા માટે હવે તે વધુ રૂપિયા જમા કરવા માગતુ નથી.

હવે ભારતને કોઈ બીજા ચલણમાં તેની ચૂકવણી કરવી પડશે એટલે તે મોંઘું પડશે.

ભારતનો રૂપિયો પણ પૂર્ણ પરિવર્તનીય નથી અને આંતરરાષ્ટ્રીય નિકાસમાં પણ તેનો ફાળો માત્ર બે ટકા જ છે.

ભારતના અર્થતંત્રના આ નબળા પાસાઓને લીધે જ બીજા દેશો માટે રૂપિયાને રીઝર્વ કરવો ફાયદાકારક નથી.

ભારત માટે કેટલી મોટી ચિંતા?

ભારતે ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ રશિયા સાથે રૂપિયામાં સેટલમેન્ટની સંભાવનાઓને તલાશવાનું શરૂ કરી દીધુ હતું.

પરંતુ હજી સુધી રૂપિયામાં કોઈ સેટલમેંટ થયું નથી અને હવે લાવરોફના નિવેદનને કારણે આ આશાઓ વધુ ધૂંધળી બની ગઈ છે.

ન્યૂઝ એજન્સી રૉયટર્સે સૂત્રોના હવાલેથી જણાવ્યું કે રશિયા રૂપિયામાં સેટલમેન્ટ ઇચ્છતું નથી.

ભારતે તેના માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ તેને સફળતા ન મળી.

રશિયા અત્યારે ભારત માટે સૌથી મોટું સૈન્ય હથિયારોનું સપ્લાયર છે. પરંતુ આ પુરવઠો અત્યારે રોકાયેલો છે.

કારણ કે રશિયાને ચૂકવણી કરવા ભારત જે મિકેનિઝમને અનુસરે છે તેના પર અમેરિકાએ પ્રતિબંધ લગાવેલો છે.

ભારતે રશિયાને હથિયાર અને બીજાં સૈન્યસામાનોની સપ્લાય બદલ બે અબજ ડૉલર ચૂકવવાના છે.

પરંતુ પ્રતિબંધના લીધે આ ચૂકવણી એક વર્ષથી અટકેલી છે.

ભારતને એ વાતનો પણ ડર છે કે આવું કરવાથી તેના પર અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે અને બીજી બાજુ રશિયા રૂપિયામાં ચૂકવણી લેવા માટે તૈયાર નથી.

ભારતની બૅન્કોએ રશિયાની બૅન્કોમાં વોસ્ત્રો ખાતાઓ ખોલેલા છે. જેના કારણે રૂપિયામાં ચૂકવણી કરીને તેલ ખરીદી શકાય.

સમસ્યા એ છે કે ભારત તરફથી કાચા તેલની ખરીદીમાં ઝડપ બાદ રશિયા પાસે રૂપિયાનો ભરાવો અતિશય વધતો જાય છે.

રશિયા પાસેથી ભારતની તેલ આયાત કેટલી વધી?

અમેરિકા અને યુરોપે રશિયાના તેલ અને ગૅસ પર પ્રતિબંધ લાદ્યા બાદ ભારતે ત્યાંથી ખૂબ ઝડપથી કાચું તેલ લેવાનું શરૂ કર્યું.

ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ વૉર્ટેક્સા લિમિટેડ પ્રમાણે આ એપ્રિલમાં રશિયા પાસેથી ભારતે આયાત કરેલ કાચું તેલ 16.80 લાખ બેરલ/દિન સુધી પહોંચી ગયું.

એપ્રિલ 2022ની સરખામણીએ તે છ ગણું વધી ગયું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની કુલ કાચા તેલની આયાતનો માત્ર એક ટકા ભાગ રશિયા પાસેથી આયાત કરી રહ્યું હતું જે ફેબ્રુઆરી 2023માં વધીને 35 ટકા સુધી પહોંચી ગયું.

આ વર્ષે રશિયાના ઉપ-વડા પ્રધાન ઍલેકઝાંડર નોવાકે કહ્યું હતું કે તેમના દેશે છેલ્લા એક વર્ષમાં ભારતને આપેલા તેલમાં 22 ટકા વધારો થયો છે.

ભારત એ ચીન અને અમેરિકા પછી તેલની સૌથી વધુ ખરીદી કરનાર દેશ બન્યો છે.

ભારતે રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદી કરીને તેના 35 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.

સાથે જ પેટ્રોલિયમ ઉત્પાદનોનું સૌથી મોટું સપ્લાયર ભારત બન્યું છે. પરંતુ રશિયાથી મળી રહેલા સંકેતો પછી ભારત હવે એ ફાયદો નહીં ઊઠાવી શકે.

રશિયાના સસ્તા તેલના કારણે ભારતના રિફાઇન્ડ કરેલા પેટ્રોલિયમ ઉત્પાદનો જલ્દીથી યુરોપિયન બજારોમાં પહોંચી રહ્યા હતા. પણ હવે એ સ્થિતિ પણ નહીં રહે.

ભારતની વધતી આયાત અને ઘટતી નિકાસ માથાનો દુ:ખાવો

યુક્રેન પર હુમલા પછી ભારતની આયાત 10.6 અબજ ડૉલરથી વધીને 51.3 અબજ ડૉલર સુધી પહોંચી ચૂકી છે. જેના કારણે પણ આ મામલો માથાનો દુખાવો બનતો જાય છે.

જ્યારે નિકાસ 3.61 અબજ ડૉલરથી થોડી ઘટીને 3.43 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી.

એ વાત સ્પષ્ટ છે કે ભારતને માથે ખૂબ મોટું ચૂકવણું બાકી છે અને એ પણ હવે બીજા કોઈ ચલણમાં. એ ચલણ વધુ મોંઘું હોવાને કારણે ભારતનું દેવું હજુ વધશે.

આ ઘટના ભારતના વિદેશી મુદ્રા ભંડાર માટે નુકસાનકર્તા છે. ભારતની આર્થિક મુશ્કેલીઓ હજુ વધશે.

અત્યારે જોકે રશિયા સાથે વેપારમાં સેટલમેંટના મામલામાં કોઈ ત્રીજી પાર્ટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સ્વિફ્ટના ઉપયોગથી બીજા દેશો સાથે વેપાર કરવા પર કોઈ પ્રતિબંધ નથી.

એટલા માટે ભારત કોઈ ત્રીજા દેશને ચૂકવણી કરીને સેટલમેંટ કરી રહ્યું છે. અહીંથી આ પૈસા રશિયાને જઇ રહ્યા છે.

સમચાર એજન્સી રૉઈટર્સે જણાવ્યું છે કે ભારત સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમાં ચીની ચલણ યુઆન પણ સામેલ છે.