રશિયાને યુદ્ધ કેટલું મોંઘું પડ્યું અને તેના અર્થતંત્રને અત્યાર સુધી કેટલું નુકસાન થયું?

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

રશિયાએ એકાદ વર્ષ પહેલાં યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી વિશ્વના ઘણા દેશોએ રશિયાની આવકમાં ઘટાડવા તથા તેના યુદ્ધના પ્રયાસ નબળા પાડવા મૉસ્કો પાસેથી ઑઇલ અને ગૅસની આયાત બંધ કરી છે અથવા તેમાં ઘટાડો કર્યો છે.

રશિયાથી ઊર્જા-સામગ્રીની આયાત કરતા યુરોપિયન યુનિયનના રાષ્ટ્રોએ દરિયા મારફત ઑઇલની ખરીદી અટકાવી દીધી છે. રશિયન ક્રૂડ ઑઇલની પ્રોડક્ટ્સ પરનો પ્રતિબંધ પાંચમી ફેબ્રુઆરીથી અમલી બન્યો હતો.

અમેરિકાએ ગયા માર્ચમાં કહ્યું હતું કે તે રશિયન ઑઇલની આયાત બંધ કરશે. બ્રિટનમાં રશિયન ક્રૂડ ઑઇલ અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સની આયાત પરનો પ્રતિબંધ પાંચમી ડિસેમ્બરથી અમલી બન્યો હતો.

રશિયાનું ગૅસ સેક્ટર પણ પ્રતિબંધનું નિશાન બન્યું છે. રશિયન ગૅસની આયાતમાં એક વર્ષમાં બે-તૃતિયાંશ ઘટાડો કરવાનો સંકેત યુરોપિયન યુનિયને માર્ચમાં આપ્યો હતો.

બ્રિટન રશિયાથી થોડા પ્રમાણમાં ગૅસની આયાત કરતું હતું અને હવે તેણે પણ આયાત અટકાવી દીધી છે, પરંતુ વાત અહીં અટકતી નથી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની નાણાકીય શક્તિ ઘટાડવા માટે પશ્ચિમના દેશોએ રશિયન સેન્ટ્રલ બૅન્કના 324 અબજ ડૉલરની વિદેશી ચલણ અનામતને થીજાવી દીધી છે.

લગભગ તમામ ટેકનૉલૉજી ટ્રાન્સફર્સ તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગૂડ્ઝ તેમજ સર્વિસિસ અટકાવીને મૉસ્કોને પશ્ચિમ સંબંધી જાણકારી અને પ્રોડક્ટ્સથી પણ વંચિત કરી દેવામાં આવ્યું છે.

રશિયા જેવા સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં સામેલ અણુશક્તિ ધરાવતા દેશ સામે અગાઉ આવાં આકરા પ્રતિબંધ ક્યારેય લાદવામાં આવ્યા નથી, પરંતુ આ પ્રતિબંધને કારણે મૉસ્કોની મહેસુલી આવકમાં ખરેખર કોઈ ઘટાડો થયો છે ખરો?

  • રશિયાથી ઊર્જા-સામગ્રીની આયાત કરતા યુરોપિયન યુનિયનના રાષ્ટ્રોએ દરિયા મારફત ઑઇલની ખરીદી અટકાવી દીધી છે
  • બ્રિટનમાં રશિયન ક્રૂડ ઑઇલ અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સની આયાત પરનો પ્રતિબંધ પાંચમી ડિસેમ્બરથી અમલી બન્યો હતો
  • રશિયન ગૅસની આયાતમાં એક વર્ષમાં બે-તૃતિયાંશ ઘટાડો કરવાનો સંકેત યુરોપિયન યુનિયને માર્ચમાં આપ્યો હતો
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની નાણાકીય શક્તિ ઘટાડવા માટે પશ્ચિમના દેશોએ રશિયન સેન્ટ્રલ બૅન્કના 324 અબજ ડોલરની વિદેશી ચલણ અનામતને થીજાવી દીધી છે
  • રશિયા જેવા સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં સામેલ અણુશક્તિ ધરાવતા દેશ સામે અગાઉ આવાં આકરા પ્રતિબંધ ક્યારેય લાદવામાં આવ્યા નથી
  • આ પ્રતિબંધને કારણે મૉસ્કોની મહેસુલી આવકમાં ખરેખર કોઈ ઘટાડો થયો છે ખરો?

પ્રતિબંધની અસર

રશિયાનો સમાવેશ વિશ્વમાં સૌથી વધુ ઑઇલ તથા ગૅસનું ઉત્પાદન કરતા ટોચના ત્રણ દેશોમાં થાય છે. બીજા બે દેશ સાઉદી અરેબિયા અને અમેરિકા છે.

યુરોપિયન સ્ટેટેસ્ટિક્સ એજન્સી યુરોસેટના જણાવ્યા મુજબ, 2020માં રશિયા યુરોપિયન યુનિયનને તેની કુલ જરૂરિયાતનું 25 ટકા ઑઇલ અને 40 ટકા ગૅસ પૂરો પાડતું હતું.

ફેબ્રુઆરી, 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે યુરોપિયન યુનિયન માટે રશિયા સાથેના તમામ આર્થિક સંબંધ તત્કાળ કાપી નાખવાનું મુશ્કેલ હતું. યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું ચાલુ રાખવું પડ્યું હતું.

સેન્ટર ફૉર રિસર્ચ ઓન એનર્જી ઍન્ડ ક્લિન એર(સીઆરઈએ)ના જણાવ્યા મુજબ, યુક્રેન પર આક્રમણના પહેલા દિવસથી યુરોપિયન યુનિયને રશિયાને ગૅસ તથા ઑઇલની ખરીદી પેટે 146 અબજ ડોલરથી વધુ નાણાં ચૂકવ્યાં હતાં.

બીબીસીની રશિયન સર્વિસના ઍલેક્સી કાલ્મ્યાકોવે જણાવ્યું હતું કે નિયંત્રણો તબક્કાવાર લાદવામાં આવ્યાં હતાં, પરંતુ પુતિન પશ્ચિમના દેશો સામે આર્થિક ટક્કરની સંભાવનાની તૈયારી લાંબા સમયથી કરી રહ્યા હતા.

કાલ્મ્યાકોવે કહ્યું હતું કે "2014માં યુક્રેન પરના પ્રારંભિક હુમલા અને ક્રાઇમિયાના જોડાણ પછી મોસ્કો પર પ્રતિબંધ લાદવામાં આવ્યા ત્યારથી પુતિન આર્થિક યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા."

"તેમની બહુ વખણાયેલી આર્થિક ટીમે દેશને કોઈ પણ તોફાનનો સામનો કરવા તૈયાર હોય તેવું અર્થતંત્ર બનાવ્યું છે."

છેલ્લાં આઠ વર્ષથી રશિયા મોટા પ્રમાણમાં વિદેશી વિનિમય અનામત એકઠું કરી રહ્યું છે. તેણે અગાઉ કરતાં ઘણા વધારે પ્રમાણમાં અશ્મિભૂત ઈંધણનું વેચાણ કર્યું હતું અને તેમાંથી મળેલા નાણાં વડે વધારે પાઇપલાઈન્સનું નિર્માણ કર્યું હતું.

મૉસ્કોએ વેસ્ટર્ન ટેકનૉલૉજી, અસ્કામતો અને યુરોપિયન યુનિયનમાં ગૅસ સ્ટોરેજ ફૅસિલિટી અને ઑઇલ રિફાઇનરી જેવાં જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કર્યું છે.

કાલ્મ્યાકોવે કહ્યું હતું કે "સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો, ભાવ સતત વધતા હતા અને ઑઇલનો પ્રવાહ ચાલુ રહેવાથી રશિયાએ યુરોપને અશ્મિભૂત ઈંધણ વેંચીને અબજોની કમાણી કરી હતી."

"એ ઉપરાંત યુરોપ માટેની ડિલિવરીમાં 80 ટકા ઘટાડો કરીને રશિયાએ ગૅસને પણ શસ્ત્ર બનાવ્યો હતો, પરંતુ પુતિનની આ તરકીબ ટૂંકા ગાળા માટે નફાકારક સાબિત થઈ હતી. આ તરકીબ લાંબા ગાળાની વ્યૂહરચના તરીકે ટકી શકે નહીં, એ વાત સાથે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ સહમત છે," એમ કાલ્મ્યાકોવે કહ્યું હતું.

યુરોપિયન પ્રતિબંધની સાથે પાંચમી ડિસેમ્બરથી અમલમાં આવેલી ઑઇલના ભાવ પરની ટોચમર્યાદાનો હજુ ઉપયોગ થયો નથી, કારણ કે રશિયન યુરલ ઑઇલ ત્યારથી સસ્તું છે. સમુદ્ર માર્ગે રશિયન ઑઇલની આયાત પર યુરોપિયન યુનિયને પ્રતિબંધ મૂક્યો પછી યુરલના મૂલ્યમાં ઘટાડો થયો છે અને હાલ પ્રતિ બેરલ 50 ડોલરના ભાવે તેની નિકાસ થાય છે.

સીઆરઈએના અભ્યાસના તારણ મુજબ, પ્રતિબંધને કારણે મોસ્કોને અશ્મિભૂત ઈંધણના નિકાસ પેટે રોજ 175 મિલિયન ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ રશિયાને તેના ઈંધણ માટે નવા ગ્રાહકો મળી ગયા છે.

નવા ગ્રાહકો

મૉસ્કો ગયા વર્ષે તેની ઑઇલ નિકાસનો મોટો હિસ્સો એશિયા ભણી વાળવામાં સફળ થયું હતું. તેના નવા ગ્રાહકોમાં ચીન, ભારત અને તુર્કીનો સમાવેશ થાય છે. આ દેશો રશિયન ક્રૂડ ઑઇલ જંગી ડિસ્કાઉન્ટ સાથે ખરીદી રહ્યા છે. વિશ્વના બૅન્ચમાર્ક બ્રૅન્ટ ક્રૂડના ભાવ કરતાં તે ભાવ ઘણો ઓછો છે.

બીબીસીની રિઆલિટી ચેક ટીમના જણાવ્યા મુજબ, રશિયાના આક્રમણની શરૂઆત પછી 2022માં ભારત, ચીન અને તુર્કીએ રશિયન ઑઇલની ખરીદીમાં વધારો કર્યો હતો. હવે તમામ રશિયન સીબોર્ન ક્રૂડમાં આ દેશોનો હિસ્સો 70 ટકા થઈ ગયો છે.

2022ની શરૂઆતમાં ભારતની કુલ ઑઇલ આયાતમાં રશિયાનો હિસ્સો બે ટકાથી પણ ઓછો હતો, પરંતુ હવે તે ભારતને સૌથી વધુ પ્રમાણમાં ઑઇલની સપ્લાય કરતો દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ચીન દ્વારા રશિયન ઑઇલની આયાત એકધારી રહી નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાં વધારો થયો છે.

ધ રિફાઈનિટિવ ઈકોન ફાઇનાન્શિઅલ એનેલિસિસ પ્લેટફોર્મ દર્શાવે છે કે પ્રાઈમોર્સ્ક, ઉસ્તલુગા અને નોવોરોસ્સિયસ્ક બંદરો પરથી જાન્યુઆરીમાં કમસે કમ 51 લાખ ટન યુરલ ઑઇલ એશિયામાં મોકલવામાં આવ્યું હતું. તેથી યુદ્ધ શરૂ થયાના એક વર્ષ પછી પણ રશિયા તેના ઑઇલનો પ્રવાહ જાળવી રાખવામાં સફળ થયું છે.

રશિયન સરકાર તથા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના આંકડા અનુસાર, 2022માં રશિયા તેના ઑઇલ ઉત્પાદનમાં બે ટકા અને તેની નિકાસ 20 ટકા વધારીને 218 મિલિયન ડોલરના આંકડે પહોંચાડવામાં સફળ રહ્યું હતું.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ તેના નવેમ્બર-2022ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે "રશિયાની ઑઇલ નિકાસને નિયંત્રણો, આયાત પ્રતિબંધ અને ગ્રાહકો દ્વારા બહિષ્કારની અત્યાર સુધી કોઈ અસર થઈ નથી. ઑક્ટોબરમાં તેની કુલ ઑઇલ નિકાસ પ્રતિદિન 77 લાખ બેરલની હતી, જે યુદ્ધપૂર્વેની સ્થિતિની સરખામણીએ પ્રતિદિન ચાર લાખ બેરલનો જ ઘટાડો દર્શાવે છે. રશિયાની ક્રૂડ ઑઇલ નિકાસમાં ઓક્ટોબરમાં કોઈ વધારો-ઘટાડો થયો ન હતો. તેનું પ્રમાણ દૈનિક 4.97 મિલિયન બેરલનું જ રહ્યું હતું."

લાંબા ગાળાની અસર

રશિયાના આક્રમણ પછી ગૅસ તથા ઑઇલના ભાવમાં વધારો થયો છે અને તેની નિકાસ એશિયા ભણી વળી છે. તેથી 2022માં યુરોપમાં રશિયન ઈંધણના વેચાણમાં થયેલા ઘટાડાની કોઈ જ અસર ક્રેમલિનની આવક પર થઈ નથી.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રશિયા સામેના પ્રતિબંધોની સંપૂર્ણ અસર બહુ લાંબા ગાળે જોવા મળશે. જોકે, જાન્યુઆરીના અંતે બહાર પાડવામાં આવેલો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલૂક રિપોર્ટ દર્શાવે છે કે રશિયાનું અર્થતંત્ર અગાઉ ધારણા હતી તેના કરતાં વધારે મજબૂત હોય તેવું લાગે છે.

આ એજન્સી માને છે કે રશિયા આ વર્ષે 0.3 ટકાના દરે વૃદ્ધિ સાધશે, જે 2022ના -2.2 ટકાના સંકોચનની સરખામણીએ સુધારો સૂચવે છે.

2023માં રશિયાનું અર્થતંત્ર -2.3 ટકા સંકોચન પામશે તેવી આગાહી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ગયા ઑક્ટોબરમાં કરી હતી, પરંતુ ઉપરોક્ત આંકડો તેના કરતાં ઘણો ઊંચો છે.

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના પ્રવક્તાએ કહ્યું હતું કે "ઑઇલના ભાવ સંબંધે જી-સેવનની વર્તમાન ટોચમર્યાદાને ધ્યાનમાં લેતાં રશિયા ક્રૂડ ઑઇલની નિકાસના પ્રમાણમાં ઘટાડાની શક્યતા જણાતી નથી, કારણ કે રશિયા તેના પર પ્રતિબંધ ન મૂક્યા હોય તેવા દેશો સાથે વેપાર કરી રહ્યું છે."

સૈન્યની જાળવણી તથા યુક્રેન પર આક્રમણના જંગી સરકારી ખર્ચને કારણે પણ રશિયાને યુદ્ધ દરમિયાન પણ આર્થિક ગતિવિધિ જાળવી રાખવામાં મદદ મળી હોવાનું માનવામાં આવે છે.

વૉશિંગ્ટનસ્થિત થિન્ક ટૅન્ક કાર્નેગી ઍન્ડોવમેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ ખાતે ઊર્જા નિષ્ણાત તરીકે કાર્યરત સર્ગેઈ વાકુલેન્કોએ કહ્યું હતું કે "વૈશ્વિક એનર્જી માર્કેટમાં રશિયા પ્રચંડ શક્તિ બની રહ્યું છે. આવા મહત્ત્વ ના ખેલાડીનો વિરોધ કરવાનું આસાન નથી અને બધું એક દિવસમાં થવાનું પણ નથી."

વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચેતવણી આપી છે કે મોસ્કો પરના પશ્ચિમી દેશોના પ્રતિબંધની હજુ સુધી કોઈ અસર થઈ નથી.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના રિસર્ચ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર પેટ્યા કોઈવા બ્રૂક્સે યુરોન્યૂઝને કહ્યું હતું કે "રશિયાનું અર્થતંત્ર પશ્ચિમી દેશોમાંથી આવતા કૅપિટલ ગૂડ્ઝ પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ પ્રતિબંધની અસર ઘેરી થશે એવી અમને અપેક્ષા છે."

તેમણે ઉમેર્યું હતું કે "2027ના સંદર્ભમાં વિચાર કરીએ તો રશિયન અર્થતંત્ર માટેનું અપેક્ષિત ઉત્પાદન, યુદ્ધ પહેલાંના ઉત્પાદન કરતાં ઓછું રહેશે. આ યુદ્ધની રશિયન અર્થતંત્ર પર કાયમી અને નોંધપાત્ર અસર થશે એવી અપેક્ષા છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો