જામનગર : ફાંકડું અંગ્રેજી બોલતી પત્ની માટે કામની શોધમાં થઈ એક ભૂલ 1.12 કરોડમાં કેવી રીતે પડી?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ગુજરાતમાં અમુક દિવસ પહેલાં ફિલ્મ રેટિંગ આપી દૈનિક હજારો રૂપિયા આપવાની લાલચ આપી કથિતપણે એક દંપતી સાથે એક કરોડ કરતાં વધારાની રકમની ઠગાઈ કરાઈ હતી
  • આ સમગ્ર મામલે જામનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ હતી
  • આ કિસ્સામાં આખરે કેવી રીતે ભણેલાં-ગણેલાં દંપતી પાસેથી સાઇબર ઠગોએ કથિતપણે કરોડો પડાવી લીધા?

શું તમને બોલીવૂડ, હોલીવૂડ અને સાઉથની ફિલ્મો ગમે છે? જો તમને ક્યારેક આ ફિલ્મો જોઈને તેનું રેટિંગ કરવાનું અને તેના થકી કમાણી કરવાની તક આપવામાં આવે તો?

આ વાત સાંભળીને મનમાં પહેલો વિચાર કયો આવે છે? મજા પડી જાયને?

પરંતુ આ પ્રકારની તકો અને મૅસેજો લાખોની છેતરપિંડીનું નિમિત્ત પણ બની શકે છે.

થોડા દિવસ પહેલાં જામનગરનાં દંપતી સાથે પણ કંઈક આવી જ રીતે છેતરપિંડી કરીને એક કરોડ 12 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી હતી.

આ મામલે જામનગર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા દંપતીની ફરિયાદ નોંધી આરોપી કંપનીઓ અને વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

નોંધનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાછલા કેટલાક સમયમાં આ પ્રકારે ફિલ્મ રેટિંગ થકી કમાણી કરવાની તક આપવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી થયાના બનાવ સામે આવ્યા હતા.

પરંતુ આખરે સાઇબર છેતરપિંડી કરનારા કેવી રીતે ભણેલા-ગણેલા લોકોને આવી લાલચ આપી ફસાવી રહ્યા છે? આવા લોકોને ફસાવવા માટે આખરે તેઓ શું કરે છે?

બીબીસીએ આ કેસની વિગતો મેળવીને ઉપરોક્ત પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

‘ઘરે બેઠા ફિલ્મનું રેટિંગ કરો અને કમાણી કરો’

ઉપર જણાવેલ જામનગરના કિસ્સામાં પણ આ કથિત ઠગાઈ માટે એક સામાન્ય પરંતુ અસરકારક રીત અજમાવી હતી.

આ પ્રકારની ઠગાઈ માટે છેતરપિંડી આચરનારા ટેક્સ્ટ મૅસેજ મોકલે છે, જેમાં ઘરે બેઠા ફિલ્મ રેટિંગ કરીને દૈનિક પાંચ હજાર રૂપિયા કમાવવાની વાતને ‘સુવર્ણ તક’ સ્વરૂપે રજૂ કરાય છે.

આ પ્રસ્તાવ બાદ જો કોઈ આ મૅસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરે તો તેઓને પ્રાથમિક રોકાણ સામે ‘મોટો લાભ’ આપી હજુ વધુ મોટો લાભ કમાવવાની લાલચ અપાય છે.

સરળ કામ કરીને વધુ પૈસા કમાવાની આ કહેવાતી તક છેતરપિંડી માટેની જાળ હોવાની શંકા જેને જાય છે એ લોકો તો નસીબજોગે બચી જાય છે પરંતુ કેટલાક પોતાની પરસેવાની કમાણી ગુમાવી બેસે છે.

‘ફાકડું અંગ્રેજી બોલતી પત્ની માટે હતી કામની શોધ’

જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગરનાં દંપતીને ટેલિગ્રામ ઍપ્લિકેશન મારફતે લોભામણી તક આપતો મૅસેજ આવ્યો હતો. જેમાં તેમને ઘરે બેઠા ફિલ્મોના રેટિંગનું કામ કરીને 2,500-5,000 રૂપિયા કમાવાની તક અપાઈ હતી.

દંપતીને એક ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યું હતું. દંપતીએ ખાતરી કરવા માટે એક ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું હતું. દંપતીએ 10 હજારની એક ટિકીટ એટલે કે, કૂપન ખરીદી હતી. આ 10 હજારની કૂપનના બદલામાં દંપતીના બૅન્ક એકાઉન્ટમાં 99 હજારની રકમ જમા કરાવવામાં આવી હતી.

દંપતીનો વિશ્વાસ કેળવી લીધા બાદ થોડા-થોડા કરીને 1.12 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. આ અંગે પીડિત મહિલા દ્વારા જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. જુદા-જુદા 28 બૅન્કખાતાં સીઝ કર્યાં છે. ફરિયાદીને રકમ પરત અપાવવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે. અત્યાર સુધી દસ લાખ રૂપિયા પરત પણ અપાવ્યા છે.

દંપતીએ આ મૅસેજ મોકલનારનો સંપર્ક કરી આ યોજનામાં રસ દાખવતાં કથિત ઠગોએ એક વેબસાઇટ પર સાઇન-ઇન કરીને પાસવર્ડ નાખવા જણાવ્યું હતું. બાદમાં તેમને એક ટેલિગ્રામ ગ્રૂપમાં એડ કરાયાં. જ્યાં તેમને ટિકિટ કે કૂપન ખરીદવાનું જણાવી તેની સામે મોટા લાભની લાલચ આપવામાં આવી હતી.

દંપતીએ શરૂઆતમાં સાવચેતી દાખવીને માત્ર દસ હજાર રૂપિયામાં એક જ ટિકિટ કે કૂપન ખરીદ્યાં. સામે કથિત ઠગોએ તેમનો વિશ્વાસ સંપાદિત કરવા માટે દસ હજારની સામે તેમના ખાતામાં 99 હજાર રૂપિયાની રકમ જમા કરાવી દીધી.

આ વાતને મોટી કમાણી કરવાની તક જાણીને દંપતીએ આગળ પણ પૈસા રોકવાનું ચાલુ રાખ્યું. કદાચ તેમને આશા હતી કે સમયાંતરે મોટા રોકાણની સામે કમાણી પણ મોટી થશે અને સરળ કામ કરીને કાયમી સારી કમાણી કરી શકાશે.

જોકે, આ વાત ખરેખર છેતરપિંડી આચરવાનું ‘તરકટ’ જ નીકળી હોવાનો દાવો ફરિયાદમાં કરાયો છે. દંપતીએ લાભની લાલચમાં કુલ 1.12 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કર્યો છે.

આ અંગે સમગ્ર પ્રકરણમાં પોલીસે આપેલી માહિતી અનુસાર, "જામનગરનાં દંપતી ખૂબ ભણેલાં છે. ફરિયાદીની પત્નીનું અંગ્રેજીની ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ છે, ફરિયાદીનાં પત્ની ઘરેથી કામ કરી સારી કમાણી થઈ શકે એવું કામ શોધી રહ્યાં હતાં. તેઓને આ કામમાં રસ પડ્યો હતો."

1.12 કરોડ રૂપિયાની કથિત ઠગાઈ

જામનગરનાં દંપતીની ફરિયાદને આધારે આ સમગ્ર કેસમાં જામનગર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.

જામનગર સાઇબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ઝાએ જણાવ્યું હતું કે, “પહેલી વખત કૂપન ખરીદ્યા બાદ 99 હજાર રૂપિયા જમા થતાં દંપતીએ 12 લાખ રૂપિયાની વધારાની ટિકિટો ખરીદી હતી. જેની સામે ઠગોએ બનાવેલા ખાતામાં તેમને કમાણી થતી જોવા મળતી. પરંતુ જ્યારે દંપતીએ આ રકમ પોતાના બૅન્ક ખાતામાં જમા કરાવવાની વાત કરી તો ઠગોએ આ માટે તેમને વધુ 12 લાખ રૂપિયાની ટિકિટ ખરીદવાનું કહ્યું.”

“તે બાદ સરચાર્જ અને ટ્રાન્સફર માટે વધારાની ખરીદી મળીને કુલ 1.12 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા.”

તેઓ વધુમાં જણાવે છે કે, "આ કેસ સામે આવ્યા બાદ પોલીસે 27 અલગ-અલગ બૅન્ક ખાતાં સીઝ કરી દીધાં છે. કેટલાક કિસ્સાઓમાં આવી રીતે પડાવાયેલાં નાણાં દુબઈના બૅન્ક ઍકાઉન્ટ અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ થઈને ચાઇનાના ઍકાઉન્ટમાં જતાં રહેતાં હોય છે પરંતુ આ કેસમાં બધાં જ ઍકાઉન્ટ ભારતનાં છે. બૅન્ક ઍકાઉન્ટ ફ્રીઝ કરીને પ્રોસેસ કરીને અત્યાર સુધી આ ફરિયાદીને દસ લાખ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે."

ઇન્સ્પેક્ટર ઝા આ કેસમાં પોલીસે કરાયેલી કાર્યવાહી અંગે વાત કરતાં વધુમાં જણાવે છે કે, "આ સમગ્ર કેસની તપાસમાં વિગતો બહાર આવતા પોલીસે સુરતથી એક આરોપીની ધરપકડ કરી છે. 21 વર્ષીય આરોપી સ્મિત પટોલિયાએ પોતાના બૅન્ક ખાતાનો ઉપયોગ કરવા માટે સાઇબર ક્રાઇમના આરોપીઓને મંજૂરી આપી હતી. જ્યાંથી તેણે કમિશન મેળવ્યું હતું. આ એક ગૅંગ છે, પોલીસ આ ગૅંગની તપાસ કરી રહી છે. ફરિયાદીઓ એ જે વેબસાઇટ ઉપરથી ટિકિટ ખરીદી હતી તે વેબસાઇટનું નામ બદલી નખાયું છે. વેબસાઇટનું નામ બહાર આવશે તો આરોપીઓ સતર્ક થઈ જવાની સંભાવના હોવાથી વેબસાઇટનું નામ જાહેર કરાયું નથી."

"ફરિયાદીઓએ પોતાનાં નામ અને ઓળખ બહાર ન આવે તે માટે અમને લેખિતમાં અરજી આપીને વિનંતી કરી છે, જેથી ફરિયાદી આ અંગે કોઈની સાથે વાત કરવા તૈયાર નથી."

આ સમગ્ર પ્રકરણ અંગે સાઇબર ઍક્સપર્ટ ડૉ. વિશાલ થલોટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " લોભ-લાલચ અને શૉર્ટકટ થકી પૈસા કમાવવા જતા ફરિયાદીએ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. સાઇબર છેતરપિંડીની રીતો બદલાતી રહે છે. આવી છેતરપિંડીથી બચવા લોકોએ વધુ સાવચેત રહેવું પડશે.”

આ અંગે ડૉ. વિશાલ થલોટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "આ પ્રકારના સાઇબર ક્રાઇમ રોકવા માટે સરકારે દરેક વેબસાઇટને અપ્રૂવ કરવી જોઈએ."

"જેથી કોઈ પણ વ્યક્તિ જે-તે વેબસાઇટ પર આવે તો તે પોતાની રીતે વેબસાઇટ સરકાર દ્વારા અપ્રૂવ થયેલી છે કે નહીં એની ખાતરી કરી શકે. આવું કરવાથી છેતરપિંડીની શક્યતાઓ ઘટાડી શકાય.”