દુનિયાના સૌથી ગરમ સહરાના રણમાં પૂર કેવી રીતે આવ્યું

ઇમેજ સ્રોત, Associated Press
સહરાના રણમાં દક્ષિણ-પૂર્વ મોરક્કો વિસ્તારમાં છેલ્લા 50 વર્ષ દરમિયાન ન આવ્યું હોય એવું પૂર આવ્યું છે, જેની ચોંકાવનારી તસવીરો બહાર આવી છે.
અનેક વર્ષોની સાલવારી સરેરાશ કરતાં વધુ વરસાદ બે દિવસમાં પડી ગયો હતો.
સહરાએ વિશ્વનું સૌથી મોટું અને ગરમ રણ છે, જે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના અનેક દેશોમાં ફેલાયેલું છે.
મોરક્કોની વેધશાળાના હુસેન યાકૂબે સમાચાર સંસ્થા હૂસીન યુઆબેબ ઍસોસિયેટ પ્રેસ સાથે વાત કરતાં જણાવ્યું હતું, "30થી 50 વર્ષમાં એવું પહેલી વખત બની રહ્યું છે કે આટલાં ટૂંકાગાળામાં આટલો બધો વરસાદ પડ્યો હોય."

ઇમેજ સ્રોત, Associated Press
દક્ષિણ-પૂર્વ મોરક્કોએ વિશ્વના સૌથી સૂકા પ્રદેશોમાંથી એક છે, જ્યાં ઉનાળા દરમિયાન જ્વલ્લે જ વરસાદ પડે છે.
તોગુનાઇટ નામનું ગામ, રાજધાની રબાતથી 450 કિલોમીટર દૂર આવેલું છે. અહીં 24 કલાકમાં 3.9 ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના નિષ્ણાતોએ ઍસોસિયેટ પ્રેસને જણાવ્યું કે, આ પ્રકારનો અસામાન્ય વરસાદ 'ઍક્સ્ટ્રાટ્રૉપિકલ' વરસાદ તરીકે ઓળખાય છે. આ પ્રકારની સ્થિતિમાં હવામાં ભેજ એકઠો થાય છે, જેનું બાષ્પીભવન થાય છે, એથી અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે.

ઇમેજ સ્રોત, Associated Press
નાસા દ્વારા લેવામાં આવેલી સૅટેલાઇટ તસવીરોમાં ઝગુરા અને તાતા શહેરની વચ્ચે આવેલો વિસ્તારમાં તળાવમાં ફેરવાઈ ગયેલો જણાય છે. છેલ્લાં લગભગ પચાસેક વર્ષથી આ પટ ખાલી જ રહેતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ મૅટ્રોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનના મતે, વિશ્વભરમાં જળચક્રમાં ખૂબ જ ઝડપભેર પરિવર્તન આવી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડબલ્યુએમઓના સૅક્રેટરી જનરલ સિલેસ્ત સાઉલોએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું, "તાપમાન વધવાને કારણે જળચક્રમાં ગતિ આવી છે."
"જળચક્ર અનિયમિત અને અનુમાન ન કરી શકાય એવું બન્યું છે. જેના કારણે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી સમસ્યાઓ વધી જવા પામી છે."
વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે હવામાનની તીવ્ર અને અસામાન્ય ઘટનાઓ ઘટી રહી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે સહરામાં ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ઘટી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












