IND vs ENG : એ પાંચ કારણો જેને કારણે ભારતની લૉર્ડ્સ ટેસ્ટમાં હાર થઈ

ભારત અને ઇંગ્લૅન્ટ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમૅચ છેલ્લા બૉલ સુધી શ્વાસ રોકી દે તેવી હતી. એક તરફ બેન સ્ટોક્સ મેદાન પર તેમના શરીર સાથે લડતા રહ્યા, તો બીજી તરફ રવીન્દ્ર જાડેજા ભારતની આશાનું કિરણ બનીને ટકી રહ્યા. પરંતુ લૉર્ડ્સના મેદાન પર ભારત આ ટેસ્ટમૅચ 22 રનોથી હારી ગયું છે, જેના કારણે ઇંગ્લૅન્ડને પાંચ મૅચની શ્રેણીમાં 2-1થી લીડ મળી ગઈ છે.

ભારતે ચોથા દાવમાં જીત માટે 193 રન જરૂરી હતા, પરંતુ ટીમ માત્ર 170 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.

ઍજબેસ્ટોન ટેસ્ટમાં ભારતના ઐતિહાસિક વિજય પછી લૉર્ડ્સના પ્રતિષ્ઠિત ગ્રાઉન્ડ પર ભારત સારો દેખાવ કરશે એવી આશા હતી, પરંતુ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાના કારણે ભારતે હાર સહન કરવી પડી છે. ભારત સામે ટાર્ગેટ બહુ મોટો ન હોવા છતાં 22 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે.

લૉર્ડ્સ ટેસ્ટમાં ભારત કયાં પાંચ કારણોથી હારી ગયું તેની છણાવટ કરીએ.

બીજી ઇનિંગમાં ટોચના બૅટ્સમૅનો નિષ્ફળ

લૉર્ડ્સ ટેસ્ટમાં પરાજય માટે સૌથી મોટું કારણ ભારતીય ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા છે.

લીડ્સ અને ઍજબેસ્ટોન ટેસ્ટમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ આ વખતે બંને ઇનિંગમાં તેઓ માત્ર 39 રન બનાવી શક્યા હતા.

કરુણ નાયરે પહેલી બે ટેસ્ટમાં હાફ સેન્ચુરી પણ બનાવી ન હતી, આ વખતે લૉર્ડ્સમાં તેઓ 40 અને 16 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ વખતે કેએલ રાહુલે 100 અને 39 રન બનાવ્યા જ્યારે રવીન્દ્ર જાડેજાએ 72 અને 61 રનનું યોગદાન આપ્યું, પરંતુ સામેના છેડે કોઈ ટકી ન શક્યું.

ભારતે ફટાફટ વિકેટો ગુમાવી

ભારતે પહેલી ઇનિંગમાં 6 વિકેટે 376 રન બનાવી લીધા હતા. તે વખતે તે મોટો સ્કોર બનાવશે એવું લાગતું હતું. પરંતુ ત્યાર પછી માત્ર 11 રનમાં ચાર વિકેટ પડી ગઈ.

પહેલી ઇનિંગમાં ઋષભ પંતનું રનઆઉટ થવું મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો.

મૅચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં શુભમન ગિલે માન્યું કે "પંત રનઆઉટ થયા તે મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો. જો તેઓ કેટલીક ઓવર રમ્યા હોત, અને 30-40 રન જોડ્યા હોત તો મૅચની તસવીર બદલી શકાઈ હોત. આ એક જજમેન્ટલ ભૂલ હતી."

બીજા દાવમાં ભારતે 193 રનના આસાન લક્ષ્યનો પીછો કરવાનો હતો, પરંતુ દિવસના અંત સુધીમાં ભારતે 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. 112 રનમાં ભારતની 8 વિકેટ પડી ગયા પછી જીત અશક્ય લાગતી હતી.

જોફ્રા આર્ચરની વેધક બૉલિંગ

જોફ્રા આર્ચરે ચાર વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી છે અને તેમણે ભારતીય બૅટ્સમૅનોને બહુ હેરાન કર્યા હતા. પહેલી ઇનિંગમાં તેમણે યશસ્વી જયસ્વાલને પહેલા બૉલ પર જ આઉટ કરી દીધા.

ત્યાર પછી બીજી ઇનિંગમાં આર્ચરે યશસ્વી, ઋષભ પંત અને વૉશિંગ્ટન સુંદરની વિકેટ લીધી. તેમણે આ ટેસ્ટમૅચમાં પાંચ વિકેટ ઝડપી અને તે બધા જ ડાબોડી બૅટ્સમૅન હતા.

લૉર્ડ્સની પિચે મુશ્કેલી વધારી

આ ટેસ્ટમાં જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લૉર્ડ્સની પિચ મુશ્કેલ બનતી ગઈ. આ ગ્રાઉન્ડ પર પહેલા દિવસે 251 રન બન્યા હતા અને તેમાં 4 વિકેટ પડી હતી.

જ્યારે પાંચમા દિવસે પ્રથમ સેશનમાં 54 રનમાં ચાર વિકેટ પડી ગઈ. તેથી ઇંગ્લૅન્ડનો ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લેવાનો નિર્ણય ફાયદાકારક રહ્યો હતો.

ભારતની છેલ્લી વિકેટ

છેલ્લે-છેલ્લે બંને ટીમો પર મનોવૈજ્ઞાનિક દબાણ પણ વધી રહ્યું હતું.

ભારત માટે જેમ જેમ જીતનું લક્ષ્યાંક નજીક આવતું ગયું તેમ તેમ દબાણ પણ વધતું ગયું. દબાણને કારણે ભારતીય બૅટ્સમૅનો દબાઈ ગયા.

સ્લિપમાં ઊભેલા હૅરી બ્રુક લગાતાર જાડેજાને ટોણો મારતા હતા કે "આ આઈપીએલ નથી, જડ્ડુએ જ તમામ રન બનાવવાના છે."

જાડેજા સિંગલ લેવાની કોશિશ કરતા હતા, પરંતુ સિરાજને ઇંગ્લૅન્ડના બૉલરોએ શૉર્ટ-બૉલના પ્લાને જકડી રાખ્યા હતા.

બુમરાહ પણ ઇંગ્લૅન્ડના શૉર્ટ-બૉલના પ્લાન અંતર્ગત જ આઉટ થયા. તેમણે 54 બૉલ રમી હતી. પરંતુ એક પુલ શૉટ રમવામાં આઉટ થયા.

આ ટેસ્ટમૅચમાં મોહમ્મદ સિરાજ સૌથી છેલ્લે નાટકીય રીતે આઉટ થયા. સિરાજના બેટમાં બૉલ આવ્યો હતો, પરંતુ પછી નીચે ટપ્પી ખાઈને સીધો સ્ટમ્પમાં ગયો જેના કારણે બૅલ્સ પડી ગઈ.

રવીન્દ્ર જાડેજાને સિરાજનો લાંબો સમય સાથ મળ્યો હોત તો પરિણામ કંઈક અલગ આવ્યું હોત. કારણ કે એક સમયે ભારતનો સ્કોર 112 રનમાં આઠ વિકેટ હતો ત્યારે બુમરાહ અને જાડેજા વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ હતી.

ભારતના 147ના સ્કોર પર બુમરાહ આઉટ થયા ત્યારે સિરાજ મેદાનમાં આવ્યા અને 30 બૉલ રમ્યા. આ ભાગીદારી વધારે લાંબી ચાલવી જરૂરી હતી.

ભારત ભલે મૅચ હારી ગયું હોય પરંતુ રવીન્દ્ર જાડેજાની જીદ, બુમરાહની દૃઠતા અને સિરાજના સાહસને ક્રિકેટ પ્રેમીઓ વર્ષો સુધી યાદ રાખશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન