You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિમિષા પ્રિયાના પતિએ કહ્યું - 'મેં મારી દીકરીને કહ્યું કે તેની માતા જલ્દી પરત ફરશે'
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિંદી માટે
યુદ્ઘગ્રસ્ત યમનમાં મોતની સજાનો સામનો કરી રહેલાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને બુધવારે મૃત્યુદંડ આપવામાં આવશે. નિમિષાની ઉપર પોતાના પૂર્વ બિઝનેસ પાર્ટનર અને સ્થાનિક યમનીની હત્યાનો ગુનો પુરવાર થયો છે.
વર્ષ 2017માં તલાલ અબ્દો મહદીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
યમનમાં ઇસ્લામિક શરિયતનો કાયદો ચાલે છે. એટલે નિમિષા પ્રિયાને ફાંસીથી બચાવવા માટેનો વિકલ્પ હતો કે મહદી પરિવારને બ્લડ મની ચૂકવવામાં આવે અને બદલામાં તેઓ નિમિષાને માફ કરે.
નિમિષા અને તેમના પરિવાર માટે આ એકમાત્ર આશા હતી. જોકે, નિમિષાના પરિવારનું કહેવું છે કે તા. 16મી જુલાઈના તેને મૃત્યુદંડ આપવામાં આવશે.
બીબીસીએ કેરળના પલક્કડમાં નિમિષાના પતિ તથા તેમને ઓળખનારાઓ સાથે વાત કરી અને તેઓ આ કેસને કેવી રીતે જુએ છે, તેના વિશે જાણવાનો પ્રયાસ કર્યો.
નિમિષાના ગામના અનેક લોકોને આશ્ચર્યચકિત છે અને નિમિષા હત્યા કરી શકે એ વાત તેમને માન્યામાં જ નથી આવતી.
પલક્કડના પી. સતીશન કહે છે, "અમારું આખું ગામ આ વાત ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી. અમને એ વાતથી અચંભિત છીએ કે નિમિષા આવું કઈ રીતે કરી શકે."
પી. સતીશન કહે છે કે નિમિષા લગ્ન પછી તેમના પતિ સાથે યમન ગયાં હતાં અને એ પછી તેમની દીકરીનો જન્મ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "જ્યારે તેમની દીકરી થોડી મોટી થઈ, તો ટૉમી તેમની દીકરી સાથે પરત આવી ગયા."
નિમિષાનું ગામ કોલેંગોડ ગ્રામ પંચાયત હેઠળ આવે છે. એન. શનમુગમ આ ગ્રામપંચાયતના સભ્ય છે.
એન. શનમુગમ કહે છે, "તેઓ ખૂબ જ શાંત સ્વભાવની હતી અને પોતાના તથા ભણવા સાથે જ મતલબ રાખતાં હતાં. તેમણે ખેતરમાં પણ કામ કર્યું હતું, તેઓ ટ્રૅક્ટર ચલાવતાં. તેમણે લૅબ ટેક્નિશિયનનો કોર્સ પૂરો કરીને લગ્ન કર્યાં અને એ પછી વિદેશ જતાં રહ્યાં હતાં."
નિમિષાના બચાવમાં દલીલ
ગ્રામજનોના કહેવા પ્રમાણે, નિમિષા તથા તેમના પતિ ટૉમી થૉમસે યમનમાં ક્લિનિક ખોલવાનો નિર્ણય લીધો હતો. આ માટે યમનના નાગરિક તલાલ અબ્દો મહદીને પાર્ટનર બનાવ્યા હતા.
ગ્રામજનોના કહેવા પ્રમાણે, તલાલ અબ્દો મહદી થોડા દિવસો માટે નિમિષાના ગામડે પણ આવ્યા હતા.
એન. શનમુગમના કહેવા પ્રમાણે, "એ યમની શખ્સ અહીં આવ્યો અને અમુક અઠવાડિયાં રહ્યો. એ સમયે આ લોકો મૈત્રીપૂર્વક રહ્યાં. એ પછી તેઓ દોસ્તોની જેમ પરત પણ ફર્યા, પછી સમાચારોમાં ખબર પડી કે તેમની હત્યા થઈ ગઈ છે."
કેરળનાં પલક્કડમાં રહેતાં નિમિષા પ્રિયા વર્ષ 2008માં નર્સ તરીકે કામ કરવા માટે યમન ગઈ હતી.
ત્યાં અનેક હૉસ્પિટલોમાં કામ કર્યા બાદ તે વર્ષ 2011માં કેરળ પરત ફરી અને ટૉમી થૉમસ સાથે તેમનું લગ્ન થયું. દંપતીને એક દીકરી છે, જે કેરળમાં રહે છે.
વર્ષ 2015માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદી સાથે મળીને મેડિકલ ક્લિનિકની શરૂઆત કરી હતી. એ પછી વર્ષ 2017માં મહદીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
એ ઘટનાના એક મહિના બાદ નિમિષાને યમન અને સાઉદી અરેબિયાની સરહદેથી ઝડપી લેવામાં આવી હતી.
નિમિષા ઉપર આરોપ લાગ્યો હતો કે તેણે મહદીને ઊંઘની ગોળીઓનો વધુ પડતો ડોઝ આપીને તેની હત્યા કરી નાખી અને તેનો મૃતદેહ છૂપાવવાનો પ્રયાસ કર્યો.
નિમિષાના વકીલે દલીલ આપી હતી કે મહદી દ્વારા નિમિષાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી તમામ રકમ ઝૂંટવી લીધી હતી. નિમિષાનો પાસપૉર્ટ જપ્ત કરી લીધો હતો અને બંદૂક દેખાડીને ધમકી આપી હતી.
નિમિષાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમની પાર્ટનરશિપમાં મતભેદ થવા લાગ્યા હતા, એ પછી તેઓ ભારત આવવા માગતાં હતાં, પરંતુ મહદીએ તેમનો પાસપૉર્ટ પરત નહોતા કરી રહ્યા.
નિમિષાની તરફેણમાં દલીલ
નિમિષાના ગામના લોકોને એ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે આગામી દિવસોમાં નિમિષાને મૃત્યુદંડ આપી દેવાશે. તેઓ માને છે કે નિમિષાને માફ કરી દેવાં જોઈએ.
એન. શનમુગમ કહે છે, "કોઈ વ્યક્તિ બીજાનો જીવ લેવા ન ઇચ્છે. એટલે અમારી ઇચ્છા છે કે નિમિષા પ્રિયાને મૃત્યુની સજા ન આપવી જોઈએ."
નિમિષાના ગામનાં વિનીતા ટી. કહે છે, "અમારા બધાનું માનવું છે કે એને (નિમિષા પ્રિયાને) મૃત્યુની સજા ન થવી જોઈએ. અમે તેને જેટલી ઓળખીએ છીએ, એ મુજબ તે આવી છોકરી ન હતી. ત્યાં ગયા બાદ શું થયું એના વિશે અમને ખબર નથી."
"હું નિમિષા અને પ્રેમાની સાથે ઓળખાણ હોય તે રીતે જ ઓળખતી હતી, નહીંતર અમે તો એક જ ગામના છીએ. અમને લાગે છે કે નિમિષા પ્રિયાને મૃત્યુદંડ ન મળવો જોઈએ."
નિમિષાને બચાવવા અભિયાન
નિમિષાના પતિ ટૉમી થૉમસ 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ કાઉન્સિલ' સાથે કામ કરી રહ્યા છે તથા નેતાઓને અપીલ કરી રહ્યા છે કે તેઓ નિમિષાને બચાવી લે.
તેઓ સતત નિમિષાનાં માતા પ્રેમા કુમારી સાથે સંપર્કમાં છે. પ્રેમા તેમના વકીલ સૅમ્યુઅલ જેરોમ સાથે યમનમાં છે.
ટૉમી થૉમસ કહે છે, "અમારી દીકરી કાયમ માટે તેની માતાને જોવા ઇચ્છે છે. તે ઉદાસ અને ચિંતિત છે. હું હંમેશાં તેને કહું છુ કે તેની માતા વહેલાસર પરત ફરશે."
આ પહેલાં ગયા અઠવાડિયે બીબીસી તમિલે નિમિષાનાં માતા પ્રેમા કુમારી તથા સામાજિક કાર્યકર સૅમ્યુઅલ જેરોમ સાથે વીડિયો ઇન્ટરવ્યૂ કર્યો હતો.
પ્રેમા કુમારીએ જણાવ્યું કે નિમિષાએ જેલ તંત્ર મારફતે એક સંદેશ મોકલાવ્યો હતો.
તેમણે કહ્યું કે, "તેમણે સંદેશ મોકલ્યો હતો પરંતુ તાજેતરના ચુકાદા વિશે કોઈ ઉલ્લેખ નહોતો. તેણે માત્ર ખબર પૂછ્યા હતા. તે મને ચિંતામાં નહોતી નાખવા માગતી એટલે તેણે કંઈ જણાવ્યું નહીં. મને સૅમ્યુઅલ જેરોમ પાસેથી જાણવા મળ્યું."
ગયા વર્ષે યમન ગયેલાં પ્રેમા કુમારી અત્યાર સુધી જેલમાં પોતાની દીકરીને બે વખત મળી ચૂક્યાં છે.
પ્રેમા કુમારીએ કહ્યું કે, "હું નિમિષાને 12 વર્ષ પછી મળી હતી. 23 એપ્રિલના દૂતાવાસના અધિકારી અને હું તેને મળ્યા હતા. મને ડર હતો કે કદાચ અમને મળવાની અનુમતિ ન મળે."
"તે અન્ય બે લોકો સાથે આવી, બધાએ સરખાં જ કપડાં પહેર્યાં હતાં. હું દોડીને ગઈ અને ગળે મળીને રડવા લાગી. ત્યાં હાજર લોકોએ અમને ચૂપ રહેવા કહ્યું. હું 12 વર્ષ પછી પહેલી વખત તેને મળી રહી હતી. મરી પણ જાઉં તો પણ એ પળ ભૂલી નહીં શકું. નિમિષાએ મારી સામે એવું બતાવ્યું કે જાણે તે ખુશ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન