ગુજરાત પરની સિસ્ટમ આગળ વધી, સૌરાષ્ટ્ર બાદ હવે વરસાદ કઈ તરફ વધશે, ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.

જોકે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો નથી અને અહીં વાવણીબાદ ખેડૂતો હજી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ પ્રમાણે હજી પણ રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ એટલે કે લૉ-પ્રેશર એરિયા હવે આગળ વધીને મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગઈ છે. જેની અસર મધ્ય ભારત પર થઈ રહી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા સક્રિય છે જેના કારણે પણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC Gujarati

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

ગુજરાતમાં હવે વરસાદ કઈ તરફ વધશે?

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, IMD

ગુજરાત પર જુલાઈ મહિનો અડધો ગયા બાદ સતત સિસ્ટમો બની રહી છે અને બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પણ રાજ્ય તરફ આવી રહી છે જેના કારણે વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે 23 અને 24 જુલાઈના રોજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ તથા અમરેલી જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

આ ઉપરાંત જ્યાં વરસાદ ઓછો પડી રહ્યો છે એવા પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હવે વરસાદ શરૂ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં હવે વરસાદનું પ્રમાણ થોડું વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. અહીં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક થોડો વધારે વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મઘ્યમ પ્રકારના વરસાદની સંભાવના છે, આગામી બે ત્રણ દિવસોમાં આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. એટલે કે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની શક્યતા છે.

હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ સિવાયના તમામ જિલ્લાઓમાં 22 જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે, આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ પૂરતો વરસાદ થયો નથી.

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ વિસ્તારો મુજબ અલગ અલગ હોઈ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 23 અને 24 જુલાઈના રોજ ગુજરાતમાં કોઈ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતા છે અને 26 જુલાઈ સુધી કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

હાલની સ્થિત પ્રમાણે આ મહિનાના અંત સુધી ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

1 જૂનથી લઈને 22 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 5 ટકા વધારે વરસાદ થયો છે.

સરેરાશ કરતાં ડાંગમાં 51 ટકા, દાહોદમાં 47 ટકા, મહિસાગરમાં 46 ટકા, આણંદમાં 43 ટકા, જ્યારે વડોદરામાં 42 ટકા ઓછો વરસાદ થયો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં સરેરાશ કરતાં 190 ટકા, પોરબંદરમાં 132 ટકા, જૂનાગઢમાં 92 ટકા, કચ્છમાં 55 ટકા વધારે વરસાદ થયો છે.

આ ઉપરાંત ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ 31 ડૅમો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને તેને હાઈ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડૅમોમાં 46 ટકા જેટલો પાણીનો જથ્થો આવી ગયો છે. આ ઉપરાંત સરદાર સરોવર ડૅમ 55 ટકા જેટલો ભરાઈ ગયો છે.