You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધીરજ સાહૂ : કૉંગ્રેસના સંસદ સભ્ય શું કરે છે કે તેમની પાસેથી 200 કરોડ રૂપિયા કૅશ મળ્યા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આવકવેરા વિભાગના અધિકારીઓને ઓડિશા અને ઝારખંડમાં કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં કૉંગ્રેસના એક નેતાને ત્યાંથી 200 કરોડ રૂપિયાથી વધારેની રોકડ રકમ જપ્ત કરાઈ છે.
શુક્રવારે આવકવેરા વિભાગે ઝારખંડના કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ સાથે જોડાયેલા ઓડિશા અને ઝારખંડના કેટલાંક ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આ રોકડ રકમ ઓડિશા અને ઝારખંડમાં આવેલા તેમના ઘરેથી મળી આવી છે.
અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સમાચાર એજન્સી પીટીઆઈએ કહ્યું છે કે આવકવેરા વિભાગે સતત ત્રણ દિવસ સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન 200 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરાઈ છે, જેનો “કોઈ હિસાબ નથી.”
આવકવેરા વિભાગે બુધવારે ઓડિશાના બૌધ ડિસ્ટીલરી પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. તેમાં બલદેવ સાહૂ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ સામેલ છે.
પીટીઆઈએ સૂત્રોના આધારે કહ્યું કે અત્યાર સુધી 220 કરોડ રૂપિયાની ગણતરી થઈ છે અને આ રકમ 250 કરોડ સુધીની હોઈ શકે છે.
પીટીઆઈ અનુસાર નોટની ગણતરી માટે આશરે ત્રણ ડઝન કાઉન્ટિંગ મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે.
મશીનોની સંખ્યા ઓછી હોવાથી નોટોની ગણતરીનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરોડા ક્યાં ક્યાં પાડવામાં આવ્યા?
આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓડિશાના બોલાંગીર જિલ્લાના સુદાપાડા વિસ્તારમાં એક ઠેકાણા પરથી 156 બૅગ જપ્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે અત્યાર સુધી માત્ર 6-7 બૅગની જ ગણતરી હાથ ધરાઈ હતી જેમાં આટલા રૂપિયા જપ્ત કરાયા છે.
આશરે 200 કરોડની રોકડ બોલાંગીરમાંથી જપ્ત કરાઈ છે. બાકીના રૂપિયા ઓડિશાના સંબલપુર, બોલાંગીરી, ટિટિલાગઢ, બૌધ, સુંદરગઢ, રાઉરકેલા અને ભુવનેશ્વર તથા ઝારખંડના રાંચી અને બોકારોમાં પડાયેલા દરોડામાં મળેલા છે.
કંપની તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન સામે નથી આવ્યું.
ભાજપના ઓડિશા યુનિટે આ મામલાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી પાસે કરાવવાની માગ કરી છે. ભાજપે ઓડિશામાં સત્તારૂઢ બીજેડી પાસે પણ આ મામલે સ્પષ્ટીકરણ માગ્યુ છે.
કોણ છે ધીરજપ્રસાદ સાહૂ?
રાજ્ય સભાની વેબસાઈટ અનુસાર 23 નવેમ્બર 1955ના રોજ રાંચીમાં જન્મેલા ધીરજપ્રસાદ સાહૂના પિતાનું નામ રાયસાહેબ બળદેવ સાહૂ છે અને માતાનું નામ સુશીલા દેવી છે.
તેઓ ત્રણ વાર રાજ્યસભાના સાંસદ રહ્યા છે.
તેઓ 2009માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જુલાઈ 2010માં તેઓ ફરી એકવાર ઝારખંડથી રાજ્યસભા માટે પસંદગી પામ્યા. ત્રીજીવાર મે 2018માં રાજ્યસભા માટે ચૂંટાયા.
ધીરજપ્રસાદની પોતાની વેબસાઇટ મુજબ તેઓ એક વેપારી પરિવારમાંથી છે.
તેમના પિતા રાયસાહેબ બળદેવ સાહૂ અવિભાજીત બિહારના છોટાનાગપુરના હતા અને તેમણે સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધો હતો.
દેશની આઝાદીના સમયથી તેમનો પરિવાર કૉંગ્રેસ સાથે જોડાયેલો છે.
1977માં તેમણે રાજકારણ ક્ષેત્રે પ્રવેશ કર્યો. તેઓ લોહરદગા જિલ્લા યુથ કૉંગ્રેસમાં સામેલ રહ્યા.
તેમના ભાઈ શિવપ્રસાદ સાહૂ રાંચીથી બે વાર કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાના સાંસદ રહ્યા.
તેમણે રાંચીની મારવાડી કૉલેજમાંથી બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ ઝારખંડના લોહરદગામાં રહેતા હતા.
2018માં રાજ્યસભા માટે ચૂંટાવાની પ્રક્રિયામાં ધીરજ સાહૂએ જ સોગંદનામુ રજૂ કર્યુ હતું તેમાં તેમણે તેમની સંપત્તિ 34.83 કરોડ દર્શાવી હતી. તેમણે 2.04 કરોડની ચલ સંપત્તિ હોવાનો દાવો પણ કર્યો હતો.
ઉપરાંત તેમની પાસે એક રેંજ રોવર, એક ફૉર્ચ્યૂનર, એક બીએમડબલ્યૂ અને એક પજેરો કાર છે.
સોગંદનામા મુજબ તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.
ભાજપે ગમ્મત કરી
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અન્ય નેતાઓએ આ મામલે ગમ્મત કરી અને સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરતા ટિપ્પણી પણ કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું કે જનતા પાસેથી લૂંટીને ભેગા કરાયેલા રૂપિયા પાછા આપવા પડશે.
તેમણે લખ્યું, “દેશના લોકો આ નોટોના ઢગલાંઓને જુએ અને પછી તેમના નેતાઓના ઇમાનદારીના ભાષણોને સાંભળે.... જનતા પાસેથી જે લૂંટી લીધું છે, તેની એક એક પાઈ પાછી આપવી પડશે, આ મોદીની ગૅરંટી છે.”
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી ઓડિશા અને ઝારખંડના રાજનેતાઓ માટે સંકેત છે જેઓ આ કંપની સાથે જોડાયેલા છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં માત્ર વિપક્ષીઓના ગઠબંધન ઇન્ડિયા પર જ નિશાન ન સાધ્યું પરંતુ ગાંધી પરિવાર અને કૉંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઈએ.
તેમણે કહ્યું કે "વડા પ્રધાનની ગૅરંટી છે કે ભ્રષ્ટાચારને વધવા નહીં દેવાય અને ભ્રષ્ટાચાર કરનારાઓને જેલની સજા અપાશે."
તેમણે કહ્યું, "નવ કબાટ છે. જેમાંથી 100 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે. કૉંગ્રેસના એક સાંસદ પાસેથી 100 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે. પાર્ટીમાં કેટલા સાંસદો છે? આખા વિશ્વમાં સૌથી ભ્રષ્ટ ગાંધી પરિવાર છે.”
ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ કટાક્ષ કરતા કહ્યું, “પ્રેમની દુકાનમાં ભ્રષ્ટાચારનો ધંધો ચાલતો હતો તેનો આ પુરાવો છે.”