812 કરોડ રોકડ સહિત 3,370 કરોડની સંપત્તિ ચૂંટણીમાં જપ્ત થઈ, 2014થી ડબલ

2019ની ચૂંટણીમાં છઠ્ઠા તબકકાનુ મતદાન ચાલું છે ત્યારે સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલી માહિતી મુજબ 812 કરોડની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ સહિત કુલ 3,370 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે એમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જણાવે છે.

સરકારે 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી રોકડ અંગે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ગત ચૂંટણીમાં 303.86 કરોડની રોકડ ઝડપાઈ હતી જેમાંની મોટાભાગની આવકની યોગ્ય તપાસને અંતે એક મહિના બાદ પરત કરી દેવામાં આવી હતી.

સરકારે કહ્યું કે અનેક કેસો પૈકી ફક્ત 3 કેસમાં વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે સરકારે આપેલી આ માહિતી પર આશ્ચર્ય વ્યકત કરી કહ્યું કે મતલબ તમે એવું કહેવા માગો છો કે સરકારે એ રકમ એક મહિનો સુરક્ષિત રાખી અને પછી પરત કરી દીધી.

જસ્ટિસ એન વી રમણ અને એમ એમ શાંતનાગૌદરની બૅન્ચે આ મામલે આઘાત વ્યકત કર્યો હતો.

આની સાથે બિઝનેસ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર મુજબ 2014 કરતાં રોકડ અને સંપત્તિની જપ્તી 2019ની ચૂંટણીમાં ડબલ થઈ છે.

અખબાર કહે કે આ વખતે રોકડ, દારૂ, ડ્રગ્સ, સોના સહિતની કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓ સાથે કુલ 25 બિલિયનની સંપત્તિ જપ્ત થઈ છે જે 2014 કરતાં ડબલ છે.

નહેરુને બદલે ઝીણાને વડા પ્રધાન બનાવ્યા હોત તો ભાગલા ન થયા હોત - ભાજપ ઉમેદવાર

લોકસભાની ચૂંટણીનો છઠ્ઠો તબક્કો આજે છે ત્યારે ભાજપના ઉમેદવારે આપેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે. રતલામ-ઝાંબુઆ બેઠકના ઉમેદવાર ગુમાનસિહં ડામોરે કહ્યું કે ઝીણાને વડા પ્રધાન બનાવ્યા હોત તો દેશના ભાગલા ન થયા હોત.

સમાચાર સંસ્થા એએનઆઈ આ અંગે વિગત આપી છે.

ગુમાનસિંહ ડામોરે કહ્યું કે આઝાદી વખતે જો નહેરુએ જીદ ન કરી હોત તો આ દેશના બે ટુકડા ન થયા હોત. મોહમ્મદ ઝીણા એક વકીલ હતા, એક વિદ્વાન વ્યકિત હતી અને તે વખતે જો આપણા વડા પ્રધાન ઝીણા બને એવો નિર્ણય લેવામાં આવ્યો હોત તો આ દેશના ટુકડા ન થયા હોત.

હૉંગકૉંગની સંસદમાં મારામારી

હૉંગકૉંગની સંસદમાં મારમારી થઈ છે અને તેમાં અનેક સંસદસભ્યો ઘાયલ થયા છે અને તેમને દવાખાને ખસેડવામાં આવ્યા છે.

ગુનેગારને રાજ્યને હવાલે કરવાના કાનૂનમાં બદલાવ માટેની ચર્ચા પ્રક્રિયા દરમિયાન આ મારામારી થઈ હતી.

આ કાનૂનમાં ફેરફાર મુજબ ગુના સબબ આરોપીને ટ્રાયલ માટે ચીન મોકલવાની દરખાસ્ત છે.

વિવેચકો માને છે કે કાનૂની પ્રક્રિયામાં આ ફેરફાર એ હૉંગકૉંગની આઝાદીને છીનવી લેશે.

જોકે, સત્તાધિકારીઓ માને છે કે હત્યાના આરોપીને તાઈવાન મોકલી શકાય તે માટે આ ફેરફાર જરૂરી છે.

એક બેઇજિંગ તરફી સંસદસભ્યે આને હૉંગકૉંગ માટે દુખનો દિવસ ગણાવ્યો છે.

આ વિવાદિત કાયદા પરનું સત્ર લોકશાહીતરફી સાંસદ જૅમ્સની આગેવાની હેઠળ હતું પરંતુ પાછળથી તેમની ચૅયરમૅનશીપ બદલી દેવામાં આવી હતી.

નમો ટીવી પર પ્રસારણને મુદ્દે દિલ્હી ભાજપને નોટિસ

ભાજપની ટીવી ચેનલ નમો ટીવી પર ચૂંટણીપ્રચાર બદલ દિલ્હીના ચૂંટણી અધિકારીએ ભાજપને નોટિસ આપી છે.

દિલ્હીમાં સાઇલન્ટ પીરિયડ દરમિયાન આ ટીવી પર પ્રચાર સામગ્રી ચલાવવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ચૂંટણીપંચની મંજૂરી વગર આ ટીવી પર સામગ્રી પ્રસારિત કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

મોદીને મારા પ્રત્યે નફરત પણ હું તેમને પ્રેમ કરું છું - રાહુલ ગાંધી

સમાચાર ચેનલ એનડીટીવીને આપેલી મુલાકાતમાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીને મારા પ્રત્યે અંગત નફરત છે પરંતું હું એમને પ્રેમથી મળું છું.

કૉંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે જે વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે અને બંધારણ પર આક્રમણ કરી રહી છે તેમની સાથે અમારી લડાઈ છે.

રાહુલે દાવો કર્યો કે ફક્ત કૉંગ્રેસને જ નહીં સમગ્ર દેશને લાગે છે કે અમારી લડાઈ આરએસએસ-ભાજપ સાથે છે.

કૉંગ્રેસ પ્રમુખે વડા પ્રધાન બનવાની વાત પર જવાબ આપ્યો ન હતો અને કહ્યું કે દેશની જનતા 23 તારીખે નક્કી કરશે.

રાહુલે એમ પણ કહ્યું કે દેશને કેવી રીતે ન ચલાવવો જોઈએ એ તેઓ મોદી પાસેથી શીખ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો