97 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ! શું નોટો બદલવા માટે હતી?

    • લેેખક, રોહિત ઘોષ
    • પદ, કાનપુરથી બીબીસી ગુજરાતી માટે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસે એક ઘરમાંથી મંગળવારે કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો જપ્ત કરી હતી.

દરોડા પછી નોટો ગણવાનું જે કામ મંગળવારે સાંજે શરૂ થયું હતું એ બુધવારે બપોર સુધી ચાલતું રહ્યું હતું.

ચલણી નોટો ગણવા માટે ત્રણ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પૈકીનાં બે ખોટવાઈ ગયાં હતાં.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જેટલી નોટો જપ્ત કરવામાં આવી છે તેનું મૂલ્ય નોટબંધી પહેલાં 97 કરોડ રૂપિયા હતું.

બ્લેક મનીને કાયદેસરના કરવાનો ધંધો?

આટલા મોટા પ્રમાણમાં બ્લેક મની પકડાયા બાદ પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીઓ નોટબંધીના 14 મહિના પછી પણ બ્લેક મનીને કાયદેસરના નાણાંનું સ્વરૂપ કઈ રીતે આપતા હતા?

કાનપુરના સીનિયર પોલીસ વડા અખિલેશ મીણા સાથે બીબીસીએ વાત કરી હતી.

અખિલેશ મીણાએ કહ્યું હતું, "ગેરકાયદે જાહેર કરવામાં આવેલી જૂની ચલણી નોટોનો મોટો જથ્થો કાનપુરમાં કેટલાક લોકો પાસે હોવાની બાતમી અમને મળી હતી."

"અમે કેટલાંક સ્થળોએ દરોડા પાડીને 500 અને 1000 રૂપિયાની અંદાજે 97 કરોડ રૂપિયાની નોટોનો જથ્થો જપ્ત કર્યો હતો."

"આ સંબંધે 16 જણાની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય આરોપીનું નામ અશોક ખત્રી છે."

અશોક ખત્રી કાનપુરમાં ટેક્સટાઈલ અને રિઅલ એસ્ટેટનો બિઝનેસ કરે છે.

10 ટકા કમિશનથી નોટોની બદલી

અખિલેશ મીણાએ ઉમેર્યું હતું, "અશોક ખત્રી અને તેમના સાથીઓ 10 ટકા કમિશન લઈને જૂની ચલણી નોટો બદલી આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે."

સુત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સીએ આપેલી માહિતીને અનુસંધાને કાનપુર પોલીસે પગલાં લીધાં હતાં.

પોલીસ વડા ગૌરવ ગ્રોવર અને અનુરાગ આર્યના નેતૃત્વ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા.

સૌથી પહેલાં એક હોટેલમાં દરોડો પાડીને છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

એ લોકોએ આપેલી માહિતીને આધારે અશોક ખત્રીના સ્વરૂપ નગરમાં આવેલા બંગલા પર દરોડો પાડવામાં આવ્યો હતો અને જૂની નોટો જપ્ત કરવામાં આવી હતી.

આ દરોડા સંબંધે રિઝર્વ બેન્ક અને આવકવેરા સહિતના સંબંધીત વિભાગોને પણ માહિતગાર કરવામાં આવ્યા હોવાનું ઉત્તર પ્રદેશ પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

નિયમોનો અભ્યાસ

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, "નોટબંધી વખતે જૂની નોટો બદલવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેનો અભ્યાસ અમે કરી રહ્યા છીએ."

"કેટલાક લોકો કે કંપનીઓને જૂની નોટો બદલવાની છૂટ છે કે નહીં તે જાણવાના પ્રયાસ અમે કરી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો