નોટબંધીનાં છ વર્ષ પછી પણ દેશમાં નકલી નોટોનો કારોબાર બેફામ

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્ર સરકારે 2016માં નોટબંધીનો નિર્ણય લેતી વખતે જણાવ્યું હતું કે આ નિર્ણયના અનેક ફાયદા પૈકીનો એક ફાયદો બનાવટી ચલણી નોટોના વપરાશ પર લગામ તાણવાનો છે. જોકે, ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)ના તાજેતરના વાર્ષિક અહેવાલ પર નજર નાખતાં સમજાય છે કે ભારતમાં નકલી નોટોના ચલણમાં વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020-21ની સરખામણીએ આ વર્ષમાં 500 રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટોના પ્રમાણમાં 101.9 ટકા, જ્યારે 2000 રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટોના પ્રમાણમાં 54.16 ટકા વધારો થયો હોવાનું આરબીઆઈના ધ્યાનમાં આવ્યું હતું.

આવી જ રીતે દસ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટોના પ્રમાણમાં 16.4 ટકા, 20 રૂપિયાની બનાવટી ચલણી નોટોના પ્રમાણમાં 16.5 ટકા અને 200 રૂપિયાના મૂલ્યની નકલી ચલણી નોટોના પ્રમાણમાં 11.7 ટકા વધારો નોંધાયો હતો. માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટોના પ્રમાણમાં અનુક્રમે 28.7 ટકા અને 16.7 ટકા ઘટાડો નોંધાયો હતો.

આરબીઆઈના જણાવ્યા મુજબ, 2021-22ના નાણાકીય વર્ષ દરમિયાન બૅન્કિંગ ક્ષેત્રમાંથી મળી આવેલી નકલી ભારતીય ચલણી નોટો (એફઆઈસીએન) પૈકીની 6.9 ટકા રિઝર્વ બૅન્કમાંથી અને 93.1 ટકા અન્ય બૅન્કોમાંથી મળી આવી હતી.

અત્રે એ નોંધવું જોઈએ કે આરબીઆઈના અહેવાલમાં જે નકલી નોટોની વાત કરવામાં આવી છે તેમાં માત્ર બૅન્કોમાંથી પકડી પાડવામાં આવેલી નકલી નોટોનો જ સમાવેશ થાય છે, પોલીસ તથા અન્ય ઍન્ફોર્સમૅન્ટ એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવેલી બનાવટી નોટોનો નહીં.

નેશનલ ક્રાઇમ રૅકૉર્ડ્ઝ બ્યૂરો (એનસીઆરબી)ના તાજા આંકડા મુજબ, 2020માં 92 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની કૂલ 8,34,947 નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. તેનું પ્રમાણ 2019માં પકડી પાડવામાં આવેલી 25 કરોડ રૂપિયાના મૂલ્યની 2,87,404 નકલી ચલણી નોટોની સરખામણીએ 190.5 ટકા વધારે હતું.

શા માટે વધી રહ્યું છે નકલી નોટોનું પ્રમાણ?

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ત્રણ દાયકા સુધી અર્થશાસ્ત્ર ભણાવી ચૂકેલા અર્થશાસ્ત્રી અને 'ધ બ્લેક ઇકૉનૉમી ઑફ ઇન્ડિયા' નામના પુસ્તકના લેખક પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે "બનાવટી ચલણી નોટોના વેપારમાં નફાનું પ્રમાણ ખૂબ મોટું હોય છે. જેમ કે 500 રૂપિયાની ચલણી નોટો છાપવા માટે રિઝર્વ બૅન્કને અઢીથી ત્રણ રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ નકલી નોટો છાપતાં લોકો એક બનાવટી નોટ છાપવા પાછળ 10 રૂપિયાનો ખર્ચ કરે તો પણ તેમને 490 રૂપિયાનો ફાયદો થાય છે."

પ્રોફેસર અરુણ કુમારના જણાવ્યા મુજબ, બનાવટી નોટોના પ્રચલનનું એક મોટું કારણ આસાનીથી ઉપલબ્ધ ટેકનૉલૉજી પણ છે.

તેઓ કહે છે કે "નકલી ચલણી નોટો પર લગામ તાણવાનું મુશ્કેલ છે, કારણ કે આજે જે ટેકનૉલૉજી ઉપલબ્ધ છે તેના વડે નકલી નોટ બનાવવાનું શક્ય તો છે જ. એ કામ પહેલાં જે રીતે થતું હતું એ રીતે હવે પણ થશે. નોટબંધીને કારણે નકલી નોટોની છેતરપિંડીને અટકાવી શકાતી નથી. બીજી વાત એ છે કે નકલી નોટો બનાવવામાં પરદેશી સરકારોનું સમર્થન ધરાવતા ભારતવિરોધી લોકો સામેલ છે અને તેમની પાસે પણ ટેકનૉલૉજી ઉપલબ્ધ છે."

નોટબંધી દરમિયાન બનાવટી ચલણી નોટો પર લગામ તાણવાના સરકારના દાવા બાબતે પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે "તેનો નોટબંધી સાથે કોઈ સંબંધ ન હતો. આપણે બનાવટી નોટોનું ચલણ જ અટકાવી દઈશું એ ધારણા ખોટી હતી."

આરબીઆઈના અહેવાલનો અર્થ

પ્રોફેસર અરુણ કુમારના જણાવ્યા મુજબ, જે બનાવટી નોટો પકડી પાડવામાં આવે છે તેનું પ્રમાણ બહુ ઓછું હોય છે. બજારમાં 100થી નકલી નોટો ફરતી હોય તો તેમાંથી માત્ર ત્રણ-ચાર જ પકડાય છે.

તેઓ કહે છે કે "સત્તાવાર આંકડા છેતરપિંડીનું સાચું ચિત્ર દર્શાવતા નથી. જે પકડાય છે તે તો હિમશીલાનો બહુ નાનો હિસ્સો હોય છે, કારણ કે તેનાથી 30 કે 50 ગણી નકલી નોટો ચલણમાં હોય છે."

પ્રોફેસર અરુણ કુમારનું કહેવું છે કે કુલ પૈકીની માત્ર ત્રણ ટકા નોટો પકડાતી હોય અને બાકીની 97 ટકાનો વપરાશ થતો રહેતો હોય તો તેનો અર્થ એ છે કે પોતે જેનો ઉપયોગ કરી રહ્યા છે તે ચલણી નોટ અસલી છે કે નકલી તે સામાન્ય લોકો જાણતા નથી.

તેઓ કહે છે કે "બનાવટી ચલણી નોટોનું ચલણ એક મોટો પડકાર છે. નકલી ચલણી નોટો વિશેના સમાચાર ફેલાય છે ત્યારે લોકો એવી નોટો સ્વીકારવાનું બંધ કરી દે છે અને લેવડદેવડ મુશ્કેલ બની જાય છે. બનાવટી ચલણી નોટોનું પ્રમાણ વધે છે ત્યારે તેની વિશ્વસનિયતા પણ ઘટી જાય છે."

'આધુનિક ટેક્નોલોજીને લીધે નકલ કરવાનું આસાન'

દેશમાં બનાવટી ચલણી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટિંગ પ્રેસ પકડી પાડવામાં આવ્યાના સમાચારો પણ સમયાંતરે આવતી રહે છે. આવી ઘટનાઓમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ સિવાય કલર પ્રિન્ટર વડે પણ નકલી નોટો છાપવાની ઘણી ઘટનાઓ નોંધાઈ છે.

આરબીઆઈ પણ નોટોની સલામતી વધારવા માટે વિવિધ પ્રકારના ઉપાય થોડા-થોડા સમયે કરતી રહે છે, જેથી બનાવટી નોટોની છેતરપિંડીને વધારે મુશ્કેલ અને મોંઘી બનાવી શકાય.

અસલી નોટોની સલામતી વધારવા માટે તેમાં વૉટર માર્ક, સિક્યુરિટી થ્રેડ, ગુપ્ત છબિ, માઇક્રોલેટરિંગ, સીલ અને ઓળખ ચિન્હ જેવી તરકીબોનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત આરબીઆઈ નકલી નોટોના ષડયંત્રકર્તાઓ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો પણ ચલાવતી રહે છે, જેથી લોકો નકલી નોટોને આસાનીથી ઓળખી શકે.

આમ છતાં દેશમાં નકલી નોટો વડે છેતરપિંડી એક મોટો પડકાર બનીને ઉભરી છે.

પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે "ટેકનૉલૉજી બહેતર બની રહી છે તેમ આરબીઆઈ પણ સલામતીના વધારેને વધારે પગલાં લઈ રહી છે, પરંતુ નકલી નોટો બનાવવાનું બહુ આસાન થઈ ગયું છે. અસલી નોટોની સલામતી માટે નવાં ફિચર્સ સામેલ કરવામાં આવે છે તેમ-તેમ તેની નકલની ટેકનૉલૉજી પણ વિકસતી રહે છે. સિક્યૉરિટી ફિચર્સના સમાવેશથી બધું સલામત થઈ જશે એવું આપણે કહી ન શકીએ. લગભગ તમામ સિક્યૉરિટી ફિચર્સની નકલ થઈ જાય છે."

શું છે નિરાકરણ?

આ પરિસ્થિતિમાં નકલી ચલણી નોટોની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરી શકાય એ સવાલ છે.

પ્રોફેસર અરુણ કુમારના જણાવ્યા મુજબ, "નકલી નોટોનું ચલણ સંપૂર્ણપણે રોકી શકાય નહીં. માત્ર તેનું પ્રમાણ જ ઘટાડી શકાય."

તેઓ કહે છે કે "આ માટે બૅન્કોએ વધારે સતર્ક રહેવું પડશે. બૅન્કોએ સુનિશ્ચિત કરવું પડશે કે નકલી નોટો તેમના સુધી આવે તો તેઓ તેને ત્યાં જ રોકી લેશે અને બજાર સુધી પહોંચવા ન દે."

નકલી નોટોની ઓળખ મુશ્કેલ બનતી જાય છે. તેથી નિષ્ણાતો જણાવે છે કે સામાન્ય લોકોએ પણ ચલણી નોટોનો ઉપયોગ કરતી વખતે વધારે સાવધ રહેવું જરૂરી છે.

સરકાર શું કહે છે?

સરકારનું કહેવું છે કે બનાવટી ચલણી નોટોનો સ્રોત, તેના બજારમાં પ્રવેશ અને તેનું છાપકામ કરતા ગુનેગારો અને તેને સર્ક્યુલેટ કરવાના સંપૂર્ણ ગેરકાયદે નેટવર્ક પર કેન્દ્ર તથા રાજ્ય સરકારોની ગુપ્તચર તથા સલામતી એજન્સીઓ ચાંપતી નજર રાખે છે તેમજ કાયદાનુસાર કાર્યવાહી કરે છે.

ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ ક્રમાંક 489 (ઈ-એ) મુજબ, કરન્સી નોટોની છેતરપિંડી ગુનો છે. એ ઉપરાંત ઉચ્ચ ગુણવતાવાળી નકલી ભારતીય પેપર કરન્સી, સિક્કા કે અન્ય કોઈ સામગ્રીના ઉત્પાદન, દાણચોરી કે હેરફેરને અનલૉફૂલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ - 1967 હેઠળ એક આતંકવાદી કૃત્ય બનાવવામાં આવ્યું છે.

દેશમાં બનાવટી ચલણી નોટોની સમસ્યાના સામના માટે રાજ્યો તથા કેન્દ્રની વિવિધ સલામતી એજન્સીઓ વચ્ચે ગુપ્ત માહિતીના આદાનપ્રદાનના હેતુસર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એફઆઈસીએન સમન્વય સમૂહની રચના કરી છે. એ ઉપરાંત ટેરર ફન્ડિંગ અને નકલી ચલણના મામલાઓની કેન્દ્રીત તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં એક ટેરર ફંન્ડિંગ ઍન્ડ ફેક કરન્સી સેલની રચના પણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર એમ પણ કહે છે કે બનાવટી નોટોના વપરાશ પર લગામ તાણવા માટે નવી સર્વેલન્સ તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પર 24 કલાક નજર રાખવા માટે વધારાના કર્મચારીઓની તહેનાતી, આંતરરાષ્ટ્રીય સરહદે નજર રાખવા માટે ચોકીઓની સ્થાપના, સીમા પર વાડના નિર્માણ અને સઘન પેટ્રોલિંગ વડે આંતરરાષ્ટ્રીય સરહદે સલામતી મજબૂત બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.

નકલી નોટોની દાણચોરી અને તેનું સર્ક્યુલેશન અટકાવવા માટે ભારત અને બાંગ્લાદેશે એક કરાર કર્યો છે. એ ઉપરાંત નકલી ચલણ સંબંધી મામલાઓ ઓળખ, તપાસ અને અસરકારક અદાલતી કાર્યવાહી માટે બાંગ્લાદેશ તથા નેપાળના પોલીસ અધિકારીઓ માટે ભારત ટ્રેનિંગ કાર્યક્રમો યોજી રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો