સાંસદોને મળતા બંગલાનું ભાડું કેટલું હોય? ખાલી ક્યારે કરવાનો હોય?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

સુરતની કોર્ટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં દોષિત ઠેરવી 2 વર્ષની સજા કરી અને ત્યારબાદ તેમનું સંસદસભ્યપદ ગેરલાયક ઠર્યું છે, જેને લીધે તેમને સરકારે દિલ્હીનો સરકારી બંગલો ખાલી કરવા કહી દેવાયું છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને એક બંગલો મળેલો હતો. તેઓ ત્યાં ઘણાં વર્ષોથી રહેતા આવ્યા છે. દિલ્હીના 12 તુઘલક રોડ પરના સરકારી આવાસમાં તેઓ ચાર ટર્મથી રહે છે પણ તેમને હવે સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ છે.

દરમિયાન મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફૅર્સ હેઠળના આવતા ડિરેક્ટોરેટ ઑફ એસ્ટેટ્સના ડૅપ્યૂટી સેક્રેટરી ડૉ. મોહિત રાજને રાહુલ ગાંધીને 27 માર્ચના રોજ નોટિસ પાઠવી હતી અને સરકારી ઘર એક મહિનામાં ખાલી કરવા જણાવ્યું હતું.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ‘તારીખ 23 માર્ચ, 2023થી તમારી લોકસભાની સદસ્યતા (સંસદસભ્યપદ) ગેરલાયક ઠરતા રદ થઈ જતાં આપને મળેલું ઘર વધુમાં વધુ એક મહિનાની અંદર ખાલી કરવા આપને જણાવવામાં આવે છે.’

ઘણી વખત મીડિયા અહેવાલો જોવા મળતા હોય છે કે કેટલાક મંત્રીઓ-પદાધિકારીઓ પદનો કાર્યકાળ કે પદ સમાપ્ત થઈ ગયા બાદ પણ સરકારી આવાસો ખાલી નથી કરતા.

દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં વિવિધ પ્રકારના, જેમ કે ટાઇપ 4, 5, 6, 7, 8 પ્રકારના સરકારી બંગલા રહેવા મળતા હોય છે.

રાહુલ ગાંધીને સાંસદ તરીકે મળેલો આ પ્રકારનો જ બંગલો છે.

વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ઉપરાંત સાંસદો અને મંત્રીઓ તથા કેટલાક ખાસ વીવીઆઈપી પદાધિકારીઓને દિલ્હીમાં સરકારી બંગલા મળતા હોય છે. આ બંગલા માત્ર 2500થી 5000 રૂપિયાના માસિક ભાડાપેટે અપાય છે.

રાહુલ ગાંધી બંગલો ખાલી કરશે?

આ નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો અને 12 તુઘલક રોડનો બંગલો ખાલી કરવા તૈયારી બતાવી હતી.

તેમણે જવાબરૂપે લખેલા પત્રમાં લખ્યું,‘તમારા 27 માર્ચના નિવાસ ખાલી કરવાના પત્ર બદલ આભાર. લોકોએ મને 4 ટર્મ સુધી સાંસદ તરીકે ચૂંટ્યો અને અહીં નિવાસના સમયગાળાનાં મારાં સારાં સ્મરણો રહ્યાં છે.’

‘હું નિયમોનું પાલન કરીશ અને પત્રમાં લખેલી વાતોનું પાલન કરીશ.’

દિલ્હીમાં સરકારી બંગલા મુદ્દે વારંવાર મીડિયામાં અહેવાલો આવે છે જેમાં નેતાએ ભાડું ન ચૂકવ્યું હોય અથવા પદ કે કાર્યકાળ સમાપ્ત થઈ ગયા પછી પણ બંગલો ખાલી ન કરતા હોય એવા સમાચારો જોવા મળતા હોય છે. વળી, વિવિધ પદ પર રહેતા વરિષ્ઠ સરકારી અધિકારીઓને પણ સરકારી બંગલા મળતા હોય છે.

શું છે સરકારી બંગલો મળવાના નિયમો?

દિલ્હીમાં ચૂંટાયેલા રાજનેતાઓ (રાજ્યસભા અને લોકસભાના સાંસદો - પદાધિકારીઓ) તથા બંધારણીય ઉચ્ચપદો પર રહેલા વીવીઆઈપી અને સરકારમાં મંત્રીઓ તથા સરકારે અપવાદરૂપ કિસ્સાઓમાં નક્કી કરેલી વ્યક્તિઓની નિશ્ચિત સમય માટે સરકારી બંગલા મળતા હોય છે.

સૅલરી, ઍલાઉન્સ અને પેન્શન ઑફ મેમ્બર્સ ઑફ પાર્લામેન્ટ (અમૅન્ડમેન્ટ) ઍક્ટ, 2010 અનુસાર સૅલરીઝ, ઍલાઉન્સ ઍન્ડ ફૅસિલીટીઝ ફૉર મેમ્બર્સ ઑફ પાર્લામેન્ટના નિયમો તથા સંસદે સમયે સમયે બનાવેલા-સુધારેલા કાયદા મુજબ સંસદસભ્યો-પદાધિકારીઓને સુવિધા મળે છે.

સંસદીય બાબતોનું મંત્રાલય, ગૃહમંત્રાલય, હાઉસિંગ અને અર્બન અફૅર્સની ભલામણ-માર્ગદર્શિકા પણ તેમાં ભૂમિકા ભજવે છે.

સંસદના ઉપરોક્ત કાયદા હેઠળ બનેલા નિયમો મુજબ સાંસદોનાં વેતન, ભથ્થાં, પ્રવાસન, સ્ટાફ, પેન્શન, સરકારી આવાસની સુવિધા મળે છે. એ નિયમો પ્રમાણે જ તેમને કેટલી સુવિધા કઈ શ્રેણીમાં મળશે એ નક્કી થાય છે.

ઉદાહરણ તરીકે જો વ્યક્તિ પહેલી વખત ચૂંટાય તો તેને જે વ્યક્તિ કૅબેનિટ કક્ષાના મંત્રી હોય અથવા વરિષ્ઠ સાંસદ હોય એના કરતાં સુવિધા સરખામણીમાં વત્તાઓછા અંશે ઓછી અથવા અલગ શ્રેણીની મળે છે.

દિલ્હીના અત્યંત પોશ ગણાતા લૂટિયન્સ વિસ્તારમાં આ સરકારી બંગલા આવેલા છે, જ્યાં કૅબિનેટ મંત્રી, વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સહિતના વીવીઆઈપી રહેતા હોય છે.

મંત્રી કે સાંસદો અને પદાધિકારીઓ પોતાના કાર્યકાળ દરમિયાન પોતાનું કામકાજ દિલ્હીમાં રહી કરી શકે એ માટે તેમને આ સુવિધા આપવામાં આવે છે.

બંગલાનું ભાડું કાં તો તેમના પગારમાંથી કપાય છે અથવા તેઓ અલગથી પણ ચૂકવવાનો વિકલ્પ અપનાવતા હોય છે.

સાંસદોના પગારની વાત કરીએ તો, સાંસદને વેતન-ભથ્થાં અને વિવિધ સુવિધાઓના ખર્ચ પેટે લગભગ 1થી 1.50 લાખ રૂપિયા પ્રતિમહિને મળતા હોય છે.

બંગલો ખાલી કરાવવાના નિયમો શું છે?

સામાન્યતઃ સાંસદ કે પદાધિકારીનું પદ કે એમનો કાર્યકાળ સમાપ્ત થાય એટલે નિયમો પ્રમાણે તેમણે મળેલું સરકારી નિવાસસ્થાન ખાલી કરવાનું હોય છે.

ઉપરાંત ‘નો ડ્યૂ’ પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે. એટલે કે કોઈ ભાડું કે રકમ કે ફી બાકી નથી તેનું પ્રમાણપત્ર. સાંસદોને જે બંગલો મળે છે એના માટે ચૂકવવા પડતા ભાડાને લાઇસન્સ ફી તરીકે ઓળખવામાં આવે છે.

વળી રાહુલ ગાંધીના કેસની વાત લઈએ તો અહીં તેમનો કાર્યકાળ સમાપ્ત નથી, પરંતુ તેમનું સંસદસભ્ય પદ રદ કરી દેવાયું છે એટલે તેમને આપવામાં આવેલી નોટિસોમાં કારણ અપાયું છે કે સંસદસભ્ય પદ રદ થયું હોવાથી તેમને હવે એક સાંસદને મળતા લાભ મળવાપાત્ર નથી.

જોકે તેમના સંસદસભ્ય પદનું રદ થવું અને એક મહિનામાં જ તેમને બંગલો ખાલી કરી દેવાના મુદ્દાએ રાજકીય વિવાદ સર્જ્યો છે.

કૉંગ્રેસ પક્ષનો આરોપ છે કે રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓ અને વિવિધ મુદ્દે અવાજ ઉઠાવતા હોવાથી તેમને નિશાન બનાવાઈ રહ્યા છે, જ્યારે ભારતીય જનતા પક્ષનો વળતો આરોપ છે કે તમામ કાર્યવાહી નિયમો અનુસાર થઈ રહી છે.

કઈ રીતે બંગલા ફાળવવામાં આવે છે?

સંસદના કાયદા સાસંદોનાં વેતન-ભથ્થાં અને સુવિધાઓ નક્કી કરવાના નિયમો બનાવે છે. તેનું અમલીકરણ અને પેટાનિયમો સરકારના મંત્રાલયના વિવિધિ વિભાગો અને સંસદની હાઉસિંગ કમિટી તૈયાર કરતી હોય છે.

લોકસભાના સાંસદ માટે હાઉસિંગ કમિટિ ફૉર લોકસભા બનેલી છે. વર્ષ 2019થી નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તેના અધ્યક્ષ છે. બંગલા ફાળવણીમાં આ સમિતિની પણ ભૂમિકા રહેતી છે.

તદુપરાંત મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફૅર્સનો એક વિભાગ ‘ડિરેક્ટોરેટ ઑફ એસ્ટેટ્સ’ એની કામગીરી સંભાળે છે.

નવી લોકસભા રચાય એટલે વરિષ્ઠતા અને પ્રાથમિકતા તથા વારા મુજબ તમામ સંસદસભ્યોને બંગલા ફાળવવામાં આવે છે અને સભ્યોના કાર્યકાળ પૂરા થતા બંગલા ખાલી કરવા તેમને જાણકારી આપવામાં આવે છે.

સોનિયા ગાંધીએ બંગલાનું ભાડું નહોતું ચૂકવ્યું?

રાજકીય નેતાઓએ સમયસર બંગલો ખાલી ન કર્યો હોય અથવા સમયસર ખાલી કર્યો હોય તથા લાઇસન્સ ફીના વિવાદો પ્રકાશમાં આવતા હોય છે.

ગત વર્ષે કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીનાં સાંસદ સોનિયા ગાંધીએ તેમના 10 જનપથ રોડના સરકારી બંગલાનું લગભગ દોઢ વર્ષથી ભાડું ન ચૂકવ્યું હોવાની વાત પ્રકાશમાં આવી હતી.

સોનિયા ગાંધી 1991થી રાજીવ ગાંધીના નિધન પછી 10 જનપથ રોડના બંગલામાં રહે છે. અને તે ટાઇપ 8 પ્રકારનો બંગલો છે તથા તેનું માસિક ભાડું આરટીઆઈ મુજબ 4610 રૂપિયા છે.

એક આરટીઆઈના જવાબમાં આ વાત બહાર આવી હોવાનું ભાજપના આઈટીસેલના ઇન્ચાર્જ અમિત માલવિયાએ ટ્વીટ કર્યું હતું.

અહેવાલ મુજબ સંસદસભ્યો દર મહિને ભાંડુ ચૂકવવાની જગ્યાએ એકસાથે એક સામટી રકમ પણ ચૂકવવાનો વિકલ્પ રાખતા હોય છે. ઘણા કેસમાં ભાડું પગારમાંથી કપાઈ જાય છે અને સોનિયા ગાંધી એક સામટી રકમ ચૂકવવાવાળા જૂથમાં હોવાનું તેમાં કહેવાયું છે.

જ્યારે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ...

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળતી એસપીજી સુરક્ષા મોદી સરકારે પાછી લઈ લીધી છે. તેમને ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષા આપવામાં આવી હતી.

આ મુદ્દે કૉંગ્રેસ પક્ષે સંસદમાં વિરોધ પણ નોંધાવ્યો હતો. વળી નિયમ એવો છે કે જો વ્યક્તિ સાંસદ ન હોય પણ એસપીજી સુરક્ષા મળતી હોય તો, સરકારી બંગલો મળે છે.

વર્ષ 1997થી પ્રિયંકા ગાંધી લોધી એસ્ટેટના 35 નંબર બંગલામાં રહેતાં હતાં, પરંતુ એસપીજી સુરક્ષા મુદ્દે સરકારે સમીક્ષા કરતા તેમની સુરક્ષા શ્રેણી ઝેડ પ્લસ કરાઈ હતી. એટલે તેમને બંગલો ખાલી કરવા નોટિસ મળી હતી.

વળી પ્રિયંકા ગાંધીએ સમયમર્યાદામાં જ બંગલો ખાલી કરી દીધો હતો. બીજી બાજુ તેમનાં માતા સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ છે અને ભાઈ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા એટલે તેમના નિવાસસ્થાન યથાવત્ રહ્યાં હતાં.

...તો ભાજપના લાલકૃષ્ણ અડવાણીને કેમ બંગલો મળેલો છે?

નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિનું સંસદસભ્ય પદ ચાલુ ન હોય અથવા તે કોઈ બંધારણીય પદ પર ન હોય કે પછી એસપીજી સુરક્ષા ન હોય તે તેને દિલ્હીમાં સરકારી બંગલો નથી મળતો.

પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીને બંગલો મળેલો છે.

એ સમયે મોદી સરકારે સ્પષ્ટિકરણ આપ્યું હતું કે કૅબિનેટ કમિટીએ અપવાદરૂપ કેસમાં બંનેને બંગલા ફાળવેલા છે. સુરક્ષાના આધારે તેમને એ બંગલા ફાળવાયેલા હતા.

એમાં કહેવાયું હતું કે અડવાણીને આજીવન જ્યારે મુરલી મનોહર જોશીને વર્ષ 2022 સુધી બંગલો ફાળવવામાં આવ્યો હતો.

વર્ષ 2015માં સરકારે માહિતી આપી હતી કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને પણ સરકારી બંગલો અપાયેલો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી વ્યક્તિ જે સાંસદ કે મંત્રી ન હોય તને સરકારી બંગલો નથી મળી શકતો.

‘બંગલો સમયસર ખાલી કર્યો, છતાં નોટિસ મળી’

સરકારી બંગલા મુદ્દેના વિવાદ નવા નથી. દાયકાઓ પહેલાં પણ આવા વિવાદ થતાં આવ્યા છે.

વર્ષ 2009માં એક સમાચાર પ્રકાશિત થયા હતા જેમાં 36 પૂર્વ સાંસદોએ સરકારી બંગલો ખાલી નહોતો કર્યો અને ગેરકાનૂની કબજો રાખ્યો હોવાની વાત કહેવાઈ હતી.

આ યાદીમાં સુરતના પૂર્વ સાંસદ અને પૂર્વ કન્દ્રીય મંત્રી કાશીરામ રાણાનું પણ નામ હતું. જોકે બાદમાં તેમણે બંગલો સમયસર ખાલી કરી દીધો હોવાનું બહાર આવ્યું હતું.

અત્રે નોંધવું જોઈએ કે કાશીરામ રાણાનું વર્ષ 2012માં નિધન થયું હતું. તેઓ મોદીના ટીકાકાર પર રહ્યા હતા.

બીબીસીએ કાશીરામ રાણાના પુત્ર દીપક રાણા સાથે વાતચીત કરી. તેમણે આ આખાય વિવાદ અને બંગલા ફાળવણીની પ્રક્રિયા વિશે વાત કરી.

તેમણે પહેલા વિવાદ વિશે જણાવતા કહ્યું, "મારા પિતાશ્રી કાશીરામ રાણાની ટર્મ 2009માં પૂર્ણ થઈ હતી અને સમયમર્યાદામાં બંગલો ખાલી કરી દીધો હતો. હું ખુદ સામાન લેવા ગયો હતો. પરંતુ બાદમાં સમાચાર આવ્યા કે તેમણે બંગલો ખાલી નથી કર્યો."

"પિતાજીએ બંગલો ખાલી કરવા માટેના ‘નો ડ્યૂ’ પ્રમાણપત્રો પણ મેળવી લીધાં હતાં. અને પછી આ બાબતે તેમણે સંબંધિત અધિકારી-વિભાગને પત્ર લખી જાણ કરી. જેને પગલે તેમને જવાબ મળ્યો કે રૅકર્ડમાં અપૂરતી માહિતીને કારણે એવું થયું હતું."

"મારા પિતાએ મંત્રાલય પાસે માફીની પણ માગણી કરી હતી. જોકે બાદમાં તેમને વિભાગનો પ્રત્યુત્તર આવ્યો તેમાં તેમને થયેલી અસુવિધા મામલે દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી. આમ ખરેખર બંગલો સમયસર ખાલી કરાયો હતો, પણ સરકારી વ્યવસ્થાતંત્રે ભૂલ કરતા એ વિવાદ થયો હતો."

બંગલા ફાળવણી વિશેની પ્રક્રિયા મુદ્દે તેઓ કહે છે, "બંગલો ખાલી કરવા સામાન્યપણે 2-3 મહિનાનો સમય મળતો હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે કેટલાક પદાધિકારીઓના અન્ય હોદ્દા ચાલુ હોય છે અથવા તેમને મળનારો બંગલો પહેલાથી જ ખાલી થવાનો કે રિપૅર થવાનો બાકી હોય છે. એટલે વર્તમાન નિવાસી વ્યક્તિ ત્યાં શિફ્ટ નથી થઈ શકતી, જેને લીધે તે જે બંગલોમાં રહે છે એ ઘરમાં આવનારી વ્યક્તિએ પણ રાહ જોવી પડે છે."

"ઘણી વખત સાંસદ મંત્રી બને છે અથવા મંત્રીપદ સમાપ્ત થાય છે, ત્યારે તેમને મળતા બંગલોની શ્રેણી બદલાય છે. એના લીધે પણ વિલંબ થતો હોય છે. જે વ્યવસ્થાના ભાગરૂપનો વિલંબ ગણાય છે."

"જોકે મારા પિતા જ્યારે પહેલી વખત 89માં સાંસદ ચૂંટાયા ત્યારે તેમને દિલ્હીમાં ઘર ફાળવાયું હતું. પણ ઘરનો કબજો બીજી ટર્મના 6 મહિના પછી મળ્યો હતો. એટલું જ નહીં પણ તેઓ પછી જ્યારે કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારે તેમણે મંત્રીને મળતો બંગલો નહોતો લીધો અને એબી-12, પંડારા રોડનું નિવાસસ્થાન જ યથાવત્ રાખ્યું હતું."

‘રાહુલ ગાંધીને નિશાન બનાવાઈ રહ્યા છે’

આ સમગ્ર મુદ્દે સુરત શહેર કૉંગ્રેસના પ્રમુખ નૈષધ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં સજા અને બંગલો ખાલી કરવાનું દબાણ મોદી સરકારની તાનાશાહી છે. આ ગેરકાનૂની રીતે કરાઈ રહ્યું છે. માત્ર 22 કલાકમાં નોટિસ પાઠવી દેવામાં આવે છે અને એક મહિનામાં ઘર ખાલી કરવા કહેવાય છે. આ દર્શાવે છે કે તેમને ટાર્ગેટ કરાઈ રહ્યા છે."

આ વિશે બીબીસીએ લોકસભાની હાઉસિંગ સમિતીની સભ્ય સી. આર. પાટીલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત નહોતી થઈ. પરંતુ ભાજપનું આ મુદ્દે વલણ એ છે કે તેઓ તમામ બાબત કાનૂની અને નિયમોના અનુસંધાનની ગણાવે છે.