ફિલીપાઈન્સમાં 1200 રૂપિયે વેચાતી ડુંગળી અને ભારતમાં ખેડૂતોને કેમ રડાવી રહી છે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
દુનિયાભરમાં જ્યારે કાંદા એટલે કે ડુંગળીના ભાવો આસમાને છે ત્યારે ભારતમાં આ જ કાંદા ખેડૂતો પાણીના ભાવે વેચવા મજબૂર બન્યા છે.
સરકારે ખેડૂતો પાસે ડુંગળી ખરીદવાનો નિર્દેશ કર્યો છે, પરંતુ છતાં સમસ્યા બહુ સુધરી નથી.
નવાઈની વાત એ છે કે એક તરફ ખેડૂતોને ડુંગળીનો ભાવ ન મળતા ટ્રેક્ટરો ભરેલી ડુંગળી રસ્તા વચ્ચે ફેંકી દેવા મજબૂર બન્યા છે, જ્યારે છુટક બજારમાં ડુંગળી 35 રૂપિયા કિલો વેચાઈ રહી છે.
આવી ગરબડ કયા કારણોથી થઈ છે.
ભારતમાં ખેડૂતોને ડુંગળીના ભાવો કેમ નથી મળતા તે સમજીશું પરંતુ પહેલા જોઈએ કે વૈશ્વિક બજારમાં ડુંગળીના ભાવો આસમાને કેમ છે?

દુનિયામાં ડુંગળીનાં ભાવ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાકૃતિક આપદા, વૈશ્વિક ખાદ્ય સંકટ, યુક્રેન યુદ્ધ જેવા કારણોને લીધે દુનિયાભરમાં ડુંગળીની કિંમતો આસમાને છે.
પાકિસ્તાનમાં પૂર, યુરોપીય દેશોમાં દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ડુંગળીના પાકને અસર પહોંચી છે. સૌથી વધુ ડુંગળી પકવતા દેશો જેવા કે નેધરલૅન્ડ, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં પાકને અસર પહોંચી છે.
આમ દુનિયાના મોટાભાગના દેશો ડુંગળીની વધતી કિંમતથી પરેશાન છે તો પછી ભારતમાં ખેડૂતોને ડુંગળીના ભાવ કેમ નથી મળી રહ્યા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોમોડિટી ઍક્સ્પર્ટ બિરેન વકીલ બીબીસી સાથે વાત કરતા કહે છે, “દુનિયામાં જિયોપૉલિટિક્સ આધારિત પરિવહનનો વેપાર ચાલે છે, તેને કારણે આવું થાય છે. ફિલિપાઈન્સમાં ડુંગળી 1200 રૂપિયે કિલો વેચાય છે પણ આપણા ખેડૂતો ત્યાં માલ પહોંચાડે કેવી રીતે અને ત્યાં મોકલવાનો ખર્ચો કેટલો આવે? પાકિસ્તાનને જરૂર છે પણ ત્યાં વેપાર બંધ છે.”

- ગત વર્ષે દેશમાં ડુંગળીનું વિક્રમજનક 317 લાખ ટન ઉત્પાદન થયું હતું
- ભારત પોતાનાં કુલ ઉત્પાદનની 10થી 15 ટકા ડુંગળી નિકાસ કરે છે
- ભારતમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ નથી માત્ર ડુંગળીનાં બીજની નિકાસ પર પ્રતિબંધ છે
- આ વખતે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ડુંગળીનું સારું એવું ઉત્પાદન થયું છે જેને કારણે પણ ડુંગળીનો બજારમાં ભરાવો થયો છે
- નાફેડે ડુંગળી ખરીદવા માટે 40 ખરીદ કેન્દ્રો ખોલ્યાં છે
- જોકે ખેડૂતોમાં ખરીદ કેન્દ્રોને લઈને પણ અજ્ઞાન પ્રવર્તી રહ્યું છે

ભારતમાં ખેડૂતોને કેમ નથી મળતા ડુંગળીના યોગ્ય ભાવ?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર ભારતમાં તાપમાન વધ્યું તેને કારણે અહીં ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું. વધુમાં માર્ચ-એપ્રિલ મહીનામાં ડુંગળીનો રવી પાક માર્કેટમાં આવી જશે. એટલે ભાવો વધુ નીચા જવાની સંભાવના છે.
એક તરફ ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવી પડી રહી છે અને છૂટક બજારમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો 35 રૂપિયાની આસપાસ છે. આમ ખેડૂતોને તેમની મહેનતનું વળતર નથી મળતું અને લોકોને સસ્તા ભાવે ડુંગળી પણ નથી મળતી.
ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી ખેડૂતોને ડુંગળીના પ્રતિ કિલો 10-11 રૂપિયા મળતા હતા પણ અત્યારે તેમને 2 રૂપિયા પણ નથી મળતા.
બિરેન વકીલ કહે છે, “વચેટિયાઓની આ મામલે મોટી ભૂમિકા હોય છે. તેઓ સસ્તા ભાવે ખેડૂતો પાસે લઈ લે છે અને છૂટક બજારમાં ઊંચા ભાવે વેચે છે. તેને કારણે એક તરફ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા અને બીજી તરફ બમ્પર પાક છતાં સસ્તા ભાવે ડુંગળી મળતી નથી.”

ડુંગળીના ઉત્પાદનની પૅટર્ન

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં વિવિધ ત્રણ સમયે ડુંગળી માર્કેટમાં આવે છે.
ખરીફ ઉત્પાદન જેનું વાવેતર જુલાઈ અને ઑગસ્ટમાં થાય છે અને ઑક્ટોબરથી ડિસેમ્બરમાં તૈયાર થાય છે.
લેટ ખરીફ એટલે ડુંગળી મોડી બજારમાં લાવવા માંગતા ખેડૂતો ઑક્ટોબર-નવેમ્બરમાં તેનું વાવેતર કરે છે અને તે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બજારમાં આવે છે.
ત્રીજો સમય રવી ડુંગળીના ઉત્પાદનનો છે અને તેનું વાવેતર ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન થાય છે અને તે માર્ચથી મે દરમિયાન બજારમાં આવે છે.
જાણકારો કહે છે કે જે રાજ્યો ડુંગળી પકવતા નથી તે રાજ્યોમાં પણ આ વર્ષે ડુંગળીનો પાક લેવાયો તે પણ ઓછા ભાવ પાછળનું એક કારણ છે. સામાન્ય રીતે ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન વધુ થાય છે.

ઇમેજ સ્રોત, NITIN GOHIL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વખતે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ઉપરાંત એવાં રાજ્યો કે જેમાં સામાન્ય રીતે ડુંગળીનું ઓછું ઉત્પાદન થાય છે ત્યાં પણ ડુંગળીનું સારું એવું ઉત્પાદન થયું છે જેને કારણે પણ ડુંગળીનો બજારમાં ભરાવો થયો છે.
ખરીફ પાક તો વધુ છે જ પણ રવી પાક પણ સારો થવાની સંભાવના છે. એટલે આવનારા દિવસોમાં ખેડૂતોની તકલીફોમાં વધારો થઈ શકે છે.
બિરેન વકીલ અનુસાર, છેલ્લાં 30 વર્ષોથી દેશમાં આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. તેઓ કહે છે, “આ વર્ષે ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા તો આવતે વર્ષે ખેડૂતો ડ઼ુંગળી નહીં ઊગાડે એટલે ભાવ વધશે. ભાવ વધશે એટલે પછીના વર્ષે બધા ખેડૂતો ડુંગળી ઊગાડશે. ફરી ઉત્પાદન વધુ થશે એટલે ખેડૂતોને ફરી રડવાનો વારો આવશે. એટલે પ્રતિવર્ષ કાં તો ખેડૂતોને બિલકુલ ભાવ નથી મળતા અથવા તો બહુ સારા ભાવ મળે છે. સમતુલિત સ્થિતિ રહેતી નથી.”
ગત વર્ષે દેશમાં ડુંગળીનું વિક્રમજનક 317 લાખ ટન ઉત્પાદન થયું હતું.
ભારત પોતાના કુલ ઉત્પાદનની 10થી 15 ટકા ડુંગળી નિકાસ કરે છે.
વર્તમાન નાણાકિય વર્ષમાં અત્યારસુધી ભારત 15.19 લાખ ટન ડુંગળીની નિકાસ કરી ચૂક્યું છે જ્યારે ગત નાણાકિય વર્ષમાં ભારતે 15.38 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી.
ભારતમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ નથી, માત્ર ડુંગળીના બીજની નિકાસ પર પ્રતિબંધ છે.

સરકાર ડુંગળીની કેટલી ખરીદી કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવે સવાલ એ થાય છે સરકાર ખેડૂતોને મદદ કરવા શું કરી રહી છે?
નેશનલ ઍગ્રીકલ્ચરલ કૉ-ઑપરેટિવ માર્કેટિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયા એટલે કે નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કૉ-ઑપરેટિવ ઑફ ઇન્ડિયા એનસીસીએફને સરકારે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાનો નિર્દેશ આપ્યો છે.
નાફેડે ડુંગળી ખરીદવા માટે 40 ખરીદ કેન્દ્રો ખોલ્યાં છે.
ગુજરાતમાં ડુંગળી પકવવામાં ખેડૂતોને એક વીધા દીઠ લગભગ 30થી 40 હજારનો ખર્ચ થાય છે. હાલના મણ ડુંગળીના 60-70 રૂપિયાના બજારભાવ અનુસાર ખેડૂતને વીઘો ડુંગળીના માંડ 15થી 20 હજાર રૂપિયા ઉપજે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રનું મહુવા બજાર ડુંગળીનું સૌથી મોટું બજાર છે. નાફેડે મહુવામાં ત્રણ ખરીદ કેન્દ્રો શરૂ કર્યાં છે. ખેડૂતોના ખેતરમાંથી પણ ડુંગળી લઈ જવાની નાફેડે તૈયારી બતાવી છે. મહુવા માર્કેટયાર્ડના ચૅરમૅન ઘનશ્યામભાઇ પટેલે બીબીસીના સહયોગી નિતીન ગોહિલ સાથે વાત કરતા કહ્યું હતું, “રાજ્ય સરકારે ફેબ્રુઆરી માસમાં બે રૂપિયા અને વધુમાં વધું 500 ક્રૅડિટ આપવાની વાત કરીને સહાય આપી છે અને નાફેડ દ્વારા અહીં ડુંગળીની ખરીદારીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.”
જોકે ખેડૂતોમાં ખરીદ કેન્દ્રો બાબતે પણ અજ્ઞાન પ્રવર્તી રહ્યું છે. મહુવાના સથરા ગામના ખેડૂત મયુરભાઈએ બીબીસીના સહયોગી નિતીન ગોહિલ સાથે વાત કરતા કહ્યું હતું કે નાફેડે કે સરકારે ડુંગળીની ક્યાં ખરીદી થવાની છે તેની જાણકારી યોગ્ય રીતે આપી નથી અને ખેડૂતોને પણ ખબર નથી કે તેમણે ડુંગળી ક્યાં વેચવી.”
તેઓ ઉમેરે છે, “નાફેડની ખરીદીને કારણે મોટા ખેડૂતોને ફાયદો થશે પણ નાના ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય.”

ઇમેજ સ્રોત, NITIN GOHIL
જોકે નાફેડના અધિકારીઓ કહે છે કે તેમના દ્વારા કરવામાં આવતી ડુંગળીની ખરીદારી અંગેની તમામ માહિતી ખેડૂતોને આપવામાં આવી છે. પણ સમસ્યા બીજી છે. ગુજરાતમાં પણ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની શરૂ થઈ છે. ગુજરાત સરકારે ડુંગળી અને બટાટાના ખેડૂતો માટે ખાસ યોજના જાહેર કરી છે. પણ ત્યાં હાલ ખેડૂતો ડુંગળી વેચવા આવતા નથી કારણકે તેમને જાહેર હરાજી થાય છે તેમાં ડુંગળીના ભાવો વધુ મળી રહ્યા છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ નાફેડના એજન્સી મૅનેજર સિદ્ધાર્થ સોંદરવાએ બીબીસીના અમારા સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું કે હાલ ખેડૂતો બે દિવસથી માત્ર પૂછપરછ માટે આવે છે, પરંતુ ડુંગળી વેચવા માટે નથી આવ્યા. સિદ્ધાર્થ સોંદરવાએ કહ્યું કે, “ખેડૂતોને બજારની હરાજીમાં 10થી 15 રૂપિયા મળે છે જ્યારે નાફેડ દ્વારા જે ખરીદ થાય છે તેમાં તેમને 9.50 રૂપિયા ભાવ આપવામાં આવે છે એટલે ખેડૂતો નાફેડમાં માલ વેચવાને બદલે બજારમાં થતી હરાજીમાં વેચી દે છે.”

ઇમેજ સ્રોત, NITIN GOHIL
જોકે નાફેડના અધિકારીઓના કહેવા અનુસાર, જ્યારથી નાફેડે ડુંગળી ખરીદવાનું નક્કી કર્યું છે ત્યારથી પહેલા તેમને પ્રતિ કિલો માત્ર બે રૂપિયા મળતા હતા તે હવે બજારમાં તેમને 10થી 15 રૂપિયા મળી રહ્યા છે.
નાફેડની ખરીદીને ડુંગળીના ભાવ વધવાનો શ્રેય ન આપતા ડુંગળીના વેપારીઓ કહે છે કે ભાવો ઓછા મળવાને કારણે ખેડૂતો તેમનો માલ વેચતા નથી અને આ કારણે બજારમાં ડુંગળીની આવક ઓછી થતા ભાવો વધ્યા છે.
રાજકોટમાં ડુંગળીના વેપારી અશોક તલવિયએ બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાતચીતમાં જણાવ્યું, “હાલ જે પ્રકારે બજારમાં ડુંગળીની આવક ઓછી થઈ છે તેને કારણે છેલ્લા 8 દિવસોમાં 5 રૂપિયાનો ભાવવધારો નોંધાયો છે. એટલે જો આમ જ ચાલતું રહ્યું તો આવનારા દિવસોમાં ડુંગળીના ભાવો ફરી ઊંચકાઈ શકે છે.”

મૂળ સમસ્યા અને સમાધાન

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
કૃષિ ક્ષેત્રના જાણકારો કહે છે કે હાલ કૉલ્ડ સ્ટોરેજ ચેઇન, ફ્રૂટ ઍન્ડ વેજિટેબલ પ્રોસેસિંગ, માર્કેટમાં સરકારની દરમિયાનગીરી અને ભવંતર ભુગતાન યોજના ખેડૂતોને બચાવી શકે છે.
બિરેન વકીલ કહે છે, “ડુંગળી સસ્તી ખાદ્ય સામગ્રી છે અને તેની યોગ્ય જાળવણી ન થાય તો બગડી જાય છે એટલે ખેડૂતો તેનો સંગ્રહ નહીં કરી શકે અને તેને કાઢી જ નાખવી પડે.”
તેઓ ઉમેરે છે, “આપણે ચણા અને બટાટા જેવી કોમોડિટીનું ભંડારણ કરવામાં સારી એવી પ્રગતિ કરી છે. તેમાં કોલ્ડ સ્ટોરેજનું સારૂં માળખું ઊભું કરી શક્યા છીએ, પણ ડુંગળી અને લસણ જેવી કોમોડિટીમાં આ પ્રકારનું માળખું નથી. ડુંગળીનો યોગ્ય સંગ્રહ ન થાય તો તે બગડી જાય છે. એટલે આપણે ડુંગળીના સ્ટૉરેજની વ્યવસ્થાનું માળખું ઊભું કરવાની જરૂર છે તો આ પ્રકારની સમસ્યા નિવારી શકાય.”
જોકે જાણકારોનો એવો પણ મત છે કે જો સરકાર ધારે તો ડુંગળીના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજનું માળખું ઊભું થઈ શકે એમ છે અને તેમાં સહકારી મંડળીઓ, માર્કેટિંગ યાર્ડો અને સ્વયંસેવી સંસ્થાઓ કે સમૃદ્ધ ખેડૂતો અને ખેડૂત મંડળીઓ મહત્ત્વનો ભાગ ભજવી શકે.
આ મામલે બિરેન વકીલ કહે છે કે, “બસ જરૂર છે ડુંગળીની મૂળ સમસ્યાઓને ઓળખવાની અને તેનો ઉકેલ શોધવાની.”

















