512 કિલો ડુંગળી વેચીને માત્ર બે રૂપિયા મેળવનાર ખેડૂતની કહાણી

- લેેખક, સરફરાઝ સનદી, પ્રવીણ ઠાકરે
- પદ, બીબીસી મરાઠી માટે

- ખેડૂત રાજેન્દ્ર ચવ્હાણે માર્કેટ યાર્ડમાં 512 કિલો ડુંગળી વેચતા તેમને માત્ર બે રૂપિયાનો ચેક મળ્યો
- રાજેન્દ્રને એક રૂપિયો પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. વાહનભાડું, હમાલી અને તોળાઈનો ખર્ચ કાપીને બે રૂપિયાનો ચેક તેમને આપવામાં આવ્યો હતો.
- ડુંગળીની વાવણીનો ખર્ચ, નિંદામણનો ખર્ચ, ખાતરપાણીનો ખર્ચ, ડુંગળી કાઢવાનો ખર્ચ મળીને કુલ ખર્ચ 60-70 હજાર રૂપિયા સુધી પહોંચે છે
- આ પ્રક્રિયામાં લગભગ ચાર મહિના લાગે છે

મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર સોલાપુરના ખેડૂત રાજેન્દ્ર ચવ્હાણની ચર્ચા થઈ રહી છે.
ચર્ચાનું કારણ એ છે કે માર્કેટ યાર્ડમાં 512 કિલો ડુંગળી વેચતા તેમને માત્ર બે રૂપિયાનો ચેક મળ્યો અને તેને કૅશ કરાવવા માટે તેમણે થોડા દિવસો પછી યાર્ડમાં જવું પડશે.
મહારાષ્ટ્રના બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં વિપક્ષના નેતા અજિત પવારે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ બીજા રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજેન્દ્ર ચવ્હાણને બે રૂપિયાનો ચેક આપનાર સૂર્યા ટ્રેડર્સનું લાઇસન્સ રદ કરી નાખવામાં આવ્યું છે.
બજેટસત્રની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું, "રાજેન્દ્ર ચવ્હાણે 512 કિલો ડુંગળી વેચી હતી. ભાવ ઉપર-નીચે જતા હોય છે. પરંતુ તેમને 2 રૂપિયા મળ્યા. પરિવહન ખર્ચ કાપી લેવામાં આવ્યો. આવું ન થવું જોઈતું હતું. સૂર્યા ટ્રેડર્સનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે."
વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં વર્તમાન દિવસોમાં ડુંગળી જથ્થાબંધ બજારમાં 6 થી 7 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

ફેબ્રુઆરીના અંતમાં ચોમાસુ ડુંગળીની આવક થાય છે. આ ડુંગળી ભેજને કારણે સંઘરી શકાતી નથી. ઘર વપરાશ માટે સંગ્રહ કરવા માટે માત્ર સૂકી ડુંગળી જરૂરી છે. ચોમાસું ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો થયો અને રાજેન્દ્ર ચવ્હાણ તેની ચપેટમાં આવી ગયા.
સોલાપુર જિલ્લાના બરશી તાલુકાના બોરગાંવ ગામના રાજેન્દ્ર તુકારામ ચવ્હાણે ડુંગળીના દસ થેલા વેચ્યા હતા અને યાર્ડમાં લઈ જવા, ચડાવવા-ઉતરાવવા અને તોલમાપના ખર્ચને બાદ કર્યા બાદ તેમને 2 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.
ચવ્હાણે બે એકર જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. 17 ફેબ્રુઆરીના રોજ રાજેન્દ્ર સોલાપુરના સૂર્યા ટ્રેડર્સ પાસે ડુંગળીના 10 થેલા લઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડુંગળીના દસ થેલાનું વજન 512 કિલો હતું. પરંતુ ચોમાસુ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાને કારણે રાજેન્દ્રને 1 રૂપિયો પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. વાહન ભાડું, હમાલી અને તોળાઈનો ખર્ચ કાપીને બે રૂપિયાનો ચેક તેમને આપવામાં આવ્યો હતો.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારી સૂર્યા ટ્રેડર્સે રાજેન્દ્રને બે રૂપિયાનો ચેક આપ્યો હતો. આ ચેક 8 માર્ચ, 2023નો છે. આ 2 રૂપિયાનો ચેક વટાવવા માટે તેમણે યાર્ડમાં પાછા આવવું પડશે.

પ્રતિ એકર ખર્ચ 60-70 હજાર

ઇમેજ સ્રોત, NURPHOTO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજેન્દ્ર ચવ્હાણને વેપારી પાસેથી માત્ર બે રૂપિયાનો ચેક મળવાના સમાચાર અને તેની સાથે જોડાયેલી તસવીરો બધે વાયરલ થઈ રહી છે. બીબીસી મરાઠીએ આ ઘટના વિશે વધુ જાણવા માટે રાજેન્દ્ર ચવ્હાણનો સંપર્ક કર્યો.
રાજેન્દ્ર ચવ્હાણે આ વિશે જણાવ્યું, "મેં જે ડુંગળી મોકલી હતી તે નંબર વન ગુણવત્તાની હતી. મને આશા હતી કે 8 થી 10 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળશે. પણ મને પ્રતિ કિલો માત્ર 1 રૂપિયોનો ભાવ મળ્યો. એમાંથી મારો ખર્ચ પણ ન નિકળ્યો, મને એ વાતનું દુખ થયું છે.”
રાજેન્દ્ર ચવ્હાણનો આખો પરિવાર ખેતી કરે છે. તેમના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્રો છે. ચવ્હાણે કહ્યું કે આ ઘટનાથી તેમનો આખો પરિવાર બહુ દુખી છે.
ડુંગળીના ભાવ વિશે વાત કરતા ચવ્હાણે જણાવ્યું, "ઊંચી ગુણવત્તાવાળી ડુંગળીનું બિયારણ 1,800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. એકર દીઠ કુલ 2.5 કિલો બિયારણની જરૂર પડે છે. જેનો ખર્ચ 4,500 રૂપિયા થાય છે. તે પછી વાવણીનો ખર્ચ, નિંદામણનો ખર્ચ, ખાતરપાણીનો ખર્ચ, ડુંગળી કાઢવાનો ખર્ચ મળીને કુલ ખર્ચ 60-70 હજાર રૂપિયા સુધી પહોંચે છે. આ પ્રક્રિયામાં લગભગ ચાર મહિના લાગે છે.”

ઇમેજ સ્રોત, PRAVIN THAKARE/BBC
કાપણી બાદ માર્કેટ યાર્ડમાં મોકલવાનો અલગથી ખર્ચ થાય છે. આ અંગે સ્પષ્ટતા કરતાં ચવ્હાણે જણાવ્યું હતું કે, "પ્રતિ એકર ઉપજ 132 થેલા થાય છે. એક થેલામાં સામાન્ય રીતે 50 કિલો ડુંગળી હોય છે. આ થેલાઓ 350 રૂપિયા પ્રતિ થેલાના ભાવે વેચાય છે. આ થેલાને એક ટ્રકમાં ભરવાનો ખર્ચ 10 રૂપિયા પ્રતિ થેલા છે, જ્યારે પરિવહન ખર્ચ રૂ. 40 પ્રતિ થેલા થાય છે."
વેપારીઓને માલ પહોંચાડ્યા બાદ માલનું વજન, ઉતારવાનું વગેરે કામ થાય છે. એ ખર્ચને કાપ્યા બાદ બાકીના પૈસા ખેડૂતોને આપવામાં આવે છે. તેમણે કહ્યું, "અમે અગાઉ 6-7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી હતી. પણ અમે આ માલ બીજા વાહનથી મોકલ્યો હતો. આ પ્રોડક્ટ નંબર વન ગુણવત્તાની હોવાથી અમને હતું કે તેની સારા ભાવ મળશે."
ચવ્હાણ કહે છે, "જો અમને એવી ખબર હોત કે અમને આ ભાવ મળશે તો અમે તેને ખેતરમાં જ સડી જવા દેત. આમાં તો અમને ભારે નુકસાન થયું છે."
રાજેન્દ્ર ચવ્હાણની માંગ છે કે આવી સ્થિતિમાં ખેડૂતોને સબસિડી આપીને મદદ કરવી જોઈએ.
માત્ર ઉત્પાદન ખર્ચ જ નહીં પરંતુ ટ્રૅક્ટરના ભાડાના ખર્ચને પણ ધ્યાનમાં રાખીને નૈતાલેના ખેડૂત સુનીલ રતન બોરગુડેએ બે એકર જમીનમાં વાવેલી ડુંગળી એમ જ સડવા માટે છોડી દીધી.
આ વિસ્તારના અનેક ખેડૂતો આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને સરકાર આ મુદ્દે કોઈ ધ્યાન આપતી નથી તેવી તેમની ફરિયાદ છે.

ખેડૂતોની આંખમાં આંસુ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
ખેડૂતોના સંગઠન ‘સ્વાભિમાની શેતકર સંગઠન’ના વડા રાજુ શેટ્ટી કહે છે, "જુઓ રાજેન્દ્ર તુકારામ ચવ્હાણને સોલાપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના 10 થેલાના કેટલા પૈસા મળ્યા?"
"બેશરમ વેપારીને બે રૂપિયાનો ચેક આપતા શરમ કેમ ન આવી? સરકારોને શરમ નથી આવતી, આવી સ્થિતિમાં ખેડૂત કેવી રીતે જીવશે, કહો?"
બજારમાં ડુંગળીના ભાવ ઘટવાને કારણે સામાન્ય ગ્રાહકોને ચોક્કસ ફાયદો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોની આંખમાંથી આંસુ આવી રહ્યા છે.














