You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન-રશિયા વચ્ચે તુર્કીમાં થયેલી વાતચીત બાદ બંને દેશોએ આ નિર્ણય લીધો – ન્યૂઝ અપડેટ
તુર્કીમાં યુક્રેન-રશિયા વચ્ચેની સોમવારની વાતચીત બાદ બંને દેશોએ પ્રતિક્રિયા આપી છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રી રુસ્તમ ઉમેરોવે કહ્યું છે કે યુક્રેનને હવે રશિયાનું આવેદનપત્ર મળ્યું છે અને હવે પછીનાં પગલાં ભરવાં માટે યુક્રેન એક સપ્તાહનો સમય લેશે.
તેમણે એ વાતની પુષ્ટિ કરી કે 'બંને પક્ષોએ ગંભીર રીતે ઘાયલ થયેલા કે બીમાર તમામ સૈનિકો તથા 18થી 25 વર્ષના યુવાન લડાકુઓની અદલા-બદલી પર સહમતિ વ્યક્ત કરી છે. સાથે માર્યા ગયેલા તમામ સૈનિકોના મૃતદેહોને સુપ્રત કરવામાં આવશે.'
રુસ્તમ ઉમેરોવે કહ્યું કે તેમણે આ મહિનાના અંતમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સંભવિત બેઠક પર પણ ચર્ચા કરી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાગેદારી પણ થઈ શકે છે.
ત્યાં રશિયાના પ્રતિનિધિમંડળના નેતા વ્લાદિમીર મેંડિસ્કીએ કહ્યું કે રશિયા 6 હજાર યુદ્ધબંધીઓને યુક્રેનને સોંપવા માટે તૈયાર છે.
સાથે જ તેમણે એમ પણ કહ્યું કે માર્યા ગયેલા યુક્રેની સૈનિકોના મૃતદેહોને આવતા સપ્તાહે સોંપી દેવામાં આવશે.
વ્લાદિમીર મેંડિસ્કીએ કહ્યું કે રશિયાએ યુક્રેનના સરહદી વિસ્તારમાં કેટલાક ભાગોમાં બેથી ત્રણ દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી મૃતદેહોની અદલા-બદલી થઈ શકે.
નાઇજીરિયામાં પૂરને કારણે ભયંકર તબાહી, 700 લોકોનાં મૃત્યુની આશંકા
નાઇજીરિયાના મોવ્કા શહેરમાં ગુરુવારે આવેલાં પૂરને કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 200થી વધારે થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેન્ટ્રલ નાઇજર રાજ્યના આ શહેરમાં 500થી વધુ લોકો લાપતા છે. પંરતુ સ્થાનિક અધિકારી મૂસા કિમ્બોકૂએ બીબીસીને જણાવ્યું કે બચાવકાર્ય બંધ છે કારણકે અધિકારીઓને હવે વિશ્વાસ નથી કે કોઈ જીવતું બચ્યું હોય.
એટલે કે કુલ મળીને સાતસો લોકોનાં મૃત્યુની આશંકા છે.
મોવ્કાના જિલ્લા પ્રમુખ મુહમ્મદુ અલીયૂએ કહ્યું છે કે આ ક્ષેત્રમાં બીમારી ફેલાતી રોકવા માટે જલ્દી પૂરમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કરી દેવાશે.
જણાવાય છે કે આ પૂર છેલ્લાં 60 વર્ષોમાં સૌથી ભયંકર છે.
આ પહેલા ઇમર્જન્સી વિભાગે જણાવ્યું હતું કે મોવ્કા શહેરના ટિફિન માઝા અને અંગુવાન હૌસાવા જિલ્લામાં પૂરને કારણે સૌથી વધુ નુકસાન થયું છે.
નાઇજીરિયાને 2022માં પણ ભયંકર પૂરનો સામનો કરવો પડ્યો હતો. તે વખતે લગભગ 13 લાખ લોકો બેઘર થયા હતા અને 600થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
થાઇલૅન્ડથી ઝેરી સાપોને લાવતો શખસ મુંબઈ ઍરપૉર્ટ પર કેવી રીતે ઝડપાઈ ગયો
મુંબઈમાં દુર્લભ પ્રજાતિના સાપોની તસ્કરીના આરોપમાં એક શખસની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેટલાક ઝેરી સાપો પણ સામેલ છે.
રવિવારે થાઇલૅન્ડથી આવી રહેલા એક શખસને મુંબઈ ઍરપૉર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રોક્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે 47 ઝેરીલા વાઇપર સહિત આ સાપ વ્યક્તિની બૅગમાં મળી આવ્યા.
અભિયુક્તનું નામ સામે આવ્યું નથી. આ મામલે અભિયુક્તે કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.
મુંબઈના કસ્ટમ વિભાગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ મારફતે કેટલીક તસવીરો જારી કરી હતી. આ પોસ્ટમાં એક ડબ્બાની અંદર છટપટાતા રંગ-બેરંગી સાપોને જોઈ શકાતા હતા.
પોતાની પોસ્ટમાં કસ્ટમ વિભાગે જણાવ્યું કે તેમણે યાત્રી પાસેથી તીન સ્પાઇડર-ટેલ્ડ હૉર્ન્ડ વાઇપર, પાંચ એશિયાઈ લીફ ટર્ટલ અને 44 ઇન્ડોનેશિયાઈ પિટ વાઇપર પણ જપ્ત કર્યા છે.
દેશમાં જાનવરોની આયાત અવૈધ નથી પરંતુ ભારતનો વન્યજીવ સંરક્ષણ કાયદો કેટલીક પ્રજાતિના આયાત પર પ્રતિબંધ લગાવે છે. જેમાં સરકાર તરફથી ઘોષિત લુપ્તપ્રાય કે સંરક્ષિત કરવામાં આવેલી પ્રજાતિ સામેલ છે.
કોઈ પણ વન્યજીવને આયાત કરવા પહેલાં યાત્રીએ જરૂરી પરવાનગી અ લાઇસેન્સ લેવાનું હોય છે.
હેનરિક ક્લાસેને માત્ર સાત વર્ષ રમ્યા બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના બૅટ્સમૅન હેનરિક ક્લાસેને સોમવારે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
તેમણે પોતની નિવૃત્તી લેવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી.
તેમણે લખ્યું, "આજે મારા માટે દુ:ખભર્યો દિવસ છે. કારણકે હું ઘોષણા કરું છું કે મેં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે."
ક્લાસેને કહ્યું, "મારા અને મારા પરિવારના ભવિષ્ય માટે આ સૌથી શ્રેષ્ઠ રહેશે, આ નક્કી કરવા મને ઘણો સમય લાગ્યો. આ બહુ મુશ્કેલીભર્યો નિર્ણય હતો. પરંતુ હવે હું તેનાથી સંતુષ્ટ છું."
તેમણે 60 વન-ડે મૅચમાં 43.69ની સરેરાશથી 2,141 રન બનાવ્યા જ્યારે કે તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 174 રનનો રહ્યો.
ટી-20 મૅચોમાં તેમણે 58 મૅચોમાં 141.85ની સ્ટ્રાઇક રેટથી 1,000 રન બનાવ્યા.
આ પહેલાં ક્લાસેને ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ચાર ટેસ્ટમૅચ રમીને જાન્યુઆરી-2024માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી હતી.
વીસાવદરમાં ત્રિપાંખિયો જંગ થશેઃ કૉંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા
વીસાવદર બેઠકની પેટાચૂંટણી ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિપાંખિયો જંગ બની રહેવાની છે. આપ અને ભાજપ પછી કૉંગ્રેસે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે અને નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
46 વર્ષીય નીતિન રાણપરિયા વીસાવદર યુવા કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ જિલ્લા પંચાયતના પણ સભ્ય હતા.
અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે કિરીટ પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વીસાવદરની વિધાનસભા બેઠક માટે આજે ફૉર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 19 જૂને અહીં મતદાન થશે અને 23 જૂને પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
અમેરિકામાં કોલોરાડોના મૉલમાં એક વ્યક્તિએ અનેક લોકોને આગ લગાવી
અમેરિકાની પોલીસનું કહેવું છે કે કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક મૉલમાં એક વ્યક્તિએ લોકોને આગ ચાંપવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં ઘણા લોકો દાઝી ગયા છે અને તેમની સારવાર ચાલુ છે.
પોલીસના કહેવા પ્રમાણે કેટલાક લોકો ઇઝરાયલી બંધકોના સમર્થનમાં રેલી કાઢી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ લોકો આ વિસ્તારમાં ઘણી વખત શાંતિકૂચ કરતા હોય છે.
ત્યાર બાદ તપાસ એજન્સી એફબીઆઈના વરિષ્ઠ અધિકારીઓએ સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યા છે.
એફબીઆઈના વડા કાશ પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું કે "અમે કોલોરાડોના બોલ્ડરમાં થયેલા આતંકી હુમલાથી વાકેફ છીએ તથા તેની પૂરી તપાસ થઈ રહી છે. અમારા એફબીઆઈના એજન્ટો અને કાનૂન લાગુ કરનારા સ્થાનિક અધિકારીઓ સ્થળ પર હાજર છે. જેમ જેમ જાણકારી મળતી જશે, તેમ અમે અપડેટ આપતા રહીશું."
બોલ્ડર પોલીસના વડા સ્ટીફન રેડફર્ને જણાવ્યું કે આ હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાય લોકો દાઝી જવાના કારણે ઈજા પામ્યા છે.
આ હુમલામાં આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે. તેને સામાન્ય ઈજા થઈ છે અને તેને હૉસ્પિટલે લઈ જવાયો છે.
ગુજરાત પેટાચૂંટણીઃ કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું
ગુજરાતમાં કડી અને વીસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી રહ્યા છે.
કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે. વીસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.
રવિવારે મોડી રાતે કૉંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાના નામની જાહેરાત કરી હતી.
રમેશ ચાવડા 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને હરાવીને વિજયી બન્યા હતા. પરંતુ 2017માં તેઓ ભાજપના કરશન સોલંકી સામે હારી ગયા હતા.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે કડીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.
ગુજરાતની આ બંને બેઠકો માટે 19મી જૂનના રોજ મતદાન થશે અને 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે.
વર્ષ 2022માં કડીની વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા. તેઓ 2022માં ફરી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન