You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ કડી અને વીસાવદરમાં મેદાને ઊતરેલા ઉમેદવારો કોણ છે અને તેઓ શું કરે છે?
ગુજરાતમાં કડી અને વીસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂને મતદાન થવાનું છે જેના માટે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે કડીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. પેટાચૂંટણી માટે 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે.
અહીં વીસાવદર અને કડીની બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોને કોને ઉમેદવાર તરીકે ઉતાર્યા તેની વાત કરીએ.
વીસાવદર બેઠકની કેવી સ્થિતિ છે?
વીસાવદર બેઠકની વાત કરીએ તો અહીંની પેટાચૂંટણી ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિપાંખિયો જંગ બની રહેવાની છે.
આપે પહેલેથી ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કૉંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ આપી નથી અને તેમની જગ્યાએ કિરીટ પટેલને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અગાઉ કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને ભૂપત ભાયાણીએ હરાવ્યા હતા. પરંતુ ભાજપે હર્ષદ રિબડિયાને પણ ટિકિટ આપી નથી.
આમ આદમી પાર્ટીએ વીસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત બે મહિના પહેલાં જ કરી દીધી હતી. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા ગોપાલ ઇટાલિયા પાર્ટીના પૂર્વ પ્રદેશાધ્યક્ષ પણ છે.
ઇટાલિયાની ગણના આપના યુવા અને આક્રમક નેતાઓમાં થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ગુજરાતમાં આપનો જાણીતો ચહેરો છે અને તેમને કેન્દ્રીય નેતૃત્વનું પીઠબળ પ્રાપ્ત છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને તેઓ સોશિયલ મીડિયા પર વારંવાર નિશાન બનાવે છે. એક સમયે તેમણે ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું જેના કારણે તેમણે નોકરી ગુમાવવી પડી હતી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયા પાટીદારોના પ્રભુત્વવાળી સુરતની કતારગામ બેઠક ઉપરથી હારી ગયા હતા એટલે તેમની રાજકીય કારકિર્દી માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે.
ગુજરાતમાં એલઆરડી પરીક્ષા વિવાદ વખતે તેમણે પ્રદર્શનકર્તા યુવાઓને સમર્થન આપ્યું હતું.
રાજકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વે તેઓ એક સરકારી કર્મચારી હતા અને ત્યાર બાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા હતા.
તેમણે એક સમયે બીબીસીને જણાવ્યું હતું કે "12મા ધોરણના શિક્ષણ પછી હું વધુ ભણી નહોતો શક્યો. કારણ કે મારા પર ઘણી જવાબદારી હતી. એટલે મેં ઘણા પ્રકારની નોકરી કરી. વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી."
"પછી હું લોકરક્ષક દળમાં જોડાયો અને ત્યાં મને મહત્ત્વાકાંક્ષા જાગી કે હવે હું હજી સારા પદ પર કામ કરું. પણ એના માટે શિક્ષણ ઓછું પડ્યું. એટલે નોકરીની સાથે સાથે મેં ડિગ્રી મેળવી. આ દરમિયાન હું શાસનવ્યવસ્થા સંબંધિત વિષયોથી પરિચિત થતો ગયો હતો એટલે જ મેં ડિગ્રી પણ પૉલિટિકલ સાયન્સની લીધી."
કૉંગ્રેસના વીસાવદરના ઉમેદવાર નીતિન રાણપરિયા વીસાવદર યુવા કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ જિલ્લા પંચાયતના પણ સભ્ય હતા.
તેમની પ્રોફાઈલ પ્રમાણે તેઓ 46 વર્ષના છે અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
તેમણે ભેંસાણ શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખના પદથી શરૂઆત કરી હતી અને હાલમાં ભેસાણ તાલુકા કૉંગ્રેસના પ્રમુખ છે. પાંચ વર્ષ માટે તેઓ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ભેસાણમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ, રોગી કલ્યાણ સમિતિ અને નીલકંઠ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે.
ભૂતકાળમાં તેઓ ખેડૂતોના મામલે વીજ કચેરીને ઘેરવી, મામલતદાર કચેરીને તાળાબંધી કરવી, વગેરે આંદોલનો સાથે સંકળાયેલા હતા.
વીસાવદરમાં ભાજપના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના અગ્રણી કિરીટ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા કિરીટ પટેલ ખેતી અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે.
2009થી 2015 દરમિયાન તેઓ જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ હતા અને ત્યાર પછી જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસી તાલાલાના ચૅરમૅન, એપીએમસી જૂનાગઢના ચૅરમૅન રહ્યા હતા. હાલમાં તેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન છે.
વીસાવદરમાં કિરીટ પટેલના નામની જાહેરાત નહોતી થઈ તે અગાઉ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયા અને આપનું ધારાસભ્યપદ છોડીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીનાં નામો પણ ચર્ચામાં હતા. હવે કિરીટ પટેલનું નામ જાહેર થવાથી આ નામોની અટકળો ખતમ થઈ ગઈ છે.
કડીમાં કોણ-કોણ ઉમેદવાર છે?
ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે અને અર્થશાસ્ત્ર સાથે બીએની ડિગ્રી ધરાવે છે.
66 વર્ષના રાજેન્દ્ર ચાવડા અનુસૂચિત જાતિમાંથી આવે છે. તેઓ 1980થી ભાજપના સક્રિય સભ્ય છે, 1981થી 1986 દરમિયાન મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય હતા. ભાજપે શૅર કરેલી પ્રોફાઇલ પ્રમાણે રાજેન્દ્ર ચાવડાએ અલગ અલગ આંદોલનમાં 10 દિવસનો જેલવાસ ભોગવ્યો હતો જેમાં મોંઘવારી અને બેકારી વિરુદ્ધનાં આંદોલનો સામેલ છે.
1985માં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે જોટાણામાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ કૉંગ્રેસના માનસિંહ જાદવ સામે પરાજય થયો હતો.
કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. રવિવારે મોડી રાતે કૉંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. રમેશ ચાવડા 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને હરાવીને વિજયી બન્યા હતા.
69 વર્ષના રમેશ ચાવડા કડીના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને 2012થી 2017 વચ્ચે તેઓ એમએલએ હતા. તેમણે રાજકારણને પોતાનો વ્યવસાય તરીકે ઓળખાવ્યો છે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા છે.
2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના હિતુ કનોડિયાને 1217 મતના માર્જિનથી પરાજય આપ્યો હતો. પરંતુ 2017માં તેઓ ભાજપના કરશન સોલંકી સામે હારી ગયા હતા.
આમ આદમી પાર્ટીએ પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. તેઓ આપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સંકળાયેલા છે.
39 વર્ષીય જગદીશ ચાવડાએ ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં ગુજરાત ફ્રાય સેન્ટર નામે રેસ્ટોરાં ચલાવે છે. તેઓ ત્રણ વર્ષથી આપ સાથે જોડાયેલા છે.
કડીમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાંથી ડૉ. ગિરીશ કાપડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
69 વર્ષના ડૉ. ગિરીશ કાપડિયા અમદાવાદમાં રહે છે અને સ્ત્રીરોગ નિષ્ણાત છે. તેમણે 30 વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સર્વિસ આપી છે. અગાઉ તેઓ કૉંગ્રેસમાં પણ અલગ અલગ હોદ્દા પર હતા જેમાં કૉંગ્રેસના ડૉક્ટર સેલ તથા એસસી સેલ સાથે સંકળાયેલા હતા. હવે તેઓ શંકરસિંહની પાર્ટી પ્રજાશક્તિ ડેમૉક્રેટિકના સભ્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન