You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફાઇબર ઑપ્ટિક ડ્રોન : યુક્રેનમાં યુદ્ધને બદલતું ભયાનક નવું શસ્ત્ર જે ઘરની અંદર ઘૂસીને લક્ષ્યને શોધી શકે છે
- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી ન્યૂઝ
રોડિન્સ્કે શહેર પર એક તીખી ગંધ છવાયેલી હતી. શહેરમાં પ્રવેશ્યાની થોડી મિનિટો પછી અમે જોયું કે તે ક્યાંથી આવી રહી છે.
250 કિલોગ્રામના ગ્લાઇડ બૉમ્બે શહેરની મુખ્ય વહીવટી ઇમારતમાંથી પસાર થઈને ત્રણ રહેણાક બ્લૉક તોડી પાડ્યાં છે. બૉમ્બ પડ્યાના એક દિવસ બાદ અમે એ જગ્યાની મુલાકાત લઈ રહ્યા છીએ. તેમ છતાં કાટમાળમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો હતો. શહેરનાં નાકાઓ પર અમને તોપખાનાનો અને ગોળીઓનો અવાજ સંભળાય છે. યુક્રેનિયન સૈનિકો ડ્રોનને તોડી પાડી રહ્યા છે.
રોડિન્સ્કે યુદ્ધગ્રસ્ત શહેર પોકરોવસ્કથી લગભગ 15 કિમી (નવ માઇલ) ઉત્તરમાંં છે. ગયા વર્ષના પાનખરથી રશિયા દક્ષિણમાંથી તેને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ યુક્રેનિયન દળો અત્યાર સુધી રશિયન સૈનિકોને પ્રવેશતા અટકાવવામાં સફળ રહ્યા છે.
તેથી રશિયાએ રણનીતિ બદલી છે. શહેરને ઘેરી લેવાને બદલે તેણે શહેરના પુરવઠા માર્ગો કાપી નાખ્યા છે.
છેલ્લાં બે અઠવાડિયાંમાં યુક્રેનમાં યુદ્ધવિરામના ભારે રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ ગયા હોવાથી રશિયાએ પોતાના પ્રયાસને વધુ તીવ્ર બનાવ્યા છે. જાન્યુઆરી બાદ તેણે આ મામલે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે.
આનું પ્રમાણ અમને રોડિન્સ્કેમાં મળે છે.
અમે શહેરમાં પહોંચ્યાના થોડીવારમાં અમને અમારી ઉપર એક રશિયન ડ્રોન મંડરાતુ દેખાય છે. અમારી ટીમ એક ઝાડ તરફ કવર માટે દોડી ગઈ હતી.
અમે છુપાઈ ગયા જેથી કરીએ ડ્રોન અમને જોઈ ન શકે. પછી એક જોરદાર વિસ્ફોટનો અવાજ આવ્યો. તેની નજીકમાં જ બીજું એક ડ્રોન ટકરાઈ રહ્યું હતું. અમારી ઉપરનું ડ્રોન હજુ પણ મંડરાતું રહે છે. થોડી વધુ મિનિટો માટે અમને આ યુદ્ધના સૌથી ઘાતક એવા આ હથિયારનો ભયાનક ઘૂમરાતો અવાજ સંભળાયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે તક જોઈને 100 ફૂટ દૂર એક ત્યજી દેવાયેલી ઇમારતમાં કવર માટે દોડી ગયા હતા.
આશ્રયસ્થાનમાં અમને ફરીથી ડ્રોનનો અવાજ સંભળાયો. શક્ય છે કે તે અમારી હિલચાલ જોઈને પાછું ફરી ગયું હતું.
સૈનિકોએ સાધવું પડ્યું અનુકૂલન
રોડિન્સ્કે પર રશિયન ડ્રોનનો હુમલો થઈ રહ્યો છે એ વાતનો પુરાવો છે કે પોકરોવસ્કના દક્ષિણમાં જાણીતાં રશિયન સ્થળો કરતાં ઘણાં નજીકથી હુમલાઓ થઈ રહ્યા છે. તેઓ મોટે ભાગે પોકરોવસ્કના પૂર્વથી કોસ્ટ્યાન્ટિનિવકા તરફ જતા મુખ્ય રસ્તા પર નવા કબજે કરેલા પ્રદેશમાંથી આવી રહ્યા હતા.
આશ્રયસ્થાનમાં અડધો કલાક રાહ જોયા પછી જ્યારે અમને ડ્રોનનો અવાજ સંભળાયો ન હતો, ત્યારે અમે ઝડપથી ઝાડ નીચે પાર્ક કરેલી અમારી કાર તરફ આગળ વધી ગયા અને રોડિન્સ્કેથી ઝડપથી નીકળી ગયા હતા. હાઇવેની બાજુમાં અમને ધુમાડો અને કંઈક સળગતું દેખાયું. આ મોટે ભાગે તોડી પાડવામાં આવેલું ડ્રોન હતું.
અમે ફ્રન્ટલાઇનથી વધુ દૂર બિલિત્સકે તરફ વાહન દોરી ગયા હતા. અમને રાતોરાત મિસાઇલ હુમલાથી નાશ પામેલાં ઘરોની કતાર દેખાવા લાગી હતી. તેમાં એક ઘર સ્વિતલાનાનું હતું.
તેમના ઘરના કાટમાળમાંથી થોડી વસ્તુઓ ઉપાડતાં એક 61 વર્ષીય મહિલા કહે છે, "પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. પહેલાં અમને દૂર થતા વિસ્ફોટો સંખળાતા હતા, તે ખૂબ દૂર હતા. પરંતુ હવે તેમણે અમારા શહેરને નિશાન બનાવ્યું છે. અમે પોતે તેનો અનુભવ કરી રહ્યા છીએ."
સદ્ભાગ્યે જ્યારે હુમલો થયો ત્યારે સ્વિતલાના ઘરે ન હતાં.
તેઓ કહે છે, "શહેરના મધ્યમાં જાઓ ત્યાં પણ તમને ઘણાં બધું નેસ્તાનાબૂદ થયું છે તેનાં દ્દશ્યો જોવાં મળશે. બેકરી અને પ્રાણી સંગ્રહાલયનો પણ હવે નષ્ટ થઈ ગયું છે."
ડ્રોનની પહોંચની બહાર એક સેફહાઉસમાં અમે 5મી એસોલ્ટ બ્રિગેડના આર્ટિલરી યુનિટના સૈનિકોને મળીએ છીએ.
સેરહી કહે છે, "રશિયન હુમલાઓની તીવ્રતા વધી રહી છે તેનો તમે અનુભવી શકો છો. રૉકેટ, મોર્ટાર, ડ્રોન, તેઓ શહેરમાં જતા સપ્લાય રૂટ્સને કાપી નાખવા માટે તેમની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે."
તેમનું યુનિટ ત્રણ દિવસથી તેમનાં સ્થાનો પર તહેનાત થવા માટે રાહ જોઈ રહ્યું છે, વાદળછાયું વાતાવરણ અથવા ડ્રોનથી રક્ષણ આપતા હાઇ-સ્પીડ પવનની રાહ જોઈ રહ્યું છે.
સતત આગળ વધતા સંઘર્ષમાં સૈનિકોને બદલાતી ટેકનૉલૉજી દ્વારા ઊભા થયેલા નવાં જોખમો સાથે ઝડપથી અનુકૂલન સાધવું પડ્યું છે. તેમને નવીનતમ ખતરો ફાઇબર ઑપ્ટિક ડ્રોનથી છે. ડ્રોનના તળિયે દસ કિલોમીટર લાંબા કેબલનો સ્પૂલ ફીટ કરવામાં આવે છે અને ભૌતિક ફાઇબર ઑપ્ટિક કોર્ડ પાઇલટ દ્વારા રાખવામાં આવેલા કંટ્રોલર સાથે જોડાયેલો હોય છે.
68મી જેગર બ્રિગેડના ડ્રોન ઍન્જિનિયર અને મૉડરેટર નામ ધરાવતા સૈનિક કહે છે, "વીડિઓ અને નિયંત્રણ સિગ્નલ ડ્રોનથી કેબલ દ્વારા પ્રસારિત થાય છે, રેડિયો ફ્રીક્વન્સી દ્વારા નહીં. આનો અર્થ એ છે કે તેને ઇલેક્ટ્રૉનિક ઇન્ટરસેપ્ટર્સ દ્વારા જામ કરી શકાતું નથી."
જ્યારે આ યુદ્ધમાં ડ્રોનનો મોટા પાયે ઉપયોગ થવા લાગ્યો, ત્યારે બંને સૈન્યએ તેમનાં વાહનોમાં ઇલેક્ટ્રૉનિક યુદ્ધ પ્રણાલીઓ ફિટ કરી, જે ડ્રોનને બેઅસર કરી શકે છે. ફાઇબર ઑપ્ટિક ડ્રોનના આગમન સાથે આ રક્ષણ અદૃશ્ય થઈ ગયું છે, અને આ ઉપકરણોમાં રશિયા હાલમાં આગળ છે. યુક્રેન આનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
68મી જેગર બ્રિગેડના ડ્રોન પાઇલટ વેનિયા કહે છે, "રશિયાએ અમારાથી ઘણાં પહેલાં ફાઇબર ઑપ્ટિક ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો હતો, જ્યારે અમે હજી પણ તેનું પરીક્ષણ કરી રહ્યા હતા. આ ડ્રોનનો ઉપયોગ એવી જગ્યાએ થઈ શકે છે જ્યાં આપણે સામાન્ય ડ્રોન કરતા નીચે જવું પડે છે. આપણે ઘરોમાં પણ પ્રવેશી શકીએ છીએ અને તેની અંદર રહેલાં લક્ષ્યોને પણ શોધી શકીએ છીએ."
આર્ટિલરી મેન સેરહી કહે છે, "અમે મજાક કરવાનું શરૂ કર્યું છે કે કદાચ આપણે દોરી કાપવા માટે કાતર રાખવી જોઈએ."
ફાઇબર ઑપ્ટિક ડ્રોનની ખામી
ફાઇબર ઑપ્ટિક ડ્રોનમાં ખામીઓ છે. તે ધીમા હોય છે અને તેના કેબલ ઝાડમાં ફસાઈ શકે છે. પરંતુ હાલમાં, રશિયા દ્વારા તેમના વ્યાપક ઉપયોગનો અર્થ એ છે કે સૈનિકોને તેમનાં સ્થાનો પર અને ત્યાંથી લઈ જવાનું ઘણીવાર યુદ્ધભૂમિ કરતાં પણ વધુ ઘાતક બની શકે છે.
5મી એસૉલ્ટ બ્રિગેડના રિકોનિસન્સ યુનિટના ચીફ સાર્જન્ટ ઓલેસ કહે છે, "જ્યારે તમે કોઈ પોઝિશનમાં પ્રવેશ કરો છો, ત્યારે તમને ખબર નથી હોતી કે તમને કોઈએ જોયો છે કે નહીં. અને જો તમને કોઈએ જોયો છે તો તમે કદાચ તમારા જીવનના છેલ્લા કલાકો જ બાકી છે."
આનો અર્થ એ છે કે સૈનિકો તેમની પોઝિશનમાં વધુને વધુ સમય વિતાવી રહ્યા છે.
ઓલેસ અને તેમના માણસો પાયદળમાં છે. યુક્રેનના સંરક્ષણના એકદમ આગળના ભાગ એવી ખાઈમાં સેવા આપી રહ્યા છે. આજકાલ પત્રકારો માટે પાયદળ જવાનો સાથે વાત કરવી દુર્લભ છે કારણ કે આ ખાઈમાં જવું ખૂબ જોખમી બની ગયું છે. અમે ઓલેસ અને મેક્સિમને એક ગ્રામીણ ઘરમાં મળીએ છીએ જે એક કામચલાઉ બેઝમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. જ્યાં સૈનિકો જ્યારે તહેનાત ન હોય ત્યારે આરામ કરવા આવે છે.
મેક્સિમ કહે છે, "એમે આ પોઝિશન પર સૌથી વધુ સમય 31 દિવસ વિતાવ્યા હતા, પરંતુ હું એવા લોકોને જાણું છું જેમણે અહીંયા 90 થી 120 દિવસ પણ વિતાવ્યા છે."
"યુદ્ધ એટલે લોહી, મૃત્યુ, ભીનો કાદવ અને માથાથી પગ સુધી ફેલાયેલી ઠંડી. અને આ જ તમારી રોજીંદી જિંદગી છે. મને એક કિસ્સો યાદ છે જ્યારે અમે ત્રણ દિવસ સુધી ઊંઘ્યા નહોતા, દર મિનિટે સાવધાન રહેતા હતા. રશિયનો એક પછી એક લહેરોની જેમ આવતા હતા. એક નાની ભૂલનો પણ અર્થ એ મોત હતું."
ઓલેસ કહે છે કે રશિયાના પાયદળએ તેની રણનીતિ બદલી છે. "પહેલાં તેઓ જૂથોમાં હુમલો કરતા હતા. હવે તેઓ ક્યારેક ફક્ત એક કે બે લોકોને મોકલે છે. તેઓ મોટરસાયકલનો પણ ઉપયોગ કરે છે અને થોડા કિસ્સાઓમાં ક્વોડ બાઇકનો પણ ઉપયોગ કરે છે."
આનો અર્થ એ છે કે કેટલાક ભાગોમાં આગળની હરોળ હવે પરંપરાગત હરોળ નથી રહી જેમાં એક બાજુ યુક્રેનિયનો અને બીજી બાજુ રશિયનો હોય છે, પરંતુ ચેસબોર્ડ રમત જેવી ટુકડાઓની જેમ હોય છે.
આનાથી બંને બાજુએ થયેલી પ્રગતિનું આકલન કરવાનું મુશ્કેલ બને છે.
રશિયાના તાજેતરની ઉપલબ્ધિઓ છતાં પોકરોવસ્ક સ્થિત સમગ્ર ડોનેત્સ્ક પ્રદેશ પર કબજો મેળવવો તેના સરળ નહીં હોય.
યુક્રેન ખૂબ પાછળ હટી ગયું છે. તેને લડાઈ ટકાવી રાખવા માટે શસ્ત્રો અને દારૂગોળાના સતત પુરવઠાની જરૂર છે.
અને જેમ જેમ યુદ્ધ ચોથા વર્ષના ઉનાળામાં પ્રવેશી રહ્યું છે તેમ તેમ યુક્રેનને ઘણી મોટી રશિયન સેના સામે માનવશક્તિની સમસ્યા પણ છે. યુદ્ધ શરૂ થયા પછી આપણે જે સૈનિકોને મળીએ છીએ તેમાંથી મોટાભાગના લશ્કરમાં જોડાયા હતા. તેઓએ થોડા મહિનાની તાલીમ લીધી છે. ભારે યુદ્ધ દરમિયાન તેમણે નોકરી પર જ ઘણું શીખવું પડ્યું છે.
મેક્સિમ લશ્કરમાં જોડાતા પહેલાં એક પીણાંની કંપનીમાં કામ કરતા હતા. મેં પૂછ્યું કે તેમનો પરિવાર તેમની નોકરીનો અંગે શું વિચારે છે.
"આ કહેવું મુશ્કેલ છે. મારો પરિવાર ખરેખર મને ટેકો આપે છે. પરંતુ મારો બે વર્ષનો પુત્ર છે, અને હું તેને જોઈ શકતો નથી. જોકે હું તેને વીડિયો કૉલ કરું છું," આટલું બોલી તેઓ પાછળ હટી ગયા. તેની આંખોમાં આંસુ આવી ગયા.
મેક્સિમ પોતાના દેશ માટે લડતા સૈનિક છે પણ તેઓ એક પિતા પણ છે. જેને તેમના બે વર્ષના દીકરાની ખોટ સતત સાલે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન