You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'યુકેમાં નોકરી માટે મરણમૂડી ગુમાવી, હવે બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાં પડ્યાં,' વિદેશમાં નોકરીની લાલચે સેંકડો ભારતીય કેવી રીતે છેતરાયા?
અરુણ જ્યૉર્જની અડધોઅડધ કારકિર્દી 15,000 પાઉન્ડ (લગભગ 16.83 લાખ રૂ.)ની બચત ભેગી કરવામાં ખર્ચાઈ ગઈ. આ રકમ તેમણે બ્રિટનમાં તેમની પત્ની માટે કૅરવર્કર તરીકેની નોકરી અપાવવા પાછળ વાપરી હતી.
પણ અમુક મહિનામાં જ તેમણે બધું ગુમાવવાનો વારો આવ્યો.
જ્યૉર્જનાં પત્નીએ તેમના નાના અમથા સમુદાયમાં નોકરી વગર પાછા ફર્યા બાબતે શરમમાં ન મુકાવવું પડે તે માટે અહીં નામ બદલ્યું છે. જ્યૉર્જે 2023ના અંત ભાગમાં અલ્ચિતા કૅરના મૅનેજરોને આ નાણાં ચૂકવ્યાં હતાં.
જ્યૉર્જના પરિવારના વિઝા સ્પોન્સર કરનારા બ્રેડફોર્ડસ્થિત ખાનગી ડોમિસિલિયરી કૅર હોમ અલ્ચિતા કૅરને જ્યૉર્જે કરેલી ચુકવણીના પુરાવા બીબીસીએ જોયા છે. જ્યૉર્જે કેરળમાં તેમના શહેરના એક સ્થાનિક એજન્ટના કહેવાથી આ કામમાં આગળ વધવાની હિંમત કરી હતી.
તેમને તેમના બાળક માટે બહેતર જીવનની ખાતરી અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે જ્યૉર્જનું બાળક એક વિશેષ જરૂરિયાતો ધરાવતું બાળક છે, જેને કારણે દંપતી તેમની બચત ખર્ચીને આ જોખમ ઊઠાવવા માટે તૈયાર થયાં હતાં. જોકે, બ્રિટન પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે ત્યાં આ પ્રકારનું કોઈ કામ ઉપલબ્ધ નહોતું.
જ્યૉર્જ કહે છે, "અમે કૅર હોમના ધક્કા ખાતાં રહ્યાં, પણ તેઓ બહાનાં બતાવતાં રહ્યાં. મેં તેમને આજીજી કરી, તો તેમણે અમને વેતન ચૂકવ્યા વિના તાલીમ લેવાની ફરજ પાડી અને મારી પત્નીને ફક્ત ત્રણ દિવસનું કામ આપ્યું. આ રીતે ત્યાં રહેવું અમારા માટે મુશ્કેલ હતું, આથી અમે થોડા મહિના પછી ભારત પરત ફર્યાં."
જ્યૉર્જ પોતાની આપવીતી જણાવતાં આગળ કહે છે કે કંપનીએ તેમની સાથે છેતરપિંડી કરી છે અને આ ઘટનાએ તેમને નાણાકીય દૃષ્ટિએ એક દાયકો પાછળ ધકેલી દીધા છે. જ્યૉર્જનો પરિવાર કેરળમાંથી યુકે જઈ કામ કરવા માગતા હોય અને કૅર હોમ, નોકરી માટે ભરતી કરનારા અને વચેટિયાઓના શોષણનો ભોગ બનનારા સેંકડો પરિવારો પૈકી એક છે.
યુકેમાં નોકરી આપવાનાં ખોટાં વચનો આપવામાં આવ્યાં
આવી રીતે શોષણનો ભોગ બનેલા લોકો પૈકી ઘણાએ હવે ન્યાય મળવાની કે તેમનાં નાણાં પાછાં મળવાની આશા છોડી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રેડફોર્ડસ્થિત અલ્ચિતા કૅરે બીબીસીના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. તેમનું સ્પૉન્સરશિપનું લાઇસન્સ ગયા વર્ષે હોમ ઑફિસ દ્વારા રદ કરી દેવાયું હતું. આ લાઇસન્સ કૅર હોમ્સને વિઝા માટે અરજી કરી રહેલા વિદેશી કૅર વર્કરોને સ્પૉન્સરશિપનાં સર્ટિફિકેટ્સ ઇશ્યૂ કરવાની છૂટ આપે છે.
પરંતુ અલ્ચિતા કૅરને હજારો પાઉન્ડ્ઝ મોકલનારા અને કેરળથી બ્રિટન જઈ પહોંચેલા ઓછામાં ઓછા અન્ય ત્રણ કૅર વર્કર્સે અમને જણાવ્યું કે તેમને જે નોકરી અપવાનું વચન આપવામાં આવ્યું હતી, તે તેમને મળી નહોતી.
એ પૈકીના એક વર્કર અત્યારે પણ બ્રિટનમાં છે. તેમણે કહ્યું હતું કે તેમની હાલત એટલી ખરાબ છે કે, પાછલા અમુક મહિનાથી તેઓ ચૅરિટી શોપ્સ પર મળતા "બ્રેડ અને દૂધ" પર જીવી રહ્યા છે.
જ્યૉર્જની માફક શ્રીદેવી (નામ બદલ્યું છે) કહે છે કે અલ્ચિતા કૅરે વિઝા સ્પૉન્સરશિપ માટે તેમની પાસેથી 15,000 પાઉન્ડ વસૂલ્યા હતા. એ પછી 2023માં બ્રિટન જવા તેમણે બીજા 3,000 પાઉન્ડનો ખર્ચ કર્યો હતો.
તેઓ ભારત પણ પરત ફરી શકે તેમ નથી. અહીં તેમને પરિવારજનો અને મિત્રોનો સામનો કરતાં સંકોચ થઈ રહ્યો છે, કારણ કે શ્રીદેવીએ પ્રવાસ માટે તેમની પાસેથી નાણાં ઉછીનાં લીધાં હતાં.
બ્રિટનમાં કામ કરવાનાં સપનાં સાથે દર વર્ષે કેરળની હજારો નર્સ પહોંચે છે
શ્રીદેવી કહે છે, "મને અહીં ભાડું અને ખાવાના પૈસા ચૂકવવામાં પણ તકલીફ પડી રહી છે."
તેમનું કહેવું છે કે તેમને આઠ કલાકની સ્થિર નોકરીનું વચન આપવામાં આવ્યું હતું, પણ તેને બદલે તેમને અલગ પ્રકારનું જ કામ આપવામાં આવ્યું છે.
ઘણી વખત તો તેઓ સવારના ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી સતત કૉલ પર રહે છે અને એક દર્દીના ઘરેથી બીજા દર્દીના ઘરે પહોંચે છે, પણ તેમને આખી શિફ્ટને બદલે અમુક કલાકના જ પૈસા ચૂકવવામાં આવે છે.
બ્રિટનમાં કામ કરવાનાં સપનાં સાથે દર વર્ષે કેરળની હજારો નર્સ પહોંચે છે, પણ એક અંદાજ પ્રમાણે, કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા કૅર વર્કર્સને યુકેમાં વર્કર્સની ઓછી સંખ્યા ધરાવનારા વ્યવસાયોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા, એ પછી તેમનું શોષણ કરવામાં આવ્યું છે.
ઘણા લોકો માટે કૅર વર્કર વિઝા બહેતર જીવન માટેની સુવર્ણ તક હતી, કારણ કે તેઓ તેમની સાથે પરિવારને પણ લઈ જઈ શકતા હતા.
લેબર પાર્ટીના સભ્ય અને કૅમ્બ્રિજના મેયર બૈજુ થિટ્ટલાએ બીબીસીને જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે આ પ્રકારના ઓછામાં ઓછાં દસ પીડિતો માટે રજૂઆતો કરી છે.
તેમના મતે આવી શોષણખોર યોજનાઓ ક્રૉસ-બૉર્ડર નૅચરની હોવાથી ન્યાય મેળવવો ઘણો જ મુશ્કેલ બની રહે છે. ઘણી વખત પીડિતોએ ભારત બહારનાં કૅર હોમ્સ કે વચેટિયાઓને પેમેન્ટ કર્યું હોય છે, જેના લીધે "અધિકારક્ષેત્રની સમસ્યા" પણ સર્જાતી હોય છે.
બીજું કે વકીલોની ફી ઘણી ઊંચી હોય છે અને મોટા ભાગના કૅર વર્કર્સ અગાઉથી જ દેવાના ભાર તળે દબાયેલા હોવાથી તેઓ ભાગ્યે જ અદાલતોમાં જઈને લડી શકે છે.
થિટ્ટલાની ધારણા પ્રમાણે, આવી છેતરામણી જાળનો પ્રત્યક્ષ કે પરોક્ષપણે શિકાર બનેલા કેરળના ઓછામાં ઓછા એકથી બે હજાર પીડિતો હજુયે બ્રિટનમાં ફસાયેલા છે.
ભારતીય નર્સોને યુકેમાં નોકરીની લાલચ આપી એજન્ટો કઈ રીતે નિશાન બનાવે છે?
એ જ રીતે વતનમાંથી બહાર નીકળતાં પહેલાં જ જેમની પાસેથી પૈસા ખંખેરી લેવાયા હોય, એવા પણ સેંકડો લોકો કેરળમાં રહે છે.
બ્રિટન આવીને સોશિયલ કૅર સેક્ટર સાથે જોડાઈને ત્યાં જ રહી અને કામ કરી શકવાની મંજૂરી આપતા કૅર વિઝા મેળવવા માટે કરોડો રૂપિયા ગુમાવનારા કોઠામંગલમ ટાઉનના લગભગ 30 લોકો સાથે બીબીસીએ વાત કરી હતી.
આ તમામ વ્યક્તિઓએ એજન્ટ હેન્રી પૌલોસ અને બ્રિટન તથા ભારતમાં આવેલી તેની એજન્સી ગ્રેસ ઇન્ટરનૅશનલ ઉપર તેમને જૉબ અને સ્પૉન્સરશિપ લેટર્સની લાલચ આપીને તેમની જીવનભરની બચત લૂંટી લેવાનો આરોપ લગાવ્યો હતો.
પૌલોસે આ પૈકીની કેટલીક વ્યક્તિઓને તો વિઝા ઍપૉઇન્ટમેન્ટ્સ માટે દિલ્હીની 2,500 કિલોમીટરની સફર પણ ખેડાવી હતી. સ્વાભાવિક છે કે આ વિઝા ઍપૉઇન્ટમેન્ટ્સ એક જૂઠાણું હતું.
એલેપ્પીમાં રહેતાં શિલ્પાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમણે પૌલોસને પૈસા ચૂકવવા માટે 13 ટકાના વ્યાજ પર લોન લીધી હતી અને તેના બદલામાં પૌલોસે સ્પૉન્સરશિપનું નકલી પ્રમાણપત્ર તેમના હાથમાં પકડાવ્યું હતું.
તેમણે બીબીસીને જણાવ્યું, "મને લાગતું હતું કે, બ્રિટન જવાથી મારી ત્રણ પુત્રીઓનું ભવિષ્ય સુધરી જશે, પણ હવે મને તેમની સ્કૂલ ફી ભરવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે."
યુકેમાં નોકરીની લાલચે સઘળી મૂડી ગુમાવી
અન્ય એક પીડિત બીનુએ ભીની આંખે જણાવ્યું હતું, "મેં મારી સઘળી મૂડી ગુમાવી દીધી છે. બ્રિટન જઈ શકાય, એ અપેક્ષાએ મારી પત્નીએ ઇઝરાયલમાં તેની નોકરી છોડી દીધી. ઇઝરાયલમાં હું અને મારી પત્ની સાથે મળીને આરામથી 1,500 પાઉન્ડ કમાઈ લેતાં હતાં, પણ હવે પૈસાના અભાવે અમને અમારાં બાળકોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડી લેવાની ફરજ પડી છે."
વારંવાર સંપર્ક સાધવા છતાં પૌલોસ કે ગ્રેસ ઇન્ટરનૅશનલે બીબીસીને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. કોઠામંગલમની પોલીસના જણાવ્યા પ્રમાણે પૌલોસ બ્રિટનમાં ફરાર છે અને છ વ્યક્તિઓ પાસેથી ફરિયાદ મળ્યા પછી તેમણે તેની ભારત ખાતેની ઑફિસો સીલ કરી દીધી છે.
બ્રિટનમાં અગાઉની ક્ન્ઝર્વેટિવ સરકારે ગયા વર્ષે કબૂલ્યું હતું કે કૅર વર્કર્સને ખોટાં બહાનાં હેઠળ વિઝા ઑફર કરીને તેમને તેમના કામની સામે લઘુતમ વેતન કરતાંય ઓછું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.
આ નિયમનો દુરુપયોગ ન થાય તે માટે 2024માં નિયમો ચુસ્ત કરવામાં આવ્યા હતા અને તેને પગલે લઘુતમ વેતન પણ વધારવામાં આવ્યું હતું. કૅર વર્કર્સ પર હવે આશ્રિત તરીકે અન્ય પરિવારજનોને લઈ જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે, જેના કારણે પરિવારોમાં આ ક્ષેત્ર તરફનું આકર્ષણ ઘટી ગયું છે.
એટલું જ નહીં, જુલાઈ, 2022થી કૅર ક્ષેત્રમાં વિદેશી વર્કરોની ભરતી કરવાની નોકરીદાતાઓને છૂટ આપતાં આશરે 460 જેટલાં લાઇસન્સ રદ કરી દેવાયાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન