You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વસ્ત્રાલ કેસ : "પોલીસ રસ્તા પર સજા કરશે તો કોર્ટો શું કરશે?" સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં પોલીસ આરોપીઓને કેમ ફટકારે છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
પોલીસ આરોપીઓને કસ્ટડીમાં કે રસ્તા પર કોઈપણ જગ્યાએ મારી શકે નહીં. જે અંગે સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદા અને દિશાનિર્દેશ પણ આપ્યા છે. તેમ છતાં તાજેતરમાં બનેલી વસ્ત્રાલની ઘટનામાં પોલીસે આરોપીઓને તેમના ઘરની ગલીઓમાં અને ઘટના સ્થળે લઈ જઈને માર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
આરોપીઓના પરિવારનો આક્ષેપ છે કે પોલીસે આરોપીઓને બનાવની જગ્યા પર અને તેમના ઘરની ગલીમાં લાવીને જાહેરમાં પણ ઢોર માર માર્યો હતો, જેના કારણે તેઓ ઊભા પણ રહી શકતા નથી.
કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાત પોલીસે અગાઉ પણ આરોપીઓને જાહેરમાં માર માર્યો હોવાની તથા તેમનો 'વરઘોડો' કે 'સરઘસ' કાઢ્યું હોવાની ઘટનાઓના વીડિયો વાઇરલ થયા છે.
કાયદાશાસ્ત્રીઓનું કહેવું છે કે આરોપીઓએ તોફાન કરીને કાયદો હાથમાં લીધો હતો. ત્યારે પોલીસે પણ તેમને જાહેરમાં માર મારીને કાયદો હાથમાં લીધો છે. આરોપીઓને માર મારવો 'ગેરબંધારણીય' છે. જોકે સમગ્ર ઘટના અંગે પોલીસનું કહેવું છે કે પોલીસે 'કાયદાની મર્યાદા'માં રહીને કાર્યવાહી કરી છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પોલીસની આવી કાર્યવાહીને બિરદાવી છે, પણ આવું કરીને પોલીસે માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહી હોવાનું કાયદાના જાણકારોનું માનવું છે.
આરોપીઓના પરિવારોએ શું કહ્યું?
બીબીસી ગુજરાતીએ આ અંગે આરોપીઓના પરિવાર સાથે વાત કરી હતી. એમનો આક્ષેપ હતો કે બનાવની જગ્યા પર અને તેમના ઘરની ગલીમાં લાવીને જાહેરમાં પણ ઢોરમાર માર્યો હતો.
આરોપી રાજવીરનાં માતા ફાલ્ગુની બહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "છોકરાઓને માર મારવો એ માનવાધિકાર વિરુદ્ધ વિરુધ્ધ છે. કોઈપણ નિયમમાં આવતું નથી કે તમે રસ્તા પર છોકરાઓને આવી રીતે મારી શકો. મારા દીકરાને પોલીસે ઢોર માર માર્યો છે."
રાજવીરના પિતરાઈ ભાઈ વિશાલ બિહોલા કહે છે, "સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે આરોપીઓને આમ મારી ના શકાય તેમ છતાં પોલીસે બનાવના સ્થળ પર તેમજ અમારા ઘરની સામે માર મારવામાં આવ્યો છે. જે ન્યાયની વિરુદ્ધ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજવીરનાં ફોઈ ગીતાબહેનનો આરોપ છે કે તેમની દીકરીઓને પોલીસે માર માર્યો હતો અને બીભત્સ ગાળો ભાંડી હતી.
ગીતાબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "પોલીસે મારા ભત્રીજા રાજવીરને અમારા ઘરની સામે લાવીને માર માર્યો હતો. ભાઈને પોલીસ માર મારી રહી હતી, તે જોઈને મારી દીકરીઓ ચીસો પાડવા લાગી હતી. ત્યારે મહિલા પોલીસે તેમને વાળ પકડીને મારી હતી અને તેમને ગાળો પણ આપી હતી."
અન્ય એક આરોપી અલ્કેશ યાદવનાં બહેન એકતાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "મારા ભાઈને પોલીસ સ્ટેશનમાં અને અમારા ઘરની ગલીમાં લાવીને પણ ખૂબ જ ઢોરમાર માર્યો છે. મારો ભાઈ નિર્દોષ છૂટશે, તો શું પોલીસ મારા ભાઈનું સરઘસ કાઢીને કહેશે કે આ નિર્દોષ છે. મારા ભાઈને એટલો માર્યો છે કે તે ઊભો પણ રહી શકતો નથી."
આ કેસમાં અન્ય આરોપી અસીલ મકવાણાનાં બહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "પોલીસે રોડ પર આરોપીઓને માર માર્યો છે. કોર્ટમાં જજે ચેક કરવું જોઈએ કે પોલીસે આરોપીઓને માર માર્યો છે કે નહીં?"
વસ્ત્રાલની ઘટના પહેલાં પણ પોલીસે આરોપીને માર માર્યાના આક્ષેપ
જુલાઈ 2023માં પાટણના બાલીસણા ગામમાં જૂથ અથડામણના કેસમાં આરોપીઓનું હાથમાં દોરડા બાંધીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે ચર્ચાસ્પદ બન્યું હતું.
જુલાઈ 2023માં અમદાવાદના મણીનગરમાં આરોપીઓને બાંધીને જાહેરમાં માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા.
વર્ષ 2022માં ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામ ખાતે નવરાત્રી દરમિયાન કથિતપણે પથ્થરમારાના બનાવ બાદ સ્થાનિક પોલીસે ઘટનાના આરોપી 'મુસ્લિમો'ને જાહેરમાં માર માર્યાના વીડિયો વાઇરલ થયા હતા.
આ ઘટનાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપી પોલીસવાળાઓને 'કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ' (અદાલતના તિરસ્કાર) માટે દોષિત ઠેરવી, 14 દિવસની સજા સંભળાવી હતી.
આરોપી પોલીસ કર્મચારીઓ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. સર્વોચ્ચ અદાલતે સજા ઉપર સ્ટે આપ્યો છે.
ઊંઢેલા ગામના પીડિતો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં વકીલ આઈ.એચ.સૈયદ કેસ લડી રહ્યા હતા. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "ગુજરાત હાઇકોર્ટે જાહેરમાં માર મારનાર પોલીસ કર્મચારીઓને 14 દિવસની સજા ફટકારી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે."
ગુજરાત પોલીસ સામે અગાઉ પણ જાહેરમાં માર મારવાના કે 'રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ' કાઢવાના આક્ષેપ થયા છે. કેટલાક કિસ્સામાં પોલીસને સજા અને દંડ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકી રહી નથી.
જૂન 2023માં જૂનાગઢમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે લગભગ 174 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. જેમાંથી કેટલાકને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસકર્મીઓ સામે નોટિસ કાઢી હતી.
આ પહેલાં વર્ષ 2017માં રાજકોટમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ આઇપીએસ અધિકારીએ કેમ કહ્યું કે "પોલીસને દંડ કરવામાં આવે તે ઉકેલ નથી"
ગુજરાત હાઇકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "આરોપીઓને માર મારવો, જાહેરમાં સરઘસ કાઢવું કે ઘર તોડવા તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના આદેશના વિરુધ્ધનું કૃત્ય છે."
ભૂતપૂર્વ આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી અને હાલ વકીલાતની પ્રૅક્ટિસ કરતાં રાહુલ શર્મા આ પ્રકારની ઘટનાઓને પોલીસની તાલીમ સાથે જોડીને જુએ છે.
શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "પોલીસને ટ્રેનિંગની જરૂર છે. પોલીસ બનેલો યુવાન કે યુવતી તેના બાળપણથી જ જોતાં આવે છે અને તે પોલીસમાં ભરતી થયા પછી પણ જુએ છે કે આરોપીઓને મારવામાં આવે છે. આથી તેના મગજમાં પણ એ જ હોય છે."
રાહુલ શર્માએ વધુમાં જણાવ્યું હતું, "ખેડા જિલ્લાના ઊંઢેલા ગામની ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે પોલીસને 14 દિવસની સજા કરી હતી. આ ઘટના બાદ પણ ઘટનાઓ બને છે. કોઈ પાઠ લીધો નહીં. ઘટના બને પછી પોલીસને દંડ કરવામાં આવે છે તે સૉલ્યુશન નથી."
"આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ ઘટનાઓ અટકાવવા કાયમી ઉકેલ લાવવા માટે પ્રશ્નોનું નિરાકરણ કરવું પડે અને ત્યારે જ ઉકેલ લાવી શકાય."
કાયદાના વિશેષજ્ઞો પૂછે છે, "પોલીસ રસ્તા પર સજા કરશે તો કોર્ટો શું કરશે?"
આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું, "અમદાવાદના વસ્ત્રાલની ઘટનામાં છોકરાઓએ કાયદો હાથમાં લીધો તેની સામે પોલીસે પણ કાયદો હાથમાં લીધો તે તદ્દન ગેરબંધારણીય છે. પોલીસે કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરવાની છે."
"પોલીસે આરોપીને પાલીસ સ્ટેશનની અંદર કે પોલીસ સ્ટેશનની બહાર કોઈ પણ જગ્યાએ માર મારવાનો નથી. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલી પોલીસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જાહેરમાં લોકોને મારે છે."
આનંદ યાજ્ઞિકે વધુમાં જણાવ્યું કે પોલીસનું કામ છે આરોપીની ધરપકડ કરવી, નિવેદનો લેવાં, તપાસ કરવી, પુરાવા એકઠા કરવા અને ચાર્જશીટ દાખલ કરવી. આરોપીઓને સજા કરવાનું કામ કોર્ટનું છે.
આનંદ યાજ્ઞિક વધુમાં જણાવે છે, "સુપ્રીમ કોર્ટે ઑફ ઇન્ડિયાએ અનેક જજમેન્ટમાં નોંધ્યું છે કે પોલીસને આરોપીને મારવાનો અધિકાર નથી."
વસ્ત્રાલ ઘટનામાં પોલીસે આરોપીઓને જાહેરમાં માર માર્યો તે અંગે વકીલ આઈ. એચ. સૈયદે જણાવ્યું, "પોલીસ કોઈ દિવસ આરોપીઓને મારી શકે નહીં. પોલીસ રસ્તા પર સજા કરશે તો કોર્ટો શુ કરશે? ન્યાય આપવાનું અને સજા કરવાનું કામ કોર્ટોનું છે."
પૂર્વ આઈપીએસ અધિકારી અને વકીલ રાહુલ શર્માએ જણાવ્યું, "પોલીસ બંધારણના શપથ લે છે. પોલીસે સંવિધાન મુજબ વર્તવાનું હોય છે. પોલીસને કોઈના પણ ગેરકાયદેસર ઑર્ડરનું પાલન કરવાનું હોતું નથી."
રાહુલ શર્માએ વધુમાં જણાવ્યું હતું, "પોલીસની સંખ્યા વધારવાની જરૂર છે. નવા કાયદા લાગુ થઈ રહ્યા છે. તેમજ સમાજમાં નૈતિક પતન વધી રહ્યું છે. હું સર્વિસમાં હતો, ત્યારે મંત્રીઓનું પાઇલોટિંગ (મંત્રીઓની મુસાફરી દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરતી વ્યવસ્થા) થતું નહીં, પરંતુ હવે દરેક મંત્રી પાઇલોટિંગ માગે છે. પોલીસની કામગીરી વધી રહી છે, પરંતુ સંખ્યા વધી રહી નથી. પોલીસની સંખ્યામાં વધારો કરવો જોઈએ."
ગુજરાત હાઇકોર્ટના વકીલ કે.આર. કોષ્ટીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું,"આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે પૂછવામાં આવે છે કે તેમને કોઈપણ પ્રકારનો ત્રાસ કે જુલમ તો આપવામાં આવ્યો નથી ને? જ્યારે પોલીસ ખુદ આરોપીને જાહેરમાં મારવાના વીડિયો વાઇરલ કરી રહી છે, ત્યારે આરોપીને મારવાની પોલીસની આ કાર્યવાહી ગેરબંધારણીય છે."
કે. આર. કોષ્ટીએ વધુમાં જણાવ્યું, "આરોપીઓને ઝડપથી સજા મળે તે માટે ફાસ્ટટ્રૅક કોર્ટ ચલાવવી જોઈએ."
વસ્ત્રાલમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના વીડિયો વાઇરલ થયા છે તે અંગે બીબીસી ગુજરાતીએ અમદાવાદ સેક્ટર 2ના પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ સાથે વાત કરી હતી. જયપાલસિંહે જણાવ્યું હતું, "વસ્ત્રાલની ઘટનામાં પોલીસે કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરી છે."
સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ, સંવિધાનની કલમ 22 અને ફોજદારી કાયદામાં નાગરિકને પ્રાપ્ત મૌલિક અધિકારો શું છે?
આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું, "સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાએ ડી. કે. બસુ કેસના જજમેન્ટમાં નોધ્યું છે કે પોલીસ આરોપી સાથે કસ્ટડીમાં કે બહાર અત્યાચાર કરે તો આરોપી પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરવી તેમજ પોલીસ સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફૉર્મેશન રિપોર્ટ) દાખલ કરવી."
ડી. કે. બસુ દિશાનિર્દેશ અને સંવિધાનની કલમ 22 તથા ફોજદારી કાયદામાં નાગરિકને પ્રાપ્ત મૌલિક અધિકારો
- ધરપકડ કે પૂછપરછ સમયે તપાસકર્તા પોલીસ અધિકારીની ઓળખ અને નામનું ટૅગ હોવું જોઈએ અને તે પોતાના ગણવેશમાં હોવા જોઈએ. ઉપરાંત તેમણે જે તેમની ધરપકડ કરી છે તેને રેકૉર્ડ પર લેવી જોઈએ.
- ધરપકડ થાય તે સમયે એક સાક્ષી તથા ધરપકડ કરાયેલા તહોમતદારની સહી લેવી જોઈએ તથા ધરપકડ સમયે તહોમતદારને તેમના એક મિત્ર કે સબંધી સાથે વાતચીતની તક મળવી જોઈએ.
- ધરપકડ કરાયેલી વ્યક્તિને તેના અધિકારો અંગેની માહિતી મળવી જોઈએ.
- ધરપકડ કરાયેલી વ્યક્તિની તબીબી તપાસ થવી જોઈએ અને આ તપાસના રિપોર્ટ પર તપાસકર્તા તબીબ અને તહોમતદારની સહી હોવી જોઈએ. તહોમતદારને તેના વકીલો સાથે મુલાકાત કરવા દેવી જોઈએ. તહોમતદારની પોલીસ તપાસ બાદ પણ તહોમતદારને તેના વકીલોને મળવાનો અધિકાર છે. જોકે તપાસ દરમિયાન નહીં.
- જો ધરપકડ કરાયેલી વ્યક્તિનો સબંધી કે દોસ્ત કે જેનો તે સંપર્ક સાધવા માગે છે તે જિલ્લાની બહાર રહેતા હોય તો ધરપકડ કર્યાના 8થી 12 કલાકની અંદર તેની ધરપકડની જગ્યા, કારણો અને અન્ય માહિતી તેના સબંધીને મોકલવી.
- ધરપકડ સમયે તહોમતદારને એ જાણકારી હોવી જોઈએ કે તેમની ધરપકડ કયાં કારણોને લઈને થઈ રહી છે.
- ધરપકડના 24 કલાકમાં પોલીસે તહોમતદારને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ. તેની ધરપકડ મામલાના તમામ દસ્તાવેજો તપાસકર્તા પોલીસ અધિકારીએ મૅજિસ્ટ્રેટને મોકલવાના રહેશે.
- પોલીસ સમક્ષ આપેલા નિવેદનને આરોપી સામેના પુરાવા તરીકે માન્ય ન રાખી શકાય.
- ધરપકડ કરાએલી વ્યક્તિને પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ દ્વારા કોઈ દુર્વ્યવહાર કે યાતનાથી બચવાનો અધિકાર છે.
- 15 વર્ષથી ઓછી ઉંમરના બાળક કે કોઈ પણ મહિલાને માત્ર સવાલ પૂછવાના બહાને પોલીસ સ્ટેશનમાં ન બોલાવી શકાય.
- તહોમતદારની ધરપકડ બાદ તપાસકર્તા પોલીસ અધિકારીએ તેની જાણ જિલ્લાના પોલીસ કંટ્રૉલને કરવાની રહેશે, જેથી તેની વિગતો પોલીસ કંટ્રૉલ રૂમના નોટિસબોર્ડ પર અને રેકૉર્ડમાં પણ રહે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન