સુનીતા વિલિયમ્સ : દરિયાની ઉપર પૅરાશૂટ ખૂલ્યાં ને યાન ઊતર્યું એ સમયે શું થયું, કેટલી ખતરનાક સફર રહી?

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અન્ય બે અવકાશયાત્રીઓ સહિત સ્પેસઍક્સની ડ્રૅગન કૅપ્સ્યૂલ મારફતે પૃથ્વી પર પરત ફર્યાં છે.

ગત વર્ષે જૂન માસમાં માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ગયેલાં બંને અવકાશયાત્રીઓ નવ મહિનાના લાંબા ઇંતેજાર બાદ પૃથ્વી પર પરત ફરી શક્યાં છે.

બૉઇંગનું જે સ્ટારલાઇનર યાન તેમને ધરતી પર પરત લાવવાનું હતું એ ખરાબ થઈ ગયું હતું. જેના કારણે અવકાશયાત્રીઓએ પરત ફરવા માટે આટલો લાંબો ઇંતેજાર કરવો પડ્યો હતો.

અંતે ઇલૉન મસ્કની કંપની સ્પેસઍક્સની ડ્રૅગન કૅપ્સ્યૂલે ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિતપણે ઉતાર્યાં.

સમુદ્રમાં ઉતરાણ બાદ કૅપ્સ્યૂલની ચારેકોર જિજ્ઞાસુ ડૉલ્ફિનોનો એક સમૂહ આંટા મારી રહ્યો હતો.

અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનથી ધરતી પર પહોંચવામાં 17 કલાક લાગ્યા. વાંચો, કેવી હતી આ યાત્રા અને કૅપ્સ્યૂલના ઉતરાણ બાદ શું શું થયું?

સુનીતા વિલિયમ્સને લઈને આવતું યાન જ્યારે ઊતર્યું ત્યારે શું થયું?

ભારતીય સમયાનુસાર ત્રણ વાગ્યા ને 28 મિનિટે ચારેય અવકાશયાત્રીઓને લાવનારી કૅપ્સ્યૂલ ફ્લોરિડાના સમુદ્રકાંઠા પાસે સમુદ્રની સપાટી પર ઊતરી.

સમુદ્રની સપાટી પર પહોંચ્યા બાદ કંટ્રોલ સેન્ટર તરફથી અવકાશયાત્રીઓના સ્વાગત માટે કહેવાયું, "નિક, એલેક, બુચ, સુની... સ્પેસઍક્સ તરફથી ઘરે પરત ફરવા માટે સ્વાગત છે."

કમાન્ડર નિક હેગે ખુશી વ્યક્ત કરતાં જવાબ આપ્યો, "કૅપ્સ્યૂલમાં હાજર તમામના ચહેરા પર સ્મિત છવાયેલું છે."

સ્પ્લેશડાઉન પહેલાં શું થયું?

ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)થી પૃથ્વી સુધી પહોંચવાની સફરમાં 17 કલાકનો સમય લાગ્યો.

પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતી વખતે ડ્રૅગન કૅપ્સ્યૂલની ઝડપ 17000 માઇલ પ્રતિ કલાક હતી, જે થોડી વારમાં જ ઘટાડી દેવાઈ.

આ પહેલાં મંગળવારે સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સાથે વધુ બે અવકાશયાત્ર નિક હેગ અને અવકાશયાત્રી લેગ્ઝેન્ડર ગોર્બૂનોવે અન્ય અવકાશયાત્રીઓની રજા લીધી હતી.

અવકાશથી ધરતીની સુનીતા વિલિયમ્સની સફર કેટલી ખતરનાક હતી?

કૅપ્સ્યૂલ ધરતીના વાયુમંડળમાં પ્રવેશી એ સમયે કૉમ્યુનિકેશન બ્લૅકઆઉટ થઈ ગયું હતું, જે ત્રણ વાગ્યા ને 20 મિનિટે ફરીથી પ્રસ્થાપિત થયું હતું.

વાયુમંડળમાં પ્રવેશ્યા બાદ અવકાશયાનની પ્લાઝ્મ શિલ્ડનું તાપમાન 1927 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, પરંતુ હીટ શીલ્ડ યાનમાં સવાર અવકાશયાત્રીઓને આટલી તીવ્ર ગરમીથી બચાવવામાં મદદરૂપ સાબિત થઈ.

3 વાગ્યા ને 21 મિનિટે અવકાશયાન ઑટોનોમસ એટલે કે સ્વચાલિત બની ગયું હતું, આ દરમિયાન તેમની સામે લાગેલી ટચસ્ક્રીન પર તમામ હલચલ પર તેઓ નજર રાખી શકી રહ્યાં હતાં.

લગભગ ત્રણ વાગ્યા ને 24 મિનિટે પહેલા ડ્રૅગન કૅપ્સ્યૂલની બે પૅરાશૂટ ખૂલી, જેના કારણે તેની ઝડપ ઘટી ગઈ. આ દરમિયાન જોરદાર ઝાટકો લાગ્યો.

તે બાદ વધુ બે પૅરાશૂટ ખૂલી.

સુનીતા સહિત અવકાશયાત્રીઓના સમુદ્રમાં ઊતર્યા બાદ શું થયું?

કૅપ્સ્યૂલ સમુદ્રની સપાટી પર લૅન્ડ થતાં જ તેની આસપાસ ડૉલ્ફિન માછલીનો સમૂહ ચક્કર કાપતો નજરે પડ્યો.

સ્થળ પર હાજર રિકવરી ટીમ ફાસ્ટ બોટ્સ વડે કૅપ્સ્યૂલ સુધી પહોંચી અને સુરક્ષાનો અંદાજ લગાવ્યા બાદ પૅરાશૂટ હઠાવી.

આ બાદ સ્પેસએક્સનું રિકવરી પોત પહોંચ્યું, જે લૅન્ડિંગ સાઇટથી બે માઇલ દૂર ઊભું હતું. અવકાશયાન પરત ફરી રહ્યું હતું એ સમયે આકાશ સંપૂર્ણપણે સાફ હતું.

એ બાદ દોરડા વડે કૅપ્સ્યૂલને સુરક્ષા બોટ પર લવાઈ.

કૅપ્સ્યૂલનો હૅચ ખૂલ્યો

બાદમાં ડ્રૅગનનું સાઇડ હૅચ ખૂલ્યો અને આખું વિશ્વ અવકાશયાત્રીઓની ઝલક જોવાનો ઇંતેજાર કરવા લાગી.

ધરતી પર આગમન બાદ નાસાની લાઇવ તસવીરો દ્વારા સમગ્ર દુનિયામાં લોકોએ સુનીતા વિલિયમ્સ અને તેમના સાથીઓને બહાર નીકળતાં જોયાં.

ક્રૂ-9ના કમાન્ડર નિક હેગ ડ્રૅગનમાંથી બહાર નીકળનારા પ્રથમ સવાર હતા. તેમણે બહાર નીકળીને કૅમેરા સામે સ્મિત આપ્યું, હવામાં હાથ હલાવ્યા અને આગળ વધી ગયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.