You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતા વિલિયમ્સનું ધરતી પર આગમન, દરિયામાં અંતિમ સમયે શું થયું?
નવ મહિનાનો લાંબો સમય અવકાશમાં પસાર કર્યા પછી ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરનું ધરતી પર આગમન થયું છે.
બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યા ને 27 મિનિટે બંને અવકાશયાત્રીઓ સ્પેસઍક્સના સ્પેસ કૅપ્સ્યૂલ ડ્રૅગન મારફતે 17 કલાકની લાંબી મુસાફરી બાદ ધરતી પર પરત ફરવામાં સફળ રહ્યાં હતાં.
નાસાના ઍસ્ટ્રોનૉટ્સ નિક હૉગ અને રશિયાની સ્પેસ એજન્સીના રૉસકૉસમૉસના અવકાશયાત્રી અલેન્સાંદ્ર ગોરબુનોવ પણ સાથે આવ્યા છે.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 5 જૂન 2024ના રોજ પરીક્ષણયાન સ્ટારલાઇનર દ્વારા આઈએસએસ માટે ઉડાન ભરી હતી. ત્યાં આઠ દિવસ ગાળ્યા પછી તેમણે પરત આવવાનું હતું, પરંતુ યાનમાં ખરાબી સર્જાવાથી તેઓ ત્યાં અટકી ગયાં હતાં.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની તબિયત સારી
સ્ટીવ સ્ટિચે જણાવ્યું કે ચાલકદળના સભ્યોની તબિયત સારી છે. તેઓ હ્યુસ્ટન પરત જાય તે પહેલાં રિકવરી શિપ પર 'થોડો સમય' વિતાવશે.
તેમણે પોતાની ટીમને પણ બિરદાવી હતી અને સાથે સાથે નાસાની જરૂરિયાત મુજબ કામગીરી કરવા બદલ સ્પેસઍક્સનો પણ આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે અંતરીક્ષયાત્રીઓ મેડિકલ તપાસ પછી લગભગ એક દિવસ પછી પોતાના પરિવાર પાસે જઈ શકશે. તેઓ અંતરીક્ષમાં પોતે ગાળેલા સમય વિશે માહિતી આપશે.
નાસા સ્પેસ ઑપરેશન મિશનના ડેપ્યુટી ઍસોસિયેટ ઍડમિનિસ્ટ્રેટર જોએલ મોન્ટેલબાનોએ કહ્યું કે સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરે અંતરીક્ષમાં 900 કલાક સુધી રિસર્ચ કર્યું હતું અને 150 પ્રયોગો કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે નાસાના અંતરીક્ષયાત્રીઓ જે કામ કરે છે તેનાથી 'રાષ્ટ્રને લાભ' થાય છે અને આ દશકના અંત સુધીમાં માનવીને મંગળ ગ્રહ પર ઉતારવાના નાસાના લક્ષ્ય માટે સંભાવના વધી જાય છે.
આઠ દિવસનું અંતરીક્ષ મિશન નવ મહિના લંબાયું
નોંધનીય છે કે બંને અવકાશયાત્રીઓ જૂન, 2024માં માત્ર આઠ દિવસના મિશન માટે અવકાશમાં ગયાં હતાં. જોકે, બંને અવકાશયાત્રીઓને સ્પેસમાં લઈ જનાર સ્ટારલાઇનર્સ કૅપ્સ્યૂલમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંનેએ લગભગ નવ મહિના સુધી અવકાશમાં જ રહેવું પડ્યું હતું.
સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરને લઈને સ્પેસઍક્સ ડ્રેગન કૅપ્સ્યૂલ ફ્લોરિડાના દરિયાકાંઠા નજીક સમુદ્રમાં ઊતરી હતી. તે બાદ વિલિયમ્સ અને વિલ્મોર તેમાંથી હાથ હલાવીને અભિવાદન કરતાં બહાર આવ્યાં હતાં અને બંનેના ચહેરા પર સ્મિત હતું.
સુનીતા અને વિલ્મોરની ડ્રૅગન કૅપ્સ્યૂલ સમુદ્રમાં પડી ત્યારે આસપાસ ડૉલ્ફિનો આવી ગઈ હતી. ત્યાર પછી એક રેસ્ક્યૂ શિપ આવીને બંને અંતરીક્ષયાત્રીને લઈ ગયું હતું.
આજે બંને અંતરીક્ષયાત્રીને લઈને કેપ્સ્યૂલે પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ કર્યો ત્યારે તેની ઝડપ અત્યંત વધારે હતી.
બંને અંતરીક્ષયાત્રીની સહીસલામત વાપસી પછી નાસાએ એક પત્રકારપરિષદ યોજી હતી, જેમાં સુનીતા વિલિયમ્સ કે બુચ વિલ્મોર હાજર ન હતાં.
નાસાએ કહ્યું કે બૉઇંગ કંપની પોતાના સ્ટારલાઇનરને ફરીથી ફ્લાઇટ માટે તૈયાર કરવા કામ કરી રહી છે.
નાસાના કૉમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મૅનેજર સ્ટીવ સ્ટિચે બૉઇંગનો પણ આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે "અમે બૉઇંગ અને તેના રોકાણના આભારી છીએ. આ સમસ્યા પરથી લાગે છે કે અંતરીક્ષમાં ઓછામાં ઓછાં બે વ્હીકલ હોવાં જોઈએ."
તેમણે કહ્યું કે "સુનીતા અને બુચની વાપસીને બૉઇંગ એક પાર્ટી દ્વારા ઊજવી રહ્યું છે."
"તેમણે આજે લૅન્ડિંગમાં ઘણો રસ લીધો છે. તેઓ બુચ અને સુનીતાને પાછાં આવતા જોઈ રહ્યા છે અને પાર્ટી કરી રહ્યા છે."
તેમણે કહ્યું કે "સ્ટારલાઇનરના સર્ટિફિકેશન માટે નાસા અને બૉઇંગ સાથે મળીને કામ કરી રહ્યા છે."
અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સની સિદ્ધિ
તેમણે અંતરીક્ષમાં કુલ 286 દિવસો ગાળ્યા છે. આ સાથે જ તેઓ એક જ સફરમાં ત્રીજી સૌથી વધુ દિવસો સુધી આઈએસએસ પર દિવસો વિતાવનાર મહિલા વૈજ્ઞાનિક પણ બની ગયા છે.
આ મામલે ક્રિસ્ટીના કોચ પ્રથમ ક્રમે છે જેમણે 328 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા છે. જ્યારે પેગી વિટ્સન 289 દિવસ સાથે બીજા ક્રમે છે.
આઈએસએસ પર એક વખતમાં સૌથી વધુ દિવસો અંતરીક્ષયાત્રી ફ્રેન્ક રુબિયોએ ગાળ્યા છે જેઓ 371 દિવસ સુધી ત્યાં રહ્યા હતા. કુલ મળીને સૌથી વધારે દિવસો ગાળવાનો રેકોર્ડ પેગી વિટ્સનના નામે છે જેઓ કુલ 675 દિવસ સ્પેસમાં રહ્યા છે.
અંતરીક્ષમાં સ્પેસ વૉકનો રેકૉર્ડ સુશાન હેલમ્સ અને જેમ્સ વોસના નામે છે. તેમણે એક વખત 8 કલાક 56 મિનિટ સુધી સ્પેસવૉક કર્યું હતું.
સુનીતા વિલિયમ્સ કુલ સ્પેસવૉકના મામલે પ્રથમ ક્રમે છે.
સુનીતા વિલિયમ્સ પોતાની ત્રીજી અંતરીક્ષયાત્રા સહિત કુલ નવ વખત સ્પેસવૉક કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 62 કલાક છ મિનિટ સુધી સ્પોસવૉક કર્યું છે.
બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં શું મુશ્કેલી પડી?
અંતરીક્ષયાન સ્ટારલાઇનરમાં પેદા થયેલી સમસ્યાના કારણે બંનેને પરત લાવવામાં મુશ્કેલી પેદા થઈ હતી.
સ્ટારલાઇનર અંતરીક્ષયાન જ્યારે આઇએસએસની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યા પેદા થઈ હતી. યાનને દિશા આપતા પાંચ થ્રસ્ટર્સ બંધ થઈ ગયાં હતાં. તેમાં હિલિયમ ગૅસ ખાલી થઈ ગયો હતો. જેને લીધે બળતણવાળા ઈંધણ પર યાનને નિર્ભર રહેવું પડ્યું અને બંને અવકાશયાત્રીઓ ત્યાં જ અટકી ગયાં હતાં.
ત્યાર પછી પણ યાનમાં અમુક ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી.
61 વર્ષીય વિલ્મોર અને 58 વર્ષીય સુનીતાને બૉઇંગ સ્ટારલાઇનર અંતરીક્ષયાન દ્વારા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યાં હતાં. આ પ્રકારની એ પ્રથમ ફ્લાઇટ હતી જેમાં લોકો સવાર હતા.
અંતરીક્ષયાન નિયમિતપણે ઉપયોગમાં લેવાતા પહેલા નવા અંતરીક્ષયાન કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે આ એક પરીક્ષણ હતું.
જોકે, જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ કેટલીક સમસ્યાઓ થવા લાગી. તેની પ્રોપલ્શન સિસ્ટમમાં લિકેજ થયું હતું અને કેટલાંક થ્રસ્ટર્સ પણ બંધ થવાં લાગ્યાં હતાં.
બૉઇંગ સ્ટારલાઇનરમાં કોઈ પ્રકારની સમસ્યા પ્રકાશમાં આવી હોય તેવું આ પ્રથમ વખત નથી. તેની પ્રથમ માનવરહિત ફ્લાઇટ ડિસેમ્બર 2019માં મોકલવામાં આવી હતી, પરંતુ સૉફ્ટવૅરમાં ખામીને કારણે આ ફ્લાઇટ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી શકી ન હતી.
તે વખતે નાસાએ કહ્યું હતું કે ઑટોમેશન અને ટાઇમર્સમાં સામંજસ્ય ન હોવાના કારણે સ્ટારલાઇનરને રસ્તામાંથી જ પરત આવવું પડ્યું હતું.
બીજો પ્રયાસ 2022માં કરવામાં આવ્યો હતો ત્યારે માનવરહીત યાનને સ્પેસ સ્ટેશન માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ યાનના કેટલાક થ્રસ્ટરે યોગ્ય રીતે કામ કર્યું ન હતું.
2024માં નાસાના સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બુચ અને સુનીતાને ધરતી પર લાવવા માટે સ્પેસએક્સે જવાબદારી લીધી હતી.
સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન શું છે?
સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન એક અંતરીક્ષયાન છે. તેને ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેના દ્વારા અવકાશયાત્રીઓને આઇએસએસ સુધી લઈ જવાય છે.
તેને નાસાની એ યોજના હેઠળ વિકસાવવામાં આવી હતી, જેના હેઠળ અમેરિકન સરકારે સ્પેસ સ્ટેશનની ફ્લાઇટ્સ ખાનગી કંપનીઓને સોંપી હતી. આ પહેલાં અમેરિકા રશિયન પ્રક્ષેપણ પર નિર્ભર રહેતું હતું.
ક્રૂ ડ્રેગન 16 ડ્રેકો થ્રસ્ટર્સથી સજ્જ છે. તેને ફાલ્કન 9 રૉકેટથી લૉન્ચ કરવામાં આવ્યું છે. તેમાં એક સમયે સાત અવકાશયાત્રીઓ મોકલી શકાય છે. તે વારંવાર વાપરી શકાય છે. અવકાશમાંથી પાછા ફરતી વખતે આ વાહન અવાજની ગતિથી પણ 25 ગણી ઝડપે પસાર થાય છે.
તે પોતાની જાતને અન્ય અંતરીક્ષયાન સાથે જોડી શકે છે. જો તેની ઉડાન દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ પડે તો તે લૉન્ચ એસ્કેપ સિસ્ટમથી પણ સજ્જ છે, જે તરત જ ક્રૂ ડ્રેગનને રૉકેટથી અલગ કરી દે છે.
અંતરીક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે તેમાં પેરાશૂટ પણ લગાવવામાં આવ્યા છે. ફ્લાઇટ કમ્પ્યુટર અને થ્રસ્ટર્સ ફેલ થયાં પછી પણ તે સ્પેસક્રાફ્ટ ક્રૂને સુરક્ષિત રીતે પાછા લાવવામાં સક્ષમ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન