અમદાવાદ : પોલીસ જાહેરમાં કોઈ આરોપીને આ રીતે પકડીને ડંડા મારી શકે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

અમદાવાદમાં મણિનગર પોલીસે કેટલાક યુવકોને લાકડી વડે ફટકાર્યા અને આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ ગયો. વીડિયો વાઇરલ થયા બાદ અમદાવાદ પોલીસની ભારે ટીકા થઈ. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પોલીસની આ કાર્યવાહીને બિરદાવી પણ આવું કરીને પોલીસે માનવાધિકારનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણકારોનું માનવું છે.

મણિનગર વિસ્તારમાં સોમવારે એક કારચાલકે દારૂ પીને કાર ચલાવતાં અકસ્માત સર્જ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અકસ્માત થયો એ વખતે માર્ગની બંને બાજુ ફૂટપાથ પર કેટલાક લોકો બેઠા હતા. આ ઘટનાને પગલે પોલીસ કારચાલકની ધરપકડ કરીને તેમને ઘટનાસ્થળે લઈ ગઈ અને લાકડીથી પીટાઈ કરી.

અત્રે એ વાત મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદના એસજી હાઈવે પર એક કારે નવ લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ હતો. ગુજરાતના ડીજીપીએ પણ રાજ્યના પોલીસ અધિકારીઓને 22 ઑગસ્ટ સુધી એક મહિનો રોડ સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. એવામાં મણિનગરમાં પોલીસ દ્વારા આરોપીને જાહેરમાં ઢોર માર મારવાનો વીડિયો વાઇરલ થતાં એના સવાલ ઊઠી રહ્યા છે.

વાઇરલ થયેલા વીડિયોમાં શું છે?

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં 24 જુલાઈએ નોંધાયેલી ફરિયાદ અનુસાર કેદાર દવે નામના કારચાલકે દારૂ પીને અકસ્માત કર્યો હતો.

પોલીસ ફરિયાદ પ્રમાણે કેદાર દવેએ પૂરઝડપે ચલાવીને કાર ઝાડ સાથે અથડાવી હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન ફૂટપાથ પર આવેલા બાકડા પર બેઠેલા લોકો સહેજમાં બચી ગયા હતા. લોકોએ કેદારને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કેદારની ગાડીમાંથી દારૂની બે બૉટલો પણ મળી આવી હતી.

બીજે દિવસે મણિનગર પોલીસસ્ટેશનના પી.આઈ ડી. પી. ઉનડકટ આરોપી કેદાર દવે અને તેમના મિત્રને લઈને ઘટનાસ્થળે ગયા હતા અને ત્યાં તેમની જાહેરમાં પીટાઈ કરી હતી. આ અંગેના વાઇરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ આરોપીઓને પકડી રાખે છે અને પી.આઈ. ડી. પી. ઉનડકટ આરોપીઓને લાકડી વડે મારી રહ્યા છે.

વીડિયોમાં આરોપીઓ કરગરી રહ્યા છે એવામાં પોલીસ મારતા-મારતા પૂછી રહી છે કે 'ગાડીમાં તમારી સાથે કોણ-કોણ હતું? દારૂ પીને ગાડી કેમ ચલાવી? લોકોનો જીવ જોખમમાં કેમ મુક્યો? કંઇ થયું હોય તો કોણ જવાબદાર?' સામે આરોપી માફી માગી રહ્યા છે, કરગરી રહ્યા છે.

જોકે, બાદમાં આ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા અને તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.

ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના બનાવો બન્યા હતા

ગુજરાતમાં અગાઉ પણ આરોપીઓને જાહેરમાં ફટકારવાના કે પછી તેમનું સરઘસ કાઢવાના બનાવો બન્યા છે.

જૂન મહિનામાં જુનાગઢના સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દબાણ હઠાવવા માટે એક ધાર્મિક સ્થાનને નોટિસ આપવાના મામલે પોલીસ પર પથ્થરમારો થયો હતો. જેમાં ડીસીપી સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે 174 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા, જે પૈકી કેટલાક આરોપીઓને પોલીસે જાહેરમાં માર્યા હતા.

ખેડાના માતર તાલુકાના ઊંઢેલા ગામમાં નવરાત્રીમાં થયેલા પથ્થરમારાના બનાવમાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ દસેય આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. જ્યારે આરોપીઓને મારતી હતી ત્યારે ગ્રામજનો તાળીઓ પાડીને પોલીસને વધાવતા હતા.

આ બંને કેસો મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસને ફટકાર લગાવી છે. આરોપીઓને આ રીતે જાહેરમાં મારવાની પોલીસની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરાયેલી જાહેર હિતની અરજી સંદર્ભે ન્યાયાધીશ એ.જે. દેસાઈની વડપણવાળી બેન્ચે રાજ્ય સરકારને બે સપ્તાહમાં સોગંદનામું રજૂ કરવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.

પથ્થરમારાની ઘટનાના આરોપીઓએ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સમક્ષ 'કસ્ટોડિયલ ટૉર્ચર'ની ફરિયાદ કર્યા બાદ ગત મહિને, લોક અધિકાર મંચ અને લઘુમતી સમન્વય સમિતિએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.

જુનાગઢ મામલે 32 પોલીસને હાજર થવાની નોટિસ મળી છે જ્યારે ઊંઢેલા ગામ મામલે પણ 15 પોલીસકર્મીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. હાઇકોર્ટે ઊંઢેલા ગામના કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે આ 'કસ્ટોડિયલ વાયોલન્સ' છે. પોલીસે માનવાધિકારનો આદર કરવો જોઈએ. સોગંદનામું માત્ર યાંત્રીક રીતે દાખલ ન થવું જોઈએ.

આ પહેલાં વર્ષ 2017માં રાજકોટમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીને દંડ ફટકારવામાં આવ્યો હતો.

હાલમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં નવસારીના ખેરગામમાં એક દુષ્કર્મના કેસના આરોપીને પકડીને તેને બાંધીને તેનું જાહેર રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. 17 જુલાઈના રોજ પાટણના બાલીસણા ગામમાં જૂથઅથડામણના કેસમાં આરોપીઓનું હાથમાં દોરડા બાંધીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

‘અપરાધી સાથે પોલીસે અપરાધી નથી બનવાનું’

માનવાધિકાર સાથે સંકળાયેલા કર્મશીલોનું કહેવું છે કે ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટનાનો વીડિયો વાઇરલ થવો એ સ્થિતિ ચિંતાજનક છે.

જાણકારો કહે છે કે ડી. કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં પોલીસ માટે ગાઇડલાઈન જારી કરી હતી, પરંતુ તેનું પાલન આંશિક ધોરણે જ થાય છે અને તહોમતદારોના હકોની જાળવણી થતી નથી.

નોંધનીય છે કે પોલીસ કોઈ ગુના હેઠળ કોઈને પકડે છે ત્યારે તે માત્ર તહોમતદાર જ છે. કોર્ટ જ્યાં સુધી દોષિત જાહેર ના કરે ત્યાં સુધી જે-તે વ્યક્તિ માત્ર આરોપી જ છે, ગુનેગાર નથી.

જુનાગઢમાં આરોપીઓને મારવા મામલામાં પીડિતોના વકીલ આનંદ યાજ્ઞિક પોલીસ દ્વારા આ પ્રકારે સજા આપવાના મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહે છે, "આ પોલીસની સમાજમાં હિંસા છે, તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. આ પ્રકારની સજામાં શિસ્તનો અભાવ છે. હાઇકોર્ટમાં જઈને તેમની સામે એફઆઈઆર નોંધાવી શકાય છે, તેમની સામે વિભાગીય કાર્યવાહી થઈ શકે છે, તેમને સસ્પેન્ડ કરી શકાય છે."

ડી. કે. બસુ દિશાનિર્દેશ અને સંવિધાનની કલમ 22 તથા ફોજદારી કાયદામાં નાગરિકને પ્રાપ્ત મૌલિક અધિકાર

  • ધરપકડ કે પૂછપરછ સમયે તપાસકર્તા પોલીસ અધિકારીની ઓળખ અને નામનું ટેગ હોવું જોઈએ અને તે પોતાના ગણવેશમાં હોવા જોઈએ. ઉપરાંત તેમણે જે તેમની ધરપકડ કરી છે તેને રેકૉર્ડ પર લેવી જોઈએ.
  • ધરપકડ થાય તે સમયે એક સાક્ષી તથા ધરપકડ કરાયેલા તહોમતદારની સહી લેવી જોઈએ. તથા ધરપકડ સમયે તહોમતદારને તેમના એક મિત્ર કે સબંધી સાથે વાતચીતની તક મળવી જોઇએ.
  • ધરપકડ કરાયેલી વ્યક્તિને તેના અધિકારો અંગેની સૂચના મળવી જોઈએ.
  • ધરપકડ કરાયેલી વ્યક્તિની તબીબી તપાસ થવી જોઈએ અને આ તપાસના રિપોર્ટ પર તપાસકર્તા તબીબ અને તહોમતદારની સહી હોવી જોઈએ. તહોમતદારને તેના વકીલો સાથે મુલાકાત કરવા દેવી જોઈએ. તહોમતદારની પોલીસ તપાસ બાદ પણ તહોમતદારને તેના વકીલોને મળવાનો અધિકાર છે. જોકે તપાસ દરમિયાન નહીં.
  • જો ધરપકડ કરાયેલી વ્યક્તિનો સબંધી કે દોસ્ત કે જેનો તે સંપર્ક સાધવા માગે છે તે જિલ્લાની બહાર રહેતા હોય તો ધરપકડ કર્યાના 8થી 12 કલાકની અંદર તેની ધરપકડની જગ્યા, કારણો અને અન્ય માહિતી તેના સબંધીને મોકલવી.
  • ધરપકડ સમયે તહોમતદારને એ જાણકારી હોવી જોઈએ કે તેમની ધરપકડ કયાં કારણોને લઈને થઈ રહી છે.
  • ધરપકડના 24 કલાકમાં પોલીસે તહોમતદારને મેજિસ્ટ્રેટ સમક્ષ પેશ કરવો જોઈએ. તેની ધરપકડ મામલાના તમામ દસ્તાવેજો તપાસકર્તા પોલીસ અધિકારીએ મેજિસ્ટ્રેટને મોકલવાના રહેશે.
  • પોલીસ સમક્ષ આપેલા નિવેદનને આરોપી સામેના પુરાવા તરીકે માન્ય ન રાખી શકાય.
  • ધરપકડ કરાએલી વ્યક્તિને પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ દ્વારા કોઈ દુર્વ્યવહાર કે યાતનાથી બચવાનો અધિકાર છે.
  • 15 વર્ષથી ઓછી ઉંમરના બાળક કે કોઈ પણ મહિલાને માત્ર સવાલ પૂછવાના બહાને પોલીસ સ્ટેશનમાં ન બોલાવી શકાય.
  • તહોમતદારની ધરપકડ બાદ તપાસકર્તા પોલીસ અધિકારીએ તેની જાણ જિલ્લાના પોલીસ કંટ્રોલને કરવાની રહેશે જેથી તેની વિગતો પોલીસ કંટ્રોલ રૂમના નોટિસબોર્ડ પર અને રેકૉર્ડમાં પણ રહે.

તો જાણીતા કાયદાશાસ્ત્રી રાજેન્દ્ર શુક્લ કહે છે કે અપરાધીની સાથે પોલીસે અપરાધી બનવાની જરૂર નથી. તેમના મત પ્રમાણે પોલીસે માત્ર ક્રિમિનલ પ્રૉસિજર કોડને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની હોય છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “કાયદામાં ક્યાંય પોલીસ આરોપીને મારી શકે તેવી જોગવાઈ નથી. આરોપીને વ્યથા પહોંચાડવી કે મારવું એ ગુનો છે. આઈપીસી 323 મુજબ આવા ગુના હેઠળ પોલીસકર્મીની નોકરી જઈ શકે છે અથવા તો તેને એક વર્ષની સજા પણ થઈ શકે છે.” તેમના જણાવ્યા પ્રમાણે, 'પોલીસને દંડો મારવાની વાત તો દૂર રહી, ગાળો બોલવાનો પણ હક નથી.' આ મામલે પણ આરોપી પોલીસ વિરુદ્ધ આઈપીસી કલમ 294-ખ અંતર્ગત ફરિયાદ નોંધાવી શકે છે.

રાજેન્દ્ર શુક્લ પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવતાં કહે છે, “મણિનગરમાં દારૂ પીને ગાડી ચલાવનારા ગાડીચાલકને જ્યારે પોલીસે માર્યો ત્યારે મારો તેમને સવાલ એ છે કે મણિનગરમાં દારૂ આવ્યો ક્યાંથી? આ દારૂ જ્યાંથી આવ્યો હો તે બુટલેગરને પકડીને પોલીસે કેમ જાહેરમાં ના ફટકાર્યો? પોલીસે આવી બહાદુરી બુટલેગર સામે બતાવવાની પણ જરૂર છે.”

‘પોલીસ જજ નથી’

કેટલાક પૂર્વ પોલીસ અધિકારીઓ પણ પોલીસની આ પ્રકારની વર્તણૂકથી નારાજ છે. ગુજરાતના પૂર્વ એડીજીપી ડૉ. રાજન પ્રિયદર્શી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “પોલીસ જજ નથી. આરોપીના મનુષ્ય હોવાનું ગૌરવ જાળવવું જોઈએ.”

ડૉ. રાજન પ્રિયદર્શી ગુજરાત પોલીસ પર આરોપ લગાવતાં કહે છે, “આરોપીને મારો, તેનું મુંડન કરો, તેને જાહેરમાં સરઘસ કાઢીને ફેરવો - એ યોગ્ય નથી. આ કંઇ અંગ્રેજોના જમાનાની પોલીસ નથી.”

તો ગુજરાતના નિવૃત્ત એસીપી દીપક વ્યાસ આ પ્રકારની પોલીસ કાર્યવાહીને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવે છે.

તેઓ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “સરઘસ કાઢીને આરોપીની જાહેરમાં માનહાનિ ન કરી શકાય. ઊલટું, પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કરીને કોર્ટમાં તેને કડકમાં કડક સજા થાય તે માટેની મહેનત કરવી જોઈએ. આ પ્રકારની જાહેરમાં આપવામાં આવતી સજાને કારણે પ્રજામાં પોલીસ પ્રત્યેનો ભય ઊભો થાય છે જ્યારે પોલીસ તો પ્રજાની મિત્ર હોવી જોઈએ, જેથી તે નિડર બનીને પોતાના ન્યાય માટે પોલીસ સમક્ષ ફરિયાદ કરી શકે. થર્ડ ડીગ્રી એ માનવાધિકારનો ભંગ છે.”

વ્યાસ ઉમેરે છે, “જો પોલીસે આરોપીને કસ્ટડીમાં માર્યો હોય તો તેઓ જ્યારે કોર્ટમાં રજૂ થાય ત્યારે જજ સમક્ષ પોતાના વકીલ મારફતે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. કોર્ટ તેને સંજ્ઞાનમાં લઈને તપાસના આદેશ આપી શકે છે.”

આ મામલે જાણીતા લેખક અને શિક્ષણવિદ મનીષી જાની બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "આ દંડારાજ નથી, લોકશાહી છે. " તેઓ આ પ્રકારની વધતી પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરતાં કહે છે, “જોખમ એ વાતનું છે કે આ આદત પડી જશે અને તેની વાહવાહી થતી રહેશે તો તેને સરમુખત્યારશાહીને સ્વીકારવાની નિશાની કહેવાશે. આ બધું ગૌરવપ્રદ ઘટના તરીકે મૂકવું એ અસભ્યતાની નિશાની છે.”

તેઓ કહે છે કે મધ્યમવર્ગની એક માનસિકતા રહી છે કે 'મારીને સીધો કરવો, પણ કાયદો હાથમાં લઈને સભ્ય સમાજ ક્યારેય ચાલી ન શકે.'

ગુજરાત પોલીસનું શું કહેવું છે?

મણિનગરના જે પી.આઈ. ડી. પી. ઉનડકટે ‘ડ્રન્ક ઍન્ડ રન કેસ’ના આરોપી કેદાર દવેને જાહેરમાં માર માર્યો તેમની સાથે બીબીસીએ વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેમના વાઇરલ થયેલા વીડિયો મામલે જ્યારે અમે તેમને પૂછ્યું ત્યારે તેમણે માત્ર “હું પછી તમને વિગતો સાથે કહું છું” એવું જ કહ્યું હતું.

આ મામલે બીબીસીએ અમદાવાદના નાયબ પોલીસ કમિશનર એ. એમ. મુનિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે પણ વ્યસ્તતાનું બહાનું આગળ ધરી દીધું હતું.

બીબીસીએ આ મામલે પોલીસ મહાનિદેશક( પોલીસ સુધારણા ) અનિલ પ્રથમ સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. અનિલ પ્રથમે બીબીસી સાથે વાતચીતમાં કબૂલ્યું કે 'આ ખોટું થયું છે અને આમ ન બનવું જોઈએ.'

તેમણે કહ્યું, “આરોપી સાથે પોલીસનું વર્તન કેવું હોવું જોઈએ તે અંગે અમે અવારનવાર સર્ક્યુલર બહાર પાડતા રહીએ છીએ. આ સિવાય તેમને સતત તાલીમ આપતા રહીએ છીએ. ટ્રેનિંગના મોડ્યૂલમાં માનવાધિકાર પર ખાસ ભાર મૂકવામાં આવે છે છતાં આ પ્રકારની ઘટના ઘટે તો તે ગેરવાજબી છે.”

તેમની સામે શું પગલાં ભરવા જોઈએ કે પછી તેને અટકાવવા માટે શું કરવું જોઈએ તે પ્રશ્નના જવાબમાં તેઓ માત્ર એટલું જ કહે છે કે 'આ ખોટું છે અને તેમણે આમ કરવું જોઈતું નહોતું.'