પોલિયોગ્રસ્ત છોકરો, જેની પાસે ભીખ મંગાવી, હવે બન્યો 'ચમત્કારિક ડૉક્ટર'


ચીનના ડૉ. લી ચુઆંગયે, વાઇરલ વિકલાંગ ડૉક્ટર, પોલિયો, પ્રેરણાત્મક સંઘર્ષ કહાણી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Dr. Li Chuangye

ઇમેજ કૅપ્શન, લી ચુઆંગયે સાત માસના હતા, ત્યારે તેમને પોલિયો થયો, જેના કારણે તેઓ બરાબર રીતે ચાલી શકતા ન હતા

લી ચુઆંગયેનો જન્મ વર્ષ 1988માં ચીનના હેનાન પ્રાંતમાં ગરીબ ખેડૂતને ત્યાં થયો હતો. ચુઆંગયે સાત માસના હતા, ત્યારે તેમને પોલિયો થયો, જેના કારણે તેઓ બરાબર રીતે ચાલી શકતા ન હતા.

નાનપણમાં લી અન્ય બાળકોની જેમ જ શાળાએ જવાનાં સપનાં જોતાં, પરંતુ તેમની મજાક ઉડાવવામાં આવતી. કેટલાંક બાળકો કહેતાં કે લી 'બેકાર' છે અને 'ખાલી ખાવાના કામનો છે' જેવાં ટોણાં મારતાં.

લી કહે છે કે આ પ્રકારની વાતોથી તેમને ખૂબ જ તકલીફ થતી. લી જ્યારે નવ વર્ષના થયા, તો તેમનાં માતાપિતાને ખબર પડી કે જો સર્જરી કરાવવામાં આવે, તો તેમનો દીકરો હરતો-ફરતો થઈ શકે છે.

માતાપિતાએ પૈસા ઉધાર લીધા અને સર્જરી કરાવવા માટે કવાયત હાથ ધરી. જોકે, લીએ જિંદગીના અનેક ચઢાવ-ઉતાર જોવાના હતા અને તેની શરૂઆત આ સર્જરીથી થવાની હતી.

માતાને કહ્યું કે 'મારે મરી જવું છે'

લી ચુઆંગયેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લી કહે છે, "હું જ્યારે વૉર્ડમાં સાજો થઈ રહ્યો હતો, ત્યારે અન્ય બાળકો રડતાં હતાં, પરંતુ હું ખુશ હતો, કારણ કે મને લાગતું હતું કે હું ટૂંક સમયમાં સામાન્ય લોકોની જેમ હરફર કરી શકીશ."

જોકે, સર્જરી નિષ્ફળ રહી અને તેમની બધી આશાઓ પડી ભાંગી. લીને લાગવા માંડ્યું હતું કે તેમની જિંદગીનો કોઈ અર્થ નથી, એટલે તેમણે માતાને કહ્યું કે તેઓ મરી જવા માગે છે.

આ તબક્કે માતાએ તેમને હિંમત ન હારવાની સલાહ આપી અને કહ્યું, "અમે વૃદ્ધ થાય, ત્યારે વાતચીત કરવા માટે અમારી પાસે કોઈ હોય, એટલે તને મોટો કરી રહ્યા છીએ."

લી કહે છે કે માતાની વાતની તેમની ઉપર મોટી અસર થઈ. લીએ કહ્યું, "હું વિચારવા લાગ્યો કે મારાં માતાપિતા અને પરિવારે મારા માટે કેટલો ભોગ આપ્યો છે. એ પછી હું રડવા લાગ્યો. એ પછી મારા દિલમાં વાત આવી કે મારે જીવવું છે. ન કેવળ મારા માટે, પરંતુ આમને માટે પણ."

થોડા સમય પછી એક અજાણ્યો શખ્સ અમારા ગામમાં આવ્યો. તે કામ કરી શકે તેવા વિકલાંગ બાળકોને શોધી રહ્યો હતો.

લી કહે છે, "મારાં માતાપિતા તેની સખત વિરુદ્ધ હતા, પરંતુ મને લાગ્યું કે આ પૈસા કમાવવાની અને પરિવાર ઉપરનો ભાર હળવો કરવાની તક છે."

અને તેઓ એ વ્યક્તિ સાથે જવા માટે તૈયાર થઈ ગયા.

રસ્તા પર ભીખ માગવા મજબૂર થવું પડ્યું


ચીનના ડૉ. લી ચુઆંગયે, વાઇરલ વિકલાંગ ડૉક્ટર, પોલિયો, પ્રેરણાત્મક સંઘર્ષ કહાણી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Dr. Li Chuangye

ઇમેજ કૅપ્શન, લી સાત વર્ષ સુધી સમગ્ર ચીનમાં ફર્યા અને ભીખ માગ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, આ શખ્સે ખોટો વાયદો કર્યો હતો. ડૉક્ટર લીના કહેવા પ્રમાણે, અજાણ્યો શખ્સ "ભીખનો ધંધો" કરતો હતો. એ પછીના સાત વર્ષ સુધી આ શખ્સે વિકલાંગ બાળકો અને મોટાને રસ્તા પર ભીખ માગવા મજબૂર કર્યા.

અજાણ્યા શખ્સે પહેલી રાત્રે જ ત્યાંના એક છોકરીએ ચેતવણી આપી કે તેમણે સખત મહેનત કરવી પડશે, નહીંતર તેમની સાથે મારઝૂડ કરવામાં આવશે.

એવું જ થયું. બીજા દિવસે સવારે લીને શર્ટ વગર ફૂટપાથ પર બેસાડી દેવામાં આવ્યા. લીને ભીખ એકઠી કરવા માટે એક વાટકો આપવામાં આવ્યો હતો. આ સિવાય લીના પગને તેમની પીઠની ફરતે વીંટાળી દેવામાં આવ્યા, જેથી કરીને જોનારને તેમના પર વધુ દયા આવે.

લીને સમજાતું ન હતું કે રાહદારીઓ શા માટે તેમના વાટકામાં પૈસા નાખે છે. લીને કેટલાક વટેમાર્ગુઓ કહેતા પણ કે તું શા માટે ભીખ માગે છે, તારે સ્કૂલમાં ભણવું જોઈએ.

લી કહે છે, "મારા પૈત્તૃક શહેરમાં ભીખ માગવાને શરમજનક કામ માનવામાં આવતું. મને અહેસાસ ન હતો કે હું એ જ કામ કરી રહ્યો છું. જ્યારે મને એ વાતની ખબર પડી, તો હું ભાંગી પડ્યો."

લીને એક દિવસમાં અમુક સો યુઆનની કમાણી થતી. 1990ના દાયકામાં આ બહુ મોટી રકમ હતી, પરંતુ બધી રકમ તેમના 'બૉસ'ને મળતી.

ડૉ. લી કહે છે, "જો મારી કમાણી અન્ય છોકરા કરતાં ઓછી હોય, તો તેઓ મારી ઉપર સુસ્તીનો આરોપ મૂકતા અને ક્યારેક-ક્યારેક મારઝૂડ પણ કરતા. એ ખરેખર દર્દનાક હતું."

આગામી વર્ષો દરમિયાન કેટલાક છોકરા ત્યાંથી નાસી છૂટ્યા, તો કેટલાકને પોલીસે ઘરે પરત મોકલી દીધા. જોકે, લીને લાગતું હતું કે તેમણે પરિવારને મદદ કરવી જોઈએ.

જ્યારે પોલીસે મદદ કરવાની વાત કરી, તો લીએ ઇનકાર કરી દીધો અને ખોટું બોલતા રહ્યા કે તેઓ સંબંધીઓની સાથે છે.

સાત વર્ષ સુધી સર્દી હોય કે ગરમી લી ભીખ માગતા રહ્યા અને દેશમાં ભ્રમણ કર્યું.

"મને એવું લાગતું હતું કે જાણે નરકમાં રહું છું. મને ખૂબ જ શરમ આવતી, લોકો સાથે આંખો મેળવવાનું ટાળતો. મારા પગને દર્દનાક રીતે પાછળના ભાગે વાળી દેવામાં આવી હતી, જેથી કરીને લોકોને મારી પર વધુ દયા આવે."

લી ચુઆંગયેએ બીબીસી વર્લ્ડ સર્વિસના 'આઉટલૂક' કાર્યક્રમ સાથે વાત કરતા કહ્યું, "હું પ્રાર્થના કરતો કે વરસાદ પડે કે અંધારું છવાઈ જાય, જેથી મારે ભીખ ન માગવી પડે."

લી કહે છે કે દર વર્ષે નવવર્ષના દિવસે સાંજે તેઓ ઘરે ફોન કરતાં અને માતાપિતાને કહેતા કે બધું બરાબર છે અને તેઓ ચિંતા ન કરે. તેઓ આ વાતનો વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરતા.

લી કહે છે, "પરંતુ કોલ કર્યા બાદ, મારા રૂમમાં હું રડતો. હું એમને કહી નહોતો શકતો કે હું રસ્તા પર ભીખ માગું છું."

આજે 20 વર્ષ બાદ પણ લીના માનસિક ઘા રુઝાયા નથી. તેઓ કહે છે, "મને હજુ પણ તેનાં ભયાનક સપનાં આવે છે. જોકે, જાગ્યા પછી રાહત થાય છે કે એ કેવળ સપનું હતું."

ભણવાનું નક્કી કર્યું અને દિશા મળવા લાગી

ચીનના ડૉ. લી ચુઆંગયે, વાઇરલ વિકલાંગ ડૉક્ટર, પોલિયો, પ્રેરણાત્મક સંઘર્ષ કહાણી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં ભિક્ષાવૃત્તિની ફાઇલ તસવીરનો પ્રતીકાત્મક ઉપયોગ

એક દિવસ લીએ રસ્તા પર પડેલું છાપું ઉઠાવ્યું. ત્યારે તેમને અહેસાસ થયો કે તેઓ માત્ર પોતાના નામના અક્ષર જ વાચી શકે છે. એ ક્ષણે બધું બદલાઈ ગયું.

16 વર્ષની ઉંમરે લીએ પોતાના ગામડે પરત ફરવાનું અને શાળામાં દાખલ થવાનું નક્કી કર્યું.

લીએ વિચાર્યું, "હું લખી-વાંચી નથી શકતો, પરંતુ ભણતર દ્વારા મારી જિંદગી બદલી શકું છું."

એ સમયે સરકારે નવી નીતિ જાહેર કરી હતી, જે મુજબ, વિકલાંગ બાળકો પાસે ભીખ મંગાવવાને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. લીને માહિતી મળી હતી કે તેમના પરિવારની આર્થિક સુધરી છે.

લીએ જ્યારે તેમના 'બૉસ'ને જણાવ્યું કે તેઓ પરિવારને મળવા માગે છે, ત્યારે તેમને જવાની છૂટ આપવામાં આવી. લીએ જ્યારે તેમનાં માતાપિતાને મળ્યા, તો તેમને માલૂમ પડ્યું કે તેઓ કેવી હાલતમાં રહે છે.

શોષણ કરનારાઓએ લીના ઘરે વાયદા કરતાં ઓછાં નાણાં મોકલ્યા હતા. આ જાણીને લીને ખૂબ જ ગુસ્સો આવ્યો.

માતાપિતાની મદદથી લીએ પ્રાથમિક શાળાના બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં તેમના કરતાં 10 વર્ષ નાનાં બાળકો ભણતાં હતાં.

પહેલા દિવસે લી જ્યારે શાળાએ પહોંચ્યા, ત્યારે બાળકો તેમની બેન્ચની આજુબાજુ એકઠા થઈ ગયા. જોકે, આનાથી લીને કોઈ ફેર ન પડ્યો.

લી ચુઆંગયે કહે છે, "હું પરેશાન નહોતો થયો. એનાથી વધુ મુશ્કેલીઓ અને અપમાન હું પહેલાં સહન કરી ચૂક્યો હતો. વિદ્યાર્થી તરીકે મારું ધ્યાન માત્ર શીખવા પર કેન્દ્રિત કરવા માગતો હતો."

લી ધીમે-ધીમે સૌથી મહેનતુ વિદ્યાર્થી બની ગયા. જોકે, શારીરિક સ્થિતિને કારણે ટૉઇલેટ સુધી પહોંચવા જેવાં કામો પણ તેમના માટે મુશ્કેલ હતાં.

લી કહે છે, "ટૉઇલેટ જવામાં ખૂબ જ મહેનત કરવી પડતી, એટલે હું મોટા ભાગે શાળામાં ઓછું પાણી પીતો."

નવ વર્ષમાં લીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી લીધું. તેઓ ગામનાં બાળકોને રમવા બોલાવતાં અને પછી તેમની પાસે હોમવર્કમાં મદદ માગતાં.

આખરે ડૉક્ટર બનવા તરફ પ્રયાણ કર્યું

વીડિયો કૅપ્શન, Train ચલાવનારાં ભારતના પ્રથમ મહિલા loco pilotની કહાણી

લી પોતાની શારીરિક સ્થિતિને કારણે અમુક જ અભ્યાસક્રમો પસંદ કરી શકે એમ હતા. જોકે, તેઓ મેડિકલ પ્રોગ્રામ્સ માટે અરજી કરી શકે તેમ હતા.

લી કહે છે કે મેં વિચાર્યું, "જો હું ડૉક્ટર બની જાવ, તો કદાચ મારી પરિસ્થિતિ અંગે રિસર્ચ કરી શકીશ. હું મારા પરિવારને મદદ કરી શકીશ. જીવ બચાવી શકીશ અને સમાજને પ્રદાન આપી શકીશ."

25 વર્ષની ઉંમરે લીએ મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં બધી સુવિધાઓ સરળતાથી મળી રહેતી, પરંતુ પ્રેક્ટિકલ ક્લાસમાં તેમને ખૂબ જ મુશ્કેલી પડતી.

લીને લાગતું હતું કે તેમણે શારીરિક રીતે પણ સશક્ત બનવું પડશે, એટલે તેમણે પહાડ ચઢવાનો નિર્ણય લીધો. લી સૌ પહેલા માઉન્ટ તાઈ ચઢ્યા. તેના શીખર સુધી પહોંચવામાં પાંચ દિવસ અને પાંચ રાત લાગ્યાં.

પહાડ ચઢતી વખતે લીના હાથ-પગ છોલાઈ ગયા અને લોહી પણ નીકળ્યું. જોકે, લીએ હિંમત ન હારી. પર્વતારોહણ લીનું ઝનૂન છે. લીએ તેમના વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા, જે ખૂબ જ વાઇરલ થયા.

આજે ડૉક્ટર લી શિનજિયાંગના એક નાનકડા ગ્રામીણ વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે. તેઓ દિવસ-રાત ક્લિનિકમાં હાજર રહે છે. દર્દીઓ તેમને 'ચમત્કારિક ડૉક્ટર' કહે છે.

ડૉ. લી કહે છે, "દર્દીઓની સેવા-ચાકરી કરવી, પાડોશીઓનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રયાસ કરવા. આ વાતો મને બીજી બધી બાબતો કરતાં વધુ સંતોષ આપે છે."

ડૉ. લીને એ વાતનું આશ્ચર્ય થાય છે કે તેમની દાસ્તાન દુનિયાભરમાં પહોંચી છે. તેમને આશા છે કે તેનાથી લોકોનું વલણ બદલાશે.

ડૉ. લી કહે છે, "કેટલાક લોકો વિકલાંગોને નકામા સમજે છે. એક વખત એક રેસ્ટોરાંમાં મને ભિખારી સમજી લેવાયો, એટલે તેમણે મને કહ્યું કે ત્યાં ખાવાનું નથી. હું હસતાં-હસતાં ત્યાંથી પાછો આવી ગયો, પરંતુ મોટા ભાગના લોકો સહૃદયી હોય છે."

આત્મવિશ્વાસ અને ધ્યેયવાળું જીવન

વીડિયો કૅપ્શન, Chess : જે ગામમાં બસ પણ નથી પહોંચતી ત્યાં કેવી રીતે આ બાળકો ચેસની તૈયારી કરી રહ્યાં છે?

અનેક લોકોએ ડૉ. લીને પૂછ્યું કે જે શખ્સે વર્ષો સુધી તેમનું શોષણ કર્યું, તેની પાસે પોલીસ ફરિયાદ કેમ ન કરી?

ડૉ. લી ચુઆંગયે કહે છે, "મેં ભૂતકાળને ભૂતકાળ તરીકે જ રહેવા દેવાનો નિર્ણય કર્યો. એ સાત વર્ષ તકલીફદાયક હતાં, પરંતુ તે મારી જિંદગીનો ભાગ હતાં."

આ સફરે લીના વિચારને એક નવી દિશા આપી. તેઓ કહે છે, "હું શાળાએ જવા કાબેલ થયો, એ પછી બીજાના વિચારો અને નિર્ણયો અંગે ચિંતા કરવાનું છોડી દીધું. મને અહેસાસ થયો કે આ બધી બાબતોનો કોઈ મતલબ નથી."

"હું મારો સમય અને ઊર્જા અભ્યાસ કરવા અને મારી જિંદગીના ધ્યેયને હાંસલ કરવા કેન્દ્રિત કરવા માગતો હતો."

લી કહે છે કે ઘણા વિકલાંગ આગળ વધવામાં મુશ્કેલી અનુભવે છે, કારણ કે તેઓ એ વાતથી ડરે છે કે લોકો તેમના વિશે શું કહેશે કે મજાક ઉડાવશે.

"પરંતુ મારા માટે એવું કંઈ નથી. હું કૅમ્પસ અને શહેરોમાં ફરું છું અને ઢસડાઈને આગળ વધુ છું. ચાહે ક્લાસમાં જવાનું હોય, વર્કશૉપમાં કે મારા કામ દ્વારા સેંકડો વિકલાંગ મિત્રોની મદદ કરવાની હોય."

"મને લાગે છે કે આમ કરવાથી હું આત્મવિશ્વાસ અનુભવું છું. હવે મને બીજાની નજરોની પરવા નથી."

ડૉ. લી સામાન્ય લોકોને સલાહ આપતા કહે છે, "આપણી જિંદગી પહાડો જેવી છે. આપણે એક પર ચઢીએ છીએ કે આગળ બીજો હોય છે. આપણે સતત પ્રયાસ કરીએ છીએ, પ્રગતિ કરીએ છીએ."

"મને લાગે છે કે વ્યક્તિએ હંમેશાં સકારાત્મક અને આશાવાદી બનવું જોઈએ અને પોતાનાં સપનાંને ક્યારેય ત્યજવાં ન જોઈએ."

(ડૉક્ટર લી ચુઆંગયેએ બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ 'આઉટલૂક'માં તેમની કહાણી વર્ણવી હતી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન