શાહરુખની ટીમ 9 કરોડમાં ખરીદેલા બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિજુર રહમાનને રિલીઝ કરે તો તેને રિફંડ મળે?

ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડે આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સને કહ્યું છે કે તે બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર મુસ્તફિજુર રહમાનને ટીમમાંથી રિલીઝ કરી દે.

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2026 માટે રહમાનને નવ કરોડ 20 લાખમાં ખરીદ્યા હતા.

આ સાથે સવાલ ઊઠી રહ્યો છે કે જો કેકેઆર દ્વારા રહમાનને છુટ્ટા કરવામાં આવે, તો શું કેકેઆરને રિફંડ મળશે અને ખેલાડીનું શું થશે?

આ પહેલાં કેટલાક દક્ષિણપંથી તથા ભાજપના નેતાઓએ રહમાનને ટીમમાં સામેલ કરવા બદલ શાહરૂખ ખાન સામે સવાલ ઊઠાવ્યા હતા.

જોકે, કૉંગ્રેસના કેટલાક નેતાઓએ શાહરૂખ ઉપર નિશાન સાધવા સામે વિરોધ નોંધાવ્યો છે અને તેને ભારતના વૈવિધ્યસભર સમાજની ઉપર હુમલો ગણાવ્યો હતો. તેમણે ગૃહ મંત્રી અમિત શાહના દીકરા જય શાહની ઉપર સવાલ ઊઠાવ્યા હતા.

કેકેઆરને રિફંડ મળશે?

આઈપીએલ-2026માં એક પણ બૉલ નાખ્યા વગર બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર મુસ્તફિજુર રહમાન કેકેઆરની ટીમમાંથી બહાર થઈ ગયા છે. રાજદ્વારી અને સુરક્ષાસંબંધિત વાત હોવાથી કેકેઆરે રહમાનને છૂટા કરવા પડશે.

બીસીસીઆઈના સચીવ દૈવજીત સૈકિયાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું હતું કે તાજેતરના ઘટનાક્રમને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૈકિયાએ કહ્યું હતું કે કેકેઆર રહમાનના સ્થાને અન્ય કોઈ ખેલાડીને લઈ શકે છે અને બીસીસીઆઈ તેની મંજૂરી આપશે.

સામાન્ય રીતે આઇપીએલની ફ્રેન્ચાઇઝી કોઈ એક ખેલાડીનું નામ નક્કી કરે એટલે તેના કુલ ફંડમાંથી એટલી રકમ 'બ્લૉક' થઈ જાય છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સામાન્યતઃ આઈપીએલની ફ્રેન્ચાઇઝી બીસીસીઆઈના કહેવાથી કોઈ ખેલાડીને છૂટા કરે, ત્યારે તેની પૂરેપૂરી રકમ ફ્રેન્ચાઇઝીને પરત મળે છે, જેના દ્વારા તે અન્ય કોઈ ખેલાડી ખરીદી શકે છે.

એટલે કેકેઆરે રહમાનને ખરીદવા માટે જે રકમ ખર્ચી હતી, એ ફ્રેન્ચાઇઝધીને પરત મળી જશે, જેનો ઉપયોગ કરીને તે અન્ય ખેલાડીને ખરીદી શકે છે.

કોઈપણ કરારમાં સંબંધિત વિકલ્પ હોય છે, જ્યારે બંને પક્ષકારોમાંથી કોઈ એક કરારમાંથી ઉદ્દભવતી જવાબદારીને અકળ કે અગમ્ય કારણોસર નિભાવી શકે તેમ ન હોય, તો અમલમાં આવે છે.

આ સંજોગોમાં એક પક્ષકારે સામેના પક્ષને નુકસાનની રકમ ચૂકવવાની નથી હોતી. બીસીસીઆઈના નિર્દેશ ઉપર કેકેઆરે છૂટા કર્યા હોવાથી, આઈપીએલ ફ્રેન્ચાઇઝી ઉપર જવાબદારી નથી રહેતી.

આ સંજોગોમાં રહમાન કેકેઆર કે બીસીસીઆઈ કોની પાસેથી વળતર માગે છે, તે જોવું રહ્યું. સામે પક્ષે કેકેઆર માટે પણ રહમાન જેટલી જ (કે તેથી ઓછી રકમમાં) તેમના જેવી ગુણવત્તાવાળા ફાસ્ટ બૉલરની ઉપલબ્ધ પૂલમાંથી શોધ કરવી સરળ નહીં હોય.

ભાજપ અને કૉંગ્રેસ સામ-સામે કેમ?

ઉત્તર પ્રદેશ ભાજપના નેતા સંગીતસિંહ સોમે રહમાનને ખરીદવા બદલ શાહરુખ ખાનને 'ગદ્દાર' કહ્યા હતા અને કહ્યું હતું કે તેમને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન સંગીતસિંહ સોમે કહ્યું, "એક તરફ બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ થઈ રહી છે, બીજી બાજુ, આઈપીએલની હરાજીમાં બાંગ્લાદેશી ક્રિકેટરોની ખરીદી થઈ રહી છે. શાહરૂખ ખાને રૂ. નવ કરોડ ખર્ચીને રહમાનને ખરીદ્યો."

"આજે બાંગ્લાદેશમાં ભારતવિરોધી નારા લાગી રહ્યા છે, ત્યાં ભારતના વડા પ્રધાનને ગાળો ભાંડવામાં આવી રહી છે, પરંતુ શાહરૂખ ખાન જેવા ગદ્દાર નવ કરોડ રૂપિયા ખર્ચીને તેમની મદદ કરી રહ્યા છે."

રહમાનના હઠાવવાના બીસીસીઆઈના નિર્દેશને આવકાર્યો હતો અને આભાર માન્યો હતો.

શાહરૂખ ખાન, ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા તથા તેમના પતિ જય મહેતા કેકેઆરનાં સહમાલિક છે. બીજી બાજુ, કૉંગ્રેસે જય શાહ ઉપર સવાલ ઊઠાવ્યા છે.

કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "સૌથી પહેલાં તો હું એ પૂછવા માંગું છું કે બાંગ્લાદેશી ખેલાડીઓને કોણે પૂલમાં મૂક્યા. આ સવાલ બીસીસીઆઈ અને આઈસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) માટે છે."

"જ્યાં આઈપીએલના ખેલાડીઓનું ખરીદવેચાણ થાય છે, એ પૂલમાં બાંગ્લાદેશી ખેલાડીઓને કોણે મૂક્યા ? આ સવાલનો જવાબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દીકરા આપવો જોઈએ. તેઓ આઈસીસીના વડા છે અને વિશ્વભરમાં ક્રિકેટ અંગે નિર્ણય લેનાર મુખ્ય વ્યક્તિ છે."

કોણ છે મુસ્તફિજુર રહમાન?

30 વર્ષીય રહમાન બાંગ્લાદેશ ક્રિકેટના સ્ટાર ખેલાડી છે, તેઓ ડાબા હાથે ફાસ્ટ બૉલિંગ કરે છે. રહમાને 15 ટેસ્ટ મૅચમાં 31 વિકેટ લીધી છે અને વનડે ઇન્ટરનૅશલની 116 મૅચમાં 177 વિકેટ ખેરવી છે.

રહમાને ટી20 ઇન્ટરનૅશનલ મૅચોમાં 158 વિકેટ લીધી છે.

વર્ષ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદે રહમાનને ખરીદ્યા હતા. એ પછી ઇંગ્લૅન્ડમાં સ્થાનિક ક્રિકેટ માટે તેમને મંજૂરી મળી હતી.

રાજદ્વારી અને સુરક્ષાસંબંધિત વાત હોવાથી કેકેઆરે રહમાનને છૂટા કરવા પડશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેકેઆરે રહમાનને ખરીદવા માટે જ રકમ ખર્ચી હતી, એ તેને પરત મળી જશે.

કોઈપણ કરારમાં 'ફૉર્સ મજૂરે'નો વિકલ્પ હોય છે, જ્યારે બંને પક્ષકારોમાંથી કોઈ એક કરારમાંથી ઉદ્દભવતી જવાબદારીને અકળ કે અગમ્ય કારણોસર નિભાવી શકે તેમ ન હોય, તો અમલમાં આવે છે.

આ સંજોગોમાં એક પક્ષકારે સામેના પક્ષને નુકસાનની રકમ ચૂકવવાની નથી હોતી. બીસીસીઆઈના નિર્દેશ ઉપર કેકેઆરે છૂટા કર્યા હોવાથી, આઈપીએલ ફ્રેન્ચાઇઝી ઉપર જવાબદારી નથી રહેતી.

આ સંજોગોમાં રહમાન કેકેઆર કે બીસીસીઆઈ કોની પાસેથી વળતર માગે છે, તે જોવું રહ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન