You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીલમ સંજીવ રેડ્ડીઃ એકમાત્ર ભારતીય જેઓ મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રી, કૉંગ્રેસ પ્રમુખ, સ્પીકર અને રાષ્ટ્રપતિ બન્યા
- લેેખક, જક્કુલા બલય્યા
- પદ, બીબીસી સંવાદદાતા
નીલમ સંજીવ રેડ્ડી એવા એકમાત્ર ભારતીય હતા, જેઓ મુખ્ય મંત્રીપદથી રાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યા હતા. તેઓ મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રી, કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ, લોકસભાના સ્પીકર અને દેશના રાષ્ટ્રપતિ એમ પાંચ પદ પર સેવા આપનાર એકમાત્ર ભારતીય પણ હતા.
તેમનો જન્મ 1913ની 19 મેએ અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં થયો હતો. ઈલ્લુર હાલના સિંગનમલા મતવિસ્તારના ગાર્લાડિન્ને મંડળ હેઠળ આવે છે. તેમણે મદનપલ્લે ખાતેની થિયોસોફિકલ હાઇસ્કૂલ અને અનંતપુરની આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કૉલેજના દિવસોમાં રાજકારણ ભણી આકર્ષાયા હતા.
મહાત્મા ગાંધીની પ્રેરણાથી રાજકારણમાં આવેલા સંજીવ રેડ્ડી કૉંગ્રેસમાં તબક્કા વાર આગળ વધ્યા હતા અને દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ બન્યા હતા.
તેઓ બે વખત આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી, રાજ્યસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી બન્યા હતા. તેઓ બે વખત લોકસભાના સ્પીકર પણ બન્યા હતા. તેઓ લોકસભાના સ્પીકર હતા ત્યારે તેમને રાષ્ટ્રપતિ તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
તેમણે દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે 1977ની 25 જુલાઈથી 1982ની 25 જુલાઈ સુધી ફરજ બજાવી હતી.
તેમનાં લગ્ન નાગરત્નમ્મા સાથે 1935માં થયાં હતાં. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રી એમ ચાર સંતાન થયાં હતાં.
મહાત્મા ગાંધીની જીવન પરિવર્તક મુલાકાત
મહાત્મા ગાંધી 1929ના જુલાઈમાં અનંતપુરની મુલાકાતે આવ્યા હતા અને તે મુલાકાત નીલમ સંજીવ રેડ્ડી માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હોવાનું કહેવાય છે. ગાંધીજીનાં ભાષણો અને વિચારોથી આકર્ષિત થઈને તેમણે વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કર્યો હતો તથા ખાદી પહેરવાની શરૂઆત કરી હતી.
તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં 1931થી ભાગ લીધો હતો અને બ્રિટિશ શાસકો સામેની એ ચળવળ દરમિયાન જેલમાં પણ ગયા હતા. યુવક કૉંગ્રેસમાં સક્રિય સંજીવ રેડ્ડીને 1937માં આંધ્ર પ્રદેશ પ્રાંતીય કાઉન્સિલ કૉંગ્રેસના મહામંત્રી તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેમણે એ પદ પર દસ વર્ષ કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મદ્રાસ વિધાનસભાની 1946માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ પહેલી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમને મદ્રાસ વિધાનસભામાંના કૉંગ્રેસ પક્ષના મહામંત્રી તરીકે પણ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. એ પછીના વર્ષે, ભારતના બંધારણ માટે રચવામાં આવેલી કૉન્સ્ટિટ્યુઅન્ટ ઍસૅમ્બ્લીમાં તેઓ ચૂંટાયા હતા.
કૉન્સ્ટિટ્યૂઅન્ટ ઍસૅમ્બ્લીના સભ્યોની પસંદગી પરોક્ષ ચૂંટણી દ્વારા કરવામાં આવી હતી. તેમની ચૂંટણી રાજ્ય વિધાનસભાઓ દ્વારા કરવામાં આવી હતી. સંજીવ રેડ્ડી 1949માં રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા હતા અને એપ્રિલ, 1949થી એપ્રિલ, 1951 સુધી મદ્રાસના દારૂબંધી, આવાસ તથા વનવિભાગના મંત્રી તરીકે કામ કર્યું હતું.
તેઓ 1951માં આંધ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. 1952માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને થોડા સમય માટે પદ પર રહ્યા હતા. 1953માં આંધ્ર પ્રદેશની રચના કરવામાં આવી હતી અને કુરનૂલ તેની રાજધાની બન્યું હતું. આંધ્ર પ્રદેશના પહેલા મુખ્ય મંત્રી તંગુતુરી પ્રકાસમ પન્ટુલુની કૅબિનેટમાં સંજીવ રેડ્ડી નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા.
સંયુક્ત આંધ્ર પ્રદેશના પહેલા મુખ્ય મંત્રી
સંયુક્ત આંધ્ર પ્રદેશની રચના 1956માં કરવામાં આવી હતી અને નીલમ સંજીવ રેડ્ડી તેના પહેલા મુખ્ય મંત્રી બન્યા હતા.
તેઓ માનતા હતા કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોમાં શિક્ષણ અને રાજકીય ચેતના દ્વારા જ લોકશાહીનો વિકાસ થશે. કૃષિ ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
નીલમ સંજીવ રેડ્ડીએ 1956થી 1959 સુધી મુખ્ય મંત્રી તરીકે ફરજ બજાવી હતી. ડિસેમ્બર, 1959માં તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેઓ 1962 સુધી એ પદ પર રહ્યા હતા.
રેડ્ડી 1962માં બીજી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા. પરિવહન કંપનીઓના રાષ્ટ્રીયકરણ બદલ સુપ્રીમ કોર્ટે કરેલી રાજ્ય સરકારની ટીકાની જવાબદારી લઈને તેમણે 1964માં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.
કેન્દ્રીય મંત્રી બન્યા
નીલમ સંજીવ રેડ્ડી મુખ્ય મંત્રી અને અખિલ ભારતીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવ પાથરનાર પ્રથમ તેલુગુ નેતાઓ પૈકીના એક હતા. તેમણે લોકસભા અને રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યા બાદ 1964માં તેમને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
તેમણે લાલ બહાદુર શાસ્ત્રી સરકારમાં ખાણ વિભાગના કેન્દ્રીય મંત્રી તરીકે જૂન, 1964થી જાન્યુઆરી, 1966 સુધી સેવા આપી હતી. જાન્યુઆરી, 1966થી 1967 સુધી તેમણે પરિવહન, ઉડ્ડયન, શિપિંગ તથા પ્રવાસન મંત્રી તરીકે ઇન્દિરા ગાંધી સરકારમાં કામ કર્યું હતું.
લોકસભાના સ્પીકર તરીકેની કામગીરી
નીલમ સંજીવ રેડ્ડી બે વખત લોકસભાના સ્પીકર બન્યા હતા. તેઓ આ પદ માટે ચૂંટાયેલા પ્રથમ તેલુગુ વ્યક્તિ પણ હતા. 1967માં તેઓ લોકસભાની ચોથી ચૂંટણીમાં હિન્દુપુર બેઠક પરથી ચૂંટાયા હતા અને તેમણે 26, માર્ચ 1967થી 19, જુલાઈ 1969 સુધી સ્પીકર તરીકે ફરજ બજાવી હતી.
સ્પીકર તરીકે ચૂંટાયા બાદ સંજીવ રેડ્ડીએ, કૉંગ્રેસ સાથેના 34 વર્ષના સંબંધ પર પૂર્ણવિરામ મૂકતાં રાજીનામું આપ્યું હતું. તેઓ માનતા હતા કે સ્પીકરે તટસ્થ રહેવું જોઈએ. તેમણે લોકસભાની ગરિમા વધે તેવા અનેક નિર્ણય સ્પીકર તરીકે લીધા હતા.
બન્ને ગૃહને રાષ્ટ્રપતિએ સંયુક્ત સંબોધન કર્યું એ જ દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે ચર્ચાની મંજૂરી આપવામાં આવી હતી. તેમના કાર્યકાળમાં જ વિઝિટર્સ ગૅલરીમાંથી ચોપાનિયાં ફેંકી અને સૂત્રોચ્ચાર કરીને ગૃહની અવમાનના કરવા બદલ કેટલાક લોકોને જેલમાં મોકલી દેવાયા હતા.
અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે સમિતિની રચના સંજીવ રેડ્ડીએ સ્પીકર તરીકે લીધેલા મહત્ત્વના નિર્ણયો પૈકીનો એક હતો.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા માટે નીલમ સંજીવ રેડ્ડીએ લોકસભાના સ્પીકર પદેથી 1969ની 19, જુલાઈએ રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના સમર્થન વડે ચૂંટણી લડેલા સંજીવ રેડ્ડી અપક્ષ ઉમેદવાર વી. વી. ગિરિ સામે હારી ગયા હતા. તત્કાલીન રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનનું 1969માં અવસાન થયું ત્યારે વી. વી. ગિરિ ઉપ-રાષ્ટ્રપતિ હતા. તેમને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિપદ માટે બે તેલુગુ નેતાઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી. એ સમયે કૉંગ્રેસ કેન્દ્રમાં અને મોટા ભાગના રાજ્યોમાં સત્તા પર હતી. નીલમ સંજીવ રેડ્ડી કૉંગ્રેસના ટેકા વડે જીતી જશે એવું માનવામાં આવતું હતું, પરંતુ ઇન્દિરા ગાંધીની અનિચ્છાને લીધે એવું થયું ન હતું. ઇન્દિરા ગાંધી જગજીવન રામને ઊભા રાખવા માગતા હતાં, પરંતુ આખરે તેમણે સંજીવ રેડ્ડીની ઉમેદવારીને સમર્થન આપવું પડ્યું હતું.
વી. વી. ગિરિએ પણ જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. એ સમયે એવી અફવા હતી કે ગિરિ ઇન્દિરા ગાંધીના કહેવાથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા હતા. એ ચૂંટણીમાં પોતાના આત્માના અવાજને અનુસરીને મતદાન કરવા ઇન્દિરા ગાંધીએ તેમના પક્ષના સભ્યોને જણાવ્યું હતું.
નીલમ સંજીવ રેડ્ડી આખરે વી. વી. ગિરિ સામે હારી ગયા હતા. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હાર થવાને પગલે નીલમ સંજીવ રેડ્ડી ખુદને રાજકારણથી દૂર રાખવા લાગ્યા હતા.
જનતા પક્ષમાં ફરી એન્ટ્રી
નીલમ સંજીવ રેડ્ડી થોડાં વર્ષ રાજકારણથી દૂર રહ્યા હતા, પરંતુ જનતા પાર્ટીના નેતા જયપ્રકાશ નારાયણના કહેવાથી રાજકારણમાં ફરી સક્રિય થયા હતા. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી પછી 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટી મોરચાનો વિક્રમસર્જક વિજય થયો હતો.
રેડ્ડી કુરનૂલ જિલ્લાના નાંદ્યાલમાંથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને સંસદસભ્ય બન્યા હતા. તેમને લોકસભાના સ્પીકર તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેમણે 1977ની 26, માર્ચે સ્પીકર તરીકે સોગંદ લીધા હતા. જોકે, એ પદ પર તેઓ માત્ર ચાર મહિના જ રહ્યા હતા.
તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના અવસાનને પગલે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજવામાં આવી હતી અને જનતા પાર્ટીએ તેમના સ્થાને નીલમ સંજીવ રેડ્ડીને ચૂંટી કાઢ્યા હતા. ચૂંટણી પછી વિરોધ પક્ષમાં બેઠેલાં ઇન્દિરા ગાંધીએ પણ સરકારની દરખાસ્તને ટેકો આપ્યો હતો.
નીલમ સંજીવ રેડ્ડી 1977ની 25 જુલાઈએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને જુલાઈ, 1982 સુધી તેમણે એ પદ પર ફરજ બજાવી હતી.
1996ની પહેલી જૂને 83 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.