ગુજરાતની નજીક પહોંચી વરસાદી સિસ્ટમ, રાજ્યમાં વરસાદના વિસ્તારો બદલાશે, હવે અહીં પડશે ભારે વરસાદ

ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે, જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.

ઓડિશા પર બનેલો -પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાત નજીક આવી ગયો છે, હાલ આ વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશ પર છે અને તેની ગુજરાત પર અસર થઈ રહી છે.

ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હોવા છતાં રાજ્યના 26 જેટલા જિલ્લાઓમાં 17 જુલાઈ સુધીમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હવે વરસાદના વિસ્તારો બદલાશે?

રાજ્યમાં હાલની સ્થિતિમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

જોકે, આગામી ત્રણ દિવસ માટે હવે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં થોડું વરસાદનું પ્રમાણ ઘટશે.

18 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું જોર સૌથી વધારે રહે તેવી શક્યતા છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના આ સિવાયના જિલ્લાઓ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે.

19 જુલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી સંભાવના છે અને તેના કારણે વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે રહે તેવી સંભાવના છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.

21 અને 22 જુલાઈની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટે તેવી સંભાવના છે પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી ચારથી પાંચ દિવસમાં કેટલાંક સ્થળોએ સારો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં આ રાઉન્ડ બાદ પણ આવશે નવો રાઉન્ડ?

બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન આગળ વધીને ઓડિશામાં પહોંચતાની સાથે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું હતું. હવે આ વરસાદી સિસ્ટમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં વરસાદ આપી રહી છે.

આ ઉપરાંત ઑફ શૉર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી બનેલી છે અને તે પણ ખૂબ સક્રિય છે જેના કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને કોકણના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં હજી આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ અને તે બાદ બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. 22 તારીખની આસપાસ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે.

સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં બંગાળની ખાડીમાં સર્જાતા લૉ-પ્રેશર એરિયા એટલે કે વરસાદી સિસ્ટમ સૌથી વધારે વરસાદ આપે છે. મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસાના વરસાદનો આધાર આ સિસ્ટમ પર રહેલો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 19 જુલાઈના રોજ ફરીથી બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર એરિયા સર્જાશે અને તે ભારતના ભૂ-ભાગો પર આગળ વધશે.

હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે 19 તારીખના લૉ-પ્રેશર એરિયા બાદ પણ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાવાની શક્યતા છે અને આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવે તેવી સંભાવના છે. જો આ સિસ્ટમ સર્જાય અને ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરીથી આ મહિનાના અંતમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે. પરંતુ બધો આધાર સતત બદલાતાં હવામાનનાં વિવિધ પરિબળો પર રહેલો છે.

ચોમાસાના ચાર મહિનાઓમાંથી ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે. જૂન મહિનો અડધો પૂરો થયા બાદ રાજ્યમાં ચોમાસું પ્રવેશે છે તેથી તેમાં ઓછો વરસાદ પડે છે અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પરત ફરતું હોવાથી સરેરાશ ઓછો વરસાદ થાય છે.

1 જૂનથી લઈને 17 જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં ગુજરાતમાં 3 ટકા ઓછો વરસાદ થયો છે, ખાસ કરીને ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 19 ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં 19 ટકા વધારે વરસાદ નોંધાયો છે.