You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડ : ધર્મપરિવર્તન કરનાર મહિલાએ કહ્યું કે 'હું ખુશ છું', શું છે આખો મામલો?
- લેેખક, રાજેશ ડોબરિયાલ
- પદ, બીબીસી હિન્દી માટે
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વાર ધર્માંતરણનો મુદ્દો ગરમાયો છે.
ઉત્તરાખંડના સ્થાનિક મીડિયામાં દહેરાદૂનના ડોઈવાલા વિસ્તારમાં એક વ્યક્તિ પર એક વિધવા મહિલા અને તેમનાં બાળકોનાં ધર્માંતરણ કરવા અને પછી તેમની સાથે લગ્ન કરવાના સમાચાર ચર્ચાઈ રહ્યા છે.
ડોઈવાલા પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલી એક વ્યક્તિની ફરિયાદ પર ધર્માંતરણ કાયદા (ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2018) અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે, પરંતુ કાયદાના જાણકાર આ મામલામાં એફઆઈઆર દાખલ કરવાના અધિકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આ કહાણીના કેન્દ્રમાં ડોઈવાલાના કેશવરપુર વિસ્તારના ઇંદિરાનગરમાં રહેતાં નૂરજહાં ઉર્ફે સુશીલા છે. ચાર બાળકોનાં માતા સુશીલાને ‘ભરમાવી તેમનો ધર્મપરિવર્તન કરાવવો’ અને તેમનાં ‘લગ્ન કરાવાનો’ આરોપ નઈમ પર લાગ્યો છે.
જોકે આર્થિક રીતે સમાજના સૌથી પછાત સ્તરે રહેલાં નઈમ અને સુશીલાને આ સમગ્ર વિવાદ સમજાતો નથી.
સુશીલાથી નૂરજહાં બનવાની કહાણી
મૂળ રાંચીનાં રહેવાસી સુશીલા આઠ-નવ વર્ષ પહેલાં તેમના ‘આદમી’ સદરૂલ ખાન (લિવ-ઈન પાર્ટનર) સાથે કામની શોધમાં દહેરાદૂન આવ્યાં હતાં.
સુશીલા પહેલાં સદરૂલ ખાન સાથે મજૂરી કરતાં હતાં, પરંતુ ત્રણ વર્ષ પહેલાં કૅન્સરથી સદરૂલનું મોત થયું હતું. જ્યારે સદરૂલનું મોત થયું, ત્યારે સુશીલા ગર્ભવતી હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ તેઓ ભંગાર વીણીને અને ભીખ માગીને ગુજારો કરવા લાગ્યાં હતાં. આ દરમિયાન તેમની મુલાકાત નઈમ સાથે થઈ હતી.
તેઓ કહે છે કે “તેમના ચોથા બાળકના જન્મ બાદ તેઓ ઘણાં કમજોર પડી ગયાં હતાં. મોહલ્લાના લોકોએ તેમની સારસંભાળ રાખી હતી. તે દરમિયાન નઈમે તેમનું અને તેમનાં બાળકોનું ધ્યાન રાખ્યું હતું.”
સુશીલા કહે છે કે, “જે વ્યક્તિ સમય પર કામ આવે એ જ ભગવાન છે.”
એક વર્ષ પહેલાં સુશીલા ધર્મપરિવર્તન કરીને નૂરજહાં બની ગયાં અને તેમણે નઈમ સાથે નિકાહ કરી લીધા હતા. તેમનાં ચાર સંતાનોનું પણ ધર્મપરિવર્તન કરાવાયું છે.
તેઓ ખુશ છે કે તેમનાં ત્રણ નાનાં બાળકો હવે સ્કૂલ જઈ રહ્યાં છે અને તેમને પિતાનું નામ મળી ગયું છે.
પરિવારજનોનું કહેવું શું છે?
સુશીલાનો મોટો પુત્ર લગભગ 16 વર્ષનો છે. તે નઈમ સાથે તેમની ભંગારની દુકાનમાં કામ કરે છે.
સુશીલા કહે છે કે તેમને ભગવાન કે અલ્લાહથી મતલબ નથી, તેમના માટે બધું એક છે. તેઓ નૂરજહાં નામથી પણ જવાબ આપે છે અને સુશીલા કહેવા પર પણ જવાબ આપે છે.
નૂરજહાંનું કહેવું છે કે હવે બાળકો અને પોતે પણ ખુશ છે. આ સાથે જ તેઓ સવાલ પૂછે છે કે, “મુસલમાનનાં બાળકો હતાં મુસલમાન પાસે આવી ગયાં, તેમાં કોઈને શું તકલીફ થઈ શકે?”
અહીં અમને વિકાસ પણ મળ્યા, જે નૂરજહાંનાં બહેનનો પુત્ર છે. વિકાસ પણ ભંગાર વીણીને લાવે છે અને નઈમને વેચે છે. તેઓ આ મામલે છપાયેલા સમાચારો પર હસે છે કે તેમનાં માસીને ફોસલાવીને તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે.
વિકાસ કહે છે કે, “માસી કોઈ બાળકી છે કે કોઈ ફોસલાવીને કામ કરાવી લે? તેમણે બધું સમજીવિચારીને જ કર્યું હશે.”
વિકાસ અનુસાર, તેમના પહેલા માસા પણ મુસલમાન હતા અને હવેના પણ મુસલમાન છે. તેમને ક્યારેય હિન્દુ-મુસ્લિમનો ફરક અનુભવાયો નથી. પહેલાં પણ માસીનો પરિવાર તેમનો હતો, હવે પણ છે.
વીએચપી સાથે જોડાયેલા વ્યક્તિએ કરી ફરિયાદ
જોકે કેટલાક લોકોને આ મામલાથી ફરક પડ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા સંતોષ રાજપૂતે આ મામલે પોલીસને ધાર્મિક લાગણી દુભાવાની ફરિયાદ નોંધાવી છે.
ડોઈવાલા પોલીસે આ અંગે ઉચ્ચ અધિકારીઓનો મત માગ્યો, ત્યારે દહેરાદૂનના જિલ્લાધિકારીએ કાયદાકીય સલાહ લીધા પછી આ મામલામાં કેસ દાખલ કરીને વધુ તપાસ કરવાનું કહ્યું છે.
ત્યારબાદ 13 એપ્રિલ, 2023ના રોજ ડોઈવાલા પોલીસસ્ટેશનમાં ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ, 2018 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
ડોઈવાલાના પોલીસ અધિકારી રાજેશ શાહે આ મામલે કહ્યું હતું કે, “કેસની તપાસ ચાલી રહી છે અને તેના આધારે જ આગામી કાર્યવાહી કરવામાં આવશે.”
આ અંગે તપાસ થયા બાદ નૂરજહાંએ પણ 18 એપ્રિલના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને કહ્યું હતું કે તેમણે પોતાની મરજીથી ધર્મપરિવર્તન કર્યું છે અને તેઓ તેમના પતિ નઈમ વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માગતાં નથી.
નઈમ કહે છે કે, “નૂરજહાં જ મુસલમાન બનવા માગતી હતી, બાકી તેમને તેમના ધર્મથી કોઈ ફરક પડતો ન હતો.” ત્યાં હાજર એક શખ્સે કહ્યું કે, “આ તો એ જ વાત થઈ... મિયાં-બીવી રાજી, પણ લઠ બજાવશે કાઝી.”
'ધર્મ તો બદલ્યો પણ જ્ઞાતિ ક્યાંથી લાવીએ' મુસ્લિમમાંથી હિન્દુ બનેલા પરિવારની કહાણી - ગ્રાઉન્ડ રિપોર્ટ
ઉત્તરાખંડનો કાયદો શું કહે છે?
કાશીપુરના રહેવાસી નદીમ ઉદ્દીન નૈનીતાલ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ કાયદા સાથે જોડાયેલા વિભિન્ન મામલા પર 44 પુસ્તક લખી ચૂક્યા છે.
તેઓ કહે છે કે કાયદાકીય આધારે તો આ મામલો બનતો જ નથી.
નદીમ ઉદ્દીન કહે છે કે, ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ, 2018 અંતર્ગત માત્ર પીડિત (જેમનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હોય) અથવા તેમના સંબંધી જ ફરિયાદ નોંધાવી શકે છે.
તેમના મુજબ ‘આ કેસ બનતો જ નથી’. તેઓ એવું પણ કહે છે કે ‘ઉત્તરાખંડમાં ધર્મપરિવર્તન સાથે જોડાયેલા મોટા ભાગના કેસ પીડિત નહીં પણ, ત્રીજા પક્ષમાંથી જ નોંધાઈ રહ્યા છે.’
જોકે સવાલ એ છે કે જો આ કાયદાકીય રીતે બરાબર નથી, તો આ કેસ કયા આધારે નોંધાઈ રહ્યા છે.
કાયદાના નિષ્ણાતો શું કહે છે?
નૈનીતાલ હાઈકોર્ટમાં વકીલાત કરતા વરિષ્ઠ વકીલ દુષ્યંત મૈનાલી કહે છે કે, “ઘણી વાર પોલીસ એફઆઈઆર નોંધીને ચાર્જશીટ પણ ફાઇલ કરી દે છે, પરંતુ જો કાયદાકીય આધાર સાચો ન હોય તો આવા કેસ કોર્ટમાં જતાંની સાથે જ ફગાવી દેવામાં આવે છે.”
વરિષ્ઠ પત્રકાર દિનેશ જુયાલ કહે છે કે આ મૂળ મુદ્દામાંથી લોકોનું ધ્યાન ભટકાવવાના પ્રયાસ છે.
તેઓ કહે છે કે, “ધર્માંતરણ જેવા મુદ્દા મૂળ સમસ્યામાંથી ધ્યાન ભટકાવવાના પ્રયાસ છે અને સાથે એ સુનિશ્ચિત કરવાની કવાયત પણ છે કે ધાર્મિક રીતે કટ્ટર થઈ ચૂકેલા વિભિન્ન સમૂહ તેમના અભિયાનમાં લાગેલા રહે.”
જુયાલ અનુસાર, “એવા પ્રયાસો જોવા મળી રહ્યા છે કે ધાર્મિક દૃષ્ટિએ સંવેદનશીલ મુદ્દા આગામી વર્ષે યોજાનારી ચૂંટણી સુધી ગરમાયેલા રહે.”