પાકિસ્તાન: 16 વર્ષની હિંદુ કન્યાનું અપહરણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી શાદી કરાવી દેવાઈ?

    • લેેખક, શુમાઈલા ખાન
    • પદ, બીબીસી હિન્દી માટે, કરાચી (પાકિસ્તાન)થી
  • કન્યાના માતા-પિતાનો દાવો છે કે તેમની પુત્રી સગીર છે અને તેમનું અપહરણ કરીને શાદી કરી દેવામાં આવી હતી
  • બીજા પક્ષે દાવો કર્યો છે કે કન્યાની ઉંમર 19 વર્ષની છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કરીને શાદી કરી છે
  • દરમિયાન કરિશ્મા ભીલનું મુસલમાન હોવાનું પ્રમાણપત્ર પણ સામે આવ્યું છે, આ સર્ટિફિકેટમાં કરિશ્માની ઉંમર 19 વર્ષ દર્શાવવામાં આવી છે
  • કરિશ્માનાં શાળાનાં પ્રમાણપત્રમાં જન્મ તારીખ માર્ચ 2006 છે, તે મુજબ કરિશ્માની ઉંમર 16 વર્ષની છે
  • પોલીસ સ્ટેશનના વડાએ સ્વીકાર્યું છે કે કન્યાના પિતા તેમની પાસે આવ્યા હતા પરંતુ અસલમ જમાલી સ્પષ્ટપણે સમજાવી શક્યા નથી કે તેમની ફરિયાદ પર એફઆઈઆર કેમ નોંધવામાં ન આવી

પાકિસ્તાનમાં એક સગીર હિંદુ કન્યાનાં કથિત બળજબરીથી ધર્માંતરણ અને શાદીનો મામલો સામે આવ્યો છે.

કન્યાનાં માતા-પિતાનો દાવો છે કે તેમની પુત્રી સગીર છે અને તેમનું અપહરણ કરીને શાદી કરી દેવામાં આવી હતી.

પરંતુ બીજા પક્ષે દાવો કર્યો છે કે કન્યાની ઉંમર 19 વર્ષની છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કરીને શાદી કરી છે.

આ ઘટના સિંધના મીરપુરખાસ જિલ્લાના નૌકોટ કસ્બાની છે.

કરિશ્મા ભીલના પિતા રમેશકુમાર ભીલનું કહેવું છે કે ત્રણ હથિયારધારી લોકો તેમના ઘરે આવ્યા અને તેમની દીકરીને બળજબરીથી ઉપાડી ગયા.

ત્યારબાદ તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું અને પછી તેમની શાદી કરાવી દેવામાં આવી.

મુસલમાન હોવાનું પ્રમાણપત્ર

રમેશકુમાર ભીલનું કહેવું છે કે તેમની પુત્રી કરિશ્મા 16 વર્ષની છે.

તેમનું કહેવું છે કે અપહરણ થયા બાદ તરત જ તેઓ નૌકોટ પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં પોલીસે તેમને બે કલાક સુધી બેસાડી રાખ્યા હતા.

મુખ્ય આરોપીના પિતાને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં રમેશકુમાર ભીલને ખાતરી આપવામાં આવી હતી કે તેમની પુત્રીને પરત કરાશે.

પરંતુ બાદમાં પોલીસે કોઈ કાર્યવાહી કર્યા વગર તેમને ઘરે મોકલી દીધા હતા.

કરિશ્મા ભીલના પિતાનું કહેવું છે કે હાલમાં તેમની પુત્રી સગીર છે અને તેમની શાદી ગેરકાયદેસર છે.

તેમણે કહ્યું છે કે કરિશ્માને બળજબરીથી લઈ જવામાં આવી છે અને પોલીસ તેમની સાથે ન્યાય નથી કરી રહી.

આ દરમિયાન કરિશ્મા ભીલનું મુસલમાન હોવાનું પ્રમાણપત્ર પણ સામે આવ્યું છે. આ સર્ટિફિકેટમાં કરિશ્માની ઉંમર 19 વર્ષ દર્શાવવામાં આવી છે.

સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ મુજબ ઉંમર 16 વર્ષ

સર્ટિફિકેટમાં લખેલું છે કે કરિશ્માએ 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે અને હવે તેમનું મુસ્લિમ નામ કંવલ છે.

આ જ તારીખ એટલે કે 18 ફેબ્રુઆરીનું શાદીનું પ્રમાણપત્ર પણ સામે આવ્યું છે, જેમાં પણ ઉંમર 19 વર્ષ લખવામાં આવી છે.

પરંતુ કરિશ્માના પિતા રમેશ ભીલનું કહેવું છે કે તેમની પાસે દીકરીનું શાળાનું પ્રમાણપત્ર છે, જેમાં તેની જન્મ તારીખ માર્ચ 2006 છે.

તે મુજબ કરિશ્માની ઉંમર 16 વર્ષની છે અને તે માર્ચમાં 17 વર્ષની થશે.

સિંધના કાયદા અનુસાર લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. હવે આ કાયદા હેઠળ એક કેસ દાખલ કરવામાં આવશે અને ઉંમર પહેલા શાદી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

નૌકોટ પોલીસ સ્ટેશનના પોલીસ વડા અસલમ જમાલીએ બીબીસીને જણાવ્યું, "કરિશ્માને પડોશના એક છોકરા સાથે અફેર ચાલતું હતું. 20 ફેબ્રુઆરીની સાંજે કરિશ્મા તેની સાથે ઘર છોડીને સિરહિંદી ગઈ. ત્યાં યુવતીએ ધર્મ પરિવર્તન કર્યું અને બંનેની શાદી કરાવી દેવામાં આવી હતી.”

અસલમ જમાલીએ જણાવ્યું કે તેમની પાસે ધર્મ પરિવર્તન અને શાદીના પ્રમાણપત્રો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કરિશ્માનું નિવેદન સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયું છે. તે નિવેદનમાં કરિશ્મા કહી રહી છે કે તેણે પોતાનું ઘર પોતાની મરજીથી છોડી દીધું છે અને કોઈએ તેને ગેરમાર્ગે દોરી નથી.

એફઆઈઆર કેમ ન નોંધાઈ?

પોલીસ સ્ટેશનના વડાએ સ્વીકાર્યું છે કે કન્યાના પિતા તેમની પાસે આવ્યા હતા પરંતુ અસલમ જમાલી સ્પષ્ટપણે સમજાવી શક્યા નથી કે તેમની ફરિયાદ પર એફઆઈઆર કેમ નોંધવામાં ન આવી.

કરિશ્માના માતા-પિતાએ હવે સ્થાનિક સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

કોર્ટે પોલીસ સહિત તમામ પક્ષકારોને 27 ફેબ્રુઆરીએ કોર્ટમાં બોલાવ્યા છે.

પોલીસ સ્ટેશનના વડાનું કહેવું છે કે હવે કેસ કોર્ટમાં છે તો કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ સિંધમાં હિંદુ સમુદાયના સંગઠન પાકિસ્તાન દરાવર ઇત્તિહાદ અને કરિશ્માના પરિવારના સભ્યો નૌકોટ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

દેખાવકારોનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે કરિશ્માના અપહરણ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે. તેમની માંગ છે કે કાયદેસરની ઉંમર પહેલા શાદી કરાવવાને લઈને પણ કેસ નોંધવામાં આવે અને કરિશ્માને તેમને સોંપી દેવામાં આવે.