ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળસંધિ કરાર હેઠળ છ નદીના પાણીની વહેંચણી અને વર્ષો જૂનો વિવાદ શું છે?

    • લેેખક, શુભજ્યોતિ ઘોષ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • ભારત અને પાકિસ્તાને વર્ષ 1960માં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેને ઈંડસ વૉટર ટ્રીટી (સિંધુ જળસંધિ) કહેવાય છે
  • વિશ્વ બૅંકે આ કરાર પર બંને દેશો વચ્ચેની વાટાઘાટમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેણે ત્રીજા પક્ષ તરીકે કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા
  • આ કરારનો મુખ્ય હેતુ સિંધુ ખીણની નદીઓના પાણીને બંને દેશો વચ્ચે ન્યાયીક રીતે વહેંચવાનો હતો
  • 25 જાન્યુઆરીએ ભારતે તેના કમિશનર દ્વારા દ્વિપક્ષીય સ્તરે રચાયેલા સ્થાયી સિંધુ કમિશનમાં એક પત્ર મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશોએ કરારના ઉલ્લંઘનના આરોપો પર આગામી 90 દિવસમાં પરસ્પર વાતચીત કરે
  • પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલત અને એ પહેલા કોઈ ત્રીજા દેશના તટસ્થ નિષ્ણાતની નિમણૂક કરવાના પક્ષમાં હતું
  • હેગસ્થિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતમાં પાકિસ્તાને કરેલી અપીલ પર બે દિવસ બાદ (27 જાન્યુઆરીએ) સુનાવણી થવાની હતી, પરંતુ ભારતે આ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો
  • પાકિસ્તાનના એટર્ની જનરલની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સિંધુ જળસંધિમાં એકતરફી ફેરફાર કરવા માગે છે, જે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી

સિંધુ ખીણની નદીઓના પાણીની વહેંચણી પર દક્ષિણ એશિયાના સૌથી જૂના અને સૌથી લાંબા સમય સુધી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય કરારના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આનું કારણ એ છે કે ભારતે તે કરારની શરતોમાં મોટા ફેરફારો કરવાની માગ કરી છે.

ભારત અને પાકિસ્તાને વર્ષ 1960માં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેને ઈંડસ વૉટર ટ્રીટી (સિંધુ જળસંધિ) કહેવાય છે. વિશ્વ બૅંકે આ કરાર પર બંને દેશો વચ્ચેની વાટાઘાટમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેણે ત્રીજા પક્ષ તરીકે કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા.

આ કરારનો મુખ્ય હેતુ સિંધુ ખીણની નદીઓના પાણીને બંને દેશો વચ્ચે ન્યાયીક રીતે વહેંચવાનો હતો.

25 જાન્યુઆરીએ ભારતે તેના કમિશનર દ્વારા દ્વિપક્ષીય સ્તરે રચાયેલા સ્થાયી સિંધુ કમિશનમાં એક પત્ર મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશોએ કરારના ઉલ્લંઘનના આરોપો પર આગામી 90 દિવસમાં પરસ્પર વાતચીત કરે.

ભારતની દલીલ એવી હતી કે સમજૂતીના અમલીકરણમાં કોઈ પણ વિવાદની સ્થિતિમાં તેનું નિરાકરણ સતત વાટાઘાટ અથવા ગ્રેડેડ અભિગમ દ્વારા લાવવું. બીજી તરફ, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલત અને એ પહેલાં કોઈ ત્રીજા દેશના તટસ્થ નિષ્ણાતની નિમણૂક કરવાના પક્ષમાં હતું.

હેગસ્થિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતમાં પાકિસ્તાને કરેલી અપીલ પર બે દિવસ બાદ (27 જાન્યુઆરીએ) સુનાવણી થવાની હતી, પરંતુ ભારતે આ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો.

પાકિસ્તાનના ઍટર્ની જનરલની ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સિંધુ જળસંધિમાં એકતરફી ફેરફાર કરવા માગે છે, જે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે આ વિવાદમાં વિશ્વ બૅંકની ભૂમિકા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "કોઈએ વિશ્વ બૅંકને અમારા વતી આ કરારનું અર્થઘટન કરવાની જવાબદારી આપી નથી." એકંદરે, આ કરારના અર્થઘટન અંગેનો વિવાદ એવા જટિલ તબક્કામાં પહોંચી ગયો છે કે ઘણા નિરીક્ષકો તેના ભવિષ્ય વિશે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

કયા મુદ્દે વિરોધ છે?

સિંધુ જળસંધિ અનુસાર, આ ખીણની પૂર્વમાં આવેલી ત્રણ નદીઓ બિયાસ, રાવી અને શતલજનું પાણી ભારતના હિસ્સામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમમાં આવેલી ત્રણ નદીઓ ચંદ્રભાગા, સિંધુ અને જેલમના પાણીમાં હિસ્સો મળ્યો છે.

પરંતુ સમજૂતીમાં બંને દેશોને વિશેષ હેતુઓ માટે એકબીજાના હિસ્સાની નદીઓનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, પાણીના સંગ્રહની જરૂર નથી અથવા તો બહુ ઓછી જરૂર હોય તો નાના પાયે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થાપવામાં કોઈ સમસ્યા નથી.

આ તમામ શરતો સાથે આ સમજૂતી છ દાયકાથી વધુ સમયથી ચાલી રહી હતી. પરંતુ ભારત પ્રશાસિત કાશ્મીરમાં તાજેતરમાં કિશનગંગા અને રતેલ નામના બે પ્રોજેક્ટને લઈને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે.

તેમાં ભારત સરકારે વર્ષ 2018માં બાંદીપોરા જિલ્લામાં કિશનગંગા નદી (જે જેલમની સહાયક નદી છે) પર બનેલ કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કિશકવાર જિલ્લામાં ચંદ્રભાગા પર બાંધવામાં આવનાર રતેલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું કામ હજુ પૂર્ણ થયું નથી. તેના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.

પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે જે રીતે આ બંને પ્રોજેક્ટમાં વીજ ઉત્પાદન માટે ડૅમ કે જળાશયોની યોજના બનાવી છે તેનાથી નદીઓના કુદરતી પ્રવાહમાં વિક્ષેપ પડશે.

પાકિસ્તાનનો આરોપ છે કે આ નદીઓ પાકિસ્તાનના 80 ટકા ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, તેથી ભારત કિશનગંગા અને રતેલ જેવા પ્રોજેક્ટ્સ બનાવીને સિંધુસંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

આ વિવાદના નિરાકરણ માટે પાકિસ્તાને અગાઉ વિશ્વ બૅંકના તટસ્થ નિષ્ણાતની નિમણૂકની માગ ઉઠાવી હતી. તે પછી વર્ષ 2016માં તેણે હેગસ્થિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતનું શરણ લીધું.

ભારત શું બદલાવ ઇચ્છે છે?

કિશનગંગા અને રતેલ પ્રોજેક્ટ પરના વિવાદને ઉકેલવા માટે મૂળભૂત રીતે બે સમાંતર પ્રક્રિયાઓ ચાલી રહી હતી. પ્રથમ, ભારતની વિનંતી મુજબ તટસ્થ નિષ્ણાતની નિમણૂક દ્વારા અને બીજું, પાકિસ્તાનની વિનંતી અનુસાર આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતના અધ્યક્ષની નિમણૂક દ્વારા.

વર્ષ 2016માં વિશ્વ બૅંકે આ બંને સમાંતર પ્રક્રિયાઓને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમની દલીલ એવી હતી કે આ બંને પ્રક્રિયા દ્વારા વિરોધાભાસી નિર્ણય આવવાની સ્થિતિમાં કરારનું ભાવિ જોખમમાં મુકાશે.

પરંતુ આ વર્ષે 3 ફેબ્રુઆરીએ વિશ્વ બૅંકે કહ્યું કે તે બંને પ્રક્રિયાઓને ફરી એકસાથે ચલાવવાની તરફેણમાં છે.

વિશ્વ બૅંકના આ પ્રસ્તાવ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિશ્વ બૅંક પર કટાક્ષ કરતા કહ્યું કે, "મારી તો જાણમાં હતું કે સિંધુ જળસંધિ બે દેશો વચ્ચે છે!"

મૂળ કરારમાં સંરક્ષિત પદ્ધતિ અથવા તબક્કા વાર રીતે વાટાઘાટ દ્વારા વિવાદનું સમાધાન કરવાની વાત કરવામાં આવી હતી અને ભારત એ સ્થિતિમાં પાછા જવા માગે છે. દિલ્હીએ પણ આ વાત સ્પષ્ટ કરી દીધી છે.

ભારતના આ પ્રસ્તાવનો જવાબ આપવા માટે પાકિસ્તાન પાસે ત્રણ મહિનાનો સમય છે. સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે જો આ સમયમર્યાદામાં પાકિસ્તાન તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો ભારત કરારને રદ કરવાની વિચારણા કરશે.

ભારતની પ્રથમ ક્રમની થિંક ટૅન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટમાં (ફેબ્રુઆરી 8) ટિપ્પણી કરી છે કે સ્થાયી સિંધુ કમિશનના દાયરામાં છેલ્લા કેટલાક દાયકામાં હાઇડ્રો-ડિપ્લોમસી દ્વારા સફળતા મળી હતી તે હવે આ મુદ્દાના રાજનીતિને કારણે તૂટવાના આરે છે. અવિશ્વાસનું ઝેરી વાતાવરણ સર્જાયું છે.

આ અહેવાલ તૈયાર કરનારા સાયનાંશુ મોદક અને નીલાંજન ઘોષે એ પણ યાદ અપાવ્યું છે કે દેશના ઘણા નિષ્ણાતો હવે અપસ્ટ્રીમ એટલે કે ઉપરી વિસ્તારના દેશ તરીકે ભારત પાસે રહેલી સુવિધા કે ઈન્ડસ લિવરેજનો ઉપયોગ કરવાની હિમાયત કરી રહ્યા છે.

પાકિસ્તાનનો જવાબ

પાકિસ્તાન સરકારે કહ્યું છે કે ભારત જે રીતે સિંધુ જળસંધિમાં એકતરફી ફેરફાર કરવા માગે છે તે ભ્રામક પ્રયાસ છે.

ભારત તરફથી સ્થાયી સિંધુ કમિશનને પત્ર મોકલ્યા બાદ પાકિસ્તાનના ઍટર્ની જનરલ શહઝાદ અતા ઈલાહીના કાર્યાલય તરફથી આકરું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, "પાકિસ્તાન તરફથી વાંધા પછી ભારતે આટલા વિલંબથી વિવાદ ઉકેલવાની પદ્ધતિ પર જે રીતે પ્રશ્નો ઉઠાવ્યા છે, તે તેની અનિચ્છા દર્શાવે છે."

નિવેદનમાં એ વાત તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે સિંધુ ખીણની નદીઓ પર બનેલા વિવિધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને લઈને બંને દેશો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.

બીજી તરફ જળવાયુ પરિવર્તન અને વિકાસના મુદ્દા પર પાકિસ્તાનના જાણીતા નિષ્ણાત અલી તૌકીર શેખે 'ધ ડૉન' મૅગેઝિનમાં (9 ફેબ્રુઆરી) આ મુદ્દા પર એક લેખ લખ્યો છે.

તેમણે તેમાં કહ્યું છે કે, "એક પ્રમાણમાં નબળા દેશ તરીકે પાકિસ્તાન વિચારે છે કે કોઈ પણ દ્વિપક્ષીય મુદ્દાને આંતરરાષ્ટ્રીય રંગ આપી દેવાથી વાટાઘાટના ટેબલ પર તેમની સ્થિતિ મજબૂત થઈ જશે."

તેમના મતે, સિંધુ સંધિ પરના વિવાદને પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતમાં લઈ જવા પાછળનું આ જ અસલી કારણ છે.

શેખ કહે છે કે આ કરારમાં તટસ્થ નિષ્ણાતની નિમણૂક, મધ્યસ્થતા અદાલતમાં અપીલની જોગવાઈ અથવા વિશ્વ બૅંક દ્વારા 'ઑનસેટ બ્રોકર'ની ભૂમિકાની કામગીરી જેવી જે વિશેષતાઓ છે તે અન્ય કોઈ પ્રાદેશિક નદી કરારમાં નથી.

બીજી તરફ પાકિસ્તાનના ઍટર્ની જનરલની ઑફિસે એમ પણ કહ્યું છે કે, "આ કરારને એકતરફી બદલી શકાય નહીં. અમને લાગે છે કે આ મધ્યસ્થતા અદાલતમાં ચાલી રહેલી સુનાવણી પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે."

અલી તૌકીર શેખ પણ માને છે કે, "ભારત આ કરારમાં જે પ્રકારના ફેરફારો લાવવા માગે છે, તેનાથી માત્ર સિંધુ જ નહીં, પરંતુ દક્ષિણ એશિયામાં તમામ આંતરરાષ્ટ્રીય જળ સંબંધો જોખમમાં મુકાશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો