પરવેઝ મુશર્રફ : છેલ્લા સૈન્યવડા, જેમણે લશ્કરી બળવાની મદદથી દેશની સત્તા મેળવી

    • લેેખક, શુમાઈલા જાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનમાં લશ્કરી બળવા બાદ સત્તામાં આવેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) પરવેઝ મુશર્રફનું દુબઈમાં 79 વર્ષની વયે અવસાન થયું છે.

તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિધન બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે શોક વ્યક્ત કર્યો હતો.

જેમાં કહેવાયું હતું કે સીજેસીએસસી અને સર્વિસીસ ચીફ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, સીજેસીએસસી અને આર્મી સ્ટાફના વડા જનરલ પરવેઝ મુશર્રફના દુઃખદ અવસાન પર હૃદયપૂર્વક શોક વ્યક્ત કરે છે. અલ્લાહ દિવંગત આત્માને શાંતિ આપે અને શોકાતુર પરિવારને શક્તિ આપે.

મુશર્રફના પરિવાર અનુસાર, તેઓ એમાયલોઇડોડિસ નામની બીમારીથી પીડિત હતા. આ બીમારીમાં શરીરમાં પ્રોટીનના પરમાણુઓ નિષ્ક્રિય થઈ જાય છે અને દર્દીના અંગો આ બીમારીથી પ્રભાવિત થાય છે.

પરવેઝ મુશર્રફને 2016માં તબીબી સારવાર માટે કોર્ટમાંથી જામીન મળ્યા ત્યારથી તેઓ યુએઈમાં રહેતા હતા.

પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના અત્યાર સુધીના છેલ્લાં સૈન્ય વડા જેમણે લશ્કરી બળવાની મદદથી દેશની સત્તા મેળવી

  • પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઑગસ્ટ, 1943ના રોજ દિલ્હીમાં ઉર્દૂ ભાષી પરિવારમાં થયો હતો.
  • 1947માં ભારતના ભાગલા બાદ તેમના માતાપિતાએ પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું હતું.
  • આર્મી સ્ટાફના વડા તરીકે નિયુક્ત થયા પછીના વર્ષે જ તેમણે દેશની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી.
  • પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા બાદ તેમના પર પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર સકંજો કસવાના અમેરિકાના દબાણ અને દેશમાં યુએસ વિરોધી ઇસ્લામિક અવાજ વચ્ચે સંતુલન સાધવાનું આંતરરાષ્ટ્રીય દબાણ હતું.

જીવનમાં ઉતાર-ચઢાવ

પાકિસ્તાનના છેલ્લા લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશર્રફનું જીવન છેલ્લા બે દાયકામાં ડામાડોળ રહ્યું હતું.

1999માં દેશમાં સત્તા પ્રાપ્ત કર્યા પછી અનેકવાર તેમની હત્યાના પ્રયાસો થયા હતા. પશ્ચિમી વિશ્વ અને ઇસ્લામિક આતંકવાદીઓ વચ્ચેની લડાઈમાં તે મોખરે હતો.

જોકે તેમનો રાજકીય પક્ષ 2008ની ચૂંટણી હારી ગયો અને તેમના પર દેશના બંધારણને ગેરકાયદેસર રીતે સ્થગિત કરીને કટોકટી લાદવાનો આરોપ મૂકાયો હતો.

અને સત્તા હસ્તગત કર્યાના 20 વર્ષ બાદ અદાલતે તેઓ દેશમાં નહોતા ત્યારે બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

દિલ્હીમાં જન્મથી લઈને પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર બનવા સુધીની સફર

પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઑગસ્ટ, 1943ના રોજ દિલ્હીમાં ઉર્દૂ ભાષી પરિવારમાં થયો હતો. 1947માં ભારતના ભાગલા બાદ તેમના માતાપિતાએ પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું હતું.

સૈન્યમાં લાંબા કાર્યકાળ પછી, તેમને 1998 માં તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફ દ્વારા આર્મી સ્ટાફના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને પછીના વર્ષે જ તેમણે દેશની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી.

તેમની પસંદગી નવાઝ શરીફ માટે આંધળો જુગાર સાબિત થઈ કારણ કે નવાજ શરીફે વરિષ્ઠ અધિકારીઓને અવગણીને પરવેઝ મુશર્રફને સેનાની કમાન સોંપી હતી.

દેશના આર્થિક સંકટ, વિવાદાસ્પદ સુધારા અને કાશ્મીર સંકટને કારણે નવાઝ શરીફની લોકપ્રિયતા પણ તે સમયે ઘટી રહી હતી.

તે વર્ષે કાશ્મીરમાં કારગીલના કેટલાક વિસ્તારો પર કબજો કરવાના નિષ્ફળ પ્રયાસથી પાકિસ્તાનની હાલત ક્ષોભજનક થઈ હતી અને સેનાએ તમામ દોષનો ટોપલો તેમના માથે ઢોળ્યો હતો.

જ્યારે નવાઝ શરીફ જનરલ મુશર્રફને બદલવા માંગતા હતા ત્યારે મુશર્રફે ભારે ચાલાકી વાપરીને શસ્ત્રોના બળે સત્તા કબજે કરી લીધી હતી.

આતંકવાદ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે ગઠબંધનના આરોપો

જોકે, અમેરિકા પર 9/11ના આતંકવાદી હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશના "આતંક સામેના યુદ્ધ"માં સમર્થન આપવાનો અર્થ અલ-કાયદા અને તાલિબાનના સમર્થકો સહિતના તમામ આતંકવાદીઓ સાથે સીધો મુકાબલો હતો અને જેમની સાથે પાકિસ્તાની સૈન્યનું ગઠબંધન હોવાનો લાંબા સમયથી આરોપ લગાવવામાં આવી રહ્યો હતો.

મુશર્રફની સ્થિતિ બેધારી તલવાર પર ચાલવા જેવી થઈ હતી કારણ કે તેમણે પાકિસ્તાનમાં આતંકવાદીઓ સકંજો કસવાના અમેરિકાના દબાણ અને દેશમાં યુએસ વિરોધી ઇસ્લામિક અવાજ વચ્ચે સંતુલન સાધવાનું હતું. અફઘાનિસ્તાનનો મુદ્દો બળતામાં ઘીનું કામ કરતો હતો.

પરવેઝ મુશર્રફ પર નાટો અને અફઘાન સરકાર દ્વારા વારંવાર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ તત્કાલિન સંઘ પ્રશાસિત આદિવાસી વિસ્તારો (FATA) દ્વારા અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાન સહાનુભૂતિ ધરાવતા લોકોની હિલચાલને રોકવા માટે પૂરતા પ્રયાસો નથી કરી રહ્યા.

ઓસામા બિન લાદેન 2011માં પાકિસ્તાનમાંથી મળી આવ્યો ત્યારે તેના રેકોર્ડ સપાટી પર આવ્યા હતા. રેકોર્ડ અનુસાર તે વર્ષોથી પાકિસ્તાન મિલિટરી ઍકેડમીની આસપાસ રહેતો હતો અને મુશર્રફ વર્ષોથી તેમની હાજરીને નકારી રહ્યા હતા.

સત્તા અસ્તાચળે

જનરલ મુશર્રફનો કાર્યકાળમાં ન્યાયતંત્ર સાથેના સંબંધો પણ ગેરિલા યુદ્ધ જેવા રહ્યા હતા. જેમાં લશ્કરી વડા તરીકે સેવા આપતી વખતે રાષ્ટ્રપતિ રહેવાની તેમના હઠાગ્રહનો સમાવેશ થાય છે.

2007માં તેમણે તત્કાલિન ચીફ જસ્ટિસ ઈફ્તિખાર મુહમ્મદ ચૌધરીની હકાલપટ્ટી કરી હતી, જેને પગલે દેશવ્યાપી વિરોધ ફાટી નિકળ્યો હતો.

થોડા મહિના બાદ તેમણે ઇસ્લામાબાદમાં લાલ મસ્જિદ અને તેની નજીકની મદરેસાની લોહિયાળ ઘેરાબંધીનો આદેશ આપ્યો, જેમાં 100 થી વધુ લોકો માર્યા ગયા.

લાલ મસ્જિદના મૌલવીઓ અને વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કડક શરિયા કાયદો લાગુ કરવા માટેની આક્રમક ઝુંબેશ ચલાવવાનો આરોપ હતો.

આ ઘટનાના જવાબમાં, પાકિસ્તાની તાલિબાનની રચના થઈ અને સશસ્ત્ર હુમલા અને બૉમ્બ હુમલાઓની શ્રેણી શરૂ થઈ જેમાં હજારો લોકો માર્યા ગયા.

2007માં જ્યારે નવાઝ શરીફ દેશનિકાલમાંથી પરત ફર્યા ત્યારે તે મુશર્રફ યુગના અંતની શરૂઆત હતી.

ભૂતપૂર્વ આર્મી જનરલે તેમના શાસનને લંબાવવા માટે કટોકટી જાહેર કરી હતી પરંતુ તેમનો પક્ષ ફેબ્રુઆરી 2008ની સંસદીય ચૂંટણી હારી ગયો હતો. છ મહિના પછી તેમણે મહાભિયોગ ટાળવા રાજીનામું આપ્યું અને દેશ છોડી દીધો.

એવું કહેવાઈ રહ્યું છે કે લંડન અને દુબઈમાં રોકાણ દરમિયાન તેમણે દુનિયાભરમાં આપેલા પ્રવચનોના બદલામાં લાખો ડોલરની કમાણી કરી હતી. પરંતુ તેમણે સત્તામાં પરત ફરવાના તેમના ઈરાદાની વાત ક્યારેય છૂપાવી ન હતી.

માર્ચ 2013માં તેઓ ચૂંટણી લડવા માટે નાટકીય રીતે પાકિસ્તાન પાછા ફર્યા પરંતુ તેમના પાછા ફરવાની સાથે જ તેમની ધરપકડ થઈ.

તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તેમની પાર્ટી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ અપેક્ષા પ્રમાણે જ ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ.

2007માં તાલિબાને બેનઝીર ભુટ્ટોની હત્યા કરી જેને પગલે પાકિસ્તાન અને દુનિયા હચમચી ગઈ હતી અને તેમના પર ભુટ્ટોને અપૂરતી સુરક્ષા પૂરી પાડવાનો ખટલો ચાલ્યો.

2010ની યુએનની તપાસમાં જનરલ મુશર્રફ પર ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો સુરક્ષા આપવામાં "ઇરાદાપૂર્વક નિષ્ફળ" જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તે જ વર્ષે, 2007માં બંધારણને સ્થગિત કરવાના નિર્ણય માટે તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પરંતુ જે દેશમાં સૈન્યે લાંબા સમયથી શાસન કર્યું હોય ત્યાં સુનાવણી સરળ નથી હોતી. તેથી, સરકારે મુશર્રફના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના કરી.

આ કેસ પાંચ વર્ષ ચાલ્યો અને અંતે ત્રણ જજની અદાલતે મુશર્રફને રાજદ્રોહના કેસમાં દોષી ઠેરવ્યા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.

પરંતુ આ સજાનું પાલન ન થઈ શક્યું અને પરવેઝ મુશર્રફ ફાંસીને બદલે બીમારી સામે જીવનની લડાઈ હારી ગયા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો