જયસ્વાલ અને દુબેની વિસ્ફોટક બેટિંગ છતાં 'મૅન ઓફ ધ મૅચ' અક્ષર પટેલ કેમ બન્યા?

રવિવારે ભારતે ઇન્દોર ખાતે રમાયેલી અફઘાનિસ્તાન સામેની બીજી ટી20 મૅચમાં છ વિકેટે સરળ વિજય મેળવ્યો હતો.

આ સાથે ભારતીય ટીમે ત્રણ મૅચની શ્રેણી પર ભારતે બે મૅચ જીતીને કબજો કરી લીધો છે.

ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને યુવા ઑલરાઉન્ડર શિવમ દુબેની ઝંઝાવાતી બેટિંગને બળે ભારતીય ટીમે 173 રનનું લક્ષ્ય 16 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું.

આ પહેલાં ભારતે ટૉસ જીતીને અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાને ગુલ્બદિનની તાબડતોબ અર્ધ સદીની મદદથી 20 ઓવરમાં 172 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.

જોકે, જયસ્વાલ, કોહલી અને દુબેની આક્રમક બેટિંગને બળે ભારતીય ટીમે સરળતાથી આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લીધું હતું.

જયસ્વાલ અને દુબેની તાબડતોબ બેટિંગ

યશસ્વી જયસ્વાલ આ શ્રેણીની પ્રથમ મૅચ ઈજાને કારણે રમી નહોતા શક્યા. જોકે, આ મૅચમાં તેમની ધમાકેદાર બેટિંગને બળે તેમણે ફરી એક વાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો.

સ્કોરનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી. યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ ઊતરેલા કપ્તાન રોહિત શર્માને ફઝલહક ફારુકીએ ખાતુંય ન ખોલવા દીધું, તેઓ ઇનિંગના પાંચમા બૉલે જ બોલ્ડ થયા.

જોકે, આ વાતની અસર યશસ્વીના આત્મવિશ્વાસ પર પડી હોય એવું ન લાગ્યું.

રોહિતની વિકેટ બાદ યશસ્વી અને વિરાટ કોહલીએ ભારતીય ટીમની બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો. બંનેએ તાબડતોડ બેટિંગ કરતાં માત્ર પાંચ ઓવરમાં જ 60 રનનો સ્કોર વટાવી દીધો.

આક્રમક બેટિંગ કરી રહેલા વિરાટ સારા ફૉર્મમાં દેખાઈ રહ્યા હતા, ત્યાં તો 29 રનના વ્યક્તિગત સ્કોરે તેઓ નવીન ઉલ હકના બૉલ પર ઇબ્રાહિમ ઝાદરાનના હાથે કૅચ આઉટ થયા. તેમણે માત્ર 16 બૉલનો સામનો કરી પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

આ સમય સુધી યશસ્વી આક્રમક પરંતુ એક છેડો સાચવીને મેદાનમાં ટકી રહ્યા હતા. બસ, મૅચમાં આ જ બાબત ટર્નિંગ પૉઇન્ટ બનવાની હતી. વિરાટ બાદ મેદાનમાં ઊતરેલા શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલની જોડીએ કંઈક એવો તો તરખાટ મચાવ્યો કે મૅચ અને સિરીઝ બંને પર ભારતીય ટીમનો કબજો થઈ ગયો.

મૅચમાં તાબડતોડ બેટિંગ કરીને જયસ્વાલે પોતાની અર્ધ સદી માત્ર 27 બોલમાં જ પૂરી કરી હતી. યશસ્વી અને શિવમ વચ્ચે 42 બૉલમાં 92 રનની જબરદસ્ત પાર્ટનરશિપ થઈ. જેણે ખરા અર્થમાં આ મૅચમાં ભારતની જીતનો પાયો નાખ્યો.

13મી ઓવરમાં 200ની સ્ટ્રાઇક રેટ સાથે રન ફટકારી રહેલા યશસ્વી 68 રનના વ્યક્તિગત સ્કોરે જ્યારે આઉટ થયા ત્યારે આ જોડી તૂટી, પરંતુ આ સમય સુધીમાં ભારતની જીત લગભગ સુનિશ્ચિત થઈ ચૂકી હતી. યશસ્વીએ પોતાની ધમાકેદાર ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને છ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા.

શિવમ દુબેની તાબડતોડ મૅચ-વિનિંગ ઇનિંગની વાત કરીએ તો તેમણેય યશસ્વીના ઝંઝાવાતમાં પોતાની ઇનિંગની નોંધ લેવાય એ સુનિશ્ચિત કરવામાં બિલકુલ કચાશ રાખી નહોતી.

શિવમ દુબેએ મેદાનની ચારે બાજુએ શોટ્સ ફટકાર્યા અને અફઘાનિસ્તાનના બૉલિંગ આક્રમણને વામણું પુરવાર કર્યું. તેમણે માત્ર 32 બૉલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 63 રનની અણનમ મૅચ-વિનિંગ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી.

શિવમ દુબેએ આ સિરીઝમાં પોતાના જબરદસ્ત ફૉર્મનો પુરાવો આપ્યો છે. તેમણે આ સિરીઝની પ્રથમ મૅચમાં પણ 40 બૉલમાં 60 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી.

અક્ષર પટેલ બન્યા મૅન ઓફ ધ મૅચ

જયસ્વાલ અને શિવમ દુબેની ઝંઝાવાતી બેટિંગ છતા આ મૅચમાં મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ અક્ષર પટેલને આપવામાં આવ્યો હતો. એનું કારણ હતું તેમનું જબરદસ્ત બૉલિંગ પર્ફૉર્મન્સ.

અક્ષરે પોતાની ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને અફઘાનિસ્તાનના કૅપ્ટન ઝાદરાન અને ગુલ્બદિનની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી, જેને કારણે ભારત અફઘાનિસ્તાન અપેક્ષા કરતાં ખૂબ ઓછો સ્કોર ખડકી શક્યું.

ભારતની જીત બાદ અક્ષર પટેલે કહ્યું હતું, “મને હમણાં જ ખબર પડી કે મેં ટી20માં 200 વિકેટ પૂરી કરી. જોકે, મારા માટે મહત્ત્વપૂર્ણ એ છે કે હું ભારત માટે સારું પ્રદર્શન કરી શકું, કારણ કે અમુક વર્ષ પછી મને યાદ પણ નહીં રહે કે મેં કેટલી વિકેટો લીધી.”

મૅચમાં અપનાવેલી વ્યૂહરચના અંગે તેમણે કહ્યું કે, “હું મૅચ દરમિયાન થોડી ધીમી બૉલિંગ કરવાની કોશિશ કરતો હતો અને મારી લેન્થ પણ જરૂરિયાત પ્રમાણે બદલતો રહ્યો. મને આત્મવિશ્વાસ છે કે હું હવે પાવરપ્લેમાં પણ બૉલિંગ કરી શકું છું. પહેલાં એક બૉલર તરીકે જ્યારે મારી બૉલિંગમાં વધુ રન બનતા તો હું મારી યોજનામાં બદલાવ કરતો, પરંતુ હવે હું મારી યોજના પર અડગ રહું છું અને બૅટ્સમૅનને મારી વિરુદ્ધ જોખમ લેવા માટે મજબૂર કરવાનો પ્રયત્ન કરું છું.”

અફઘાનિસ્તાને ખડક્યો 172 રનનો સ્કોર

અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ગુલ્બદિનની તાબડતોબ અર્ધ સદીને બળે 20 ઓવરમાં 172 રન ફટકાર્યા.

અફઘાનિસ્તાન તરફથી ગુલ્બદિને 35 બૉલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 57 રન ફટકાર્યા હતા. મુજીબે ઇનિંગના અંતે માત્ર નવ બૉલમાં 21 રન ફટકારીને પોતાની ટીમને ભારત સામે તેમના ટી20 ઇતિહાસના સૌથી મોટા સ્કોર (172 રન) સુધી પહોંચાડવામાં મદદ કરી.

ભારત તરફથી અર્શદીપે ત્રણ જ્યારે અક્ષર અને રવિ બિશ્નોઈએ બબ્બે વિકેટ ઝડપી. આ ઉપરાંત શિવમ દુબેએ પણ એક વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા પોતાની 150મી ટી20 મૅચ રમી રહ્યો હતો પરંતુ તેઓ કંઈ ખાસ કમાલ કરી ન શક્યા.

અફઘાનિસ્તાનના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો ટીમ તરફથી કરીમ જનતને બે, ફઝલહક ફારુકી અને નવીન ઉલ હકને એક-એક વિકેટ મળી હતી.