એ 'મોતના સોદાગર' જેમના પર દુનિયાનાં કેટલાંય યુદ્ધો માટે હથિયારો પહોંડાવાનો આરોપ છે

વિક્ટર બાઉટ વિશ્વના સૌથી મોટા શસ્ત્ર સોદાગરો પૈકીના એક તરીકે જાણીતા છે, તેમને ‘મોતનો સોદાગર’ પણ કહેવામાં છે.

રશિયાના આ નાગરિકને અમેરિકાએ મૉસ્કો સરકાર સાથેની કેદીઓની અદલાબદલીના ભાગરૂપે તાજેતરમાં જ મુક્ત કર્યા હતા. રશિયાએ અમેરિકાના પ્રોફેશનલ બાસ્કેટબૉલ ખેલાડી બ્રિટની ગ્રિનરને મુક્ત કર્યા હતા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં મૉસ્કો ઍરપોર્ટ પર બ્રિટનીના સામાનમાંથી ગાંજાનું તેલ મળી આવ્યું એ પછી સત્તાવાળાઓએ તેમને અટકાયતમાં લીધા હતા. ગાંજો રશિયામાં પ્રતિબંધિત પદાર્થ છે.

બાઉટના બદલામાં ગ્રિનરની મુક્તિ સુનિશ્ચિત કરવાના પ્રયાસ વિદેશ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કર્યા હોવાની અફવા અમેરિકન મીડિયામાં મહિનાઓથી ફેલાઈ હતી.

એક ભયાનક ઉપનામ ધરાવતા પૂર્વેના સોવિયેટ સંઘના હવાઈ દળના ભૂતપૂર્વ અધિકારી તરીકે તેમનું કુખ્યાત વ્યક્તિત્વ ઘણાં પુસ્તકો તથા હોલિવૂડની એક ફિલ્મનું વિષય વસ્તુ બન્યું છે.

સોવિયેટ નાગરિકે બાઉટનો જન્મ સોવિયેટ સંઘના શાસન હેઠળના તાજિકિસ્તાનમાં થયો હતો. સોવિયેટ શાસન સાથે વાંધો પડ્યા બાદ તેમણે ઍર ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે 1990ના દાયકાના પ્રારંભે કારકિર્દી શરૂ કરી હતી.

સલામતી નિષ્ણાત ડગ્લાસ ફારાહ અને સ્ટીફન બ્રાઉન લિખિત 2007ના પુસ્તક ‘મર્ચન્ટ ઑફ ડેથ’માં જણાવ્યા મુજબ, “1990ના દાયકાના આરંભે સોવિયેટ સામ્રાજ્ય તૂટી પડ્યું પછી એર ફિલ્ડ્ઝમાં ત્યજી દેવાયેલાં લશ્કરી વિમાનોનો ઉપયોગ કરીને બાઉટે તેમનો ધંધો વિકસાવ્યો હતો.”

ઍર બિઝનેસ

મજબૂત ઍન્ટોનોવ અને ઈલ્યુશિન વિમાનો તેનાં ચાલક દળ સાથે વેચવાનાં હતાં અને દુનિયાભરની ઉબડખાબડ યુદ્ધકાલીન ઍર સ્ટ્રિપ્સ પર સામાન પહોંચાડવા માટે એકદમ યોગ્ય હતાં.

બાઉટે શ્રેણીબદ્ધ બનાવટી કંપની મારફત આફ્રિકાના યુદ્ધગ્રસ્ત દેશોમાં દાણચોરી મારફત શસ્ત્રો પહોંચાડ્યાં હોવાની શંકા છે.

મધ્ય-પૂર્વમાં પત્રકારોએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે તેમણે અલ કાયદા અને તાલિબાનને પણ શસ્ત્રો ઉપલબ્ધ કરાવ્યાં હતાં. એ જૂથો સાથે પોતાને કોઈ સંબંધ હોવાનો તેમણે ઇન્કાર કર્યો હતો, પરંતુ તાલિબાન સાથે યુદ્ધ માટે પોતે અફઘાનિસ્તાન શસ્ત્રો મોકલ્યાં હોવાનું સ્વીકાર્યું હતું.

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે રવાંડામાં જનસંહાર બાદ ફ્રાન્સ સરકારને ત્યાં માલસામાન તથા શાંતિ સૈનિકોને પહોંચાડવામાં મદદ કરી હતી.

બ્રિટનના વિદેશ પ્રધાન પીટર હેઇને 2003માં તેમને ‘મોતનો સોદાગર’ એવું ઉપનામ આપ્યું હતું.

તેમના વિશેનો અહેવાલ વાંચ્યા બાદ હેઇને કહ્યું હતું કે “બાઉટ મોતનો મુખ્ય સોદાગર છે, પૂર્વ યુરોપ – મુખ્યત્વે બલ્ગેરિયા, મોલ્દોવા અને યુક્રેનથી માંડીને લાઇબેરિયા તથા એંગોલા સુધી શસ્ત્રો પહોંચાડવાના મુખ્ય હવાઈ માર્ગોનો તે મુખ્ય કર્તાહર્તા છે.”

તેમણે ઉમેર્યું હતું કે “સંયુક્ત રાષ્ટ્રસંઘે બાઉટને શસ્ત્રોના સોદાગરો, હીરાના દલાલો અને યુદ્ધ કરાવતા અન્ય એજન્ટોની ભેદી જાળના કેન્દ્ર તરીકે ઉઘાડા પાડ્યા હતા.”

છટકામાં ફસાયો

અમેરિકાના ગુપ્તચર કાવતરામાં ફસાયા બાદ બાઉટની થાઇલૅન્ડમાં ધરપકડ કરવામાં આવી હતી અને એ સાથે 2008માં તેના ધંધાનો અંત આવ્યો હતો.

ઍન્ટી-ડ્રગ એજન્સી ડીઈએના એજન્ટોએ કોલંબિયાના રિવૉલ્યૂશનરી આર્મ્ડ ફોર્સીસના સંભવિત શસ્ત્ર સપ્લાયરનો સ્વાંગ સજ્યો હતો. હવે વિખેરી નાખવામાં આવેલા ગુપ્ત લડવૈયાઓના આ જૂથને અમેરિકાએ ત્રાસવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કર્યું હતું.

બાઉટને હથિયારોના ગુપ્ત વેપારી ગણીને હેરાન કરવામાં આવ્યા હતા. રશિયા હંમેશા એવો દાવો કરતું રહ્યું છે કે બાઉટ તો કાયદેસરના આંતરરાષ્ટ્રીય શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી છે.

જોકે, ન્યૂ યૉર્કની અદાલતે આ દલીલ સ્વીકારી ન હતી.

વિમાન-વિરોધી મિસાઇલ્સ છોડીને તથા આતંકવાદી સંગઠનોને મદદ કરીને અમેરિકાના નાગરિકો તથા અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર બાઉટને એપ્રિલ-2012માં 25 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.

ત્રણ સપ્તાહ ચાલેલા ખટલા દરમિયાન બાઉટ એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે શસ્ત્રોનો ઉપયોગ કોલમ્બિયાના સત્તાવાળાઓ સાથે કામ કરતા અમેરિકાના પાઇલટ્સની હત્યા માટે કરવામાં આવશે. સરકારી વકીલોએના જણાવ્યા મુજબ, બાઉટ એવું કહેતા હતા કે “આપણો દુશ્મન સમાન છે.”

અમેરિકાએ 2000ના દાયકામાં બાઉટ સામે સંખ્યાબંધ પગલાં લીધાં હતાં. 2006માં તેની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ અમેરિકામાં તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે કોઈ કાયદો ન હતો.

તેને બદલે અમેરિકાના એજન્ટોએ 2008 સુધી રાહ જોઈ હતી અને પછી તેમણે કોલંબિયાના રિવૉલ્યૂશનરી આર્મ્ડ ફોર્સીસના સંભવિત શસ્ત્ર સપ્લાયરનો સ્વાંગ સજ્યો હતો.

પોતાના વિરુદ્ધનો અમેરિકાનો કેસ રાજકારણથી પ્રેરિત હોવાનું બાઉટે જણાવ્યું હતું.

તેમનાં પત્ની અલ્લા બાઉટની જુબાની મુજબ, તેમના પતિએ રશિયાથી દક્ષિણ અમેરિકા સુધીનો પ્રવાસ શસ્ત્રોના ગેરકાયદે વેચાણ માટે નહીં, પરંતુ “ટેન્ગો ડાન્સના અભ્યાસ માટે કર્યો હતો.”

કાયદેસરની સમગ્ર કાર્યવાહી દરમિયાન રશિયાના સત્તાવાળાઓએ બાઉટને ટેકો આપ્યો હતો. રશિયાના તત્કાલીન વિદેશ પ્રધાન સર્ગેઈ લેવરૉવે, બાઉટને અમેરિકાને હવાલે કરવાના થાઇલૅન્ડની અદાલતના નિર્ણયને અન્યાયી તથા રાજકીય રીતે પ્રેરિત ગણાવીને બાઉટને રશિયા સલામત પરત લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

2005ની ફિલ્મ ‘ધ વૉરલૉર્ડ’ આંશિક રીતે બાઉટના જીવન પર આધારિત હતી, જેમાં ફિલ્મનો પ્રતિનાયક ન્યાયથી બચી જાય છે.

બાસ્કેટ બૉલ ખેલાડી ગ્રિનરની મુક્તિના બદલામાં આખરે બૂટ મુક્તિ પામ્યા છે, જે હૉલીવૂડની કલ્પનાથી વિપરીત છે.