પથ્થર મારીને હત્યા કરતો રાજકોટનો એ 'સ્ટોનમૅન' જેને પકડવા પોલીસને સમલૈંગિકનો સ્વાંગ રચવો પડ્યો

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મે અને જૂન-2016 દરમિયાન ધબકતી નાઇટલાઇફ માટે વિખ્યાત રંગીલા રાજકોટનો ધબકાર ધીમો પડી ગયો હતો. લોકો ઘરે વહેલા પરત ફરી જતા, સૂમસામ અને નિર્જન રસ્તે જવાનું ટાળતા, શક્ય હોય તો એક કરતાં વધુ લોકો જ રાત્રે સાથે નીકળતા.

કારણ હતું સ્ટોનમૅન કિલરનો ભય. આ અરસામાં ત્રણ વ્યક્તિના માથા પર પથ્થર મારીને તેમની હત્યા નિપજાવી દેવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ ગઈ હતી.

પોલીસ હત્યારાને શોધી રહી હતી અને તેને સ્કૅચ બહાર પાડી દેવામાં આવ્યો હતો, છતાં એવી જ પૅટર્નથી વધુ એક વ્યક્તિની હત્યા થઈ, પરંતુ તપાસમાં અલગ જ વાત બહાર આવી હતી.

રાજકોટ જિલ્લાની પોલીસને દિવસરાત એક કરવા છતાં કોઈ નક્કર પુરાવા મળતા ન હતા. છેવટે, સ્ટૉનમૅન દ્વારા હત્યાના એક કેસમાં જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવેલી જુબાની અને સગડના આધારે પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સફળતા મળી.

એટલું જ નહીં, આ નાગરિકની જુબાની, સરકારી પક્ષની દલીલો અને સજ્જડ સાંયોગિક પુરાવાના કારણે રાજકોટની અદાલતે ગુનેગારને આજીવન કેદ અને રૂપિયા એક લાખના દંડની સજા ફટકારી છે. આ સિવાય એજ કેસમાં અન્ય ગુના માટે અલગ-અલગ સજાઓ ફટકારવામાં આવી છે.

દોષિત હિતેશ રામાવત ઉર્ફે બાડો પાસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો તથા ત્યાંથી રાહત ન મળે તો રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયાઅરજી કરવાનો વિકલ્પ રહે છે.

રાજકોટના રંગમાં ભંગ

20 એપ્રિલ 2016ના રોજ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં સાગર મેવાડા નામના ચાવાળાની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં મંથરગતિએ તપાસ ચાલી રહી હતી.

એક મહિના પછી 23મી મે 2016ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસને એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં મળી આવી, જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમના માથા ઉપર પથ્થરના ઘા મારવામાં આવ્યા હતા.

વ્યવસાયે ઑટોચાલક પ્રવીણ બારડ (ઉંમર વર્ષ 58) બે-ત્રણ દિવસે ઘરે આવતા, એટલે પહેલાં તો પરિવારજનોએ આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. પરંતુ એ પછી ઘાયલ વ્યક્તિ અંગે તપાસ તથા મીડિયા રિપોર્ટ્સને કારણે તેમની ઓળખ છતી થઈ હતી.

પ્રવીણ બારડ પોલીસને કોઈ માહિતી આપી શકે તે પહેલાં તેમનું મૃત્યુ થયું. રાજકોટમાંથી પ્રકાશિત થતાં દૈનિકો ઉપરાંત સાંધ્યદૈનિકોએ આ ઘટના ઉપર વ્યાપક રિપોર્ટિંગ કર્યું હતું અને ભક્તિનગરમાં થયેલી હત્યાના કેસ સાથે જોડીને પોલીસની તપાસ ઉપર સવાલ થઈ રહ્યા હતા.

રાજકોટમાં છેલ્લા લગભગ બે દાયકાથી પ્રેસ ફોટોગ્રાફર તરીકે કામ કરતા બિપીનભાઈ ટંકારિયાએ ઘટનાને યાદ કરતા કહે છે, "એ હત્યાઓને કારણે રાજકોટમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાત્રે લોકો બહાર નીકળવાનું તથા સવારે મૉર્નિંગ વૉક ટાળતા હતા. દરેકને અચાનક જ પોતાની સલામતીની ચિંતા થવા લાગી હતી. રાજકોટ જેવા શહેરમાં આ બાબત આ જ્વલ્લે જ જોવા મળતી ઘટના હતી."

જૂન-2016 મહિનાની શરૂઆતમાં પાલ-મુંજકા રોડ ઉપર 60 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી હતી, જે આગળ જતાં હત્યારાને આજીવન કેદ સુધી દોરી જવાનો હતો.

એ ઘટનાના લગભગ પંદરેક દિવસ બાદ બાઇકસવાર પાસે એક શખ્સે લિફ્ટ માગી હતી. તેને બહાનું કરીને નિર્જનજગ્યાએ લઈ જવામાં આવી હતી. અહીં તેની ઉપર માથામાં પથ્થર મારીને હત્યાનો પ્રયાસ થયો હતો એટલે પોલીસ દ્વારા 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.

ત્રણ હત્યા અને એક હત્યાના પ્રયાસને કારણે પોલીસની ઉપર દબાણ વધી રહ્યું હતું અને તેમની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા હતા. પોલીસ માટે આ પડકારજનક કેસ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો હતો.

GAYના ગૅટ-અપમાં પોલીસમૅન

સોસાયટીઓના રહીશો દ્વારા સ્વયંભૂ સુરક્ષા ગોઠવવામાં આવી હતી અને વારાફરતી રાત જાગીને ચોકી કરતા હતા. પોલીસ દ્વારા પણ રાત્રિનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.

લાંબા સમય સુધી તપાસ ચલાવવા છતાં પોલીસને આ કેસમાં અપેક્ષિત સફળતા નહોતી મળી રહી, પરંતુ આ ગુનાઓને અંજામ આપનાર શખ્સ સમલૈંગિક પ્રવૃત્તિમાં લિપ્ત હોવાની પોલીસના પ્રથમદર્શીય પુરાવા મળ્યા હતા, એટલે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.

ગુનેગાર સુધી પહોંચવા માટે કેટલાક પોલીસમૅને સમલૈંગિકનો સ્વાંગ સજ્યો હતો. કપડાં તથા વાત-વર્તન દ્વારા આ વાત છતી થાય એ રીતે તેમણે સમલૈંગિકોમાં પ્રચલિત સાર્વજનિક સ્થળો, મૂત્રાલયો અને છૂટાછવાયા સ્થળોએ રાઉન્ડ મારવાનું શરૂ કર્યું હતું.

એમાં કેટલીક વખત પોલીસમૅનને પણ સમલૈંગિકસંબંધ માટે પ્રસ્તાવ મળ્યા હતા. આ સિવાય મુસાફર, શાકભાજીવાળા, દરવેશ જેવા વેશ પણ લીધા હતા અને બસસ્ટેશન, રેલવેસ્ટેશન, બગીચા, જેવા સ્થળોએ સંદિગ્ધની શોધ હાથ ધરી હતી.

છૂટા છવાયા ઊંઘી જતા શ્રમિકો, ભિક્ષુકો અને બેઘરો પણ નજીક-નજીકમાં રાતવાસો કરવા લાગ્યા હતા અને પોતાની પાસે લાકડી, પથ્થર અને બોથડ પદાર્થ જેવા હથિયાર રાખતા હતા. તેઓ પણ વારાફરતી ઊંઘતા, જેથી કોઈ સતત જાગતું હોય.

ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા દોઢસોથી વધુ શખ્સોને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. છતાં કોઈ કડી મળતી ન હતી. પ્રાદેશિક તથા રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલોએ 'સિરીયલ કિલર' ઉપર સનસનાટી ભર્યા વિશેષ ઍપિસોડો પ્રસારિત કર્યા હતા.

આગળ જતાં આ કેસ ઉપર 'ક્રાઇમ પેટ્રોલ'નો કાર્યક્રમ પણ બનવાનો હતો. અગાઉ સિરીયલ કિલર ઓટો શંકર, રામન રાઘવ, દેવેન્દ્ર શર્મા, રાજા કોલાંદર, ચંદ્રકાંત ઝા, સુરેન્દ્ર કોલી જેવા ગુનેગારો ઉપર પ્રાદેશિક અને હિંદી ફિલ્મો તથા વેબસિરીઝ બની ચૂકી છે.

'મેં કેસર બોલ રહા હું...'

મિથુન ચક્રવર્તી દ્વારા અભિનિત ફિલ્મ 'રાવણરાજ'માં વ્યવસાયે ઓટોચાલક કેસરિયા સિરીયલ કિલર હોય છે. આ પાત્ર શક્તિ કપૂરે ભજવ્યું હતું. તેની યાદ રાજકોટનો હત્યારો અપાવનાર હતો.

બીજી જૂન, 2016ના રોજ 60 વર્ષીય વૃદ્ધ વલ્લભ રંગાણી મૉર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. તેઓ ઘરે પરત ફર્યા ન હતા, એ પહેલાં તેમના ઘરે ફોન આવ્યો હતો, "હું કેસરી બોલું છું અને તમારા પપ્પાને ટપકા દિયા હૈ."

વલ્લભભાઈના ફોનમાંથી પરિવારના નંબર ઉપર એક પછી એક એમ ત્રણ ફોન આવ્યા હતા, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને પુત્ર, પાડોશી તથા સગાવ્હાલાં દ્વારા વલ્લભભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે પાલ-મુંજકા રોડ ઉપર અશોક ગાર્ડન પાસેના મેદાનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પુત્ર વલ્લભભાઈનો મૃતદેહ હોવાનું ઓળખી બતાવ્યું હતું. મૃતકનો મોબાઈલ અને લગભગ 11 હજાર 500ની અન્ય મત્તાની લૂંટ ચલાવવામાં આવી હતી.

મીડિયાના અહેવાલ વાંચીને કિશોરભાઈ મૂછડિયા નામના નાગરિકે એક યુવક સાથે મૃતકને જતાં જોયા હોવાનું વિવરણ આપ્યું હતું. કિશોરભાઈનું કહેવું હતું કે તેઓ મૉર્નિંગ વૉક માટે નીકળ્યા હતા, ત્યારે યુવક ટુ-વ્હીલર ઉપર વૃદ્ધને લઈ જતો હતો. તેમના કપડાંનું વિવરણ અને શરીરના કદકાઠીના વિવરણ મેળ ખાતા હતા.

વધુમાં તેમણે સીઆરપીસી (ક્રિમિનલ પ્રૉસિજર કોડ)ની કલમ 164 હેઠળ નિવેદન પણ નોંધાવ્યું હતું. બંને કઈ દિશા તરફથી આવી રહ્યા હતા અને કઈ દિશા તરફ ગયા હતા, જેવી વિગતો આપી. પોલીસે રસ્તામાં આવતા વ્યવસાયિક સ્થળો અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે લઈને તપાસવાનું શરૂ કર્યું.

એક સીસીટીવી ફૂટેજમાં મૃતક તથા આરોપી એકસાથે જોવા મળ્યા હતા. હવે, પોલીસ પાસે એક 'ચહેરો' હતો. આ કેસની તપાસ ચાલુ હતી કે એક બાઇકસવાર પાસે લિફ્ટ માગીને તેની હત્યાનો પ્રયાસ થયો હતો. પરંતુ ભોગ બનનારે બૂમાબૂમ કરીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે હત્યાનો પ્રયાસ કરનાર ગભરાઈ ગયો હતો અને તે પણ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

હત્યાના પ્રયાસમાં બચી ગયેલા શખ્સ અને કિશોરભાઈ મૂછડિયાએ આપેલા વિવરણના આધારે તૈયાર થયેલા સ્કૅચમાં ઘણી સમાનતા હતી. આ સ્કૅચને મીડિયા મારફરત પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્કમાં પણ એ ફોટોગ્રાફ ફૉરવર્ડ કર્યો હતો અને સંદિગ્ધની ચાલવાની ઢબ, ઊંચાઈ-ઉંમર વગેરે જેવી બાબતોથી વાકેફ કર્યા હતા. જે કોઈ વ્યક્તિને માહિતી મળે તેમને રૂપિયા બે લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

છતાં હત્યા થઈ પણ...

ખબરીઓના નેટવર્ક મારફત પોલીસને માહિતી મળી હતી કે હિતેશ રામાવત ઉર્ફ હિતેશ બાવાજી ઉર્ફ બાડો નામનો શખ્સ 'સબ્જેક્ટ ઑફ ઇન્ટરેસ્ટ' છે. આથી, પોલીસે તેનું પગેરું દાબવાનું શરૂ કર્યું હતું.

લગભગ 28 વર્ષનો આ શખ્સ રાજકોટમાં રીક્ષાચાલક તરીકે કામ કરતો અને તે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો હતો, તે બંને શહેરોની વચ્ચે 90 કિલોમીટરનું અંતર કાપતો હતો.

પોલીસ ત્યાં જઈને રેડ પાડવાની તૈયારી કરી રહી હતી ત્યાં વેરાવળ-શાપરમાં બસસ્ટેશન ઉપર પથ્થર મારીને એક યુવકની હત્યા થઈ ગઈ. શાપર-વેરાવળ રાજકોટનો ઔદ્યોગિક વિસ્તાર છે. જ્યાં ગુજરાત જ નહીં દેશભરમાંથી હજારો યુવક 'બ્લુ કૉલર જોબ' કરવા આવે છે.

આ ઘટનાને કારણે શ્રમિકવર્ગ વિશેષ કરીને પરપ્રાંતીયોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તેમને સાંત્વના આપવાનો તથા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પડકાર પોલીસ સમક્ષ હતો.

જોકે, ગણતરીની કલાકોમાં સ્પષ્ટતા થઈ ગઈ હતી કે પ્લૅટફૉર્મ ઉપર ઊંઘવાની બાબતમાં અંગત અદાવતસર આ હત્યા થઈ હતી. પોલીસ તપાસ પહેલાં મીડિયાએ હત્યાને 'સિરીયલ કિલરના કારનામા' તરીકે જાહેર કરી દીધી હતી.

પોલીસવિભાગના મનોવૈજ્ઞાનિક પરામર્શકોનું માનવું હતું કે કોઈ બીજાએ પોતાના કામોની 'ક્રૅડિટ' લેવાનો પ્રયાસ કર્યો છે, એટલે પોતાની હાજરી પુરાવા માટે તે વધુ એક હત્યાને અંજામ આપી શકે છે. હિતેશ વધુ એક હત્યાને અંજામ આપે તે પહેલાં તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને તેમાં સફળતા પણ મળી હતી.

કોટડીમાં કેદ કિલર

હિતેશ જામનગરના10X10ની ભાડાની ઓરડીમાં રહેતો હતો, જ્યાંથી બેટરી વગરનો મોબાઇલ, બે સીમકાર્ડ, જેતે વખતે પહેરેલા કપડાં મળી આવ્યાં હતાં.

આ સિવાય તેના ઘરમાંથી અસામાન્ય કદ અને આકારના પથ્થર મળી આવ્યા હતા, જેની મદદથી તે કેવી રીતે હત્યા કરવી તેની પ્રૅક્ટિસ કરતો હતો.

જ્યારે રામાવતની ધરપકડ થઈ, ત્યારે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મીડિયા સમક્ષ તેની જાહેરાત કરતા કહ્યું હતું, "આ બહુ મોટું અભિયાન હતું, જેમાં અલગ-અલગ વિભાગના એક હજાર 280 પોલીસમૅનને કામે લગાડવામાં આવ્યા હતા. પ્રથમ બે મૃતકના શરીરમાંથી વીર્ય મળી આવ્યું હતું, જેના આધારે હત્યા પહેલાં તેમની સાથે સમલૈંગિક સંબંધ બાંધ્યા હોવાનું છત્તું થયું હતું."

"બારેક વર્ષ પહેલાં અજાણ્યા શખ્સે હિતેશનું જાતીયશોષણ કર્યું હતું અને તેને પૈસા આપ્યા હતા. એ પછી પૈસા કમાવવાના હેતુથી હિતેશ સમલૈંગિકસંબંધ બાંધવા લાગ્યો હતો. આ રીતે પૂરતા પૈસા ન મળતા, તેણે ટાર્ગેટને લૂંટી અને તેમની હત્યા કરવાનું શરૂ કર્યું હતું."

'મૅન્સ રિયા' (ગુનો આચરતી વખતે અપરાધીની મનોસ્થિતિ) વિશે પૂછતા ગેહલોતે તેની મનોસ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીને પકડી લીધો હતો, પરંતુ હવે તેને સજા મળે તે માટે જરૂરી પુરાવા એકઠા કરવાની કામગીરી તેને કરવાની હતી.

પ્રેસ ફોટોગ્રાફર ટંકારિયાના કહેવા પ્રમાણે, "હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે હિતેશને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો ત્યારે અસામાન્ય પોલીસસુરક્ષા ગોઠવવામાં આવી હતી. પોલીસ તેની હિંસક મનોસ્થિતિ વિશે સંશયિત હતી."

સામાન્ય રીતે આવી ઘટનાઓના રિહર્સલ સમયે મીડિયા અને પ્રેસ ફોટોગ્રાફરને જે અંતરે રાખવામાં આવે છે, તેના કરતાં વધુ અંતરે રાખવામાં આવ્યા હતા અને બંનેની દિશાઓ પણ અલગ-અલગ હતી. એક પોલીસમૅને મૃતકના ડમી તરીકે ભૂમિકા ભજવી હતી, જ્યારે હિતેશને હાથકડી સાથે ચાંપતી સુરક્ષા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે થાય છે તેમ સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રિકોર્ડિંગ કરવામાં આવ્યું હતું."

જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિતેશની હિંસક મનોવૃત્તિને જોતાં તેને બૅરેકમાં નહીં, પરંતુ અલગ કોટડીમાં રાખવામાં આવે છે. 'રિકવરી અને ડિસ્કવરી' દરમિયાન હત્યા અને હિતેશને જોડતા અનેક પુરાવા પોલીસને મળ્યા હતા.

હિતેષને પાંજરે પુરાવનાર પુરાવા

એપ્રિલ તથા મે મહિનામાં થયેલી બે હત્યાના કેસમાં હિતેશનો નિર્દોષ છૂટકારો થયો હતો. અદાલતે તેને શંકાનો લાભ આપ્યો હતો. કથિત રીતે આ ચુકાદા પછી હિતેશે કહ્યું હતું કે, 'ચાલો ત્યારે નીકળું હવે.'

જોકે, જૂન-2016ના પહેલા અઠવાડિયામાં બનેલો વલ્લભ રંગાણી હત્યા કેસ તેને સજા સુધી દોરી ગયો હતો. સરકાર વતી હિતેશની સામે કેસ લડનારાં બિનલ રવેશિયાનાં કહેવા પ્રમાણે, "હત્યારાના કપડાં પર લોહીના ડાઘ મળી આવ્યા હતા, જે ફોરેન્સિક તપાસમાં પ્રસ્થાપિત થયું હતું. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના અલગ-અલગ ચુકાદામાં 'છેલ્લે સાથે જોવા મળ્યા હોય' તેને હત્યા સાથે જોડવાના પુરાવા તરીકે સ્વીકાર્યા છે."

"કિશોર મૂછડિયા નામના સાહેદનું 164 હેઠળ (સીઆરપીસી) આપવામાં આવેલું નિવેદન મહત્ત્વપૂર્ણ બન્યું હતું. કિશોરભાઈ દ્વારા ઓળખપરેડ દરમિયાન ડમીઓની વચ્ચેથી પણ હિતેશને ઓળખી કાઢવામાં આવ્યો હતો."

"આ સિવાય મૃતકના ફોનમાંથી બૅન્કને કૉલ કરવામાં આવ્યો હતો, પોલીસે તેનું રેકોર્ડિંગ મેળવીને સજા પામનારના અવાજ સાથે સરખાવ્યો હતો. ફોરેન્સિક તપાસમાં બંને અવાજ એક હોવાનું બહાર આવ્યું હતું. જે ટુ-વ્હીલર પર મૃતક અને હિતેશ સાથે જોવા મળ્યા હતા, તેને પોલીસે જપ્ત કરી લીધું હતું. આ સિવાય ટુ-વ્હીલરની ચાવી પણ તેની પાસેથી મળી આવી હતી. જે બંનેની વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરતી હતી."

હિતેશ રામાવત તરફથી કોઈ વકીલ રાખવાની આર્થિકસ્થિતિ ન હોવાને કારણે તથા ઇચ્છા ન હોવાને કારણે લિગલ ઍઇડ દ્વારા સરકારી વકીલ આપવામાં આવ્યા હતા. આ સિવાય રાજકોટના વકીલોમાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ હતો એટલે તેનો કેસ હાથમાં લેવા પણ તૈયાર ન હતા.

લિગલ ઍઇડના વકીલ દ્વારા દલીલ આપવામાં આવી હતી કે તેમના અસીલ તથા હત્યાને જોડતાં કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી અને તેમને જોડતા માત્ર સાંયોગિક પુરાવા છે. અસીલ અને હત્યાને જોડતા કોઈ નિષ્પક્ષ પ્રત્યક્ષદર્શી પણ નથી. જોકે, આ દલીલોને અદાલતે ગ્રાહ્ય રાખી ન હતી.

31 જુબાની અને 66 પુરાવાને ચકાસીને રાજકોટના ઍડિશનલ સેશન્સ જજ બીડી પટેલે 73 પન્નાનો ચુકાદો આપ્યો હતો. હિતેશ રામાવતને વલ્લભ રંગાણી હત્યા કેસમાં આજીવન કેદ અને રૂ. એક લાખના દંડની સજા ફટકારી હતી. દંડની રકમ મૃતકના પરિવારને ચૂકવવાની રહેશે. જો દંડની રકમ ન ભરે તો તેણે વધુ એક વર્ષની જેલની સજા ભોગવવાની રહેશે.

આ સિવાય લૂંટના ગુના બદલ 10 વર્ષની જેલની કેદ તથા રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા ભોગવવાની રહેશે. આ સિવાય પથ્થર કે હથિયાર નહીં રાખવાના રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ચાર મહિનાની જેલ અને રૂ. એક હજારના દંડની સજા કરવામાં આવી છે. આ દંડની રકમ ન ભરે તો તેને વધુ 10 દિવસની જેલની સજા ભોગવવાની રહેશે.

ઉપરોક્ત તમામ સજા તેને એકસાથે ભોગવવાની રહેશે અને કાચા કામના કેદી તરીકે ભોગવેલી સજા તેને મજરે મળશે.