ગાંધીનગર : પુત્રને US મોકલવા પ્રેમીએ પ્રેમિકા સાથે મળી એના પતિની હત્યા કેવી રીતે કરી?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • 23 જૂને ગાંધીનગરમાં એક આધેડની હત્યા થઈ હતી
  • પત્નીએ સ્વબચાવમાં હત્યા કરી હોવાનું જણાવ્યું હતું
  • પતિના મજબૂત શારિરીક બાંધાના કારણે પોલીસને શંકા
  • હત્યાના દિવસે પત્નીનો પ્રેમી અને તેની પત્ની આસપાસમાં હતા
  • પુત્રને વિદેશ મોકલવાનો હોવાથી પ્રેમીએ હત્યામાં સાથ આપ્યો

"ઘનશ્યામ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. તેણે નશામાં અમારી 15 વર્ષની પુત્રી સામે શારિરીક સંબંધ બાંધવા કહ્યું હતું. મેં ના પાડી તો તેણે દીકરી પર નજર બગાડી. દીકરીએ પોતાના બચાવમાં પેપર કટર માર્યું. લોહી નીકળવા લાગ્યું અને મેં માથામાં લોખંડની પાઇપ મારી એટલામાં તે ઢળીને પડી ગયો."

પતિના મૃતદેહ પાસે લોહીથી લથપથ હાલતમાં બેસેલી પત્નીના આ શબ્દો હતા.

23 જૂને ગાંધીનગરના પેથાપુર પોલીસસ્ટેશનમાં ફોન આવ્યો કે કોલવડા ભાગોળે રહેતા ઘનશ્યામ પટેલની તેમના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે.

ગાંધીનગર ડીએસપી એમ. કે. રાણાના જણાવ્યા મુજબ, જેવી પોલીસ ઘરે પહોંચી તેવી મૃતકનાં પત્ની ઋષિતાએ રડતાં-રડતાં કબૂલ્યું હતું કે સ્વબચાવમાં તેમનાથી આ હત્યા થઈ ગઈ છે.

તેઓ આગળ કહે છે, "પહેલી નજરે તેમનાં પત્નીની વાત સાચી લાગે એમ હતી પણ મૃતદેહ જોતા જ શંકા ગઈ કે આ હત્યામાં અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે છે."

તેઓ આગળ કહે છે, "મૃતક શારીરિક રીતે મજબૂત હતા અને તેમના ભાઈએ ભૂતકાળમાં મર્ડર કર્યા હોવાથી તેમની ધાક પણ હતી. જેથી પત્ની અને સગીર પુત્રી દ્વારા હત્યા કરાઈ હોવાની વાત ગળે ઊતરે તેમ ન હતી. આ શંકાના આધારે અમે તપાસ શરૂ કરી અને એક પછી એક કડી મળતી ગઈ અને અંતે ભેદ ઉકેલાઈ પણ ગયો."

ડીએસપી રાણાના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં માત્ર પત્ની જ નહીં પત્નીના પ્રેમી અને પ્રેમીની પત્ની પણ સામેલ હતી. આ તમામની ધરપકડ કરી દેવામાં આવી છે.

પત્ની પરત આવ્યાનાં એક અઠવાડિયામાં હત્યા

મૃતકના ભાઈ જગદીશ પટેલ કહે છે, "અમે ત્રણ ભાઈઓ છીએ અને કોલવડામાં વડીલોપાર્જિત જમીન છે. અમારા સૌથી મોટા ભાઈ જશવંતભાઈએ અંગત અદાવતમાં મર્ડર કર્યું હતું. એ બાદથી તેમની ઘણી ધાક હતી પરંતુ તેમનું પણ 12 વર્ષ પહેલાં મર્ડર થઈ ગયું હતું."

તેઓ આગળ કહે છે, "તેમના મર્ડર પહેલાં મારાથી મોટા ભાઈ ઘનશ્યામને સૅક્ટર-16માં રહેતી ઋષિતા સાથે પ્રેમ થઈ ગયો હતો. એ અગાઉ પણ કોઈકની સાથે ભાગીને જ ગાંધીનગર આવી હતી. ત્યાર બાદ ઘનશ્યામ સાથે પ્રેમ થતાં બંનેએ લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને એક પુત્રી છે."

"શરૂઆતમાં બંનેનું લગ્નજીવન સારું એવું ચાલ્યું પણ ઋષિતા બહાર ફરવાની અને બીજા પુરુષોને મળવાની આદત ઘનશ્યામભાઈને પસંદ ન હતી. ઘનશ્યામભાઈએ પણ તેણીને ઘણી વખત બીજા પુરુષો સાથે ફરતા પકડી હતી એટલે બંને વચ્ચે ઝઘડા થતાં રહેતા હતા. "

"બે વર્ષ પહેલાં ઋષિતાભાભી ઘનશ્યામભાઈ પર નશો કરીને મારઝૂડ કરવાનો આરોપ લગાવીને ઘરેથી ચાલી ગઈ હતી અને અમદાવાદમાં ઘર ભાડે રાખીને રહેતી હતી."

આ કેસના તપાસઅધિકારી પીએસઆઈ એમ. એચ. રાણાએ કહ્યું કે એક અજૂગતી બાબત એ હતી કે ઘનશ્યામ છેલ્લા ઘણા મહિનાઓથી અવારનવાર નશો બંધ કરવાનો વાયદો કરીને ઋષિતાને પરત આવવાનું કહેતા હતા. પણ જેવાં જ ઋષિતા પરત ફર્યાં કે એક જ અઠવાડિયામાં ઘનશ્યામની હત્યા થઈ ગઈ.

તેઓ આગળ કહે છે, "અમે ઋષિતાની કોલ ડિટેઇલ્સ તપાસી તો બે વર્ષમાં તેણીએ ઘણા લોકો સાથે વાત કરી હોવાનું સામે આવ્યું પણ એક નંબર એવો હતો જેની સાથે વારંવાર લાંબા સમય સુધી વાત થતી હતી."

આ નંબર મોટેરામાં એક સમયે દૂધની ડેરી ચલાવનાર અને હાલમાં ટૅક્સી ચલાવનારા સંજય પટેલનો હોવાનું સામે આવ્યું હતું.

એક અધૂરી પ્રેમકહાણી

સંજય પટેલ મોટેરાસ્થિત મુખીનગરના રહેવાસી છે. ત્યાં જઈને તપાસ કરતાં સંજય પટેલના જુના મિત્ર યોગેશ પટેલ સાથે બીબીસી ગુજરાતીની વાત થઈ.

યોગેશના કહેવા પ્રમાણે, રિશીતા અને સંજય બાળપણનાં મિત્રો હતાં.

સંજય સાથે તેની આંખ પણ મળી હતી. જોકે, પારિવારિક સંબંધોના કારણે તેમનો પ્રેમ વધુ પાંગરી શક્યો નહીં.

ઋષિતાના પિતાએ સંજય સાથે મળવાનું બંધ કરાવ્યા બાદ તેઓ ગોલ્ડી નામના છોકરા સાથે ભાગીને ગાંધીનગર ગયાં અને ત્યાર બાદ ઘનશ્યામ સાથે લગ્ન કર્યાં.

તેઓ આગળ કહે છે, "આશરે બે વર્ષ પહેલાં તે પોતાની પુત્રીને લઈને મોટેરા આવી હતી. ત્યારે બંને વચ્ચેનો પ્રેમ પાછો પાંગર્યો હતો. સંજયે તેણીને મોટેરામાં ભાડે ઘર લઈ આપતાં લોકોમાં બંનેના સંબંધોની વાતો થવા લાગી. સંજય ખુદ પરણેલો હોવાથી બાદમાં તેણે અમદાવાદમાં ઋષિતાને ભાડેથી ઘર લઈ આપ્યું અને ત્યાં તેણીને અવારનવાર મળવા જતો હતો."

પીએસઆઈ રાણા જણાવે છે, "અમને પણ આ બંને વચ્ચેના અનૈતિક સંબંધોની જાણ થઈ હતી. જેથી અમે સંજય અને તેની પત્ની સોનલ પર નજર રાખવાનું શરૂ કર્યું. બંને ઘણા આરામથી જાણે કંઈ બન્યું જ ન હોય તેમ રહેતાં હતાં, પણ અમારી પાસે બંનેના નંબર હતા."

તેમણે આગળ કહ્યું, "અમે ફોનનું લોકેશન ચૅક કર્યું તો બંનેનો ફોન હત્યાના દિવસે સ્થળની આસપાસ જ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ અમે મોટેરાથી કોલવડા જવાના રસ્તે તમામ સીસીટીવી કૅમેરા ચૅક કર્યા તો હત્યાના દિવસે બંનેના ફૂટેજ મળી આવ્યા હતા."

"પૂરતા પુરાવા એકઠાં થયા બાદ અમે બંનેની અટકાયત કરી અને બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરતાં તેઓ હત્યામાં સામેલ હોવાનું સ્વીકાર્યું હતું."

હત્યાનો પ્લાન અને અમલીકરણ

"મને છેલ્લી ઘડીએ ખબર પડી કે તે હત્યા કરવા જાય છે. મેં રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેણે કહ્યું કે જો આપણા દીકરાને વિદેશ મોકલવો હોય તો આ કરવું જ પડશે. મારા દીકરાના સારા ભવિષ્ય માટે મેં આ હત્યામાં મદદ કરી."

સંજયની પત્ની સોનલ પટેલે પોલીસ સમક્ષ આ કબૂલાત કરી હતી.

પીએસઆઈ રાણા જણાવે છે કે હત્યાનો આ સમગ્ર કારસો પૈસા માટે ઘડવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કોલવડા વિસ્તારમાં જમીનના ભાવ વધી ગયા હતા. ઘનશ્યામ પાસે જે જમીન હતી તેની કિંમત ત્રણ કરોડ રૂપિયા હતી.

તેમણે કહ્યું, "ઋષિતા પાછી ઘનશ્યામ પાસે ગઈ તે પહેલાં જ સંજય સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. બંને વચ્ચે સમજૂતી થઈ હતી કે આ જમીન વેચ્યા બાદ સંજયના પુત્રને વિદેશ મોકલવા માટે ઋષિતા પૈસા આપશે."

"પ્લાન મુજબ ઋષિતા સમાધાન કરીને ઘનશ્યામ પાસે ગઈ. ઘનશ્યામને રાત્રે ઊંઘ આવે તે માટે ઊંઘની ગોળીઓ આપતી હતી. નક્કી થયા મુજબ હત્યાના દિવસે સંજય એકલો કોલવડા જવા નીકળ્યો. ત્યારે તેની પત્નીએ પણ સાથે આવવા જીદ કરી."

પીએસઆઈ રાણા આગળ કહે છે, "સંજયની પત્નીએ હત્યા ન કરવા દબાણ પણ કર્યું હતું, જેની સામે સંજયે જણાવ્યું કે જો તેમના એકના એક પુત્રને વિદેશ મોકલવો હોય તો આ હત્યા કરવી જ પડશે."

ત્યાર બાદ ત્રણેયે ભેગા થઈને ઘનશ્યામની હત્યા કરી નાંખી હતી.

શા માટે વાલીઓમાં હોય છે બાળકોને વિદેશ મોકલવાની ઘેલછા?

નિવૃત્ત સમાજશાસ્ત્રી ડૉ. વિમલ શાસ્ત્રી કહે છે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી વધારે લોકોના વિદેશ જવા પર સંશોધન કર્યું તો સામે આવ્યું કે તેની પાછળ લોકોનું સોશિયોઇકોનોમિક સ્ટેટસ જવાબદાર છે.

વિજિલન્સ અને ક્રાઇમ-બ્રાન્ચમાં કામ કરી ચૂકેલા પૂર્વ એસીપી દીપક વ્યાસ કહે છે, "ઉત્તર ગુજરાત અને ખેડા જિલ્લામાં પહેલાંથી વિદેશ જવાનો ક્રેઝ છે. દાયકાઓથી કાયદેસર અને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા માટે એજન્ટો વિવિધ રીતે 50થી 60 લાખ રૂપિયા લેતા હોય છે અને લોકો ખર્ચતા પણ હોય છે."

ઉત્તર ગુજરાતના ઘણા તાલુકા એવા છે કે જ્યાંથી ઓછું ભણેલા લોકો પાંચ વર્ષ વિદેશમાં રહીને સારું એવું કમાઈને પાછા આવે છે. અહીં રહે તો ખેતી કે ધંધાના લીધે તેમનાં લગ્ન થતાં નથી, વિદેશ જઇને આવ્યા હોય તો ઝડપી લગ્ન થઈ જાય છે. જેના કારણે તેઓ બાળકોને વિદેશ મોકલવા માગતા હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો