You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જર્મનીમાં 'સમગ્ર સરકારને ઉથલાવવાનું કાવતરું પકડાયું', 25 આરોપીઓની ધરપકડ
- લેેખક, પૉલ કિર્બી
- પદ, બીબીસી ન્યૂઝ
બીબીસી ન્યૂઝના પૉલ કિર્બીના અહેવાલ અનુસાર, જર્મનીમાં સરકારને ઉથલાવી પાડવાનું કાવતરું ઘડવાની શંકાના આધારે દેશભરમાંથી દરોડામાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જર્મન અહેવાલો કહે છે કે જમણેરી અને ભૂતપૂર્વ આર્મી અધિકારીઓના જૂથે સંસદભવન રીકસ્ટાગ પર હુમલો કરવાની અને સત્તા કબજે કરવાની યોજના બનાવી હતી.
પ્રિન્સ નામે ઓળખાતા 71 વર્ષીય હેનરિક આઠમા નામના જર્મન નાગરિક આ યોજનાઓના સૂત્રધાર ગણાવાઈ રહ્યા છે.
ફેડરલ પ્રૉસિક્યુટર્સ અનુસાર, પ્રિન્સ જર્મનીનાં 11 રાજ્યોમાં દરોડા પાડીને ધરપકડ કરાયેલા બે કથિત સૂત્રધારો પૈકીના એક છે.
કાવતરાખોરોમાં ઉગ્રવાદી રીક્સબર્ગર મૂવમૅન્ટના સભ્યો સામેલ હોવાનું માનવામાં આવે છે જેઓ લાંબા સમયથી હિંસક હુમલાઓ અને જાતિવાદી કાવતરાનાં સિદ્ધાંતોને લઈને જર્મન પોલીસની નજરમાં છે. તેઓ આધુનિક જર્મનીને દેશ તરીકે ઓળખવાનો પણ ઇનકાર કરે છે.
અંદાજે 50 પુરૂષો અને મહિલાઓ આ જૂથનો ભાગ હોવાનો આરોપ છે અને તેમણે સરકારને ઉથલાવી દેવાનું કાવતરું ઘડ્યું હોવાનું કહેવાય છે અને કહેવાય છે કે તેમનો મનસૂબો 1871ના જર્મની પર આધારિત એક નવો દેશ - સેકન્ડ રીક નામની સામ્રાજ્યવાદી સરકાર બનાવવાનો હતો.
ફેડરલ પ્રોસિક્યુટર ઑફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમારી પાસે હજુ સુધી આ જૂથનું નામ નથી આવ્યું."
ઑસ્ટ્રિયા અને ઇટાલીમાંથી પણ બે પકડાયા
જર્મનીની ડીપીએ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, દેશના મોટા ભાગના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ઑસ્ટ્રિયા અને ઇટાલીમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેઓની અટકાયત કરવામાં આવી હતી તેમની પૂછપરછ હાથ ધરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાયદામંત્રી માર્કો બુશમૅને ટ્વીટ કર્યું હતું કે એક મોટું આતંકવાદવિરોધી ઑપરેશન ચાલી રહ્યું છે અને તેમાં શંકાસ્પદ "બંધારણીય સંસ્થાઓ પર સશસ્ત્ર હુમલાનું આયોજન" પકડાયું છે.
ફેડરલ પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે "આ જૂથ નવેમ્બર 2021થી શસસ્ત્ર બળવાનું કાવતરું ઘડી રહ્યું હતું."
અહેવાલો અનુસાર, સૈન્યના ભૂતપૂર્વ સભ્યો પણ બળવાના કાવતરાનો મહત્ત્વનો હિસ્સો હતા. તેમાં વિશેષ એકમોના ભૂતપૂર્વ ચુનંદા સૈનિકોનો સમાવેશ થતો હતો.
ફેડરલ પ્રોસિક્યુટરના કાર્યાલયે જણાવ્યું હતું કે કાવતરાખોરોએ જર્મની પર શાસન કબજો કરવાની આગોતરી યોજનાઓ ઘડી હતી. આ જૂથના સભ્યોની ધારણા હતી કે તેઓ માત્ર "લશ્કરી માધ્યમો અને દેશના રાજનેતાઓ સામેની હિંસા" દ્વારા તેમના ધ્યેયોને સાકાર કરી શકે છે અને તેમાં હત્યાઓ કરવાનું પણ આયોજન હતું.
સરકારી સમાચાર સંસ્થા ઝેડડીએફના અહેવાલ અનુસાર, સંસદના નીચલા ગૃહના ભૂતપૂર્વ કટ્ટર જમણેરી સભ્ય બુન્ડેસ્ટાગ પણ આ કાવતરાનો ભાગ હતા અને જૂથમાં પ્રિન્સ હેનરિચની આગેવાનીમાં કાયદામંત્રી બનવાની આશા સેવતા હતા.